જાત સાથે ડેટિંગનો આનંદ (મુંબઈ સમાચાર)
15:02કાચની બારીમાંથી બહાર વરસતા વરસાદને હાથમાં કોફીનો કપ લઈ કૅફેમાં બેસીને જોવાનો આનંદ એકલા બેસીને માણી શકાય? આવા વિચાર સાથે આસપાસ જોયું દરેક સ્ત્રી કોઈ ને કોઈ સાથે હતી. હા, એકાદ બે પુરુષો પોતાના લેપટોપમાં કામ કરતા નજરે ચડી રહ્યા હતા. મારી જેમ એકલી સ્ત્રી કોઈ નજરે ચઢતી ન હતી. વળી બહાર પસાર થતી દુનિયા પર નજર નાખતા રવીન્દ્રનાથ ટાગોરનું ગીત યાદ આવ્યું. તારી હાક સૂણી કોઈ ન આવે તો એકલો જાને રે.... આવી મોસમમાં વરસાદને જોતાં કોફી પીવી હતી અને કોઈ કંપની ન મળે તો શું જીવ બાળવાનો કે લોકોને ફોન કરીને બોલવવાના પ્રયત્નો કરવામાં સમય ગુમાવવાનો કારણ કે એકલા કૅફેમાં ન જઈ શકાય? એ વિચાર સાથે જ કૅફેમાં જઈને જાત સાથે આનંદ માણ્યો. સાથે જ વિચાર આવ્યો કે પત્રકારત્વનું કામ કરતાં વેળાકવેળાએ બહાર એકલા ફરતાં હોઈએ ને ભૂખ લાગે તો રસ્તા પર ઊભા રહીને તો સહજતાથી ખાઈ લીધું છે, પરંતુ કોઈ સારી હોટલમાં કે કૅફેમાં એકલા બેસીને પોતાની કંપનીનો આનંદ માણતી નારી ભાગ્યે જ આપણે ત્યાં જોવા મળશે.
વિદેશમાં એકલી સ્ત્રી કૅફેમાં બેસીને પુસ્તક વાંચતી હોય કે એમ જ બેઠી હોય તો કોઈ નવાઈથી નહીં જુએ. આપણે ત્યાં આ રીતે એકલા બેસીને ભોજનનો આનંદ માણતી કે કોફી પીતી નારીઓ જોવા નથી મળતી તેમાં સામાજિક માનસિકતાનું કારણ છે. પહેલાં તો એવું હતું કે સ્ત્રી એકલી બહાર નીકળતી જ નહીં. હવે કામ કરવા બહાર નીકળે છે પણ હોટલમાં કે કૅફેમાં એકલી પોતાની કંપનીનો આનંદ માણતી કેટલી સ્ત્રી જોવા મળે? એક કારણ એ પણ છે કે સ્ત્રીઓને સતત કોઈની કંપનીની આદત પડી હોય છે. એકલા પોતાની જાત સાથે રહેવાની ટેવ પાડવામાં જ નથી આવતી, સ્ત્રી એકલા ફરવા જાય કે હોટલમાં લંચ કે ડિનર માટે જાય એવું બનતું નથી. મને યાદ છે શરૂઆતમાં મને પણ ખૂબ અડવું લાગતું. આખો દિવસ બહાર હોઉં અને ખાવું પડે તો મોટેભાગે રસ્તા પર ઊભા રહીને સેન્ડવિચ કે વડાપાઉં કે ઢોસા ખાઈ લેવાના. ક્યારેક કોઈને મળવાનું હોય અને થોડો સમય પસાર કરવાનો હોય કે ઊભા રહેવાની તાકાત ન હોય તો કોઈ રેસ્ટોરન્ટમાં બેસવાની ઈચ્છા થાય ત્યારે પણ આસપાસ કોઈને જોયા વિના ઝટપટ ખાઈને બહાર નીકળી જવાની ઈચ્છા થાય. પછી મને જ એવો વિચાર આવતો કે શું ફરક પડે છે મને કશું ખાવું છે કે પીવું છે અને હું એકલી છું તો?
આવો જ અનુભવ એક બીજી સ્ત્રીને થયો હતો. તેને આપણે શાલિનીના નામે ઓળખીશું. ટેલિવિઝન અને ફિલ્મ માટે તે લખવાનું કામ કરે છે. લગ્ન નથી કર્યા અને ક્યારેક એકલી ફરવા જાય છે. દરેક જગ્યાએ ભારતીય સ્ત્રી તેને પૂછે કે એકલા જ આવ્યા છો? પછી નવાઈ સાથે જોઈ રહે.
સ્ત્રી હોટલમાં એકલી બેઠી હોય તો આસપાસની વ્યક્તિઓ વારંવાર નવાઈથી જોઈ રહે કદાચ એવું પણ વિચારે કે આ સ્ત્રી કોઈની રાહ જોતી હશે. તો વળી કોઈક પૌરુષિય માનસ એવું ય વિચારે કે કેટલી બેશરમ છે એકલી હોટલમાં આવી છે. આ બધા વિચારો લોકોની આંખોમાં વાંચી શકાતા હોય છે. તેમાંય અન્ય સ્ત્રીઓ જે કોઈની કંપનીમાં જ ત્યાં બેઠી હોય તે સૌથી વધારે આંખોમાં પ્રશ્ર્નો સાથે એકલી બેસેલી સ્ત્રીને જોઈ રહે.
આપણે ત્યાં સ્ત્રી એકલી ફિલ્મ જોવા જાય કે હોટલમાં બેસી નાસ્તો કે ભોજન કરે તે વિચાર કે દૃશ્ય સહજ નથી. હા, મુંબઈ જેવા શહેરમાં લોકો જોયું ન જોયું કરે પણ અન્ય નાના શહેરમાં તો કોઈ સ્ત્રી એકલા હોટલમાં બેસવાની કલ્પના પણ કરી નહીં શકે. એકલી સ્ત્રીને જોઈને કેટલાક પુરુષો અવેઈલેબલ એવું ય માની લેતા હોય છે. દરેક સમયે તમારા મૂડ પ્રમાણે કોઈ કંપની તમને મળે જ તે જરૂરી નથી હોતું.
લગ્ન થયાં હોય તો પણ પતિને ફિલ્મ જોવી હોય કે ન જોવી હોય, તેને બહાર જમવા ન યે જવું હોય તો પત્નીએ શું કામ ડિપેન્ડ રહેવાનું? પોતાની જાત સાથે એકલા સ્ત્રી આનંદ માણી શકે તેવી માનસિકતા જ ઘડવામાં નથી આવતી. એકાંત અને એકલતાથી સ્ત્રીઓ ડરતી હોય છે. તેને પોતાની પસંદ નાપસંદ સાથે જીવવાનું શીખવાડવામાં આવતું નથી. એકલી સ્ત્રી રાત્રે બહાર જઈ શકે નહીં કારણ કે પુરુષ નામના પ્રાણીનો તેને ભય રહે છે. આ માનસિકતા સામે ચળવળ ચલાવી રહેલી બ્લેન્ક નોઈસ નામની એક સંસ્થાએ હાલમાં સ્ત્રીઓને તમે એકલા જંગલમાં કે સૂમસામ રસ્તા પર ચાલતા હો તે અનુભવ લેવાનું આહ્વાન આપ્યું છે. તેનો ફોટો પાડીને તેમના પેજ પર પોષ્ટ કરી શકો. આ વાંચીને વિચાર આવ્યો કે રાત્રે કે દિવસે પણ એકલા લેડિઝ ડબ્બામાં પ્રવાસ કરતાં મારા જેવી અનેક સ્ત્રીને બીજો કશો ભય ન લાગે, પરંતુ આવા જ મોકાની તાકમાં રહેતા શિકારી પુરુષોનો ભય જરૂર લાગે. કેટલાક સ્થળો હવે જોખમ ઉઠાવવા જેવા નથી રહ્યા. એટલે એવું એકાંતમાં ફરવાની હોંશિયારી દાખવવાની હિંમત કરવા જેવી નથી. હા, પાર્કમાં કે સિનેમા જોવા કે પછી હોટલમાં એકલા ખાવા જવાનો આનંદ જરૂર માણી શકાય. દરેક સ્ત્રીએ પોતાની જાત સાથે ડેટિંગ પર જવાનો આનંદ માણવા જેવો છે.
2 comments
સાચી વાત છે. ભારતીય સ્ત્રીની, અને કદાચ સમસ્ત અડધી દુનિયાની આ વ્યથા હકીકતે પુરુષની નિષ્ફળતાની વાસ્તવિક્તા છે. અને એ માટે સ્ત્રી-પુરુષ બંને એક સરખાં જવાબદાર છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
ReplyDeleteપુરુષવાદી માનસિક્તાએ સ્ત્રીને ડરાવી અને ડરેલી એ સ્ત્રીએ (ખાસ કરીને માતાએ) બીજી સ્ત્રીઓને સાહસ કરતાં અટકાવી. બસ એ ચક્કર ચાલતું રહ્યું અને સ્થિતિ એ આવી કે ભારત જેવા દેશમાં બે કૉડીના સલમાન ખાનો ગમેતેવું નિવેદન કરી જાય અને છતાં મહિલા પત્રકારો સહિત બધા ખી-ખી કહીને હસીને છૂટા પડી જાય.
મને તો એ જ સમજાતું નથી કે અનેક જાહેરખબરોમાં, ફિલ્મ્સમાં, ગીતોમાં અત્યંત સૂક્ષ્મ રીતે મહિલાને હીન ચીતરવામાં આવે છે અને છતાં આ બાબતે શા માટે કોઈ અવાજ ઉઠાવતું નથી? આવો અવાજ ઉઠાવવામાં નથી આવતો એટલે જ કદાચ નબળા પુરુષોની હિંમત વધી જતી હોય છે અને તેને કારણે ચોરેને ચૌટે સ્ત્રી સતત ગભરાતી રહે છે.
મને લાગે છે આ સ્થિતિ બદલવા માટે માતાના સ્તરે કામ શરૂ થવું જોઈએ. માતા જ એક તરફ તેના ઘરમાં દીકરા-દીકરી વચ્ચે તફાવત કરવાનું બંધ કરે, દીકરાને સંસ્કાર શીખવાડે અને દીકરીને હિંમત આપે તો કદાચ, હા કદાચ કેટલીક સદી પછી પરિવર્તન આવી શકે.
વાત સાચી છે અલકેશભાઈ, પુરુષ પ્રધાન માનસિકતા ફક્ત પુરુષોના મનમાં જ નહીં પણ સ્ત્રીઓના મનમાં પણ રોપાયેલી છે. તેને ઊખાડીને ફેકવાની હિંમત કેળવવાની જરૂર છે.
Delete