દિલ હૈ કી માનતા નહીં.....

08:20



હું કદાચ હવે કોઈ સંબંધ બાંધી ન શકું...હમણાં તો એવું લાગે છે. પ્રત્યુષાનું આમ ચાલી જવું અને તેના મૃત્યુનું આળ મારા પર મુકાયું તે ઘટનામાંથી બહાર આવતા ખબર નહીં મને કેટલો સમય લાગશે, પણ હું આત્મહત્યામાં નથી માનતો. દરેક સંજોગોને સામી છાતીએ સ્વીકારવાની હિંમત છે મારામાં. પ્રત્યુષાના ગયા બાદ અત્યાર સુધી હું એન્ટિ ડિપ્રેશનની દવાઓ લઈને ટકી રહ્યો. પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલરાજે હાલમાં જ એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં જણાવ્યું. આરોપો અને પ્રતિઆરોપોની વાત પણ તેમાં છપાઈ છે. તે છતાં રાહુલરાજની વાત આવે તો શું તેને પીડા થઈ છે તે વાચકને જાણવામાં રસ હોઈ શકે એટલે જ મુલાકાત લેનાર પણ એના પર વધુ લખે છે. રાહુલરાજ નિર્દોષ હશે તો પણ સમાજ માટે તેની નિર્દોષતા સ્વીકારવી અઘરી જ રહેવાની છે. કારણ કે પુરુષની પીડા કે તેના આંસુ માટે સમાજને કોઈ સહાનુભૂતિ નથી હોતી. 

પુરુષ સામે જીવનમાં સતત કેટલાક પડકારો આવે છે અને તેમાં એણે સાબિત થવાનું હોય છે. સ્ત્રીની શારીરિક નબળાઈઓને માનસિક નબળાઈ માની લેવામાં આવે છે તેમ જ પુરુષના શારીરિક બળને, માનસિક બળવાન પણ માની જ લેવામાં આવે છે. સ્ત્રી અને પુરુષની શારીરિક ભિન્નતા ખરી પણ માનસિક રીતે તે ક્યારેક સ્ત્રીનો ગુલામ બનીને રહી જાય છે. કારણ કે કુદરતે સ્ત્રીને પસંદગી કરવાનો અધિકાર આપ્યો છે. પશુ અને પક્ષી જગતમાં પણ નર, માદાને રિઝવતો હોય છે. માદા નક્કી કરે કે કોની સાથે સંબંધ બાંધવાનો. એ જ રીતે માનવોમાં પણ સ્ત્રી નક્કી કરે છે કે ક્યા પુરુષનું વીર્ય સ્વીકારવું. અહીં આપણે ત્યાં પહેલાં સ્વયંવર થતા હતા તેની કથાઓ પ્રચલિત છે. 

હજી ગયા વરસે જ બિંગહેમ્ટન યુનિવર્સિટીમાં મોટા પાયે એક સંશોધન કરવામાં આવ્યું. તેમાં લગભગ ૯૬ દેશોના લોકોને અભ્યાસમાં આવરી લેવાયા એ જાણવા માટે કે સ્ત્રી અને પુરુષ બ્રેકઅપ પછી કેટલા ઘવાય છે ? કોને વધુ અસર થાય છે? સાયકોલોજિસ્ટ ક્રેગ મોરીસ જે અભ્યાસમાં સહભાગી હતા તેમનું કહેવું છે કે સ્ત્રીએ પુરુષ સાથે સંબંધ બાંધ્યા બાદ નવ મહિનાનો ગર્ભ અને ત્યારબાદ બાળક સુધીની લાંબી ઘટના સુધી જોડાવું પડે છે. જ્યારે પુરુષ સેક્સ બાદ તેમાંથી છૂટી જઈ શકે છે. આ બાબત સાથે દરેક સમાજ સહમત થવા છતાં જ્યારે લાગણીની વાત આવે છે ત્યારે પુરુષ લાંબા સમય સુધી તેમાંથી બહાર નથી આવી શકતો એ હકીકત છે. તેને કાવ્યાત્મક રીતે કહી શકાય કે તે બંધાતો ય નથી છતાં છૂટી નથી શકતો. કારણ કે તેની સામે મોટો પડકાર હોય છે બીજી સ્ત્રી મેળવવાનો. યુવાન સ્ત્રીને બીજો પુરુષ મળતા વાર નથી લાગતી પણ યુવાન પુરુષને સ્ત્રી મેળવવી એટલું સહેલું નથી હોતું. તેમાં પણ એવી સ્ત્રી જે તેના બાળકની મા બની શકે તેવી શક્યતા ધરાવતી હોય. આમ જુઓ તો ખૂબ અટપટા ભાસે છે આ બધા માનવીય સંબંધોના ગૂંચવાડા પણ જો નર અને માદા તરીકે જ આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ તો સહેલું છે. 

આપણી આસપાસના સમાજમાં આટલી સ્પષ્ટ વાત દેખાતી નથી એવું આપણને લાગે. માણસે વિકાસ કરવા સાથે અનેક ગૂંચવણો પણ પેદા કરી છે. વિચારો જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે વાયરોના આટલા ગૂંચવાડાઓ તમે નહીં જોયા હોય. કેબલ અને વાયરો વિનાના ગામ અને શહેરની કલ્પના કરવી પણ આજે અઘરી લાગે. એ જ ગૂંચવાડાઓ માણસોના મનમાં આજે ઊભા થઈ ગયા છે. નર અને માદા તરીકે જ ફક્ત આજે શું સ્ત્રી-પુરુષ નજીક આવે છે? એટલી જ સરળતા ત્યારે ય નહોતી તો આજે કોન્ડોમ આવ્યા બાદ પણ અનેક સ્તરે નર-માદા એકબીજાને તપાસતાં રહે છે. તેમાં આદિમ વૃત્તિ તો ખરી જ પણ માનવ સમાજે ઊભા કરેલા ગૂંચવાડાઓ પણ ખરા. 

અભ્યાસમાં જણાયું કે માદા સતત નરને તપાસીને પસંદ કરે છે. એટલે કે નર(પુરુષ) હંમેશાં પોતાની જાતને બીજા નરની હરીફાઈમાં રાખે છે. એટલે જ જ્યારે સંબંધો તૂટે છે ત્યારે નર બહારથી ન દેખાડે તો ય અંદરથી ખૂબ ઘવાય છે. 

પૌરુષીય માનસિકતાને લીધે જીવન આગળ ધપાવે પણ તો ય એ તૂટેલા સંબંધનો ઘાવ તેને સતત પીડતો રહે છે. તે બીજા સંબંધમાં બંધાય છે છતાંય અંદરથી તૂટેલા તાર જોડી શકતો નથી. અભ્યાસમાં એ પણ જણાયું કે પુરુષ કરતાં સ્ત્રીને સંબંધના તૂટવાનો આઘાત વધુ લાગે છે તે છતાં સ્ત્રીઓ પોતાની જાતને સંભાળી લઈ શકે છે. અને બીજા સંબંધમાં તે ફરીથી એટલી જ ગંભીરતાપૂર્વક જોડાઈ જાય છે. જ્યારે પુરુષને હરીફાઈને કારણે થતાં પીડાના અનુભવને લીધે બીજા સંબંધમાં જોડાતાં ખાસ્સો સમય લાગે છે. ટૂંકમાં સ્ત્રી કરતાં પુરુષને સંબંધોના તૂટવાની પીડા વધુ લાંબો સમય 

અનુભવાય છે. મોટેભાગે તો તે ઘાવ કદી ભરાતાં જ નથી.

અહીં દેવદાસને યાદ કરવો જ પડે. દેવદાસની કલ્પના કરનાર શરદચંદ્ર પણ પુરુષ હતા એટલે જ કદાચ તેઓ પુરુષની એ પીડાની અનુભૂતિ ગહનતાથી રજૂ કરી શક્યા. ફિલ્મકારોએ પણ ત્રણ ત્રણવાર તે વાર્તા પરથી ફિલ્મ બનાવી અદાકારોના ફેરફાર સાથે પણ વાત તો દિલ તૂટવાથી થતી પીડાની જ છે. દેવદાસને આપણે ફેઈલ્યોર કહી શકીએ, પરંતુ ક્યા કરે દિલ હૈ કી માનતા હી નહીં.... દિલ તૂટવાના કારણો અનેક હોઈ શકે. પ્રેયસી કે પત્ની કોઈ કારણસર આપઘાત કરે અને તેમાં સ્ત્રીની જીવનના સંઘર્ષને જોવાની, સ્વીકારવાની નબળાઈ હોઈ શકે પણ ગુનાહિતતાનો ભાર પુરુષને પીડતો રહે છે જીવનભર. અહીં દહેજ માટે પુરુષો દ્વારા થતી માનસિક હિંસાનો ભોગ બનતી સ્ત્રીની વાત નથી એ સુજ્ઞ વાચકો સમજી જ ગયા હશે. 

સ્ત્રી-પુરુષ જ્યારે લગ્ન કરે છે ત્યારે અરસપરસ પ્રેમ અને સમજદારીની અપેક્ષા હોય તે સ્વાભાવિક છે, પરંતુ દરેક વખતે સ્ત્રી જ બેવફાઈનો ભોગ બને તે કહેવું અન્યાય છે. કેટલાક કિસ્સાઓમાં સ્ત્રી પણ માનસિક હિંસાઓ કરતી હોય છે. એક કિસ્સો છે જેમાં બન્ને પક્ષે ખૂબ જોઈ વિચારીને અરેન્જડ મેરેજ કર્યા. છોકરો-છોકરી મુંબઈ શહેરમાં ઊછરેલા, શિક્ષિત પરિવારના હતા. લગ્ન પહેલાં બન્ને પક્ષને એકબીજાને સમજવાનો જાણવાનો પૂરો મોકો મળ્યો હતો. ધામધૂમથી લગ્ન થયા. લગ્નના બે વરસે સુંદર બાળકીનો જન્મ થયો. પતિ જે મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતો હતો તેમાં એને અમેરિકા રહેવાનું આવ્યું. આમ તો આ ખૂબ આનંદની વાત છે પણ પત્નીને અમેરિકામાં ગમ્યું નહીં, કારણ કે તેમનું ઘર શહેરથી દૂર હતું અને તેને પોતાની મા સાથે ખૂબ એટેચમેન્ટ હતું. તે ભારત પાછી આવી ગઈ દીકરી સાથે અને પતિને કહી દીધું કે નોકરી બદલીને મુંબઈ આવી જાય અથવા છૂટાછેડા આપી દે. દીકરી સાથેનું પિતાની લાગણીની પરવા કર્યા વિના પત્ની દ્વારા લગ્નના ચાર વરસ બાદ લેવાયેલા આવા નિર્ણયથી કોઈપણ પુરુષને આઘાત લાગી જ શકે છે. લગ્ન પહેલાં સંબંધ તૂટવો કે લગ્ન બાદ સંબંધ તૂટવો બન્ને વખતે પીડા તો પુરુષને એટલી જ થાય છે. કદાચ લગ્ન બાદ તે આર્થિક, સામાજિક અને માનસિક એમ અનેક રીતે પીડાઓ સહન કરતો હોય છે. પણ પુરુષની પીડા સાથે સમાજને હમદર્દી હોતી નથી. પુરુષ પીડા કહી શકતો નથી ત્યારે નશાનો સહારો લે છે. ડિપ્રેશનના તો અનેક કિસ્સાઓ બહાર આવી જ શકતા નથી. બીજા એક કિસ્સામાં પુરુષ બહુ મોટા હોદ્દા પર છે તેની પત્ની ક્રેડિટ કાર્ડ પર એટલા બેફામ ખર્ચા કરે અને જો પતિ કંઈ કહે તો બીજાઓની સામે તેને કંજૂસ કહીને ઉતારી પાડે. ઘરમાં પણ બાળકો અને સગાંવહાલાઓની સામે તેનું અપમાન કરે. પુરુષ પોતાની પ્રતિષ્ઠાને ડરે ચુપ રહે. પણ સતત પીડાતો રહે અંદરથી. તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે પણ પત્નીને તો પોતાની સુવિધાઓ સાથે જ મતલબ હોય છે. ઘરમાં ત્રણ માણસો માટે ચાર નોકરો રાખે. પતિ જો જરાક ખર્ચો ઓછો કરવાનું કહે તો છૂટાછેડાની ધમકીઓ મળે. સંબંધોમાં પણ સત્તાનું રાજકારણ પ્રવેશે ત્યારે બન્ને પક્ષ ઘવાતો હોય છે.

You Might Also Like

0 comments