સપનાં જુઓ અને તેને પૂરાં કરવા મહેનત કરો (mumbai samachar)
03:24‘મેં સપનાં જોવાની હિંમત કરી એટલું જ નહીં તે પૂરાં થાય તે માટે મહેનત પણ કરી. મારા સપનાને મેં ઉત્કટપણે ચાહ્યા છે. તે સાથે જ મારા બાળકો અને ઘરને પણ સાચવ્યા છે’ આ શબ્દો છે દીપા મલિકના જેમણે હાલમાં જ રિઓમાં પેરાલિમ્પિકમાં ગોળા ફેંકમાં રજત ચંદ્રક મેળવ્યો છે. ૪૫ વર્ષીય દીપાનું કમરની નીચેનું અંગ પેરેલાઈઝડ છે. બે બાળકોની માતા દીપા છેલ્લાં ૧૭ વરસમાં કરોડરજ્જુમાં ગાંઠ થવાને લીધે ૩૧વાર સર્જરી કરાવી ચૂકી છે અને ૧૮૩ ટાંકાઓની નિશાનીઓ શરીર પર છે.
આટલી તકલીફો છતાં દીપાનો જીવનને પડકારવાનો ઉત્સાહ સહેજ પણ ઓછો થતો નથી. દીપા પહેલી બાઈકર હતી, સ્વીમર રહી ચૂકી છે અને હવે પહેલી મહિલા પેરાલિમ્પિક મેડલ જીતનાર પણ બની. ૩૬ વરસની ઉંમરે તેણે સ્પોર્ટસમાં પ્રવેશ કર્યો. અહીં બીજી એક દીપાની વાત કરવી છે જેણે ક્યારેય સપનાઓ જોવાની હિંમત જ ન કરી. તેણે કોલેજમાં જઈને શિક્ષણ લીધું કારણ કે તેના માતાપિતા ઈચ્છતા હતા. આજકાલ સમાજમાં ભણેલી છોકરીઓની ડિમાન્ડ વધુ હોવાથી તેને ભણાવવામાં આવી. ગ્રેજ્યુએટ થયા બાદ પોષ્ટ ગ્રેજ્યુએશનના બીજા વરસમાં હતી ને લગ્ન નક્કી કર્યા.તેને ભણવાનું પૂરું કરવું હતું તેે પરીક્ષા પણ ન આપી શકી, કારણ પતિની ઈચ્છા નહોતી. તેને નૃત્ય શીખવાનો શોખ હતો પણ આપણે નાચનારી બનીને શું કામ કહીને પિતાએ અને પછી પતિએ તેને ઘરે બેસાડી દીધી. તેના પેઈન્ટિંગના શોખને પણ ઊગતો જ ડામી દેવામાં આવ્યો. તેણે ક્યારેય કશું પણ બનવાના સપનાં ન જોયા કારણ કે તેણે શું બનવું તે એના બદલે બીજા લોકો જ વિચાર કરતા હતા. એક સમય એવો આવ્યો કે તે બીજાના સપના પ્રમાણે જીવી ન શકી અને તેને આપઘાત કર્યો. માતાપિતા કે પતિને કે કોઈને પણ સમજાયું નહીં કે શું કામ તેણે આપઘાત કર્યો.
પેરાપ્લેજિક બન્યા બાદ પણ દીપા મલિકનો આત્મવિશ્ર્વાસ સહેજ પણ ઓછો ન થયો ઊલ્ટાનો વધ્યો. સ્ત્રીને એકલા બહાર જવું હોય તો પણ હજાર વાર વિચાર કરશે. જ્યારે દીપા મલિકને કરોડરજ્જુમાં આવેલા મણકાનું ઓપરેશન કરવાનું હતું ત્યારે તેમના પતિ લશ્કરમાં હોવાને કારણે તે સમયે કારગિલના યુદ્ધમાં હતા. બે નાની દીકરીઓ જ ઘરે હતી. દીપાનું ઓપરેશન મુશ્કેલ હતું. તેનું પરિણામ શું આવે તે કહી ન શકાય તે છતાં તે એકલી જ હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ હતી. ત્યારબાદ તેના પતિ પહોંચી ગયા હતા પણ તે ક્યારેય ચાલી નહીં શકે તેવી શક્યતા સાચી પડી. હવે આખી જીંંદગી વ્હીલચેર પર કાઢવાની હોય તે બાબત સ્વીકારવી સહેલી નહોતી, પરંતુ દીપા આર્મી પરિવારની દીકરી અને પત્ની હોવાને કારણે દરેક પરિસ્થિતિને સ્વીકારવી અને તેની સામે જિંક જીલવા માટે તૈયાર હતી. તેણે નક્કી કર્યું કે ઘરમાં ભરાઈને બેસવા કરતાં પોતાના સપનાઓને પૂરા કરવા પીછો પકડવો. તેણે સૌ પ્રથમ બાઈકિંગનો તેનું સપનું પૂરું કરવાનું નક્કી કર્યું. તેણે હિમાલયન મોટર સ્પોર્ટ્સ એસોસિયેશન અને ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટસ ક્લબ જોઈન કર્યુ.
તેણે આઠ દિવસમાં ૧૭૦૦ કિલોમીટરનો પ્રવાસ બાઈક પર કર્યોં. જીરો ઓક્સિજનમાં હિમાલયમાં ૧૮૦૦૦ ફીટ સુધી પહોંચી હતી. જોકે તે પેરાપ્લેજિક હોવાથી તેના માટે સ્પેશિયલ બાઈક તૈયાર કરવી પડે એમ હતી જેનો ખર્ચો ઘણો મોટો હતો અને તેને પરવડી શકે એમ નહોતો તે છતાં હિંમત હાર્યા વિના તેણે સ્પોન્સરશિપની શોધ આદરી, બાઈક મેળવી પણ તેની તબિયત માટે જ્યાં સુધી ડૉકટરનું સર્ટિફિકેટ ન મળે તો મોટરસ્પોર્ટસનું લાઈસન્સ ન મળે. આમ સપનાં જોયા બાદ પણ સફળતાને પામવા માટે સતત સંઘર્ષ કરવાની તૈયારી રાખવી પડતી હોય છે. દીપા કહે છે કે રિયો પેરાલિમ્પિકમાં મારી સફળતાથી ભારતની નારીઓને પ્રેરણા મળશે. ગમે તે પરિસ્થિતિ હોય પણ જો આપણે જાતે નક્કી કરીએ તો ચોક્કસ જ તેમાંથી માર્ગ કાઢી શકાય છે. જીવનની નાની નાની તકલીફોની સામે હાર માની લેવાને બદલે જીવનમાં નવી શરૂઆત કરવી જોઈએ.
વાત સાચી છે જીવનના દરેક તબક્કે શરૂઆત કરી શકાય છે. પરિસ્થિતિ જેટલી વિષમ હોય તેટલી જ સફળતા મળવાની તક વધતી હોય છે. કોઈપણ પરિસ્થિતિ કે સંજોગો એવા નથી હોતા કે તેને જીતી ન શકાય. શારીરિક તકલીફો સાથે પણ જો અનેક વ્યક્તિઓ અશક્ય કામ કરી શકતી હોય તો શારીરિક ક્ષમતા સાથે કેમ ન કરી શકાય, તે હાર માની લેતા પહેલાં વિચારવું જોઈએ.
શા માટે સ્ત્રીઓએ સપના જોતા પહેલાં બીજાની મરજી સામે જોવું જોઈએ. જો તમારા સપનાં સાચા હોય તો તમે સફળતા મેળવી જ શકો છો. સપનાં જોવાની ઉત્કટતા સાચી હશે તો માર્ગની દરેક અડચણ પાર કરી જ શકાય છે.
0 comments