શબ્દોના અર્થ કરી શકે છે અનર્થ (mumbai samachar)
04:12સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સમયે આપણે વિચારતા નથી કે જાણે અજાણે તે પિતૃસત્તાક માનસિકતા ભરી રહ્યો છે. મોટાભાગનાને એમાં વાંધો નથી હોતો કારણ કે એ વિશેની સભાનતા નથી હોતી. એનું કારણ છે કે આપણને સ્વતંત્ર વિચારધારા આપવામાં આવી નથી. આપણો ઉછેર જે ઘરમાં કે સમાજમાં થાય છે તે રીતની આપણી વિચારધારા સહજતાથી આપણા મનમાં ઘડાતી હોય છે. સોશિયલ મીડિયામાં ફરતાં જોકમાં સ્ત્રીને ઉતારી પાડતી જોક સ્ત્રીઓ પોતે જ એકબીજાને ફોર્વડ કરતી હોય છે. મોટું મન રાખીને એ જોક જ છે તેવું સ્વીકારી લેતી સ્ત્રીઓ સમાજની વિચારધારા ઘડવામાં ભાગ ભજવતી હોય છે. ઈન્ટરનેટની દુનિયામાં સર્ચ એન્જિન પણ જાતિય ભેદભાવ કરે છે એવો વિચાર પ્રગટ કરતાં રીડિફાઈન વિમેન કેમ્પેઈન વિશે જાણીને.
સર્ચ એન્જિન એ આપણા આધુનિક જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે. કશું પણ શોધવું કે જાણવું હોય તો તરત જ સર્ચ એન્જિન ખોલીએ છીએ. સર્ચ એન્જિન જે કહે તે સ્વીકારી લેવામાં આવે છે. અહીં આપણે અંગ્રેજી ભાષા અને શબ્દોની વાત કરીએ છીએ કદી આ પહેલાં મને પણ એ વિચાર નથી આવ્યો કે સર્ચ એન્જિન પણ જાતિય ભેદભાવ કરે છે. કેટલીક વ્યક્તિઓ જાગૃત રહીને વિચારે એટલે તેમને ભેદભાવ દેખાય છે. શરૂઆતમાં તો શનિદેવના મંદિરમાં કે હાજીઅલીની દરગાહમાં સ્ત્રીઓને પ્રવેશ નથી અપાતો તે જાતિય ભેદભાવ છે તે સ્વીકારવું પણ કેટલાય લોકોને અશક્ય લાગે છે કારણ કે પિતૃસત્તાક માનસિકતા મનમાં ઘર કરી ગઈ હોય છે. સર્ચ એન્જિન પણ આખરે તો માણસો જ અપડેટ કરે છે ને એટલે તેના વિચારો પણ સમૂહના વિચારોથી પ્રભાવિત હોઈ શકે એવો વિચાર આવ્યો બે ઓસ્ટ્રેલિયન યુવતીઓને, જ્યોર્જિયા પેચ અને કિઆ નિકોલસનને. તેમણે બ્લોગ પર એક કેમ્પેઈન શરૂ કર્યું બે અઠવાડિયા પહેલાં રીડીફાઈનવિમેન એટલે કે જાતિયતાને આધારે દરેક શબ્દનું પુન : મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ઉદાહરણ તરીકે કેટલાક શબ્દોને જાતિયતાને આધારે જોવામાં આવે છે. નેગિંગ શબ્દ જ લો વિચારો શું યાદ આવે છે તેનું ઉદાહરણ આપવું હોય તો. સર્ચ એન્જિન પર શોધો તો એક અર્બન ડિકશનરીમાં મને પણ જોવા મળ્યું કે નેગિંગ એટલે સ્ત્રીઓને કચકચ કરવા માટે કોઈ ન મળે તો તે પુરુષોની પાછળ પડી જાય છે. તો જ્યોર્જિયા અને કિઆને પણ મળ્યું કે નેગિંગ એટલે તમે સતત કોઈને હેરાન કરો, કશુંક કરવા માટે દા.ત. અ નેગિંગ વાઈફ. બીજું ઉદાહરણ જોઈએ તો અગ્લી શબ્દ વિશે છે. અગ્લીનો ગુજરાતી અર્થ થાય કદરૂપું. અંગ્રેજીમાં તે શબ્દનો ઉપયોગ વાક્યમાં સમજાવતા કહેવામાં આવ્યું કે શી થોટ શી વોઝ અગ્લી એન્ડ ફેટ.
આ બધાં વાક્યોને કે શબ્દોને મન પર લેવાની શું જરૂર કે દૂધમાંથી પોરાં કાઢે છે બૈરાઓ... આવો વિચાર મોટાભાગના પુરુષોને આવશે. પણ વધુ વિચાર કરીએ તો ઉપરોક્ત વાક્યમાંથી એવો અર્થ નીકળે કે ફેટ એટલે જાડી સ્ત્રી એટલે કદરૂપી. તરત જ મનમાં અજાણપણે નોટિસ થાય કે પાતળી સ્ત્રી એટલે સુંદર.
આ માનસિકતાની કેટલીબધી અસર સમાજ પર પડે છે તેના વિશે નેઓમી વુલ્ફે બ્યુટી એન્ડ મિથ પુસ્તકમાં વિસ્તૃત રીતે લખ્યું છે. તે વિશે વિગતે વાત ફરી કોઈ વાર પણ અત્યારે સમજીએ તો શ્યામ છોકરી સુંદર ન હોય એ માન્યતાને કારણે જ ગોરેપન કી ક્રીમનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેટલી જાહેરાતો જોઈએ તેમાં દેખાય કે સ્ત્રીની આવડત કે આંતરિક સુંદરતા કરતાં બાહ્ય સુંદરતાને કારણે જ તે સફળ થાય છે. આ વિચારો, શબ્દો સતત તમારા મગજ પર અથડાતા તેનું વૈચારિક બંધારણ બદલે છે. આજે તમે કોઈપણ વ્યક્તિને પૂછો કે ટૂથપેસ્ટ એટલે ચોક્કસ બ્રાન્ડનું નામ યાદ આવશે. કેટલાકને ખબર જ નથી કે બ્રાન્ડનું નામ એ દાંત સાફ કરવા માટેની પેસ્ટનું નામ નથી જ. બ્રાસો શબ્દ બધાયે સાંભળ્યો હશે. તમે એ શબ્દ ઈન્ટરનેટ પર સર્ચ કરો તો મેટલને ચમકાવવા માટે વપરાતો પદાર્થ એ બ્રાસો કહેવામાં આવે છે એવું તમને જાણવા મળશે પણ બ્રાસો બ્રાન્ડ છે જે પોલિસ બનાવે છે.
એ જ રીતે આ બે મહિલાઓ જાતિય માનસિકતા ઘડતા શબ્દોના અર્થને શોધીને તેને બદલવાની વાત કરી રહી છે. તેમનું કહેવું છે કે આ શબ્દો સ્ત્રીઓને નીચા પાડી રહ્યા છે અને તેમની ક્ષમતાને અવગણી રહ્યા છે. આ મહિલાઓ સર્ચ એન્જિનમાં આવા શબ્દો જે જાતિય ભેદભાવને સમર્થન આપે છે તેને બદલવાની માગણી કરી રહી છે. તેમનું કહેવું છે કે આ શબ્દોના અર્થ ન્યુટ્રલ એટલે કે જાતિય નિષ્પક્ષતાથી જોવામાં આવે અને તેનું ઉદાહરણ પણ પૂર્વગ્રહ પ્રેરિત ન હોય. હાલમાં તો આ શબ્દોના અર્થ ૧૯૫૦ના જમાનામાં હતા એવા છે. બે જ અઠવાડિયા પહેલાં શરૂ થયેલું આ કેમ્પેઈન ફક્ત બ્લોગ દ્વારા સાડા આઠ લાખ લોકો સુધી પહોંચી ગયું છે. સોશિયલ મીડિયામાં તેમનું કેમ્પેઈન હવે શરૂ થશે. તેઓ કહે છે કે શબ્દોના અર્થ સમજાવવા માટે સ્ત્રીને ઉતારી પાડતું ઉદાહરણ વાપરવાની જરૂર નથી.
આપણે ત્યાં પણ કેટલીક કહેવતો છે જેમકે ચાર મળે ચોટલાં ભાંગે ઘરના ઓટલા, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. વગેરે આવી ઘણી કહેવતો જાતિય ભેદભાવની માનસિકતામાંથી આવી છે. કેટલીય વાર તમે સાંભળ્યું હશે કે પિતા, પતિ કે ભાઈ -પુત્રી, પત્ની કે બહેનને કહેતો હશે કે તમને સ્ત્રીઓને આમાં સમજ ન પડે કે સ્ત્રીઓએ આમાં પડવું નહીં વગેરે વગેરે. કુસ્તીમાં મેડલ જીતી લાવનાર છોકરીઓને પણ કહેવામાં આવતું કે સ્ત્રીઓનું આ કામ નથી તમે તો બસ ઘરમાં બેસી જમવાનું બનાવો, છોકરાઓ પેદા કરો. સ્ત્રી અને પુરુષોના ભેદના લેબલ મિટાવવા માટે સ્ત્રીઓએ જાગૃત રહીને તેનો વિરોધ કરવો પડશે.
હાલમાં જ અમિતાભદાદાએ પોતાની પૌત્રી અને દોહિત્રીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે તેમના અવાજમાં અને અક્ષરમાં. વાત ખૂબ સરસ અને સાચી કહી છે, પરંતુ દાદાએ હમણાં જ આ પત્ર કેમ લખ્યો ? કારણ કે તેમની ફિલ્મ આવી રહી છે પિન્ક તેના પ્રમોશનની આ શરૂઆત છે. પિન્ક એ રંગ સ્ત્રીઓનો એ પણ જાતિય ભેદભાવ છે તે વિશે કેમ દાદાજીએ વિરોધ ન કર્યો? એ સિવાય દાદી જયા બચ્ચને લગ્ન બાદ પોતાની કારર્કિદી પર બ્રેક મૂકી દીધો હતો. ભલે એમ કહેવાતું હોય કે તેમણે પોતાની મરજીથી એકટિંગ કરવાનું બંધ કર્યું પણ શું કામ લગ્ન બાદ સ્ત્રી જ પોતાની કારર્કિદીનો ત્યાગ કરે? શું અમિતાભજી તેમને એટલી ફ્રિડમનો અહેસાસ ન કરાવી શકત? શક્ય છે એટલે જ તેમને લખવાનું મન થયું કે લોકોની માનસિકતાથી તમે દોરવાતા નહીં કે ગભરાતા નહીં. તમારા નિર્ણયો કોઈ શું કહેશે તે વિચારીને કરશો નહીં. અજય દેવગન સાથે લગ્ન બાદ અને માતા બન્યા બાદ પણ કાજોલ શાહરુખ સાથે રોમેન્ટિક ફિલ્મ કરી શકી. અજય દેવગને કાજોલના વ્યક્તિ સ્વાતંત્ર્યનો આદર કર્યો છે. જાતિય ભેદભાવની માનસિકતા, શબ્દો અને વાક્યો ઘડે છે તો એ શબ્દો ને તેના અર્થો જ વળી એ માનસિકતા બરકરાર રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. જાતિય ભેદભાવને જાહેર કરતાં વાક્યો, અર્થો અને કહેવતો બદલવાની જરૂર છે જ પછી તે ગમે તે ભાષા હોય.
0 comments