ફરીને એ જ વાત પણ જરા જુદી રીતે વિચારીએ તો? (mumbai samachar)

01:50





સ્ત્રીઓના કપડાં વિશે થોડો સમય પહેલા વળી એક મંત્રીએ કોમેન્ટ કરી પણ આ વખતે જરા જુદી રીતે તેમણે કહ્યું કે વિદેશી સ્ત્રીઓએ ભારતમાં સ્કર્ટ પહેરીને ન ફરવું જોઈએ. તેને કારણે બળાત્કારના કિસ્સાઓ બને છે. તો બીજી તરફ તેનાથી તદ્દન વિપરીત વાત ફ્રાન્સમાં બુરકિની સામે વિરોધ હતો. જેમને ખબર ન હોય તેમની જાણ ખાતર બુરકિની એટલે ફક્ત ચહેરો દેખાય અને આખુંય શરીર ઢંકાય તેવો મુસ્લિમ મહિલાઓ પહેરતી સ્વીમિંગ સ્યુટ. જે તેઓ ફ્રાન્સના દરિયાકિનારાઓ પર નહાવા જતી વખતે પહેરતી હતી. હવે એવો વિચાર આવે કે બુરકિની માટે શું કામ વાંધો આવવો જોઈએ પણ તેમાં કોઈ સમજાવી શકાય એવું લોજિક નથી. એમ તો સ્કર્ટ માટે પણ શું કામ વાંધો હોવો જોઈએ ? સાડી પણ સ્કર્ટ જેવી જ હોય છે ને? તો શું સાડી પહેરવા ઉપર પણ પ્રતિબંધ આવી શકે ? 

શાળામાં આપણે ભણ્યા હતા તે યાદ કરીએ તો આદિ માનવે કપડાંની શોધ કરી શરીરને ટાઢ, તડકાથી બચવા માટે. શરૂઆતમાં તો પ્રાણીના ચામડાને જ પહેરવામાં આવતું હશે કે ઝાડની છાલનો વસ્ત્ર તરીકે ઉપયોગ થતો હશે. ત્યારબાદ માણસનો વિકાસ થતાં કાપડની શોધ થઈ અને વિકસિત માણસે તેમાં કારણો ઉમેર્યાં એવું કહી શકાય. કપડા વ્યક્તિત્વનું એક્સ્ટેન્શન બની ગયા છે પણ હવે તો માનસિકતા પણ બની ગયા છે. પુરુષોને સ્ત્રીઓના કપડાં પરેશાન કરે છે કે તેમની માનસિકતા તે સમજાતું નથી એટલે તેઓ કપડાંને દોષ આપે છે. 

સ્ત્રીના કપડાં વિચલિત કરે છે કે તેનું શરીર તે અંગે ઝાઝું વિચારવાની તસ્દી લેવાની પુરુષને જરૂર જણાતી નથી. પોતાની માનસિકતાનો વિચાર કરવા માત્રથી પુરુષ ગભરાય છે કારણ કે તેને દેખાય છે કે કન્ટ્રોલ કરવાની વાત તે ક્યારેય શીખ્યો જ નથી કે પછી તેને શીખવાડવામાં આવી જ નથી. તેને દરેક બાબતની છૂટ હોય છે. કન્ટ્રોલ તો સ્ત્રીએ જ કરવાનો હોય છે. આ જાતીય ભેદભાવ જન્મતાંની સાથે ગળથૂથીમાં સ્ત્રી અને પુરુષ બન્નેને મળે છે. 

સ્ત્રી બાપડી બહાર નીકળે કે સતત સાડીના છેડાઓ સરખા ગોઠવ્યા કરે. ક્યાંક કશેથી શરીર દેખાશે તો પુરુષની નજર ત્યાં જ ચોંટી જશે. સૌંદર્યને સરાહવું અને આરપાર વીંધતી નજરે જોવું એ બેમાં ફેર છે. ધારો કે આપણો સમાજ પિતૃસત્તાક માનસિકતા ધરાવવાને બદલે માતૃસત્તાક માનસિકતા ધરાવતો હોત તો એવું ફરમાન આવત કે પુરુષોએ જાહેરમાં સ્ત્રીની સામે જોવું નહીં. કાં તો આંખ બંધ કરી દેવી કે પછી નજર ફેરવી લેવી કે નીચી આંખે જ સ્ત્રીની સાથે વાત કરવી. વાહિયાત વાત લાગે છે ને? એવી જ વાહિયાત વાત લાગે જ્યારે સ્ત્રીની બ્રાની પટ્ટી પણ જો જરા દેખાય તો પુરુષનું મનોબળ હલી જઈ શકે છે. સ્ત્રી પણ પોતે કોઈ બહુ મોટો ગુનો કર્યો હોય તે રીતે ગુનાહિતભાવ અનુભવતા તેને છુપાડવાનો પ્રયત્ન કરશે. હવે એ અલગ વાત છે કે આજની આધુનિક નારી બ્રાના રંગીન પટ્ટાઓ છુપાવતી નથી. જો કે એવું પણ ફક્ત ને ફક્ત શહેરના કેટલાક વિસ્તારમાં જ શક્ય બને. બાકી તો સ્લીવલેસ કપડાંમાંથી દેખાતા હાથ પણ પુરુષોને શોર્ટ સ્કર્ટમાંથી દેખાતા પગની જેમ સેક્સી લાગી શકે છે. તેથી જ તમે જોયું હશે કે મોટાભાગની ભારતીય સ્ત્રીઓ સ્લીવલેસ કપડાં પહેરવાની હિંમત કરતી નથી. 

જુહુ બીચ પર ચાલવા જતાં એક સમયે દરરોજ એક મહિલા જોવા મળતી. તેની ઉંમર ચોક્કસ જ સાઈઠ ઉપર હશે. સફેદ ટુંકા વાળ સાથે મેચ થતી ચહેરા અને શરીર પરની કરચલીઓને મોઢા પર બેફિકરું હાસ્ય. આ મહિલા ક્યારેક ફ્રોક પહેરે તો ક્યારેક ઢીલું પેન્ટ અને ગંજી જેવું ટી શર્ટ અને અંદર બ્રા ન પહેરી હોય. પગમાં ચપ્પલ ન પહેર્યા હોય. ભીની રેતી પર પોતાની મસ્તીમાં ચાલતી હોય. તેની બેફિકરાઈ માટે માન થાય. શા માટે સ્ત્રીએ બ્રા પહેરવી અને પહેરવી જ હોય તો તેના પટ્ટા ન દેખાય તેની સાવચેતી રાખવી. હું આ લખી રહી છું પણ કબૂલવા દો કે મારા ડીએનએમાં પણ એ ડર ઘુસી ગયેલો છે. મારામાં હિંમત નથી એ સ્ત્રીની જેમ બિનધાસ્ત ફરવાનું ભલે હું ઈચ્છતી હોઉં તો પણ. સાઈઠ વરસે પણ એ હિંમત આવશે કે નહીં તે કહી શકતી નથી. આ જ નહીં હવે એક નવો ફોબિયા પણ નારીઓમાં આકાર લઈ રહ્યો છે બહેનજી સિન્ડ્રોમ. બહેનજી જેવી દેખાતી સ્ત્રી એટલે પારંપારિક વિચારો ધરાવતી સ્ત્રી એવું માની લેવામાં આવે છે. જ્યારે ખરેખર એવું ન પણ હોય. સાડી કે સલવાર કમીઝ સાથે લાંબા વાળનો ચોટલો હોય, કપાળે ચાંદલો હોય પણ તે માનુનીના આધુનિક વિચારો હોઈ શકે. જ્યારે શોર્ટ સ્કર્ટ અને બોબ્ડ હેર વાળી સ્ત્રી હોય તો તે કોઈપણ પુરુષ સાથે સંબંધ બાંધવા અવેલેબલ છે એવું ન પણ હોય. પારંપરિક પહેરવેશ પહેરતી એટલે કે બહેનજી જેવી દેખાતી યુવતીઓને કોલેજમાં કે અન્ય સ્થળોએ ઉપાલંભ સહેવો પડતો હોય છે. 

કપડાં અને દેખાવ સ્ત્રીની માનસિકતા છતી કરે છે તે જરૂરી નથી. પણ સ્ત્રીનો દેખાવ અને કપડાં પુરુષોની માનસિકતાને ઉત્તેજીત કરી શકે છે તે બાબતે મોટાભાગના પુરુષોનું અને સ્ત્રીઓનું પણ સમર્થન હોય છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે આકર્ષણ હોય તે કુદરતી છે તેનો સ્વીકાર જરૂરી છે પણ તેથી સ્ત્રીના કપડાં કે શરીર પુરુષનો પોતાના તનમન પરનો કાબૂ ગુમાવી દે તેનો સ્વીકાર કેવી રીતે થઈ શકે? સ્ત્રીના કપડાંનો સંદર્ભ આપતાં પુરુષો કે બીજી સ્ત્રીઓની ટીકા કરતી સ્ત્રીઓ એકવાર પણ જરા જુદી રીતે વિચાર કરવાની આદત કેમ નથી પાડતા? સ્ત્રીના કપડાં જ નહીં સ્ત્રીને જોવા માત્રથી પણ કેટલાક પુરુષો અભડાઈ જતા હોય છે. પુરુષોની પોતાના મન પરનો કન્ટ્રોલ  નથી રહેતો એટલે તેઓ વારંવાર સ્ત્રીઓને કન્ટ્રોલમાં રાખવાના કે તેમને જ ગુનાહિતતાના પાંજરામાં ઊભા રાખવાનો પ્રયત્ન કરે છે. 

અહીં બદલાવ આવી શકે જો સ્ત્રીઓ પહેલ કરે એવા પુરુષોને જન્મ ન આપે જેમની માનસિકતા આટલી નબળી હોય. પુરુષોની માનસિકતા માટે આપણે સ્ત્રીઓ પણ પચાસ ટકા જવાબદાર છીએ તે કબૂલવું પડે. બાકી મોટાભાગની સ્ત્રીઓની જેમ કહીને છૂટી જવાય કે અમારું તો ઘરમાં ચાલતું જ નથી. એવું કહેનાર સ્ત્રીએ પુરુષોની બળાત્કારી નજરનો અને બળાત્કારી માનસનો ય ભોગ બનવા તૈયાર રહેવું પડે છે. શું કામ આપણે પુરુષોની માનસિકતાની જવાબદારી લઈએ. તેમની સામે સબળા બનીને ઊભા રહેવું પડશે. જેટલું લખી શકાય છે કે કહી શકાય છે તેટલી આ બાબત સહેલી નથી પણ અઘરી ય નથી. નાનો બદલાવ પણ ધીમે ધીમે મોટો બદલાવ લાવી શકે છે. પુત્રને તો સંસ્કાર આપી જ શકાય કે સ્ત્રીના વ્યક્તિત્વનો આદર કરવો અને પુત્રીને શરીર બાબતે ખોટી સભાનતા ન કેળવવાના વિચારો આપી શકાય.

You Might Also Like

0 comments