દબંગ દંગલ (mumbai samachar)
04:05ઉત્તર પ્રદેશમાં દંગલ શબ્દ ખૂબ પ્રખ્યાત છે. દંગલનો અર્થ થાય કુસ્તી. ઉત્તર પ્રદેશનાં ગામોમાં દંગલ લોકપ્રિય રમત છે. ઓલિમ્પિકમાં રમાય છે એવી ફ્રી સ્ટાઈલ કુસ્તી અહીં દંગલના નામે ઓળખાય છે. આસપાસનાં ચોવીસ ગામો ભેગા થઈને તેનું આયોજન કરતા હોવાથી તેને ચોબીસી પણ કહેવાય છે. આ દંગલોમાં જીતનારને ટ્રોફી ઉપરાંત રોકડાં નાણાં મળતાં હોવાથી પૈસા માટે તેમાં ભાગ લેનારાઓ ઘણા હોય છે. બીજી કોઈ રમત હોય કે ન હોય પણ દરેક ગામમાં કુસ્તી માટેનો અખાડો જરૂર હોય જ્યાં પુરુષોને જ કુસ્તી શીખવાડવામાં આવતી. પુરુષો દ્વારા રમાતી અને પુરુષો જ જોવા આવે એ દંગલમાં હવે છોકરીઓ પોતાનાથી વજનમાં વધુ હોય તેવા પુરુષોને કુસ્તીમાં હરાવે છે ત્યારે દસ હજાર પ્રેક્ષકોમાં ઉત્તેજના છવાઈ જાય છે. જાતીય ભેદભાવ એમ તો ન જ જાય કોમેન્ટેટર લડકી સે ખાઈ હાર જેવા શબ્દો પ્રેક્ષકોના મનોરંજન માટે વાપરે ત્યારે પ્રેક્ષકો જે ૯૯ ટકા પુરુષો જ હોય તેઓ ચિચિયારી પાડી ઊઠે. દંગલમાં ભાગ લેનારી છોકરીઓને ખરાબ લાગે છે પણ ચુપ રહે છે કારણ કે અહીં સુધી આવવા માટે તેમણે અનેક મુસીબતોને પાર કરી હોય છે. ઓલિમ્પિકમાં સાક્ષી મલિકે કાંસ્ય પદક જીત્યા બાદ હવે લોકોની માનસિકતામાં વધુ બદલાવ આવશે તેવી આશા આ છોકરીઓ સેવી રહી છે. સાક્ષી મલિકે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો એટલે આજે ઘરે ઘરમાં લોકો જાણે છે. પણ ઉત્તર પ્રદેશમાં હવે અનેક છોકરીઓ કુસ્તી શીખી રહી છે એટલું જ નહીં તેઓ માનઅકરામ મેળવે છે.
દિવ્યા કાકરન ફક્ત ૧૮ વરસની છે અને છેલ્લાં છ વરસથી એટલે કે ૨૦૧૦થી દંગલમાં કુસ્તી લડે છે. તેણે એશિયન કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે ૨૦૧૦થી દંગલમાં ભાગ લઈને પોતાની ઉંમરના અનેક મલ્લોને પરાસ્ત કર્યા છે. અત્યાર સુધીમાં તે ફક્ત બે જ વાર હારી છે. તેના ઘરની દીવાલો ટ્રોફીઓ અને મેડલથી ભરચક છે. દિવ્યા કાકરન નાની હતી ત્યારે પોતાના ભાઈને કુસ્તીની પ્રેકટિસ કરતાં જોતી. તે છોકરા જેવી દેખાતી એટલે પહેલાં તેને કુસ્તી માટે પ્રવેશ આપ્યો પણ પછી છોકરી હોવાને કારણે બહાર કાઢી મૂકવામાં આવી. ફક્ત જોઈ જોઈને શીખેલી દિવ્યા કાકરને જ્યારે પહેલી વખત છોકરાને દંગલમાં હરાવ્યા બાદ તેને અખાડામાં આવવા દીધી. દિવ્યા કાકરન
પહેલી કુસ્તી લડનારી છોકરી નથી. ૧૯૯૦માં ચંદગીરામ પહેલવાને પોતાની દીકરીઓ ગીતા અને બબિતાને કુસ્તી શીખવાડી હતી. ગીતા અને બબિતાએ પણ દંગલ કુસ્તીમાં ભાગ લીધો હતો. જો કે તેઓ પુરુષોની સાથે નહીં પણ બીજી સ્ત્રી સાથે જ કુસ્તી લડતી હતી.
૨૩ વરસની ઈન્દુ ચૌધરીએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ચાર વરસ પહેલાં કાસ્ય ચંદ્રક જીત્યો છે. તેના પિતાએ કુસ્તી શીખવાડી હતી પણ ગામવાળાઓની ટીકાથી ડરીને તેમણે ઈન્દુને કુસ્તી છોડી દેવાનું પણ સમજાવ્યું હતું. ઈન્દુએ કુસ્તી છોડવાની ના પાડી દીધી અને ચંદ્રક જીતીને લોકોનું મોઢું બંધ કરી દીધું. મેરઠના એક નાનકડા ગામ કાઝમાબાદ ગુનમાં તે રહેતી હતી હાલ તે દિલ્હીમાં ટ્રેઈનિંગ લઈ રહી છે. ઈન્દુ પણ દંગલમાં કુસ્તી લડવા જાય છે. તે કહે છે કે મને ઘણું મુશ્કેલ લાગતું સ્વીકારવું કે ઘરમાં કે ગામમાં અમારે છોકરાઓ સાથે કોઈપણ કોન્ટેક્ટ રાખવાની મનાઈ હોય છે. પણ કુસ્તીમાં તો તમારે છોકરાઓના શરીરની સાથે શરીર લગાવવું જ પડે. દંગલમાં બહુ ઓછી સ્ત્રીઓ ભાગ લે છે એટલે પુરુષો સાથે લડ્યા સિવાય છૂટકો નથી હોતો.
ઉત્તરાખંડની ૧૮ વરસીય નેહા તોમરે ૨૦૧૬ના જાન્યુઆરી મહિનામાં તેનાથી ૧૬ કિલો વધુ વજન ધરાવતા સોનુ પહેલવાનને દંગલ કુસ્તીમાં હરાવી દેવાનો રેકોર્ડ રચીને ચર્ચાનો વિષય બની હતી. નેહાના પિતા પણ રેસલર હોવાથી તેમની પાસે જ ઘરે તે કુસ્તી શીખી. દંગલનું આયોજન કરનાર સુરેશ રાઠોડ કહે છે કે અમે ૧૯૭૨ની સાલથી દંગલનું આયોજન કરીએ છીએ તેમાં આ વરસે પહેલીવાર કોઈ સ્ત્રીએ પુરુષને હરાવ્યો છે.
અર્જુન એવોર્ડ મેળવનાર અલકા તોમર સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનારી પહેલી ભારતીય યુવતી હતી. ૨૦૧૦માં તેણે આ કાંસ્ય પદક જીતીને કુસ્તીમાં ભારતનું નામ દુનિયામાં ગાજતું કર્યું હતું. મેરઠ જિલ્લાના સિસોલી ગામની રહેવાશી અલકાને તેના પિતાએ પ્રેરણા આપી હતી કુસ્તી શીખવાની. જો કે તે વખતે તેની માતાનો પણ કુસ્તી સામે વિરોધ હતો. જ્યારે ગામવાળાઓએ પણ અનેક ટીકાઓ કરી હતી. કોમનવેલ્થ ગેમમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ગામવાળાઓ તેના માટે ગર્વ અનુભવતા થયા.
હાલમાં જ જુનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ચોથા ક્રમાંકે આવેલી દિવ્યા તોમર પણ મેરઠથી ૧૬ કિમી. દૂર આવેલા મઉ-ખાસ ગામની છે અને તેના માતાપિતા ખેતીનું કામ કરે છે. મેરઠમાં આવેલી ચૌધરી ચરણ સિંઘ યુનિવર્સિટીમાં તે કુસ્તી શીખવા જવા માગતી હતી ત્યારે તેના માતાપિતાએ તરત જ સ્વીકારી લીધું એટલું જ નહીં તેને કહ્યું કે ગામવાળાઓની ટીકાથી ગભરાતી નહીં. તું સફળ થઈશ તો તેમનાં સમીકરણો બદલાઈ જશે. બન્યું પણ એમ જ. મેરઠની આ કુસ્તી યુનિવર્સિટીમાં કુસ્તી શીખવાડતા કોચ જબ્બાર સિંઘે ૧૯૯૯ની સાલમાં સૌ પ્રથમ અલકા તોમરને કુસ્તીની તાલીમ આપવાનું શરૂ કર્યું ત્યારે તેમને પોતાને પણ માનસિકતા તોડતા સમય લાગ્યો હતો. જબ્બાર સિંઘને છોકરીના શરીરને અડતાં જ કંઈક પાપ કર્યાની લાગણી થઈ હતી. શરીરને અડ્યા વગર તો કુસ્તી થાય જ નહીં. એ ગુનાહિત ભાવમાંથી નીકળતા તેમને સમય લાગ્યો હતો. પણ પછી અલકા તોમરે ચંદ્રકો જીતવા માંડ્યા એટલે કોચ સિંઘનો ગુનાહિત ભાવ ઓગળવા માંડ્યો.
ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલી વિનેશ ફોગટ, બબીતા કુમારી અને સાક્ષી મલિક પર ઘણી આશાઓ હતી આ બધી સ્ત્રી કુસ્તીબાજોની. સાક્ષીને ચંદ્રક મળતા જ એ આશા પૂરી થઈ. તેમને આશા છે કે હવે ગામવાળાઓ તેમની ટીકાઓ નહીં કરે. જો કે ઉત્તર પ્રદેશમાં છેલ્લાં છ વરસથી દંગલમાં સ્ત્રીઓનો પ્રવેશ થઈ ચૂક્યો હતો તે જ એક મોટી બાબત છે. જ્યાં સ્ત્રીનું જન્મપ્રમાણ પુરુષો કરતાં ઓછું હોય અને સ્ત્રીઓને ઘરમાં પણ કોઈ નિર્ણય લેવાનો અધિકાર ન હોય તેવા રાજ્યમાં આજે કુસ્તીના દંગલમાં સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે એટલું જ નહીં તેઓ પુરુષોને માત પણ આપી રહી છે. જો કે તેમને માટે કુસ્તી એક રમત છે અને તેમાં સામેની વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ તેનું મહત્ત્વ નથી હોતું. આ બધી છોકરીઓને તો પોતાની ક્ષમતા પુરવાર કરવી છે. સ્ત્રી એટલે અબળા નહીં પણ જો તેને યોગ્ય તાલીમ અને વાતાવરણ મળે તો પુરુષોની જ રમત ગણાતી કુસ્તી પણ કરી શકે છે.
0 comments