નવરાત્રીની
શુભકામનાઓ સાથે ગરબાના ઈતિહાસમાં સહેજ ડોકિયું કરીએ. રાજકોટ, કાઠિયાવાડ
અને મુંબઈના ગરબાઓની વાત માંડીએ.
ગરબા તને લાગ્યો આધુનિકતાનો રંગ રે.... આવો ગરબો કોઈ રચે તો નવાઈ નહીં. કોઈ કહી શકે કે બદલાતા જમાના પ્રમાણે બદલાવું જરૂરી છે. ગણેશોત્સવની જેમ નવરાત્રીના ગરબા દ્વારા સામાજીક સંદેશાઓ સાથે જનજાગૃતિનું કામ પણ થતું. આઝાદીની ચળવળમાં પણ ગરબાઓ ગવાતા. તો માતમા ગાંધીના ય ગરબા બન્યા. થોડો સમય પહેલાં પાટીદારોએ પણ અનામતના ગરબાઓ લખાવી, ગવડાવીને નવરાત્રીને સામાજીક ચળવળમાં ઉપયોગ કર્યો છે તે એનો બોલતો પુરાવો છે. પહેલાંના જમાનામાં આપણે મોબાઈલ કે કોમ્પયુટર ક્યાં વાપરતા હતા ? આ લેખ પણ કોમ્પયુટર ઉપર લખાઈ રહ્યો છે. પહેલાં તો હાથે જ લખીને અપાતો. ઈમેલના જમાનામાં હવે પોસ્ટકાર્ડ પણ તો ભૂલાઈ ગયા છે. એ જ રીતે છેલ્લા ત્રીસ વરસથી ગરબામાં આધુનિકતાનો પ્રવેશ થઈ જ ગયો છે. ગુજરાતમાં રમાતા ગરબામાં હવે મોટેભાગે તાળીઓ પાડવામાં આવતી નથી. બદલાતા સમાજ સાથે બદલાતી રીતરસમો અને તહેવારો આપણે સ્વીકારી લીધા છે. નવી પેઢીને તો ખબર જ નહીં હોય ગરબાનું સાચું સ્વરૂપ તો જૂની પેઢીના મનમાં પણ જડાયેલ ગરબાની યાદો પર સમયની ધૂળ ચઢી ગઈ હશે. આપણી યાદોમાંથી સાવ ભૂલાઈ જાય તે પહેલાં ચાલો આજે જૂની નવરાત્રીની ભૂલીબિસરી યાદોને તાજી કરીએ.
ગરબાની
વાત કરીએ તો હું મુંબઈથી વાતની શરૂઆત કરીશ. મુંબઈમાં ગરબાની શરૂઆત ગુજરાતીઓ જ કરી હોય. પણ
કઈ રીતે થઈ તેની વાત- ગરબાને ફોર્મ છે જેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય, એક પ્રાચીન, બે અર્વાચીન જેમાં ચાલીસેક વરસ પહેલાંના ગરબાઓ અને ત્રીજા
અત્યારના ગરબાઓ. ગર્ભ ઉપરથી ગરબો શબ્દ આવ્યો. ગરબા ગવાય છે તે પહેલાં માતાજીનું
સ્થાપન થાય છે તે સૌ કોઈ જાણે છે. પ્રાચીન ગરબાની વાત લઈએ તો પહેલાં ગામના ચોકમાં
કે ડાયરાની જગ્યાએ ગરબા થતા. ગરબામાં ફક્ત સ્ત્રીઓ જ હોય, પુરુષોની હાજરી ન હોય. શક્તિની જ વાત, ને શક્તિ પોતે જ જ્ઞાન છે. જગદંબા શક્તિ છે. દિવસે
ઘૂમટો કાઢીને ફરતી સ્ત્રીઓ રાત્રે ગરબામાં જે જોમ અને જોશ સાથે ઘૂમતી જાણે સાક્ષાત
શક્તિ. દરેક જ્ઞાતિના ચોકમાં ગરબા થતા. પછી ધીમે ધીમે તેમાંથી મંડળો રચાયાં.
હરીફાઈ થવા લાગી કે કોના ગરબા સારા. પ્રાચીન ગરબામાં એક સાજ રહેતો નોબત અને ઢોલ.
કાળે કરીને તેમાં શરણાઈ ઉમેરાઈ. પછી વાંસળી ઉમેરાઈ. અર્વાચીન તબક્કાની શરૂઆત
અમદાવાદ અને વડોદરામાં થઈ. જે ગરબાઓ ચોકને શેરીમાં થતા તે હોલ અને ઓડિટોરિયમમાં
થવા લાગ્યા. વિવિધ પ્રદેશના ગરબાઓ આઈટમવાઈઝ રજૂ થતા. એ સમયે પણ ગુજરાતનો મુંબઈ
સાથે નાતો હતો. ગુજરાતના ગુજરાતીઓ મુંબઈ વસ્યા હતા. એટલે ગરબાઓ મુંબઈમાં પણ આવ્યા.
ગરબાને વ્યવસાયી રંગ લગાવ્યો તો મુંબઈએ. મુંબઈ સાથે રાજકોટના ગરબાની વાત કરીએ તે
પહેલાં ગરબાની રસપ્રદ વાતોના ઈતિહાસમાં ડોકિયું કરીએ. કહેવાય છે કે કૃષ્ણના પૌત્ર
અનિરુદ્ધને પરણનાર શોણિતપુરના રાજવી બાણાસુરની પુત્રી ઉષા આ લાસ્ય નૃત્ય લાવી જે
ગોળાકારે ફરીને કરાતું. તેણે દ્વારિકાની ગોપાંગનાઓને આ નૃત્ય શીખવાડ્યું.
લોકસાહિત્યના અભ્યાસુ જામનગર નિવાસી લાભશંકર પુરોહિત કહે છે કે ગર્ભમાંથી ગરબો
શબ્દ આવ્યો તે બરાબર પણ ગરબો કુરવઈ નામે ગોળ ફરીને ગાવાની પ્રથા છે જે દક્ષિણનો
પ્રકાર છે. ત્યાંથી ગુજરાતમાં આવ્યો. ગરબાની પ્રાચીન કથા જે બાણાસુરની પુત્રી
અનિરુદ્ધને પરણીને આવી ને રાસ લાવી તે ૧૭મી સદીમાં રસકૌમુદીમાં કવિએ આલેખ્યું છે.
રાસ અને ગરબા બે જુદા પ્રકાર છે. તેમાંય રાસ બે પ્રકારના છે તાલા રાસ અને લખુટા
રાસ જૈન કવિઓએ તેનો ઉલ્લેખ કર્યો છે. તાલીથી રમાય તે તાલા અને લખુટા એટલે લાઠીથી
રમાય. રાસ અને રાસડો એ પણ બે જુદા પ્રકાર છે. રાસએ લાસ્યભર્યો હોય જ્યારે રાસડોએ
ગાવાનો પ્રકાર છે જેમાં શૌર્ય ગાથાઓ ગવાતી. સૌથી જુની ગરબી છે ભાણદાસની -
ગગન
મંડળની ગાગરડી, ગુણ
ગરબી રે....
પછી
દયારામની ગરબી છે. જેમાં કૃષ્ણ રાધાના સંદર્ભો છે. રાજસ્થાનના કવિ વલ્લભ ભટ્ટે પણ
અનેક ગરબા લખ્યા છે. આજે ગવાતી માતાજીની આરતી જય આદ્યા શક્તિ મા.. જય આદ્યા શક્તિ
.... પણ વલ્લભ ભટ્ટની જ છે. મા પાવા તે ગઢથી ઉતર્યા.... તે ગરબો પણ વલ્લભ ભટ્ટે જ
લખેલો છે. પછી તો કળી કાળનો ગરબો ય લખાયો છે. અને ત્યારના રાજા મહારાજાઓની
પ્રશસ્તિઓના રાસ પણ લખાતા. જેમકે વડોદરાના રાજા મલ્હારરાવનો ગરબો તે હકિકતે રાસડો, કાદૂ બહારવટિયાનો રાસડો, હાજી કાસમનો રાસડો.’
ગુજરાતમાં
એક જમાનામાં ગરબો લઈને કુંવારિકાઓ મહોલ્લા-શેરીઓમાં ગાતી ફરતીને તેમાં તેલ
પૂરવામાં આવતું અને છોકરાઓ માટીના ઘોઘા લાવી અંતર દીપ મૂકી ઘરે ઘરે ફરતા અને
સોમનાથના યુદ્ધમાં વીરતા દાખવનાર ઘોઘા ચૌહાણની યાદમાં ગાતા,
ઘોઘો
ઘોઘો ઘોઘ સલામ,
નાથીબાઈના
વીર સલામ
આગલો
બંદૂકદાર, પાછલો
ચોકીદાર તેલ દ્યો, ધૂપ
દ્યો બાવાને બદામ દ્યો,
તાવડીમાં
ઠીકરી, જીવે
તમારી દીકરી.
ગુજરાતમાં
શાસ્ત્રીય નૃત્યનો કોઈ પ્રકાર નથી. પણ નવરાત્રમાં ગવાતા ગરબા અને રમાતા રાસએ તેની
આગવી ઓળખ બની ગયા છે. રાસ, હીંચ, હમચી, અચકો-મચકો, ઘૈરૈયા, અઠંગો, ગરબી વગેરે અનેક પ્રકારો છે. ગરબામાં જે સ્વાભાવિક
લઢણ, લય અને
જોમ હોય તેને આજે ગામઠી ગરબા કહીને ઓળખાય છે. એક તાલીનો ગરબો, ત્રણ તાલીનો ગરબો, દીપચંદી તાલનો ગરબો વગેરે એમ ગરબાના ઠેકાના પ્રકારો હતા. હકિકતે
ગરબા ગાનારાને રમનારા જુદાં નહોતાં. શહેરીકરણ આ ફેરફાર લઈને આવ્યું.
રાજકોટમાં
એક જમાનામાં મહિનાઓ પહેલાંથી કન્યાઓ ગરબાની પ્રેકટિસ કરતી. રાજકોટમાં જન્મીને
ઉછરેલા અને હાલ મુંબઈમાં રહેતા પન્ના રાજા ત્રીસેક વરસ પહેલાં થતાં રાજકોટના
ગરબાના આયોજનની વાત રસપૂર્વક કરે છે. રાજકોટમાં દરેક શેરીનું તેનું આગવું આયોજન
થતું. દીવડાં રાસ, માંડવી રાસ, માટલી રાસ, થાળી રાસ, મંજીરા રાસ, સાડી રાસ, દોરડા
રાસ, ટિપ્પણી રાસ, વગેરે અનેક પ્રકારો સાથે ગરબીઓ રજુ થતી. દરરોજ લ્હાણી પણ થતી જે
કન્યાઓને મળતી. ક્યારેક વળી મોટી લ્હાણી પણ થતી. રોજ રાત્રે લગભગ બેથી અઢી વાગ્યા
સુધી આવી ગરબીઓમાં કન્યાઓ વિવિધ રાસ રજુ કરતી. એ સિવાય શેરીઓમાં સ્ત્રી તેમજ
પુરુષો પણ ગરબે ફરે. વચમાં માતાજીનું સ્થાપન હોય અને તેની બાજુમાં હારમોનિયમ અને
તબલાં સાથે ગાયકો બેઠા હોય. જંકશન પ્લોટ અને હાથીખાના પ્લોટની ગરબીઓ પ્રખ્યાત હતી.
આજે પણ જંકશન પ્લોટની ગરબી એટલી જ પ્રસિદ્ધ છે.
કાઠિયાવાડના
દરેક ગામ અને શહેરમાં આ રીતે પારંપરિક ગરબીઓ ખેલાતી. તેમાં પુરુષોની બેસીને ઊભા
થઈને ચક્કર ફરીને રૂમાલ કે દાંડિયા સાથે રમાતો રાસ તો હવે ફિલ્મો સુધી પહોંચી ગયો
છે. ફિલ્મી ગરબાઓની વાત કરતાં પહેલાં મુંબઈની ય વાત કરી લઈએ.
ઢોલ, શરણાઈ સાથે મુંબઈની ગલીઓમાં રાસ રમાતો. પછી મ્યુઝીક પાર્ટીઓ
આવી. અને ગાનારા પણ આવ્યા. એક સમય એવો પણ હતો કે કેટલીક જગ્યાએ ફક્ત ફિલ્મી ગીતો જ
ગવાતા. દરેક સોસાયટી અને મકાનોના પોતાની નાની નવરાત્રીનું આયોજન થતું. પણ પછી
મોટાપાયે આયોજન થવા લાગ્યું. એક જમાનામાં ક્રિકેટના મેદાનો જેમાં આંતરરાષ્ટ્રિય
મેચ રમાય છે તે બ્રેબોર્ન સ્ટેડિયમ અને વાનખેડેમાં પણ કમર્શિયલ
નવરાત્રીનું આયોજન થતું હતું. પણ ગુજરાતીઓની વસ્તી પરાં વિસ્તારમાં શિફ્ટ થતાં
મુંબઈમાં આયોજન ઓછા થતાં ઘાટકોપર, બોરિવલી, ગોરેગાંવ, મુલુંડ અને જુહુ વિસ્તાર જ્યાં ગુજરાતીઓની વસ્તી
વધુ હોય ત્યાં આયોજન થવા લાગ્યા. આ બધુ છતાં આજના જમાનામાં એ પરંપરા જાળવી રાખનારા
કેટલાક લોકો છે. ડો. રાજશ્રી દ્વારા નાગરોનું એક મંડળ છેલ્લા ચાલીસ વરસથી બેઠાં
ગરબાનું આયોજન કરે છે. જેમાં ફક્ત આમંત્રિતોને જ પ્રવેશ હોય છે. તેમાં પારંપરિક
અને પ્રાચીન માતાજીની સ્તુતિ કરતાં જ ગરબા ગવાય છે. મલાડ ઈસ્ટના કાઠિયાવાડી ચોકમાં
હજી દર નવરાત્રીએ અસલ કાઠિયાવાડી પહેરવેશમાં પુરુષો ગરબી ગાય છે અને રમે છે.
મુંબાદેવી પાસે અને લુહારચાલમાં એક જમાનામાં લઠ્ઠ રાસ જોવા લોકો જતા.
વળી પાછા
ફ્લેશ બેકમાં જઈએ તો સ્ટેજ ગરબા ત્યારે મુંબઈમાં પ્રચલિત હતા. લગભગ ૧૯૪૦ની આસપાસ
એટલે કે આઝાદીની પણ પહેલાં મુંબઈમાં ભગિની સમાજ અને લીલાવતી મુનશીના જમાનામાં
ભારતીય વિદ્યાભવનમાં ગરબાઓ થતાં. સ્ટેજ ગરબાઓ જે પારંપારિક ગરબાઓની સાથે અર્વાચીન
ગરબાઓને રજૂ કરતા. અવિનાશ વ્યાસ, વીણા મહેતા ( હંસાના પ્રફુલ્લનું પાત્ર ભજવતા કલાકાર રાજેન
મહેતાના માતા), વંદના
દેસાઈ, સ્વ. વિનાયક
વોરા વગેરે અનેક નામો છે જે આજે વિસરાઈ ગયા છે. નિનુ મઝુમદારના લખેલા અનેક ગરબાઓ
આજે પણ ગવાય છે. મુંબઈમાં સ્ત્રી મંડળોમાં થતાં ગરબાઓએ સ્ત્રીઓમાં, સમાજમાં જાગૃતિ લાવવાનું કામ પણ કર્યું છે. નિનુ
મઝુમદારના દીકરી સોનલ શુક્લ એ ગરબાઓ વિશે કલાકો સુધી વાત કરી શકે છે. માડી તારો
વીંઝણો નલખ તોરણે જડેલો.... અને સાચીરે .... મારી સત રે ભવાનીમાં ...જેના અંતરામાં
નિનુભાઈ લખે છે કે મા તારા બનાવેલાં દીન દુખિયાની સેવા કરવી તે જ તારી પૂજા છે. તો
રાજુલ મહેતાએ ગાયેલ મારા સાયબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ પણ નિનુ મઝુમદારનું જ
લખેલું છે. ભગિની સમાજ દર વરસે કોઈ એક કવિના ગરબાઓ પર કાર્યક્રમ કરતા. તેમાં
વેણીભાઈ પુરોહિત, ઝવેરચંદ
મેઘાણી વગેરે હોય તો તેનું સંગીત આપતાં અજીત મર્ચન્ટ , દિલિપ ધોળકિયા , કલ્યાણજી આણંદજી પણ સાથે વગાડતાંને પછી કંપોઝ પણ કરી આપતા.
હિન્દી ફિલ્મોમાં ગરબાને લાવવાનું શ્રેય તેમને આપી શકાય.
તેમણે
કંપોઝ કરેલો પ્રખ્યાત ગરબો, મૈ તો
ભૂલ ચલી બાબુલકા દેશ પિયા કા ઘર પ્યારા લગે.... આજે પણ લોકોને યાદ છે. તો હમ દિલ
દે ચુકે નો ઢોલી તારો ઢોલ વાગે... કે રામલીલાનો ભાતીગળ ગરબો લહુ મુંહ લગ ગયા... આ
બધામાં એક વસ્તુ કોમન છે અને તે પારંપારિકતા. સંજય ભણસાળીએ જ્યારે ગુજરાતી ગરબો
ફિલ્માવવાનું નક્કી કર્યું ત્યારે તેણે પારંપારિક ઢાળ, પહેરવેશ અને લાસ્યનું ધ્યાન રાખ્યું. લીલા ભણસાળી
તેની માતા ભારતીય વિદ્યા ભવન અને વર્ણમમાં ગરબા કોરિયોગ્રાફ કરતા હતા. સંજય પણ
તેની માતાની સાથે જતો. ભગીની સમાજ બાદ અર્વાચીન ગરબા કરનારમાં વર્ણમનું નામ
જાણીતું હતું. નવીન શાહ તેમાં ગરબા કમ્પોઝ કરતા. આણંદજીભાઈ કહે છે કે
સરસ્વતીચંદ્રનો ગરબો ફિલ્મ વાર્તાની માગ હતી અને તે પારંપરિક રીતે જ બનાવવાનો હતો.
તેમાં વાંજિત્રો દેશી કે વિદેશી ન હોય. શબ્દો, ઘૂન,ઢાળ તમે
શું આપવા માગો છો તે મહત્ત્વનું છે. આણંદજીભાઈએ એક ગજબની વાત કરી. એકવાર તેઓ
કચ્છમાં ગરબા જોઈ રહ્યા હતા. લોકો ઘૂમી રહ્યા હતા અને ગરબો ગવાતો હતો કે મારી કરી
મોટી કીધી ભૂલ રે.... ગોડસેના વીરા માતમા ગાંધીને નોતા મારવા....’ શબ્દો સાંભળીને
તેઓ ચમકી ગયા હતા. આજે પણ તેઓ એ શબ્દો ભૂલી નથી શકતા.
- 21:12
- 0 Comments