નવા વરસે લખીએ નવી કહાણી (mumbai samachar)
23:17
ગુજરાતમાં દિવાળી કમ ચૂંટણીનો માહોલ રંગ પકડી રહ્યો છે. નરેન્દ્ર મોદી-અમિત શાહ અને રાહુલ ગાંધી પ્લસ કૉંગ્રેસ વચ્ચે જામેલા જંગને લીધે આ વખતની ગુજરાત રાજ્યની ચૂંટણી દિવાળી કરતાં પણ વધુ ઉત્સુકતાનું કારણ બની છે. તેમાં ય છપ્પનની છાતીના વટનો ય સવાલ છે. બે વરસ પહેલાં બિહારની ચૂંટણીમાં જંગ હતો પુરુષોના અહંકાર વચ્ચે પુરવાર થવાનો. બન્ને પક્ષે અગ્રેસિવ ભૂમિકાઓ ભજવાઈ હતી. એની વે હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહે કદાચને ગયા વરસની ભૂલોને ન દોહરાવવાની ગાંઠ મારીને નવા વરસની શરૂઆત કરી હશે. કદાચ એટલા માટે કે પોતાની ભૂલો સ્વીકારવામાં પૌરુષીય અહંકાર નડતો હોય છે. વિકાસ ગાંડો થયો છે હમણાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે, પણ ભૂલોનો સ્વીકાર કરનાર પુરુષના વ્યક્તિત્વના વિકાસની શક્યતા રહે છે, નહીં તો બીજા પુરુષ તકની રાહ જોતા તૈયાર જ હોય છે. ટૂંકમાં એવી કેટલીક બાબતો હોય છે જે પુરુષને ફેઈલ્યોરિટીનો સ્વાદ ચખાડે છે. પુરુષ તરીકે રિજેકશન સ્વીકારવું અઘરું હોય છે. પછી તે ચૂંટણીમાં હોય કે નોકરીમાં-વ્યવસાયમાં હોય કે સ્ત્રીઓની બાબતે હોય. અસફળતા- અડચણો આવતા દરેક વ્યક્તિએ પોતાની જાતને ક્રિટિકલી જોવાની જરૂર ઊભી થાય છે. સતત વિકાસ માટે તૈયારી રાખતા પુરુષને ક્યારેક નાની મોટી અસફળતા મળવા છતાં અપયશ નથી મળતો, કારણ કે તેની અસફળતા કે હાર તે વ્યક્તિત્વનું રિજેકશન નથી હોતું.
કેટલીક ભૂલોને ટાળી શકાય છે. જો તે અંગે સજાગ રહી શકાય તો... કેટલીક નાની નાની બાબતો જ હોય છે જે જીવનમાં તકલીફો પેદા કરે છે. ઉદાહરણ તરીકે સંજના અને પુલિનની વાત લઈએ. તેમના લગ્નને ૧૦ વરસ થઈ ગયાં છે. છેલ્લાં પાંચ વરસથી સતત તેમના સંબંધોમાં તાણ દેખાય છે. તેનું કારણ છે પુલિનનું કેટલુંક વર્તન જેની સંજનાને ચીડ ચઢે છે. તે ઈચ્છે તો ય અણગમો છુપાવી નથી શકતી. તેને પુલિન માટે આદર નથી રહ્યો. અને પુલિનને તેનો અહેસાસ થતા ગુસ્સો આવે છે. પણ વ્યક્ત નથી કરી શકતો. આમ તો પુલિન અને સંજના જુદાં જ રહે છે તેમનાં બે બાળકો સાથે, પરંતુ પુલિનનાં મોટા ભાઈ-બહેનો અને માતાપિતા જ તેમના જીવનના નિર્ણયો લે છે. શરૂઆતમાં તો નાના હોવાને કારણે સંજનાએ સહન કર્યું પણ છેલ્લાં પાંચ વરસથી તે પોતાના પતિને પુરુષ તરીકે કેટલાક નિર્ણયો લેતો જોવા માગે છે. જરા જરા વાતમાં તે ભાઈ-બહેનોને ફોન કરે અને દરેક વાત જણાવે. દરેક બાબતે તેમની સલાહ લીધા બાદ જ નિર્ણય કરે તે સંજનાથી સહન નથી થતું. અનેક સમજાવટ છતાં પુલિનમાં આત્મવિશ્ર્વાસ આવી શક્યો જ નહીં. વાત કેટલી નાની હોવા છતાં પતિ-પત્ની વચ્ચે એક દૂરી નિર્માણ થઈ ગઈ હતી.
તો બીજી તરફ કોર્પોરેટમાં નોકરી કરતાં અશેષની વાત છે. તે સતત ફ્રસ્ટ્રેશનમાં જ રહે છે. કારણ કે ઑફિસમાં એને પહેલાં એકવાર નિષ્ફળતા મળી હતી ત્યારથી તે જવાબદારી લેતાં ગભરાતો હતો. એટલે જ તે કોઈ નિર્ણય ન લઈ શકતો. દરેક વાતે તે ઉપરીને પૂછવા જતો જેને કારણે તેને જવાબદારીભર્યો હોદ્દો આપવામાં નથી આવતો. તેણે હંમેશાં બીજાના હાથ નીચે જ કામ કરવું પડે છે. પણ તેના સ્વભાવમાં ક્યારેય બદલાવ આવતો નથી. અશેષ પોતાની આ નિષ્ફળતાના રોદણાં રડ્યા કરે પણ તેના વિશે સજાગ બનીને પરિવર્તન લાવવાનો પ્રયત્ન નથી કરતો. પુરુષ સંવેદનશીલ હોય તે ઈચ્છનીય છે અને ખોટાપૌરુષીય અભિગમ ન ધરાવતો હોય તે પણ જરૂરી હોય છે. પણ જો તે જવાબદારી લેતાં ડરે કે નિર્ણયો ન કરી શકે તો પોતાની આસપાસની વ્યક્તિઓમાં આદર નથી મેળવી શકતો.
સામી વ્યક્તિના મનમાં આદર ન રહે તો પુરુષના અહમ પર મોટો ઘા પડે છે.
સ્ત્રીને ઉપભોગનું સાધન તરીકે જોતાં પુરુષોને ક્યારેય સંબંધોમાં સંતોષ મળી શકતો નથી. ન તો તે ક્યારેય આદરનું પાત્ર બની શકે છે. તેની આસપાસ સંબંધોમાં નિષ્ફળ પુરુષો જ આંટા મારતા દેખાશે. વળી સફળતા અને સુખ માત્ર પૈસા કમાવવાને કહી શકાતી હોત તો મોટાભાગના લોકો કદી ય દુખી કે અસંતુષ્ટ ન હોત. પ્રદીપની વાત લઈએ. એની હાજરીમાં પત્ની કે દીકરીઓ બોલી શકતાં નથી. પોતાના મનની વાત તો જરાય નહીં. તે એવું માને છે કે તેમની દરેક જરૂરિયાત પૂરી કરે છે. પૈસાની કમી નથી. જોઈએ તે લાવી આપે છે. અને હા તેમના જીવનના દરેક નિર્ણયો પણ પ્રદીપ જ લે છે. ક્યાં ફરવા જવું. શું પહેરવું, ક્યાં ભણવું, શું ભણવું, કોની સાથે મિત્રતા રાખવી વગેરે... પ્રદીપના ઘરની સ્ત્રીઓને દુખ નથી પણ ફ્રીડમનો અહેસાસ નથી. તેની પત્ની પણ ક્યારેય દિલ ખોલીને પ્રદીપ સાથે વાત કરી શકી નથી. પ્રદીપને ય આ વાત અંદરખાને ખબર હોવા છતાં પૌરુષીય સ્વભાવ બદલી શકાતો નથી. કશુંક ખોટું થઈ રહ્યું હોવા છતાં પકડાતું નથી. ઘરમાં બધા સુખી હોવા છતાં એક જાતની તંગદિલી સતત લાગ્યા કરે. તેની પત્નીને એને લીધે બ્લડપ્રેશર, ડાયાબિટીશ તો પ્રદીપને પોતાને પણ હાઈ બ્લડપ્રેશરની બીમારી છે. એક દિવસ અચાનક તેને પેરેલિસિસનો એટેક આવ્યો. તે એમાંથી બહાર આવ્યો પણ વધારે ચીડિયો બની ગયો. પ્રદીપ જો સમય સંજોગો સાથે નમ્ર થવા સાથે થોડો બદલાયો હોત તો કોઈ તકલીફ તેના જીવનમાં હતી જ નહીં.
કેટલીક બાબતો જે વિશે વિચાર કરીને સુધારી લેવામાં આવે તો સંબંધોમાં અને ઑફિસમાં આદર અને સફળતા બન્ને મેળવી શકાય છે.
ૄ આળસુ અને મોટિવેશન ન હોય તેવો પુરુષ આદર અને આવકાર બન્ને ગુમાવે છે.
ૄ નિર્ણય લેવાનું ટાળવું એટલે કે જવાબદારીથી ભાગવાની વૃત્તિ નાનામાં નાની બાબતોમાં પણ ખટકી શકે છે.
ૄ નકામી મજાકો કરવી. ખાસ કરીને સ્ત્રી માટે આદર ન હોવો. છીછરી વાતો કે મસ્તી મજાક પૌરુષીય ગુણ નથી જ. આવી મજાક કહેવાતી સફળ વ્યક્તિને પણ નાનો બનાવી શકે છે.
ૄ પોતાને, મિત્રોને કે સ્વજનોને ક્યારેય ઉપયોગી ન થઈ શકે. પણ સતત બીજાનો ઉપયોગ કેમ કરવો તેનો જ વિચાર કરે.
ૄ પોતાના પૈસા, નોકરી કે દરજ્જા વિશે સતત બડાઈ મારે. પોતાની વસ્તુઓ જેમકે ગાડી, મોબાઈલ, લેપટોપનો દેખાડો કરે. પૈસાના જોરે બધું જ મેળવી શકાય છે એવી શેખી મારનાર અંગે લોકોમાં માન નથી રહેતું.
ૄ પોતાના જ કામ અને તેમાં પોતાનું મહત્ત્વ વધારે છે તેવી શેખી મારવી તે યોગ્ય નથી. ઉચ્ચ હોદ્દા પર હોય તે બરાબર પણ ત્યારે નમ્રતા આભૂષણ બને છે. વળી તમારા કામ સિવાય બીજાનું કામ મહત્ત્વનું નથી એવું જતાવવું પણ યોગ્ય નથી.
ૄ સાહસનો અભાવ - જીવનમાં પણ સાહસની જરૂર પડતી હોય છે. કેટલીક વખત પારંપારિક રુઢિઓની વિરુદ્ધ જવાની હિંમત કરવી પડતી હોય છે. જે પુરુષ એવું નથી કરી શકતો તેને માટે પત્ની કે ગર્લફ્રેન્ડને માન નથી રહેતું. ખોટું જોખમ ન લે પણ પરંપરા કે રુઢિઓ જે યોગ્ય ન લાગે તો તેનો વિરોધ કરવાની હિંમત તો હોવી જરૂરી છે.
ૄ બુલિઈંગ - અર્થાત શારીરિક રીતે કે બોલચાલમાં અસભ્ય શબ્દો કે વર્તન કરે તેવો પુરુષ કોઈપણ સ્ત્રીનો કે સમાજનો આદર મેળવી શકતો નથી.
ૄ પોતાની ભૂલ ક્યારેય ન માનનાર કે કબૂલનાર, પોતાની ભૂલોને સ્વીકારનાર કે કબૂલનાર વ્યક્તિ ખરા અર્થમાં વિકાસ કરી શકે છે અને પુરુષ તરીકે આદર મેળવી શકે છે.
ૄ સતત પોતાના દેખાવ પ્રત્યે સભાન હોય. બાવડાં દર્શાવવા કે વાળ, નખ આઈ બ્રો વગેરે સતત ઠીક કરે, વારંવાર આયનામાં જોયા કરે. તેવા પુરુષમાં આત્મવિશ્ર્વાસ ઓછો છે તે જણાઈ આવે છે.
ૄ સાચું બોલી ન શકતો પુરુષ ફેઈથફુલ હોવાની શક્યતા નહિવત હોય છે.
ઉપર જણાવેલ દરેક મુદ્દાઓ સ્ત્રીને પુરુષથી દૂર લઈ જાય છે. સંબંધોમાં તિરાડ વધારે છે. સફળતાથી પુરુષને દૂર રાખે છે. તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો તે આ વરસે દૂર કરી શકો તેવી શુભેચ્છા સહ સાલ મુબારક.
0 comments