તેરે ચહેરેમેં ક્યા જાદુ હૈ.... (saanj samachar)
05:30
– ચહેરાના જાદુ વાળું ઉપરોક્ત ગીત વૈજ્ઞાનિકોને
પણ ગમ્યું હશે એટલે તેમણે સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો.
ચહેરો એ દરેકના વ્યક્તિત્વનો આયનો છે એવું આપણે
માનીએ છીએ તે સાવ ખોટું નથી. વળી કેટલાક ચહેરાને જોઈને ભલે એવું લાગતું હોય કે
અદ્દલ કોઈક જાણીતી વ્યક્તિ જેવો છે તે છતાંય તેમાં કેટલાક વિશિષ્ટ ભેદ હોય જ છે.
ટૅક્નોલૉજીના
જમાનામાં કોઈનું શરીર અને કોઈનો ચહેરો લઈને ફોટાને ફોટોશોપમાં મિક્સ કરવામાં આવે
છે તે જોયું જ હશે. આખાય શરીરમાં ચહેરાનું પ્રમાણ આમ તો ઘણું જ નાનું હોવા છતાં
આપણે ચહેરાને લીધે જે તે વ્યક્તિને ઓળખીએ છીએ નહીં કે શરીરને લીધે. જો ચહેરો જ ન
હોય તો વ્યક્તિને ઓળખવી મુશ્કેલ બને છે. એટલે આપણો ચહેરો જ ખરી રીતે તો આપણી ઓળખ
છે એવું કહી શકાય.
આમિર ખાન, સલમાન ખાન વીસ વરસ પહેલાં
જેવા દેખાતા હતા તેવા આજે નથી જ દેખાતા. તે છતાં આમિર ખાનમાં કંઈક આમિરપણું રહે છે
અને સલમાન ખાનમાં સલમાનપણું હોય છે. અમિતાભ બચ્ચન ૭૫મા વરસે અને ધર્મેન્દ્ર ૮૧મા
વરસે પણ તેમના આગવા ચહેરાને કારણે આજે પણ ઓળખાય છે. ડુપ્લિકેટ ગમે તેટલા હોય તે
છતાં ઓરિજીનલની સાથે કોઈ હરિફાઈ ન થઈ શકે. તેનું કારણ શું? તમે તમારા જેવા કેમ દેખાઓ
છો? એ સવાલનો
જવાબ કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ શોધી રહ્યા છે. તેમને વળી આવું વિચારવાની કે શોધવાની
શું જરૂર પડે? તેવો
સવાલ જરૂર થાય. એક તો કોમ્પ્યુટરમાં તમારો ડેટાબેઝ તૈયાર થઈ જ રહ્યો છે. જો તમે
સ્માર્ટફોન વાપરતા હશો તો તમને દેખાશે કે તમે જે વ્યક્તિને ફોન કરો છો કે સોશિયલ
મીડિયામાં ચેટ કરો છો ત્યારે જે તે વ્યક્તિનો ચહેરો પણ દેખાશે જો એ વ્યક્તિએ
પોતાનો ચહેરો પોતાના નામની સાથે,
ઈમેઈલમાં કે સોશિયલ મીડિયામાં ચિટકાડ્યો હશે તો. હવે વીડિયો કોલ પણ
આવી ગયા છે ત્યારે તમે સીધી તે વ્યક્તિને સામે સ્ક્રિન પર જોઈ શકો છો. એ વ્યક્તિ
જો કે હજી રૂબરૂ નથી લાગતી પણ ટૂંક સમયમાં વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા તમે એ
વ્યક્તિની સામે બેઠા હો કે ઊભા હો તેવું પણ શક્ય બનશે, પણ એવું કરવા માટે એટલે કે
૩ડી ઈમેજ ઊભી કરવા માટે જરૂરી બને છે તમારા ચહેરાની વિવિધ ભાવ ભંગિમા તમે બોલો
ત્યારે કઈ રીતે બદલાય છે તે ડિજિટલાઈઝડ કરવા જાણવું જરૂરી બને છે.
વૈજ્ઞાનિક સંશોધકો કહે છે
કે માનવીનો જેમ વિકાસ થતો ગયો તેમ દરેક ચહેરો યુનિક એટલે કે આગવી ઓળખ ધરાવતો
બન્યો. જો દરેક ચહેરા એક સરખા જ હોત તો દુનિયા કેટલી કોમ્પ્લિકેટેડ હોત. દુનિયામાં
કરોડો ચહેરા છે તે દરેકની પોતાની એક અલગ ઓળખ છે અને એ દરેક અનેક રીતે બીજા ચહેરાથી
જુદા છે. ચહેરા જુદા છે એટલે આપણે એકબીજાને ઓળખી શકીએ છીએ. એક ચહેરાથી બીજા
ચહેરાને જુદો તારવી શકીએ છીએ. જો આપણે બધા લગભગ એક સરખા દેખાતા હોત તો દુનિયામાં
કેટલી ગરબડ હોત. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડૉ. માઈકલ શિસાન કહે છે કે જો બધાના
ચહેરાઓમાં સામ્ય હોત તો કોણ સંબંધી કે સ્વજન અને કોણ પારકું તે ઝટ ઓળખાત નહીં. કોણ
ઑફિસનું ને કોણ ઘરની વ્યક્તિ તે કહેવું મુશ્કેલ થઈ પડત. જોકે તમે થોડી વાતચીત કરો
ત્યારબાદ જ ફરક ખ્યાલ આવત.
૧૯૮૮ની સાલમાં શિસાન અને
તેના સાથીઓએ દરેક શરીરના માપ લઈને તેનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ તેમણે
અમેરિકન લશ્કરમાં કામ કરતા બ્લેક ઍન્ડ વ્હાઈટ સ્ત્રી પુરુષોનો અભ્યાસ શરૂ કર્યોં.
તેમણે શરીરના દરેક ભાગ વચ્ચેના અંતરના માપનો કમ્પેરેટિવ અભ્યાસ શરૂ કર્યોં. તેમને
જાણવા મળ્યું કે શરીરના માપ કરતાં ચહેરાના માપ તદ્દન જુદાં હતા. અર્થાત્ શરીરના
માપના લક્ષણો ઘણા અંશે સરખા હોઈ શકે પણ બે ચહેરાના માપમાં સમાનતા જોવા મળી નહીં.
ખાસ કરીને તેમના ચહેરા પરના ટ્રાયએન્ગલ વિસ્તારના લક્ષણો યુનિક હતા એટલે કે આંખ, નાક અને હોઠ. આ ત્રણે
બાબતમાં અનેક વિવિધતા જોવા મળે છે. કોઈપણ બે વ્યક્તિના ચહેરા એકદમ સરખા હોતા નથી.
એક જ પરિવારની બે વ્યક્તિઓના ચહેરા સરખા જેવા લાગતા હોય તે છતાં તેમના આંખ, કાન અને હોઠના માપ, આકાર જુદા હોય છે.
માનવનો ચહેરો એટલે પણ
મહત્ત્વનો છે કે આપણે ભલે સામી વ્યક્તિને તેની કાઠી, કદ પ્રમાણે પણ ઓળખી કાઢતા હોઈશું પણ ચોક્કસપણે
વ્યક્તિને ઓળખવા માટે તેનો ચહેરો જ મહત્ત્વનો હોય છે. આપણે કેમ બીજા લક્ષણો નહીં
પણ ચહેરાથી જ બીજી વ્યક્તિને ઓળખીએ છીએ, કારણ કે આદિકાળથી માણસ પાસે સૂંઘવાની શક્તિ કરતા જોવાની શક્તિ વધુ
તેજ છે. ચિત્રતાત્મક ઈન્દ્રિય સતેજ હોવાને કારણે જ આપણું ધ્યાન માણસના ચહેરા પર
જાય છે જે દરેકની યુનિક ઓળખ છે.
હવે આજના ડિજિટલાઈજેશનની
દુનિયામાં તમારા ચહેરાનો ઉપયોગ પણ વ્યાપારિક ધોરણે થાય છે. તમે જે ફોટા સોશિયલ
મીડિયામાં અપલોડ કરો કે રસ્તે ચાલતા કે પછી મોલમાં ખરીદી કરતા સીસીટીવી કૅમેરા પણ
તમારો ચહેરો અપલોડ કરે છે. અનેક રીતે તમારો ચહેરો ડેટાબેઝરૂપે સરકાર અને કંપનીઓ
પાસે જમા થાય છે. આવો ડેટાબેઝ તૈયાર કરવા માટે પણ તમારા ચહેરા પર આવેલા કેટલાક
પોઈન્ટનું મહત્ત્વ ઘણું હોય છે જે તમને તમારી આગવી ઓળખ આપે છે. પ્રસિદ્ધ હૉલીવૂડ
અભિનેતા ટોમહેન્કનો ચહેરો એકદમ જ આગવો છે. એટલે જ કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો મોટેભાગે
ટોમહેન્કનો ચહેરો ઉપયોગમાં લેતા હોય છે. વ્યવસાયિક રીતે તમારો ચહેરો ડેટાબેઝનો ભાગ
થઈ જાય છે. તમારા ચહેરાની સાથે તમારો આખો પ્રોફાઈલ તૈયાર થાય છે. તમારી જાતિ, ઉંમર, વ્યવસાય, તમને શું ગમે છે નથી ગમતું, તમે શું ખરીદો છો, શું ખાઓ છો, ક્યારે વેકેશન પર જાઓ છો
વગેરે વગેરે. તમારા ગમા-અણગમા સાથેનો પ્રોફાઈલ તમારા ચહેરા સાથે તૈયાર થયા બાદ તે
કંપનીઓને વેચવામાં આવે છે. આવા ડેટાબેઝ લે-વેચ કરવાનો વ્યવસાય ઊભો થયો છે. ફેસબુક
ચહેરો ઓળખી લેતી એપનો ઉપયોગ કરે જ છે જેથી તમે જ્યારે ફોટો કે વીડિયો અપલોડ કરો તો
તે વ્યક્તિને ટેગ કરી શકો. ચીનમાં આવી એપ ટૅક્નોલૉજી ઑફિસ કે સોસાયટીમાં પ્રવેશ
દ્વાર પર ઓળખ સાબિત કરવા ઉપયોગમાં લેવાય છે. તમારો ચહેરો જ તમારું આઈ કાર્ડ બની
જાય છે.
જો કે, હવે એવો વખત આવવાનો છે કે
તમે સતત કોઈને કોઈ કૅમેરાની નજર હેઠળ હશો. રસ્તા પર ચાલતા કે ઓફિસમાં કે પછી ઘરમાં
પ્રવેશતા, ખરીદી
કરવા જતાં કે બાગમાં ચાલવા જાઓ ત્યારે તમારો ચહેરો સતત કૅમેરાની આંખોથી ક્લિક થાય
છે. તમે તમારી જાત સાથે એકલા હો અને કોઈ તમને જોતું ન હોય એવી જગ્યા ભાગ્યે જ મળી
શકે એવું બને. ચહેરો તમારી ઓળખ છે એ જ બાબત સારી પણ છે અને નરસી પણ છે એવું લાગે
તો નવાઈ નહીં. કેટલાક લોકો એમ સમજતા હોય છે કે આપણે સોશિયલ મીડિયા પર ચહેરો મૂકતા
જ નથી એટલે તેને કોઈ ડેટાબેઝ તરીકે વાપરી ન શકે. જો તેઓ ઘરની બહાર નીકળે છે તો
તેમનો ચહેરો ક્યાંકને કયાંક તો ડેટાબેઝમાં જમા થવાનો જ છે. તમારો ચહેરો કઈ બ્રાન્ડ, કંપની કે સરકારના
ડેટાબેઝમાં છે તે ખબર નહીં પડે.
0 comments