અડધું રાજપાટ આપી દેવું કોઈને ગમતું નથી (mumbai samachar)
04:34હમણાં વોટ્સએપ પર એક સંદેશો ફરી રહ્યો છે. તેમાં સ્ત્રીઓ જે ઘરમાં કામ કરે છે તેની કિંમત આંકીને જો દર મહિને તેનું રોકાણ કર્યું હોય તો આજે તે ઘરવાળી તમને વિદેશની ટૂર પર લઈ જઈ શકે એટલી સંપત્તિની માલકણ હોય.
મેસેજ સારો છે અને યોગ્ય પણ છે. તે છતાં કશે પણ આ રીત અપનાવાતી કે જાગ્યા ત્યારથી સવાર કહીને ઘરમાં ફેરફાર થયો હોય તેવી સ્થિતિ જોવા મળી નહીં. હા, કેટલાક પુરુષો ટેક્સ બચાવવા માટે પત્નીના નામે કેટલીક સંપત્તિ કરે છે અને કેટલુંક રોકાણ પણ કરે છે. તે છતાં એ રૂપિયાને પોતાની રીતે વાપરવાનો અધિકાર તે સ્ત્રીને હોતો નથી. કેટલીક વખત તો સ્ત્રીને ખબર પણ નથી હોતી કે તેના નામ પર કેટલી સંપત્તિ છે. સ્ત્રીઓ કહેશે કે અમને જરૂર જ શું હોય? સ્ત્રીના માતાપિતાને જરૂર પડી હોય ત્યારે તે સહજતાથી એ સંપત્તિમાંથી
સગવડ કરી શકે છે ખરી? જો હા તો તે ઘરમાં સમાનતા છે એવું કહી શકાય.
સતત થતાં રહેતાં અભ્યાસ અને સંશોધનમાં એક જ વાત બહાર આવે છે કે ભારતમાં પાર્લામેન્ટમાં ફક્ત ૧૧ ટકા સ્ત્રીઓ છે. જ્યારે કોર્પોરેટ ક્ષેત્રે તો હજી બે આંકડામાં ય મહિલાઓની સંખ્યા પહોંચી નથી. હાલમાં જ નવરાત્રીનું પર્વ ગયું અને હવે દિવાળી આવશે. આ દરેક તહેવારોમાં નારીશક્તિની આરાધના કરવામાં આવે છે. દિવાળીમાં સરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળીનું આરાધન કરવાનો મહિમા છે. તે છતાં આપણે ત્યાં સ્ત્રી શક્તિને સમાન અધિકાર આપવામાં નથી જ આવતો.
સ્ત્રીઓને થતાં અન્યાયની વાત કરવામાં આવે કે અનેક વિદ્વાન પુરુષો (પોતાને માનતા) તરત જ કહેશે કે શું હમ્બગ વાતો કરે રાખો છો? અમારા ઘરમાં તો સ્ત્રીઓને પૂર્ણ સ્વતંત્રતા છે. ગામડાંઓની વાત નથી આ તો મેગા અને મેટ્રો સિટીમાં રહેતા પુરુષોની વાત છે. અને હા, કેટલીક સ્ત્રીઓ પણ કહેશે કે પૂર્ણ સ્વતંત્રતા છે ઘરમાં. ચલો કબૂલ પણ કેટલાક નિરીક્ષણ અને સવાલોના જવાબ તમે આપી શકશો?
હજી આપણે ત્યાં સ્ત્રીઓ અને પુરુષોના ભાગલા પાડવામાં આવે છે. એવું કહીને કે સ્ત્રીઓને તકલીફ ન પડે એ માટે. તો વિચાર કેમ નથી આવતો કે તકલીફ પડે જ કઈ રીતે? સ્ત્રી પર બળજબરીથી પોતાની જાતને થોપતાં અને સ્ત્રીને ફક્ત ઉપભોગનું સાધન તરીકે જોનાર પુરુષો જ સ્ત્રી અને પુરુષના બે જુદાં ભાગ પાડવાના મત ધરાવતાં હોય છે. કેમ એવો સમાજ ન રચી શકાય કે જ્યાં સ્ત્રી-પુરુષને એકબીજાની સાથે રહીને ય એકબીજાનો ડર ન લાગે?
આવે સમયે કેટલાકને કહેતાં સાંભળ્યા છે કે આગની બાજુમાં ઘી રાખો તો પીગળે જ. આવી દલીલો કરવા કરતાં સ્વસ્થ સમાજની રચના કરી હોય તો કેટલાય બનાવો ટાળી શકાય છે. સમાનતા નથી એટલે જ આ પ્રશ્ર્નો ઊભા થાય છે. કેટલાક ઘરોને બાદ કરતાં મોટાભાગના ઘરોમાં ઘરના કામ ફક્તને ફક્ત સ્ત્રીઓએ જ કરવાનાં હોય છે. પછી તે સ્ત્રી બહાર કામ કરવા જતી હોય કે માત્ર ગૃહિણી હોય. બહાર અને ઘરના ભાગ જે પાડવામાં આવ્યા છે તે બાબતે અનેક દલીલો થઈ ચૂકી છે. અહીં તેનો ફરીથી ઉલ્લેખ નથી કરવો. પુરુષો જ નહીં સ્ત્રીઓ પણ એવું જ માનીને વર્તતી હોય છે કે ઘરના કામની જવાબદારી અમારી જ હોય, કારણ કે પુરુષો બિચારા તે કરી શકે નહીં. નવરાત્રીમાં ગુજરાત જવાનું બને જ. ત્યાં જોયું કે નવરાત્રીના ગરબા, ભક્તિ ખૂબ જ ભાવપૂર્વક કરવામાં આવે.
મોટાભાગના લોકો ઉપવાસ કરે. બપોરે કે સાંજે ગરબા, સત્સંગ હોય. બહેનો વધુ થાકી જતી દેખાય. કારણ કે ગરબા ઉપરાંત ઘરના પણ કામ કરવાના. જ્યારે પુરુષો મોડા ઊઠી શકે, સાંજે કે રાત્રે મિત્રો સાથે ગામગપાટા હાંકી શકે. સ્ત્રીઓને ક્યારેય ચોરા પર કે પાનની કે સોડાની દુકાને ટોળાંમાં શાંતિથી ઊભેલી કે બેસીને રિલેક્સ કરતી ન જોઈ. પુરુષો જ્યારે બહાર ટોળાંમાં બેઠા હોય ત્યારે સ્ત્રીઓને રસોડામાં કે ઘરમાં ઝટપટ કામ પતાવતાં જોઈ. વળી આ તહેવારોમાં મહેમાનો પણ આવે એટલે વધારાનાં નાસ્તા-પાણી કરવાની જવાબદારી પણ વધે જ. તે સમયે માસ્વરૂપ એ નારીશક્તિની તકલીફોનો વિચાર કરવામાં નથી આવતો.
મને યાદ છે કે દિવાળીમાં પહેલાં ઘરની સફાઈ જાતે કરવાની રહેતી ત્યારે ઘણાં પુરુષો મદદ કરતાં હતાં. માળિયું સાફ કરવાની જવાબદારી પુરુષોની જ રહેતી. પણ હવે કેટલાક જ ઘરમાં સફાઈમાં પુરુષો પણ સાથ આપે છે.
સ્ત્રીએ ક્યારે ઊઠવું, શું કરવું, ન કરવું કે શું પહેરવું, ન પહેરવું બધું જ પુરુષોને ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે. પારંપરિક પોષાક સાડી જ દરેક સ્ત્રીઓ પહેરે પણ પુરુષો હવે ધોતી ઝભ્ભો તો પહેરતાં નથી? નવરાત્રી કે દિવાળીની ગરમીમાં પણ સ્ત્રીઓ સાડી અને ઘરેણાં ચઢાવશે કેમ કે આપણી સંસ્કૃતિ છે તો પુરુષો તો શર્ટ અને પેન્ટ જ મોટેભાગે પહેરશે.
આ બધી પરંપરાને નામે સ્ત્રીઓના મનમાં આમ જ કરાય અને આમ ન જ કરાય એવી ગ્રંથિઓ રોપવામાં આવી છે. હા, જો સ્ત્રીને પોતાને સાડી પહેરવી હોય તો વાત અલગ છે પણ તેણે એ દિવસે પણ જીન્સ અને ટીશર્ટ પહેરવું હોય તો કેમ ન પહેરી શકે? ફરી અહીં સુધરેલા, શ્રીમંત કુટુંબોની વાત નથી. મધ્યમવર્ગ જે ઘણો મોટો વર્ગ છે તેમના ઘરોમાં
સ્ત્રીઓની પરિસ્થિતિ હજી પણ અસમાનતાના ધોરણો પર જ ચાલે છે. શિક્ષણ આવ્યું પણ અસમાન પરંપરા ન ગઈ.
પુરુષોને માટે ઘણાં બદલાવો આવ્યા પણ સ્ત્રીઓનું જીવન ખાસ બદલાયું નહીં. તેમનાં બંધનો તૂટ્યાં નહીં. સ્ત્રીઓને ભણાવવામાં આવે કે તેને સારો વર અને ઘર મળે. નોકરી કરવી કે વ્યવસાય કરવો તે પતિ અને સાસુ-સસરા નક્કી કરે તેના પર જ આધાર રાખે. કેટલાકના ઘરમાં તો ચોખ્ખું કહેવામાં આવે કે બહાર કામ કરવા જવું હોય તો જાવ પણ ઘરના કામ અટકવા ન જોઈએ.
આવાં ધોરણ પુરુષો માટે નહીં કારણ કે એ બિચારા બહાર કામ કરીને થાકી જાય પણ સ્ત્રી થાકે નહીં. બહાર કામ કરીને આવતી સ્ત્રી રસ્તામાંથી શાકભાજી ખરીદીને આવે અને સીધી રસોડામાં જાય. જ્યારે વહેલો આવેલો પુરુષ ઘરમાં આવીને ટીવી જોતો બેઠો હોય અને જો સ્ત્રીને મોડું થાય તો ઘડિયાળ સામે જોતો ધૂંઆપૂંઆ પણ થતો હોય. આર્થિક રીતે સધ્ધર પત્ની પણ પોતાને ગુનાહિત માની નીચી ગરદને સીધી રસોડામાં જઈ ફટાફટ કામ કરીને ટેન્શન ઓછું કરવાનો પ્રયત્ન કરે.
આવું લગ્ન પહેલાં ય ઘરમાં જોયું હોય. ભાઈઓ કોલેજથી આવીને ક્રિકેટ રમે કે ટીવીમાં જુએ ને કેટકેટલા વાદવિવાદ કરે, જ્યારે બહેન કોલેજથી આવીને સીધી રસોડામાં મમ્મીને મદદ કરે. મમ્મી ઘરમાં ન હોય તો ભાઈ અને પિતાની સગવડો સાંચવે. તેને ક્યારેય અસમાનતા નડે નહીં. કાળજીરૂપી, સેવારૂપી પ્રેમ ફક્ત સ્ત્રીઓએ જ કરવાનો હોય. પુરુષો તો ફક્ત પ્રેમ કરે જેમાં તેના રક્ષણની જવાબદારી જ હોય.
જો સ્ત્રી ના પાડે કે હું ઘરમાં કામ નહીં કરું તો તેને ઘરની બહાર નીકળી જવાનો રસ્તો દેખાડવામાં આવે. પોતાની કોઈ સંપત્તિ પર અધિકાર ન હોય તે સ્ત્રી ક્યાં જાય? સ્ત્રી ઘરમાં કામ કરે છે તો પુરુષ બહાર કામ કરવા જઈ શકે છે તે ધોરણે પણ સ્ત્રીને સંપત્તિ પર સમાન અધિકાર આપવામાં આવતો નથી.
મેસેજીસ વાંચવા સારા લાગે, ફોરવર્ડ પણ કરવાના પણ અમલમાં મૂકવામાં તકલીફ જરૂર જ થાય કારણ કે અડધું રાજપાટ આપી દેવું કોઈને ગમતું નથી. જ્યારે સમાજમાં સાચી સમજ અને બદલાવ આવશે ત્યારે ખરા અર્થમાં નવરાત્રી-દિવાળી ઉજવાશે. આ વરસે દિવાળીની સફાઈમાં જુની અસમાનતાની સમજને સાફ કરી શકીએ તો સમાનતાના દીવડાઓ પ્રગટાવી શકાશે.
0 comments