તેરી બી ચુપ ઓર મેરી બી ચુપ (mumbai samachar)

03:53





ઈન્ટ્રો – સ્ત્રી પોસ્ટરમાં અર્ધનગ્ન હોય તો દેખાય છે, રસ્તા પર પસાર થતાં આકર્ષક હોય તો  દેખાય છે,  બાકી મોટે ભાગે તે દેખાતી નથી.

23 ઓક્ટોબરે બે ઘટનાઓ બની ધોળે દહાડે રસ્તા પર જેમાં સ્ત્રી પર અત્યાચાર થઈ રહ્યો હતો પણ લોકોને સ્ત્રીને મદદ કરવાની જરૂર જણાઈ નહીં. બેટી બચાઓ કહેનારાઓ અને દીકરી સાથે ફોટો પડાવી ગર્વથી પોષ્ટ કરનારાઓ બીજાની બહેન-દીકરીને આદર કે માન આપી શકતા નથી પણ તેના પર થતાં અત્યાચારના પણ મૂક પ્રેક્ષક બની રહે છે અથવા તેની ફિલ્મો ઉતારે છે. આ સમાચાર અંદરના પાનાંઓમાં નાનકડી કોલમમાં સૂવડાવી દેવાય છે તો કેટલાક અખબાર તો આવા સમાચારને છાપવાની જરૂર પણ લાગતી નથી.
એક ઘટનાતો મુંબઈના કુર્લા વિસ્તારમાં બની છે. 16 વરસની છોકરીને ભરબપ્પોરે 19 વરસનો છોકરો મારી રહ્યો હતો કારણ કે તે છોકરીએ ફેસબુક પર પેલા છોકરાએ કરેલી ખરાબ કોમેન્ટની ઘટના પોષ્ટ કરી હતી. છોકરો છોકરીને મારી રહ્યો હતો પણ આસપાસથી પસાર થતાં લોકોએ છોકરીની મદદ કરી નહીં. જ્યારે ખૂબ જ મારમારીને છોકરો ભાગી ગયો અને છોકરી બેભાન જેવી રસ્તા પર પડી ગઈ ત્યારે લોકો મદદ માટે પહોંચ્યા અને તેને હોસ્પિટલમાં લઈ ગયા. એ છોકરી સાથે 17 ઓક્ટોબરે આ ઘટના બની તેના આઘાતમાંથી તે હજી બહાર આવી શકતી નથી. તે ખૂબ જ ડરી ગઈ છે. ખાતી પીતી નથી કે સૂઈ શકતી નથી. તેને ડર છે કે હવે તે કોલેજ કેવી રીતે જશે. પેલો છોકરો ફરીથી તેને મારશે કે મારી નાખશે. એક તો એ છોકરાએ એ થોડો સમય પહેલાં સ્ત્રી તરીકે ગંદી કોમેન્ટ કરી અને તેની સામે છોકરીએ વાંધો ઉઠાવ્યો તો તેને માર મારવામાં આવ્યો. સ્ત્રીની સલામતી કેટલી છે અને સ્ત્રી પર અત્યાચાર થાય છે ત્યારે કોઈને કેમ દેખાતું નથી?
બીજી ઘટના બની છે આન્ધ્ર પ્રદેશના વિજાગ શહેરમાં. એક 43 વરસની સ્ત્રી પોતાના પતિની હિંસાથી કંટાળીને, ત્રાસીને ઘરની બહાર નીકળી ગઈ હતી. ત્રણ દિવસની ભૂખી તરસી ભટકી રહી હતી. થાકીને રસ્તા પરના એક ઝાડના ટેકે બેઠી હતી કે એક દારૂડિયા યુવાને બપોરે બે વાગ્યે તેના પર રસ્તા પર બળાત્કાર કર્યો. લોકો આસપાસથી પસાર થતાં હતા અને જોઈને ચાલી જતાં હતા. એક રિક્ષાવાળાએ તે બળાત્કારની ઘટનાની ફિલ્મ ઉતારી અને લોકોને મોકલી એટલે કિસ્સો પ્રકાશમાં આવ્યો. તે સ્ત્રી એટલી નબળી પડી ગઈ હતી કે તે પોતાનો બચાવ કરી શકી નહોતી કે ન તો બચાવ માટે મોટેથી બૂમો પાડી શકી હતી. તે છતાં તેણે વિરોધ કર્યો પણ તેને બચાવવા કોઈ જ ન આવ્યું. આ માનસિકતા શું જણાવે છે?  સ્ત્રી ન તો હજુ ઘરમાં સુરક્ષિત છે કે ન તો ધોળે દિવસે રસ્તા પર. દિલ્હીનો નિર્ભયા કેસ થયો હતો ત્યારે લોકો જેમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી તેઓ કહી રહી હતી કે આટલી  રાત્રે બહાર નીકળવાની શું જરૂર હતી? તેમાં જ્યોતિ જે નિર્ભયાનું ખરું નામ છે તે રાતના નવ વાગ્યે તેના બોયફ્રેન્ડ સાથે ફિલ્મ જોઈને ઘરે પરત ફરી રહી હતી. અડધી રાત પણ નહોતી. પણ હવે તો ભરબપ્પોરે સ્ત્રી સાથે બળાત્કાર થાય ફુટપાથ પર પણ કોઈ બચાવવા ય ન આવે. કે કોઈ સ્ત્રીને લોહીલુહાણ કરી દે એ રીતે મારતું હોય તો ય કોઈને પડી નથી હોતી. આ શું દર્શાવે છે? સ્ત્રી જો પુરુષને આકર્ષક લાગી શકે, તેની જાતિયવૃત્તિની માનસિકતાને ઉત્તેજિત કરી શકે તો જ એને દેખાય છે, બાકી જે સ્ત્રી પર અત્યાચાર થતો હોય તો તેને કશો જ વાંધો નથી હોતો. કોઈપણ સ્ત્રી પર જાતીય કોમેન્ટ કરવી તેને મર્દાનગી સમજાતી હોય તેવા સમાજમાં સ્ત્રીની સલામતી માટે કેટલા પુરુષો અવાજ ઊઠાવવા તૈયાર હોય છે? આ સવાલ જ જો કે અસ્થાને લાગે છે. સ્ત્રીને આદર, સલામતી ન આપી શકતો સમાજ ક્યારેય સંવેદનશીલ ન હોઈ શકે. સ્ત્રીને ઉપભોગનું સાધન માનતો સમાજ જ તેની સલામતી કે સુરક્ષા માટેની ખેવના નથી રાખતો. જ્યારે પણ સમાજની આ માનસિકતાની વાત કરવામાં આવે છે ત્યારે પુરુષો દલીલો કરશે કે સ્ત્રી ઓછા કપડાં પહેરીને અંગ પ્રદર્શન શું કામ કરે છે?  ફિલ્મોમાં અર્ધનગ્ન નૃત્ય શું કામ દર્શાવે છે? સ્ત્રી પોતે જ પુરુષોને લલચાવે છે. વાત ખરી છે પણ એવી ફિલ્મો કે મોડેલોના ફોટા કોણ જુએ છે? ચલો માન્યું કે સ્ત્રીનો વાંક છે પણ સમાજ પૈસાપ્રધાન બનાવ્યો કોણે? અને આ રીતે મોડેલિંગ કરતી કે ફિલ્મમાં કામ કરતી સ્ત્રીઓ પર બળાત્કાર નથી થતાં. રસ્તા પર પસાર થતી સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે. સાડી પહેરેલી કે પંજાબી ડ્રેસ પહેરેલી સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે. ઘરમાં રહેતી કે પડોશમાં  રહેતી સ્ત્રીની, બાળકીની કે બાળકની જાતીય સતામણી થાય છે. શું એ બાળકોએ સેક્સુઅલી ઉત્તેજીત કરતા કપડાં પહેર્યા હોય છે? ના, સ્ત્રી જ્યારે અત્યાચાર સહે છે તો તે ત્યાગ અને સમર્પણની મૂર્તિ કહેવાય છે. અને જો તે અત્યાચાર સહન કરવાની ના પાડે છે તો બગડેલી આધુનિકા અને બદચલન કે સ્વાર્થીના નામે પોંખાય છે. 

રાજકીય ઉથલપાથલ અને ગૌરક્ષકો અને ગૌહત્યાની ચર્ચા કરનાર કે ચિંતા કરનાર પુરુષો ક્યારેય સ્ત્રી સુરક્ષા અને સ્ત્રીઓ પર થતાં અત્યાચારનો વિરોધ કરતાં નથી કે તેની ચર્ચાઓ કરતાં નથી. કારણ કે તેમને સ્ત્રી જાતિનું અસ્તિત્વ દેખાતું જ નથી. તેના પર કોઈ શોષણ કે સિતમ થાય છે તે જોવા જ નથી. પુરુષોને તો ન દેખાય પણ સ્ત્રીઓને પણ સહેવાની આદત પડી ગઈ છે. તેમનો સ્વર પણ સ્ત્રીના પક્ષે નહીં પણ વિરુદ્ધમાં જ બોલાય છે. સ્ત્રીઓ પણ પિતૃસત્તાક માનસિકતાની બોલી બોલવા લાગે છે. બાકીનાને લાગે છે કે આવી પુરુષ માનસિકતાને અવગણવાની તેમના વિરુદ્ધ બોલીને ફાયદો નથી. એ લોકો તમને ય ખરડે એના કરતાં ન જોવું કે ન બોલવું. સ્વતંત્ર અભિવ્યક્તિનો અધિકાર પુરુષોને છે સ્ત્રીઓને નથી તે વણલખાયેલો નિયમ આજે પણ અંદરખાને પ્રવર્તી રહ્યો છે. સોશિયલ મીડિયા પર  જાતીય શોષણ વિરુદ્ધ હાલમાં ચાલી રહેલું  મી ટુ અભિયાન માટે ય પિતૃસત્તાક માનસિકતાને વાંધો છે. તેમને લાગે છે કે આવા આંદોલનોનો કોઈ અર્થ નથી. સાચે જ માનવું પડશે કે કોઈ અર્થ નથી. લગભગ દરેક સ્ત્રી જાતીય સતામણીમાંથી પસાર થઈ હોય તો લગભગ દરેક પુરુષ તેમાં સંડોવાયેલો હોય તે સ્વીકારવું કેટલું અઘરું હોઈ શકે છે. આ પુરુષો તો ફક્ત પોતાને અર્ધનગ્ન દર્શાવતી સ્ત્રીઓના ફોટાઓ ઉપર જ સેક્સી કોમેન્ટ્સ કરતા હોય છે. બાકી તો તેઓ દરેક સ્ત્રીને આદર અને સન્માન જ આપતાં હોય છે. આવું માનીને બસ ખુશ રહેવાનું. આપણે એવી માનસિકતાનો વિરોધ પણ કરવાનો નહીં. એ લોકો સ્ત્રી પર થતાં અત્યાચાર અને હિંસાનો વિરોધ નહીં કરે એટલું જ નહીં તેમાં અવરોધ પણ નહીં ઊભો કરે. તેરી બી ચુપ ઓર મેરી બી ચુપ. બસ ચાલવા દો જેમ ચાલે છે તેમ.  

You Might Also Like

2 comments

  1. મોટે ભાગે લોકો ડરપોક હોય છે અને આવી સિચ્યુએશન કેવી રીતે ટેકલ કરવી એની તાલીમ નથી હોતી. ગુંડાઓનો હાથ છૂટો હોય છે, પણ સામાન્ય માનવીને તો બચાવના દાવપેંચ પણ નથી આવડતા. રાજાશાહીમાં જેમ રાજાને બધા પ્રકારની તાલીમ આપવામાં આવે છે, તેમ લોકશાહીમાં લોકો જ રાજા હોય તો તેમને પણ ફરજીયાત તાલીમ હોવી જોઈએ. કમ સે કમ ૧-૨ વર્ષની લશ્કરી તાલીમથી ઘણો ફેર પડે તેમ મારૂં માનવું છે.

    ReplyDelete