ભવરીદેવી આજે પણ ન્યાય માટે લડી રહ્યા છે

04:13












ઈન્ટ્રો – ડિસેમ્બર મહિનામાં 2012માં  નિર્ભયા જ્યોતિ પર થયેલા સામૂહિક બળાત્કાર કુકર્મ બાદ આખાય ભારતમાં તેનો વિરોધ થયો પણ 1992માં જ્યારે ભવરીદેવી સાથે એકવાર સામૂહિક બળાત્કાર થયો પણ પછી તે જીવિતી હતી એટલે શાબ્દિક અને બહિષ્કાર રૂપે તેના પર વારંવાર બળાત્કાર થયો. એ ભવરીદેવીને ન્યાય આજે પણ મળ્યો છે ખરો?

કાળો ઘેરદાર ઘાઘરો અને ખુલતા પીળા રંગની ઓઢણી જેમાં ફૂલોની ડિઝાઈન ભરેલી હતી, કપાળે મોટો લાલ ચાંદલો અને  આંખોમાં કાજલ સાથે પીડાનો એક સ્થાયી ભાવ પથ્થર જેવો અંકાયેલો તેની કરચલીઓમાં જોઈ શકાય. એ પીડામાંથી જન્મેલી ભંવરીદેવીને દુનિયાની કોઈપણ તાકાત તોડી શકે એમ નથી. તેમના પર પચ્ચીસ વરસ પહેલાં સામૂહિક બળાત્કાર થયો હતો. રાજસ્થાની ભાષામાં અસ્ખલિત બોલતી ભંવરીદેવીને એક સ્ત્રી તરીકે સમજવી મુશ્કેલ નથી. મંગળવાર 19 તારીખે  મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી કોરો સંસ્થા અને રિસર્ચ સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝ, એસએનડીટી દ્વારા આયોજિત નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા ભવરીદેવી મુંબઈમાં હતા ત્યારે એમની સાથે વાત કરવાનું બન્યું.

55 વરસની ભવરીદેવી કહે છે કે એ દુર્ઘટના મારી સાથે ઘટી એ તો અયોગ્ય જ હતી પણ તેના પછી અન્યાય વિરુદ્ધની મારી લડત શરૂ થઈ તે માટે ઈશ્વરે જ મને સક્ષમ બનાવી છે. આખાય સમાજે મને ખતમ કરવાના પ્રયત્ન કર્યા પણ હું સ્ત્રી છું. શક્તિ છું. કોઈની તાકાત નથી કે મને ખતમ કરી શકે. મરતા દમ સુધી હું અન્યાય વિરુદ્ધ લડીશ. ભવરીદેવીની હિંમત સામે માથું આદરથી ઝુકી જાય છે. ભવરીદેવી એક એવી મહિલા છે જે ક્યારેય જાહેરમાં પોતાના પર થયેલ બળાત્કાર માટે બોલતા નથી અચકાતી. એ પહેલી મહિલા છે કે જેણે કોઈ નિશાળમાં શિક્ષણ નથી લીધું કે બહારની દુનિયા જોઈ નહોતી છતાં હિંમતથી કહે છે કે બળાત્કાર કરનારાઓએ  શરમાવું જોઈએ, મારે શું કામ શરમાવું જોઈએ.
જયપુરથી 25 કિલોમીટર પર આવેલા ભટેરી ગામમાં રહેતી ભવરીદેવીનો સંસાર સુખેથી ચાલી રહ્યો હતો. એક દીકરો અને દીકરી અને પ્રેમાળ પતિ. કુંભાર જાતિની ભવરીદેવી માટીના ઘડાઓ બનાવીને અને બે વિઘા જમીનમાં થોડુંઘણું ઊગાડીને પોતાનો સંસાર ચલાવી રહી હતી. તેનો પતિ જયપુરમાં રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો. 1985ની સાલમાં ભવરીદેવીને વિમેન્સ ડેવ્હલપમેન્ટ પ્રોજેક્ટમાં સાથીન તરીકે કામ મળ્યું. સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમો ભવરીદેવીએ પોતાના ગામમાં પહોંચાડવાના. તેના નાના મોટા કામોને તો ગામે પૂરો સહકાર આપ્યો. બીજા ગામની એક સ્ત્રી પર થયેલા બળાત્કારના પ્રયાસ બાદ પણ તેને મદદ કરી હતી. 1992ની સાલમાં સરકારે બાળવિવાહ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું તેમાં સક્રિય રીતે ભવરીદેવીએ કામ કરવાનું શરૂ કર્યું. પોતાના જ ગામના ઉચ્ચ જ્ઞાતિના એક ઘરમાં નાનકડી બાળકીના વિવાહ તેણે અટકાવ્યા. એ વાત યાદ કરતાં ભવરીદેવી કહે છે કે, નાની કળી જેવડી બાળકીઓને ભણાવવાને બદલે લગ્ન કરાવી દે છે. એ કેવી રીતે જોવાય. મને કહે ભવરી અમારી ઈજ્જત, નાકનો સવાલ છે. હવે તો ઘરમાં લાડવા બની ગયા છે વચ્ચે ન આવ. મેં કહ્યું કે એવું નાક શું કામનું કે જે તમારી પોતાની બાળકીની જીંદગી ખતમ કરી નાખે. બસ એ બધાને મારા પર ગુસ્સો આવ્યો. 22 સપ્ટેમ્બરની સાંજે હું ને મારો પતિ ખેતરમાં કામ કરી રહ્યા હતા કે પાંચ જણાએ મારા પતિને માર માર્યો અને તેમાંથી બે જણાએ મારી સાથે ખરાબ કામ કર્યું. વો કે બાદ બે દિવસ સુધી હું ફરિયાદ લખાવવા માટે કેટલીય અવહેલના સહેતી રહી. મારી પાસે ત્યારે કશું જ નહોતું. ગામના પોલીસ સ્ટેશનમાં તો મારી ફરિયાદ પણ લખે નહીં મેડિકલ તપાસ વિના. ઉપરથી થાનેદારે કેટલીય ખરાબ વાત કરી મારો બળાત્કાર કર્યો કહી શકાય.  સાથીનની મારી દીદી કવિતા શ્રીવાસ્તવે મને મદદ કરી પણ મારી તકલીફો સતત વધતી રહી. ગામમાં અમારો બહિષ્કાર થયો. કોઈ અમારી સાથે રોટીપાણીનો વહેવાર ન રાખે. તો ય પણ હું હારી નહીં. નક્કી કર્યું કે જે મેં સહ્યું છે તેના કરતાં વધુ ખરાબ શું થઈ શકે? એટલે ગમે તે થાય લડી લેવાનું નક્કી કર્યું.
તેમને અટકાવીને પૂછ્યું તે વખતે ક્યારેય તમને  એકલા પડી જવાથી નિરાશા થઈ કે મરી જવાનો વિચાર આવ્યો. કારણ કે કાયદાની લડાઈ લાંબી ચાલી અને એ જ ગામમાં રહેવાનુંને અવહેલના સહેવાની.
તરત જ ગુસ્સાભર્યા અવાજે ભવરીદેવીએ કહ્યું કે શું કામ નિરાશા થાય? શું કામ મરવાનો વિચાર આવે? મે કંઈ ખરાબ કામ કર્યું નહોતું. જેણે ખરાબ વર્તન કર્યું હોય તેમણે મરી જવું જોઈએ. તેમને નિરાશા થવી જોઈએ. મેં તો લડાઈ ચાલુ જ રાખી. આમે લડાઈતો ન્યાય માટે હતી. મને ન્યાય મળવો જોઈએ. લડાઈ દરેક સ્ત્રીઓ માટે હતી. ખોટી પ્રથા અને પિતૃસત્તાક વ્યવસ્થા સામે હતી. હું વધારે હિંમતવાન બની છું. સાત વરસની સજા ભોગવીને એ લોકો ગામમાં આવી ગયા હતા. તેમાંથી ત્રણ નથી રહ્યા. બે જણા હજી જીવે છે. હું પણ એ જ ગામમાં રહું છું. શું થઈ શકે?  ત્યારબાદ મેં ગામમાં બીજા અનેક કામ કર્યા. છોકરીઓને ભણવાનું મહત્ત્વ સમજાવ્યું. તેમને ભણતી કરી. કારણ કે શિક્ષણ હશે તો જ સમાજ બદલાશે. અમારે ગામમાં તો છોરીને સાયકલ ચલાવવાની ય મનાઈ હતી. એકવાર એક છોકરીએ પોતાના ભાઈની સાયકલ ચલાવી તો બૂમાબૂમ થઈ ગઈ. હું ઊભી રહી તે છોકરી સાથે કહ્યું ચલાવ છોરી સાયકલ. પછી તો છોકરીઓને સાયકલ મળી જેથી તેઓ ભણવા માટે દૂરની શાળાઓમાં જઈ શકે. છોરીઆ છોરાઓ સે કમ થોડી ના હૈ. આજ તો છોરીઆ ગાડી ચલાવે હે દેખ કે મને આનંદ થાય છે. શહેર કરતાં ગામડાઓમાં હજી પણ જાતિ અને જ્ઞાતિનો ભેદભાવ છે પણ તે ય ધીમે ધીમે દૂર થશે. આજે બાળલગ્નો ગામમાં નથી થતાં અને છોરીઓ કોલેજ ભણે છે એ જોઈને મારી લડાઈ સાર્થક લાગે છે.
તેના પતિએ શું હંમેશ સાથ આપ્યો હતો? ભવરીદેવી બે ઘડી ચૂપ થઈ જાય છે. ધીમેથી કહે છે કે પતિ પણ આખરે પુરુષ છે તેણે શરૂઆતમાં સાથ પણ આપ્યો અને એકાદ બે વાર કહ્યું પણ ખરું કે જવાદે આ લડાઈ. એ તો શક્ય જ નહોતું. તકલીફોતો ઘણી ય આવી. આજે પણ છે તેનાથી શું થયું. ચૂપ તો ન જ બેસાય. પોતાના અધિકાર માટે લડવું તો પડે જ. 
આજની મહિલાઓ માટે કોઈ સંદેશ આપવા માગો છો તે પૂછ્યું તો કહે હા, કદી કોઈથી ડરો નહીં. પોતાને પુરુષોથી નીચી કે નાની ન માનો. ભણો અને પોતાનું જીવન સારી રીતે જીવો. સમાજમાં અન્યાય જુઓ તો તેની સામે લડો. તમે પોતે અન્યાયની સામે ક્યારેય ચૂપ ન રહો.
ભવરીદેવીનો કેસ ચાલ્યો ત્યારે એને ખોટી અને ખરાબ સાબિત કરવાના ય પ્રયત્નો થયા. ફક્ત પોલીસ નહીં રાજકિય વગનો ય ઉપયોગ કર્યો ઉચ્ચ જ્ઞાતિના લોકોએ કેસને રફેદફે કરવા માટે. 15 વરસ બાદ રાજસ્થાન સરકારે 2007માં કેસની સુનાવણી થઈ હતી ત્યારે જ બે વ્યક્તિઓ જેમણે બળાત્કારમાં સાથ આપ્યો હતો તેમનું મૃત્યુ થઈ ગયું હતું.  એક આ કેસ પરથી જ 1997માં વિશાખા ગાઈડલાઈન્સ બની જેમાં કામના સ્થળે થતી જાતીય સતામણી અંગે મહિલાઓની તરફેણમાં નિયમો ઘડવામાં આવ્યા અને ત્યારબાદ જાતીય સતામણીના કાયદાઓ આજે અસ્તિત્વમાં આવ્યા છે. આજે મહિલાઓને ન્યાય મેળવવાનું અઘરું નથી રહ્યું તે માટે ભવરીદેવીએ ઘણું સહન કર્યું છે. તેના પાયામાં ભવરીદેવીની હિંમત છે. જો એણે હિંમત હારી હોત અને લડાઈ ન લડી હોત તો આજે જાતીય સતામણીના કડક કાયદાઓ ન બન્યા હોત. ભવરીદેવીની હિંમત હતી એટલે જ અનેક સ્ત્રી સંગઠનો મહિલાઓ પર થતા જાતીય અત્યાચાર વિરુદ્ધ કાયદાઓ લાવવા માટે સરકાર પર દબાણ લાવી શક્યા. ભવરીદેવીએ અન્ય અનેક મહિલાઓ જેમના પર બળાત્કાર થયા હોય તેમને ન્યાય અપાવવા મદદ કરી છે.
ભવરીદેવીને 2002માં નિરજા ભનોત એવોર્ડ મળ્યો છે. દેશવિદેશમાં અનેક સન્માન મળ્યા છે. તેના જીવન પરથી બવન્ડર નામની ફિલ્મ બની છે, પણ ભવરીદેવીની પિતૃસત્તાક સમાજ સામેની લડાઈ હજી ચાલુ છે. તે દહેજ અને ડોમેસ્ટિક વાયલેન્સ જેવા મુદ્દાઓ પર ચળવળ ચલાવે છે. તેનું કહેવું છે કે પિતા જો પોતાની દીકરીને પ્રેમ કરતો હોય તો એના લગ્નમાં દહેજ આપવા કરતાં તેને પોતાના પગ ઉપર ઊભી કરવી જોઈએ. તેને શિક્ષણ આપીને આર્થિક રીતે સદ્ધર બનાવવી જોઈએ. 

You Might Also Like

0 comments