પારસી બાનુની અન્યાય સામે ન્યાયની લડત (મિડ-ડે)

19:40



સુપ્રીમ કોર્ટે ગુરુવાર 7 ડિસેમ્બરે જે  ચુકાદો આપ્યો છે તે પરિણીત સ્ત્રીઓને આનંદ આપે તેવા સમાચાર છે. લગ્ન બાદ પતિનો ધર્મ એ જ સ્ત્રીનો ધર્મ એવા અમદાવાદ હાઈકોર્ટના ચુકાદાને ફેરવી તોળતો ચુકાદો જસ્ટિસ દિપક મિશ્રા, એ કે સિકરી, એ એમ ખાનવિલકર, ડી વાય ચંદ્રચુડ અને અશોક ભુષણની બેન્ચે આપ્યો છે. ચુકાદા પ્રમાણે સ્ત્રી અને પુરુષ સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરે અને સ્ત્રી જુદો ધર્મ પાળતી હોય તો તે એનો મૂળભૂત અધિકાર છે. લગ્ન બાદ તેની ઓળખ કે ધર્મ પતિમાં ભળી નથી જતાં. આ ચુકાદો આવ્યા બાદ મુંબઈની પારસી મહિલા ગુલરુખનો ફોન રણકવાનું બંધ જ નથી થતો. સતત તેને અભિનંદન અને આભારના મેસેજીસ મળ્યા કરે છે. આ કેસ હતો ગુલરુખ ગુપ્તા વિરુદ્ધ વલસાડ ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટનો. 2008માં ગુલરુખે આ કેસ અમદાવાદ કોર્ટમાં ફાઈલ કર્યો હતો. જેનો ચુકાદો ગુલરુખની વિરુદ્ધ આવ્યો હતો એટલે તેણે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું હતું.
 વલસાડમાં જન્મેલી અને ઉછરેલી ગુલરુખ અદી કોન્ટ્રાકટર 1991ની સાલમાં મહિપાલ ગુપ્તાને પરણી છે. હાલ મુંબઈમાં રહેતી ગુલરુખે અમદાવાદ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો  હતો. જેમાં તેણે પોતાના માતા પિતા જ્યારે મૃત્યુ પામે ત્યારે તેમની અંતિમવિધિ જ્યાં થાય છે તેને દખમા કહે છે તે પહેલાં ધાર્મિક વિધિ  થાય છે. તે સમયે હાજર રહેવાની મંજુરી માગી છે. કારણ કે તેમાં અન્ય ધર્મમાં પરણેલી પારસી મહિલાઓને પ્રવેશ નથી આપવામાં આવતો. આ વિશે જ્યારે ગુલરુખે મિડ-ડે સાથે રુબરુ વાત કરી તે સમયે સૌ પ્રથમ તેણે પોતે ઘરમાં રાખેલા મંદિરમાં કઈ રીતે નિયમાનુસાર પ્રાર્થના કરે છે તે જણાવ્યું. પછી ઉશ્કેરાયેલા અને વ્યથિત સ્વરે તે કહે છે કે, મારી નવજોત સાત વરસની હતી ત્યારે થઈ અને આજે હું 54 વરસની છું. ત્યારથી આજ સુધી મેં પુરી શ્રધ્ધા સાથે પારસી ધર્મ પાળ્યો છે. દરરોજ સદરા અને કસ્તી બાંધીને જ હું પ્રાર્થના કરું છું. રાત્રે ગમે ત્યારે ઘરે આવું તો પણ પ્રાર્થના કર્યા સિવાય સુતી નથી મારા પતિ હિન્દુ ધર્મ પાળે છે અને તેઓ શાકાહારી છે. જ્યારે હું પારસી ધર્મ પાળું છું અને હું માંસાહારી છું. મારા પતિએ ક્યારેય કોઈ જ બાબતે મને રોકટોક નથી કરી. અને આજે જ્યારે છેલ્લા દસ વરસથી અન્યાય સામે લડી રહી હતી  ત્યારે પણ  તેઓ મારી પડખે હિંમત બંધાવતા ઊભા હતા. એટલે જ હું આજે જીતનો આનંદ માણી શકું છું જો કે હજી પાક્કો નિર્ણય નથી આવ્યો. કોર્ટે 14 ડિસેમ્બર સુધીમાં વલસાડ ટ્રસ્ટને પોતાના નિયમોમાં સુધાર કરવાનો સમય આપ્યો છે. જ્યારે તે લોકો એ નિર્ણય બદલે ત્યારે જ મારી એકલાની નહીં પણ દરેક પારસી સ્ત્રીની જીત કહેવાશે. મારી લડત અન્યાય સામે છે. ભેદભાવ વિરુદ્ધની છે. મારી લડત છે જેન્ડર બાયસ સામેની ..... ગરીબ તવંગરની....  આટલા ભણેલા ગણેલા પારસી સમાજમાં જો સ્ત્રી પુરષના ભેદભાવ થાય તે કેમ સાંખી લેવાય?  મારા માતાપિતા વલસાડમાં રહે છે. અમારે ત્યાં કામ કરતાં એક પારસીની દીકરી દિલબર જે મારી બાળપણની સખી છે તે પણ નોન પારસી છોકરાને પરણી છે. 2008માં તેની માતા મૃત્યુ પામી ત્યારે તેને દખમામાં નહીં જવા દીધી. આજે દુનિયામાં બીજો કોઈ એવો ધર્મ નથી જે દીકરીને પોતાના માતાપિતાની અંતિમવિધિ સમયે હાજર રહેવા ન દે. આ તો એક ક્રૂરતા છે. એક તો તે માતાપિતા ગુમાવે છે બીજું તેમને અંતિમવાર જોઈ ન શકે. તેનું કારણ શું? તો કહે  એવી માન્યતા છે કે તેનાથી મૃતકનું શરીર સડી જાય. દિકરીના જોવાથી માનું શરીર કેવી રીતે ખરાબ થાય. દિલબર ગરીબ છે એટલે તે લડી ન શકી. દુખી થઈને બેસી રહી જ્યારે મેં આ જાણ્યું ત્યારે મને  અહેસાસ થયો કે તો પછી મને પણ મારા માતાપિતાના અંતિમ દર્શન નહીં થઈ શકે. જ્યારે મેં આ પુછાવ્યું વલસાડની પારસી પંચાયતમાં તો મને પહેલાં તો ના પાડવામાં આવી પણ મેં તેમની સામે દલીલો કરી ત્યારે મને કહ્યું કે તને જવા દઈશું. કેમ કે મારા પિતા પણ ટ્રસ્ટી હતા તે સમયે,  કારણ કે અમે પૈસાદાર છીએ. દિલબર જેવી ગરીબ છોકરીઓને શું લાગણી ન હોય. બીજું એ કે 2003માં હું એક દખમામાં ગઈ છું. કારણ કે તે સમયે પારસી પંચાયતના પ્રમુખ હતા જહાબક્ષ ચાવડા. તેઓ ખૂબ સારા હતા અને ઉદારમતવાદી હતા. તે સમયે હું અગિયારીમાં પણ જતી. પણ તેમના નિધન બાદ જે નવા પ્રમુખ આવ્યા છે તેઓ રુઢિચુસ્ત છે. અને તેમણે નિયમો બદલ્યા છે. મને તેમણે મૌખિક હા પાડી લખી આપવાની ના પાડી. મારા માતાપિતા 84 વરસના છે. જ્યારે તેઓ નહીં રહે તે સમયે તેઓ ફરી નહીં જાય તેની શી ખાતરી . અને મારે તો ગરીબ પારસી મહિલાઓને પણ અન્યાય થાય તે નથી જોઈતું નિયમો ગરીબ-ધનવાન, સ્ત્રી-પુરુષ માટે સરખા હોવા જોઈએ. મુંબઈમાં ટ્રસ્ટ હવે થોડા લિબરલ થયા છે. અહીં સ્ત્રીઓને રોકવામાં નથી આવતી. ફક્ત વલસાડ ટ્રસ્ટમાં જ અન્ય ધર્મમાં પરણેલી સ્ત્રીઓને જ દખમામાં નથી જવા દેતા, પણ પારસી કોમની બહાર પરણેલા પુરુષને કોઈ રોકટોક નથી. જો તેમને પણ બંધી ફરમાવે તો મારો કોઈ ઝઘડો નહોતો. અને હું મારા માટે આ અધિકાર માગી રહી છું નહીં કે મારા પતિ કે મારા બાળકો માટે. વાડિયા કુટુંબોમાં 80 અને 34 વરસે પણ નવજોત કરવામાં આવી છે. અને તે કુટુંબમાં તો પારસી કોમની બહાર પરણવાની પરંપરા ચાલી આવી છે. હકિકતમાં તો નવજોત બાળપણમાં થાય પણ તેઓ પૈસાદાર એટલે બધા જ નિયમોમાં ફેરફાર થાય. મુંબઈ જેવા મોટા શહેરોમાં હવે ઘણી છૂટછાટ છે પણ વલસાડ જેવા નાના શહેરમાં આજના જમાનામાં પણ આવી સંકુચિતતા છે તેની વિરુધ્ધ કેસ કરીને હું મારો અધિકાર કાયદાકિય રીતે સલામત કરી રહી છું. સાથે આ રીતે સ્ત્રી-પુરુષ અને ગરીબ- તવંગરના ભેદભાવ પણ ધર્મમાંથી દૂર કરવાની માગણી મૂકી રહી છું કારણ કે આપણા દેશના બંધારણમાં આવી અસમાનતાને સ્થાન નથી. આ લડતમાં શરૂઆતમાં મારી સાથે મારા પતિ, મારી બહેન સિરાઝ, અમદાવાદ હાઈકોર્ટના મારા વકિલ પર્સિ કવેના અને  જેમણે મને પિટિશન લખી આપી તે સુરેશ પારેખ .  (પછી જરા અટકીને ગુલરુખ કહે છે) પર્સિ કવેના કે સુરેશ પારેખે મારી પાસે એક પાઈ નથી લીધી. સુપ્રીમ હાઈકોર્ટમાં જવાનું સહેલું ન હોત જો મારી બહેન સિરાઝ જે એડવોકેટ છે તે દિલ્હી ન રહેતી હોત. ત્યાં આગળ ઈંદિરા જયસિંગ, સિદ્ધાર્થ લુથરા અને સિરાઝની મહેનતે આજે ચુકાદો અમારા પક્ષમાં આવ્યો છે. અમદાવાદ હાઈકોર્ટમાં ત્રણ જજની બેન્ચ હતી તેમના નામ અત્યારે યાદ નથી પણ એક મુસ્લિમ જજનો નિર્ણય મારી ફેવરમાં હતો પણ મેજોરિટી વિરુદ્ધ હતી.
કોર્ટમાં જઈને કેસ ફાઈલ કર્યા બાદ લાંબી લડાઈ લડવાની અને ચુકાદો ફેવરમાં ન આવે તો ફ્રસ્ટ્રેશન આવે તો શું થતું એ વિશે ગુલરુખ વાત કરતાં કહે છે કે, કાંઈ અચાનક આ રીતે કેસ કરવાનો નિર્ણય નથી લીધો મેં પહેલાં ત્રણ મહિના વિચાર કર્યો હતો વલસાડ પારસી પંચાયત સાથે પત્ર વ્યવહાર કર્યો હતો અને પછી ત્રણ મહિના પિટિશન લખવામાં પણ સતત વિચાર્યુ હતું કે મારી લડાઈ ખોટીતો નથીને. પારસી ધર્મ વિરુધ્ધ આ રીતે ઊભું રહીને બધાની ખફગી વહોરી લેવા માટે પણ હિંમત જોઈએ જે મારી બહેન સિરાઝ અને મારા પતિએ આપી છે. અને આ રીતે પારસી કોમ બહાર પરણેલી મહિલાઓને દખમામાં ની વિધિમાં હાજર ન રહેવા દેવાય એવું ક્યાંય લખાયું નથી. આ બધા નિયમો ઊભા કરવામાં આવ્યા છે. દખમાની વિધિ દરમિયાન પ્રાર્થના કરવામાં આવે છે તો મારો પ્રશ્ન છે કે તમારી પ્રાર્થના કેવી નબળી કે એક દિકરીના હાજર રહેવાથી અપવિત્ર થઈ જાય. પૈસાદાર પારસી વ્યક્તિઓ માટેના નિયમોમાં બાંધછોડ થતી આવી છે. અને આ પહેલાં તો હું દખમામાં હાજર રહી હતી.તો દિલબરને કેમ રોકવામાં આવી? અને ભવિષ્યમાં મને પણ નહી રોક્વામાં આવે તેની ખાતરી શું? અમદાવાદ હાઈકોર્ટનો કેસ ચાલતો હતો ત્યારે મારા દિકરાની દસમાં ધોરણની બોર્ડની પરિક્ષા હતી. સહેલું નહોતું તે સમયે મુંબઈથી ગુજરાત આવવું જવું. તેમાં પણ જ્યારે તેમણે ટ્રસ્ટની વાત કબૂલ રાખી તો મને થયું કે સ્ત્રી શું માણસ નથી કે તેની પોતાની ઓળખની નોંધ ન લેવાય. વળી આપણાં બંધારણમાં સ્ત્રીને સમાન અધિકાર આપવામાં આવેલા છે તેનો ય અનાદર થાય અને કોઈ કંઈ બોલે નહીં. કાલે ઊઠીને મને મારા પતિ સાથે ન બને અને હું છૂટી થાઉં અને બીજા લગ્ન કરું તે કોઈ બીજા ધર્મનો હોય તો શું મારે વળી ત્રીજો ધર્મ પાળવાનો? બીજો અન્યાય એ છે કે બહાર પરણેલા પારસી પુરુષના બાળકોને અગિયારીમાં પ્રવેશ આપે છે પણ સ્ત્રીના બાળકોને નહીં. હવે તો આવા સ્ત્રી-પુરુષ અને ગરીબ-તવંગરના ભેદભાવ દૂર થવા જોઈએ. અને આ ચુકાદો દરેક ધર્મની સ્ત્રી માટે ઉપયોગી બનશે એવી આશા છે.  ” 
ગુલરુખે આ લડાઈ ફક્ત પોતાને માટે નહીં પણ દરેક સ્ત્રી માટે લડી છે જેમણે પરધર્મી સાથે લગ્ન કર્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન કરનાર સ્ત્રીએ ક્યો ધર્મ પાળવો તેનો નિર્ણય સ્ત્રીએ જાતે જ કરવાનો હોય છે. તેણે કોઈની પરવાનગી લેવાની નથી હોતી. આ ચુકાદો ભવિષ્યમાં અનેક કેસ અને સ્ત્રીઓના જીવન પર હકારાત્મક અસરો લાવશે.   

બોક્સ
જરસ્થુત ધર્મની પ્રથા પ્રમાણે જે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ જેમણે ધર્મ ત્યજીને લગ્ન કર્યા હોય તો (સિવિલ મેરેજ નહીં) તેને પારસી અગિયારી કે દખમામાં પ્રવેશ આપવામાં આવતો નથી. ઈંદિરા ગાંધીના પતિ ફિરોઝશાએ પણ ધર્મ ત્યજીને ફેરા ફરીને લગ્ન કર્યા હતા એટલે તેમને પણ પ્રવેશ બંદી હતી. પારસીઆનાના એડિટર જહાંગીર પટેલ પારસી રિવાજ વિશે માહિતી આપતાં કહે છે કે, જો મહિલાના પતિ કે તેના માતાપિતા એફિડેવિટ એટલે કે સોગંદનામું આપે કે મહિલાએ લગ્ન કરતાં સમયે ધર્મ ત્યજ્યો નહતો તો તેને દરેક ધાર્મિક વિધિમાં પ્રવેશ અપાય. તે માટે તેણે સિવિલ મેરેજ કર્યા હોવા જોઈએ. આપણે ત્યાં પિતૃપ્રધાન પ્રથા છે એટલે પુરુષે પરધર્મિ સાથે લગ્ન કરતી સમયે ધર્મ ત્યજવાની જરુરત નથી પડતી  જ્યારે સ્ત્રીઓએ પરધર્મમાં લગ્ન કરવા માટે ધર્મ ત્યજવાની જરુરત પડે છે એટલે આ પ્રથા છે. અન્ય ધર્મમાં પરણેલી પારસી મહિલાનો પતિ કે માતાપિતા સોગંદનામું લખી આપે તો તે મહિલાને મૃત્યુ બાદ પારસી પ્રથા પ્રમાણે દખમાની વિધિ કરવા દેવામાં આવે છે. સોગંદનામું એટલા માટે કે તે મહિલાએ પોતાનો ધર્મ ત્યજ્યો નથી તેની ખાતરી કરવા માટે છે. બાકી ધર્મ ત્યજીને લગ્ન કરનાર પારસી મહિલા ભલે લાગણીથી પારસી ધર્મ પાળતી હોય પણ તે પારસી નથી કહેવાતી. 1908ની સાલમાં જે આર ડી તાતાના માતા  ફ્રેન્ચ ક્રિશ્ચિયન હતા. મુંબઈ આવ્યા બાદ  જરથુસ્ત ધર્મ અંગીકાર કર્યો. એટલે આરડી તાતાએ પારસી પંચાયતને કહ્યું કે હવે તે દરેક વિધિ કરવાને હકદાર હોવા જોઈએ. પણ તેમને પારસી જરસ્થુત તરીકે સ્વીકારવામાં ન આવ્યા. તેમણે કેસ કર્યો હતો પણ ચુકાદો તેમની વિરુદ્ધ આવ્યો હતો. ત્યારબાદ ગુલરુખે કેસ કર્યો છે. હવે તો દુનિયા બદલાઈ રહી છે એટલે પારસીઓ પણ બદલાઈ રહ્યા છે તે છતાં કેટલાંક ઓર્થોડોક્સ એટલે કે રૂઢિચુસ્ત માનસ ધરાવનાર પારસીઓ પણ છે એટલે સંઘર્ષ છે. બાકી હવે તો 15 ટકા પારસીઓ મૃત્યુ બાદ  ડુંગરવાડી(ટાવર ઓફ સાયલન્સ) નથી જતાં પણ ક્રિમેટ કરવાનું પસંદ કરે છે.

દસમી સદીમાં ઈરાન પર મુસ્લિમોનું રાજ આવતા જરસ્થુત ધર્મ પાળતા લોકો ભારતમાં ગુજરાતને કાંઠે ઊતર્યા. પર્શિયાથી આવ્યા અને ફારસી ભાષા બોલતા હતા એટલે તેઓ પારસી કહેવાયા.  આજે ભારતમાં વસતા પારસીઓ જરસ્થુત ધર્મ પાળતા ઈરાનીઓના વંશજ છે જેમણે ભારતમાં સ્થાયી સ્થળાંતર કર્યું હતું. પારસી તેને જ ગણવામાં આવે છે જે પારસી માતાપિતા ધ્વારા જન્મયો હોય. પારસીઓની પોતાના ધર્મ બાબતે ખૂબ જ ચુસ્ત છે.જરથુસ્ત ધર્મમાં પારસી માતાપિતા ધ્વારા ન જન્મયા હોય તેમને પ્રવેશ કોઈ રીતે અપાતો નથી. 1909માં થયેલી કાયદાકિય વ્યાખ્યા પ્રમાણે.
1)      ઈરાનથી સ્થળાંતરિત થયેલા જરસ્થુત ધર્મી માતાપિતાના વંશજ જે જરસ્થુત ધર્મ પાળતા માતાપિતાથી જન્મયો હોય. 2)પર્શિયાના  ઈરાનીઓ જે જરસ્થુત ધર્મ પાળતા હોય. 3) પારસી પિતા અને અન્ય ધર્મી માતાથી જન્મેલી વ્યક્તિ જેને પ્રથા પ્રમાણે પારસી વિધિ કરવામાં આવી હોય. જો કે ઉપરોક્ત વ્યાખ્યાને 1948 અને 1966માં પડકારવામાં આવી હતી કોર્ટે આ પ્રથા બદલવા વિશે તે સમયે ટિપ્પણી કરી હતી પણ તે ફક્ત કહેવાયું હતું તેને કાયદાકિય રીતે બંધનકર્તા નથી માનવામાં આવતું એટલે આજે પણ પારસી ઉપરોક્ત વ્યાખ્યા પ્રમાણે જ માનવામાં આવે છે. એ જ પ્રથાને અનુસરવામાં આવે છે.ફેબ્રુઆરીની 21, 2006માં પારસી કોમની પત્રિકા પર્શિયાનામાં તંત્રીએ લખ્યું હતું કે કેટલીક પારસી માતા અને પરધર્મિ પિતાના બાળકોને તેમની માતાની ધર્મ પ્રત્યેની લાગણીને માન આપીને પારસી ધર્મ પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી છે પણ કાયદા પ્રમાણે તેમને  પારસી જરસ્થુત ન માની શકાય એટલે તેમને અગિયારીમાં પ્રવેશ ન મળી શકે.પારસીઓની જન સંખ્યા વિશે ઘણી ચિંતા સેવાઈ રહી છે . આખાય વિશ્વમાં લગભગ એક લાખ પારસીઓ રહ્યા છે. 2001ની જનસંખ્યાની ગણતરી પ્રમાણે ભારતમાં લગભગ 69000 પારસીઓ છે જેમાંના મોટાભાગના મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં સ્થાયી થયેલા છે. 1940ની સાલની ગણતરી પ્રમાણે એકમાત્ર ભારતમાં એકલાખથી વધુ પારસીઓ હતા. એક સર્વે પ્રમાણે દરેક દશકામાં લગભગ 9 ટકા પારસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાય છે તે પ્રમાણે જો જોઈએ તો 2020ની સાલમાં ફક્ત 23000 પારસીઓ ભારતમાં રહી જશે. જે છેવટે ટ્રાઈબ ગણાશે આવું 2000ની સાલમાં તારાપોરવાલાએ લખ્યું છે   અને 2004ની સાલમાં રોય એન્ડ ઉનિસાએ  પુસ્તકમાં લખ્યા પ્રમાણે મુંબઈમાં જ્યાં પારસીઓની સંખ્યા વધારે છે તેમાં 10 ટકા પારસી સ્ત્રીઓ અને 20 ટકા પારસી પુરુષો પરણતા નથી. મોડા લગ્ન, આંતરધર્મીય લગ્નોની વધતી સંખ્યા અને બાળકોને પેદા કરવાની સંખ્યામાં ઘટાડો થતાં  પારસીઓની સંખ્યા ઘટી રહી હોવાનું પણ નોંધાયું છે. બીજું કે પારસી માતાપિતાને ત્યાં જન્મયા ન હોય તે પારસી ધર્મ અપનાવી શકતા ન હોવાથી પણ તેમાં બીજી કોઈ રીતે સંખ્યા વધતી નથી.

ગુલરુખ જેવા યુવાનો એમ પણ વિચારો વ્યક્ત કરી રહ્યા છે કે પારસી ધર્મે સંકુચિતતા છોડીને થોડા ઉદાર બનવું જોઈશે તો જ પારસીઓની સંખ્યામાં ઘટાડો રોકી શકાશે. તેમણે પારસી માતા કે પારસી પિતાના બાળકોને ધર્મ અપનાવવાની છૂટ આપવી પડશે. આધ્યાત્મિકતા ઉદાર બનવાથી ઘટી નહીં જાય.પારસી સંસ્કૃતિને બચાવવા માટે ધર્મના કે પ્રથાના બંધનોમાં બાંધછોડ કરવા વિષે વિચાર થવો જોઈએ એવો પણ મત વ્યક્ત થઈ રહ્યો છે. જેમકે મુંબઈના ફોર્જેટ સ્ટ્રીટ પર આવેલા સાઈબાબાના મંદિરે અનેક પારસીઓ માથું ટેકવવા જાય જ છે.








You Might Also Like

0 comments