આ બધું શું ચાલી રહ્યું છે? (saanj samachar)
04:22
કેટલીક વખત આપણી જાતને સવાલો પૂછવાની જરૂર હોય છે અને જવાબ સાંભળવાની ય
જરૂર હોય છે.
આ લેખ તમે વાંચી રહ્યા હશો ત્યારે ગુજરાતની
ચૂંટણીનું પરિણામ આવી ગયું હશે. જીત કોઈની પણ હોય સમયનું ચક્ર સતત ચાલતું જ
રહેવાનું છે. છેલ્લા બે ચાર દિવસથી ક્યો પક્ષ જીતશે એવો સવાલ લોકો પૂછી રહ્યા હતા
ખરા પણ જવાબ તો તેમણે અપેક્ષિત જ રાખ્યો હતો. સવાલ પૂછ્યા પછી જવાબ સાંભળવા જેટલી
ધીરજ કોઈનામાં નહોતી. મોટેભાગે આપણે એવું જ કરતા હોઈએ છીએ કે બીજાને સાંભળવાનું કે
સામેના પક્ષનો ખુલાસો ય આપણને સાંભળવો નથી હોતો. એટલે કે ખરેખર આપણે સવાલ પૂછતાં જ
નથી હોતા. કારણ કે જ્યારે સવાલ પૂછીએ ત્યારે જવાબ સાંભળવાની તૈયારી પણ હોવી જરૂરી
છે.
હાર્વડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એજ્યુકેશનના ડિન અને
વેઈટ, વ્હોટ એન્ડ લાઈફ્સ અધર એસેન્સિઅલ ક્વેશ્ચન્સના લેખક જેમ્સ ઈ રાયન કહે છે કે
હું નાનો હતો ત્યારે સવાલો પૂછી પૂછીને મારા માતાપિતાને થકવી નાખતો. મમ્મી કે
પપ્પા શું કામ એવું વિચારે છે તેવો પ્રશ્ન મને થતો. જેમ્સ રાયને શિક્ષણક્ષેત્રે
કામ કર્યું છે એટલે જ પ્રશ્ન તેમના માટે અગત્યના છે. તેમનું કહેવું છે કે આપણે સવાલો
પૂછીને સામી વ્યક્તિનો જવાબ સાંભળવાને બદલે આગળ આપણે શું કહેવા માગીએ છીએ તે
વિચારવા લાગીએ છીએ. એટલે જવાબ સાંભળતા જ નથી. આપણી જાતને પણ સવાલો એટલે જ નથી
પૂછતા કારણ કે આપણને જવાબો સાંભળવાની આદત નથી હોતી. ખરેખર તો આપણને સવાલ પૂછતાં જ
નથી આવડતું. સવાલ પૂછનારમાં વિસ્મય હોય તો જ તે જવાબની આશા રાખી શકે. જેમ્સ એક
જસ્ટિસનું ઉદાહરણ આપે છે. એ જસ્ટિસ કોર્ટમાં કોઈને પણ સવાલ ખૂબ નમ્રતાથી પૂછે અને
જવાબ સાંભળવાની ઉત્સુકતા તેમના સવાલમાં જ જણાઈ આવે. તમે કોઈની વાત સ્વીકારો નહીં
કે માનો નહીં તે શક્ય છે, પરંતુ સવાલ કરો
તો સામી વ્યક્તિના મંતવ્યને ધ્યાનથી સાંભળવો જોઈએ,
સાંભળવાની કળા પણ શીખવા જેવી છે. મોટાભાગના
માતાપિતાઓને ફરિયાદ હોય છે કે બાળકો તેમનું સાંભળતા નથી પણ તમે ક્યારેય તેમની વાત
સાંભળો છો ખરા? માતાપિતા પણ કોઈનું સાંભળતાં નથી હોતા. આસપાસની
અન્ય મોટી વ્યક્તિઓ પણ સાંભળતી નથી હોતી ફક્ત બોલતી હોય છે. તો બાળક પણ એ જ શીખશે.
કેટલાક માતાપિતાતો સવાલો નહીં પૂછવાના એવું પણ બાળકોને કહી દે છે. બાળકોના સવાલો
નકામા નથી હોતા. જેમ્સ રાયન કહે છે કે મોટેરાઓના સવાલ નકામ હોઈ શકે છે કારણ કે
તેમને ફક્ત પોતે કેટલું જાણે છે કે સમજે છે તે દર્શાવવા માટે જ સવાલો પૂછવા હોય
છે. વિસ્મયને જાળવવું જોઈએ. નવું જાણવું
એટલે માહિતી મેળવવી એટલું જ નહીં પણ સામી
વ્યક્તિના જુદા અભિપ્રાય કે વિચારોને
સમજવાનું વિસ્મય જરૂરી હોય છે.
બાળકોને સવાલોથી ડર લાગે એવો માહોલ ઊભો કરી
દેવામાં આવે છે. સામી વ્યક્તિને કેટલું આવડે છે કે તે કેટલું જાણે છે કે આપણે
તેનાથી વધુ જાણીએ છીએ એવા ભાવ સાથે જ સવાલ પૂછાય એ ખોટી માન્યતાઓ ગળથૂથીમાંથી
શીખવાડાય છે. કોઈ આપણને સવાલ પૂછે એટલે તે ઉલટતપાસ લેવા માટે જ પૂછતો હોય એવું
લાગે છે. મેટ્રો શહેરમાં લોકો એકબીજાને અંગત સવાલો પૂછતાં નથી. કોઈને અંગત સવાલો
પૂછવા એ યોગ્ય નથી મનાતું. જેમ કે કોઈને પૂછવું કે તમે પરણેલા છો? લગ્ન
કેમ નથી કર્યા? કેટલું કમાઓ છો? ક્યાં
રહો છે? તમે કોને વોટ આપશો.. વગેરે વગેરે કોઈ બહારથી આવતું હોય કે જતું હોય
ત્યારે સવાલો પૂછવા પણ બેડ મેનર્સ હોઈ શકે. હા, તમે કોઈના અંગત મિત્ર બનો પછી
કેટલાક સવાલો પૂછવા યોગ્ય છે.
એક મિત્રે બીજાને પૂછ્યું કે કેમ લ્યા આ ફોન
ખરીદ્યો... બકવાસ છે આ મોડલ... બીજું ઉદાહરણ જુઓ... બકા આ ગાડી લીધી તે? લેવાય
જ નહીં... તને ખબર છે કેટલું પેટ્રેલ પી જાય તે? પેલો
મિત્ર ગમે તે કહે તે સાંભળવાની તૈયારી હોય જ નહીં. તમે જુઓ કે અહીં સવાલ પૂછવાનો
હતો જ નહીં સામી વ્યક્તિને તું અજાણ છો અને મારી પાસે જ્ઞાન છે તેવી જણાવવાની
વૃત્તિ જ હતી. આ રીતે સામી વ્યક્તિને ઉતારી પાડવાની માનસિકતા હોય છે. તમે તમારી
જાતને છેલ્લે ક્યારે સવાલ પૂછ્યો હતો? જીવન પાસેથી શું જોઈએ છે? હું જે
કરી રહ્યો છું તે યોગ્ય છે? મારે બદલાવ લાવવાની જરૂર છે?
જીવનમાં સતત અસંતોષ લાગતો હોય, બ્લડપ્રેશર કે ડાયાબિટિશનો રોગ લાગુ પડ્યો હોય
ત્યારે પણ થોડુંક અટકીને વિચારવું જોઈએ કે જીવનમાં આટલી હાયવોય શા માટે? મારી પાસે મારા માટે સમય છે? સવાલ
પૂછીને જરા નિરાંતે વિચારીને જવાબ સાંભળાવાનો પ્રયત્ન કરો. તમારી આસપાસની અંગત
વ્યક્તિને ક્યારેક પૂછો તું મઝામાં તો છે ને? ફક્ત
પૂછવા ખાતર પૂછશો તો જવાબમાં સામેથી શંકાભર્યો સવાલ આવશે કે કેમ આજે પૂછો છો? જો
દિલથી સવાલ પૂછાયો હોય અને જવાબ સાંભળવાની તૈયારી હોય તો સંવાદ સધાશે.
સવાલ જવાબ એ બીજું કશું જ નથી એ સંવાદ સાધવાની
કળા છે. આપણે ત્યાં સવાલો પૂછવાની પરંપરા રહી છે. વેદ, ઉપનિષદમાં સવાલો અને જવાબો
છે. તે છતાં સવાલ પૂછવા માટે લાયકાત કેળવવાની હોય છે. કોઈ વિદ્વાન કે જાણતલને સવાલ
પૂછનારે પણ અભ્યાસ કરેલો હોવો જોઈએ. કોઈપણ અધિકારીને એલફેલ સવાલ ન જ પૂછી શકાય.
યોગ્ય સવાલ, યોગ્ય સમયે પૂછનારને યોગ્ય ઉત્તર જરૂર મળે છે. અર્જુન અને
કૃષ્ણનો સંવાદ ગીતા બને છે કારણ કે કૃષ્ણને સાંભળવા અર્જુન તૈયાર છે. નચિકેતા-યમ
વચ્ચેનો સંવાદ કઠોપનિષદ આપે છે. યાજ્ઞવલ્ક્ય અને જનક રાજા વચ્ચેનો સંવાદ
બૃહદારણ્યક ઉપનિષદ આપે છે. સવાલ અને જવાબ તમારા વિકાસ માટે જરૂરી છે. જે વ્યક્તિ
સવાલ પૂછવાનું બંધ કરી દે છે તેનો વિકાસ કદી થઈ શકતો નથી. હાવર્ડ એજ્યુકેશન
સ્કુલના ડિન પદે પહોંચ્યા છતાં જેમ્સ રાયન કહે છે કે તેમને આજે પણ પ્રશ્નો થાય છે.
જે વ્યક્તિ સવાલ કરે છે અને જવાબ સાંભળે છે તે
વ્યક્તિ દુખી કે ફ્રસ્ટ્રેટેડ નથી હોતી. એ વ્યક્તિ પોતાનો સતત વિકાસ કરે છે એટલે
તે અસંતુષ્ટ નથી હોતી. કારણ કે તે વ્યક્તિ બીજાને સતર્કતાથી સાંભળે છે. સતર્ક
વ્યક્તિ દરેક ક્ષણમાં જીવે છે. તેને અફસોસ નથી રહેતો કે સમયને યોગ્ય ન્યાય ન આપી
શકાયો. કે ન તો તેણે કોઈની સાથે હરિફાઈ કરવાની હોય છે. તે પોતાની જાતને સતત સવાલ
પૂછીને સતર્ક રાખે છે. યોગ્યઅયોગ્યનો સવાલ તે સૌ પ્રથમ પોતાની જાતને જ પૂછે છે.
કુટુંબની સાથે સમય વિતાવતી સમયે તેને ફોન પર આવતાં મેસેજીસ ચેક કરવાની જરૂર નથી
રહેતી. તમે બાળકોની વાત સાંભળતા ફોન પર મેસેજ ચેક કરશો તો બાળકો પણ તમારી વાત
સાંભળવાને બદલે મેસેજીસ ચેક કરશે. સંવાદ સાધવા માટે તમારે તે ક્ષણે સામી વ્યક્તિ
સાથે હાજર રહેવું પડે છે. તમે કોઈ વિચાર કરતાં હો કે ફોન પર મેસેજીસ ચેક કરતાં હો
તો તમે સંવાદ સાધી શકતા નથી. એટલે જ મતભેદ મનભેદ સુધી પહોંચી જતો હોય છે. જવાબ ન
સાંભળવો હોય તો સવાલ પૂછો નહીં. સવાલ પૂછો તો જવાબ સાંભળવા માટે તૈયાર રહો. વરસના
અંતે આપણે જાતને કેટલાક સવાલ પૂછીને તેનો જવાબ સાંભળવાનો પ્રયત્ન કરીએ, તો નવા
વરસની શરૂઆત નવી રીતે થઈ શકે.
0 comments