સંઘર્ષ અને પીડાનું ડિજિટલાઇઝેશન (મુંબઈ સમાચાર)
01:15
હાલમાં જ મી ટુ કેમ્પેઈન ટ્વીટર અને ફેસબુક પર શરૂ થયા બાદ જોતજોતાંમાં આખાય વિશ્ર્વમાં તેના પડઘા પડ્યા. કહે છે કે ફેમિનિઝમના નવા અધ્યાયની શરૂઆત ડિજિટલ મીડિયા પર થઈ ગઈ છે. ફક્ત ફેસબુક અને ટ્વીટર જ નહીં પણ બ્લોગ દ્વારા પણ સ્ત્રીઓ પોતાની વાત વિશ્ર્વ સુધી પહોંચાડી રહી છે.
દુનિયામાં ઘણી સ્ત્રીઓ છે જે વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાના અવાજને મંદ નથી પડવા દેતી. એ અવાજને લોકો સુધી પહોંચાડવા માટે સ્ત્રીઓ આજે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહી છે. દુનિયામાં લગભગ ૧૨૦ લાખથીય વધુ બ્લોગરો પોતાના અભિપ્રાયો સોશ્યલ નેટવર્કિગ દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તેમાં મહિલાઓ ક્યાંય પાછળ નથી.
સામાજિક ભેદભાવ, હ્યુમન રાઈટ્સ અને નારીવાદ જેવા અનેક વિષયો તેઓ બિનધાસ્ત પોતાના અભિપ્રાયો બ્લોગ પર મૂકી રહી છે. આ બ્લોગરોના લાખોની સંખ્યામાં ફોલોઅર છે તે જોઈને લાગે છે કે ડિજિટલ ફેમિનિઝમના પગલાં મંડાઈ ચૂક્યાં છે. આમાં પણ કેટલીક સ્ત્રીઓના બ્લોગ પર પ્રતિબંધ મુકાવો કે મારી નાખવાથી માંડીને અનેક પ્રકારની ધમકીઓ તથા હુમલાઓ પણ થયા છે. તે છતાંય નવાઈ લાગે એવી વાત એ છે કે પુરુષો કરતાં સ્ત્રી બ્લોગરોની સંખ્યા વધુ છે. તમે કદાચ શોધો તો ફેશન, બ્યુટી અને ફૂડના બ્લોગ સૌથી વધુ જોવા મળે પણ જો રિવોલ્યુશનરી કે ફેમિનિસ્ટ બ્લોગ્સ ગૂગલ કરો તો ય લાંબી લચક યાદી જોવા મળી શકે છે. સીરિયા કે જ્યાં આઈએસઆઈએસનો આતંક હતો ત્યાંથી પણ અનેક સ્ત્રીઓએ બ્લોગ ઉપર પોતાની વાતો લખી દુનિયા સુધી પોતાની પીડા પહોંચાડી છે. હવે તો ભારતમાં ય અનેક મહિલા બ્લોગરો છે. પણ હાલમાં જ એક લેખ વાંચવામાં આવ્યો તેની વાત કરવી છે. વાત જૂની છે પણ પ્રેરણાદાયી છે. ૨૦૧૩ના ઑક્ટોબર મહિનામાં મેક્સિકોની એક યુનિવર્સિટીમાં સેમિનાર દરમિયાન પાંચેક જાણીતી મહિલા બ્લોગરોએ પોતાની વાત માંડી હતી. આ મહિલાઓ અંગ્રેજીમાં નથી લખતી એટલે તેમને વાંચવા મુશ્કેલ છે. આ બ્લોગરોના સંઘર્ષ અને સાતત્યની દાદ દેવી પડે.
મિડલ ઇસ્ટના ૧૦ મસ્ટ રીડ બ્લોગરોની યાદીમાં અફ્રાહ નાસિરનું નામ પણ છે. રિવોલ્યુશન પહેલાં ૨૦૧૦ની સાલમાં તેણે યવનમાંથી બ્લોગ લખવાનો શરૂ કર્યો હતો અને ૨૦૧૧થી તેણે સ્વીડનમાં બેઠા લખવાનું રાખ્યું હતું. અફ્રાહ યવની ફ્રિલાન્સ લેખિકા, પત્રકાર અને બ્લોગર રાઈટર છે. તે યવન સ્ત્રીઓના અધિકાર, પ્રજાતંત્ર અને રાજકારણ અંગે સતત લખી રહી છે. નાસિર કહે છે, મારે ભ્રષ્ટાચાર કે રાજકારણ વિશે લખવું નહોતું પણ જેમ સામાજિક સમસ્યાઓ વિશે લખતા જાઓ તેમ સમજાય કે રાજકીય બદલાવ લાવવાની સખત જરૂર છે. અમારી પેઢીને બદલાવ જોઇતો હતો પણ કઇ રીતે તે ખબર નહોતી. ત્યાં જ ટ્યુનિશિયામાં રિવોલ્યુશનની શરૂઆત થઈ ત્યારે લાગ્યું કે જો ત્યાં થઈ શકે તો અહીં યવનમાં કેમ નહીં?આફ્રાહ નાસિરને સતત ધમકીઓ મળી રહી છે. મિડલ ઇસ્ટમાં સોશ્યલ મીડિયા પર અનેક પ્રતિબંધો હોવા છતાં સાયબરએક્ટિવિઝમ સોશ્યલ મીડિયા ધ્વારા સતત ફેલાતું રહ્યું છે.
ઇજિપ્તની બ્લોગર હીબા અફિફી ૨૨ જ વરસની હતી ત્યારથી ટ્વીટર પર તેના ૬૦૦૦ ફોલોઅર હતા. ઇજિપ્તમાં પ્રોટેસ્ટ શરૂ થયા તેના એક જ દિવસ પહેલાં તેણે પત્રકારત્વ તરીકે કામ શરૂ કર્યું હતું. રિવોલ્યુશન પ્રોટેસ્ટ સમયે તેને લાગ્યું કે તેની આસપાસ જે થઈ રહ્યું છે તે નોટપેડ પર લખવું અશક્ય છે . જિંદગીમાં પહેલીવાર તેણે ટ્વિટ કર્યું. અને ત્યારબાદ તે સતત લખતી રહી.તે રાજકીય ઊથલપાથલ અને રિવોલ્યુશનની વચ્ચે ફરતા ઇજિપ્તના મુખ્ય પેપર માટે લખતી હતી તે સમયે તેના પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બની વર્ડ્સ ઓફ વિટનેસ.
સાઉથ આફ્રિકાની મલાઈકા મ્હલાત્સી ૨૧ જ વરસની હતી ત્યારે એને બ્લોગ લખવાની શરૂઆત કરી હતી. તેનું બાળપણ ખૂબ ગરીબીમાં વીત્યું હતું. તે ૧૧ વરસની બાળકી હતી ત્યારે તેના પર બળાત્કાર થયો હતો. બળાત્કાર કરનાર પૈસાદાર હતો એટલે તેના પર આરોપ સાબિત ન થઈ શક્યો. મલાઈકા કહે છે કે કોમ્યુનિકેશન( સંવાદ)માં ઘણી શક્તિ છે. સોશ્યલ મીડિયા ફેસબુક, ટ્વીટર દ્વારા હું મારી જેમ પીડિત કે મારી જેમ વિચારતી યુવાપેઢીના સંપર્કમાં આવી. અમે અન્યાય વિશે લખીએ છીએ. એકબીજાના ઘાવોને ભરીએ છીએ. તમે એકલા નથી તેની પ્રતીતિ થતાં લડવાની હિંમત આવે છે. પેન એન્ડ અજાનિયન રિવોલ્યુશન નામે તેનો બ્લોગ યુવાનોમાં લોકપ્રિય છે.મેમોઈર્સ ઓફ બોર્ન ફ્રી નામે એક પુસ્તક પણ લખ્યું છે. તે છોકરીઓને સલાહ આપે છે કે સૌ પહેલાં તમે પોતાની જાતને વ્યક્તિ તરીકે ઓળખાવો પછી સ્ત્રી તરીકે.
સ્પેનિશ પત્રકાર જ્યુડિથ ટોરી ન્યુયોર્કથી શિફ્ટ થઈ મેક્સિકોના સિડ્યુડ જુરેઝ નામના શહેરમાં રહે છે. આ શહેર યુદ્ધના મેદાન કરતાં પણ વધુ હિંસાત્મક વલણ ધરાવે છે. જ્યુડિથ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ, હિંસા, રાજકારણ, ઇમિગ્રેશન જેવા વિષયો પર લખે છે. શરૂઆતમાં તો તેણે પોતાના લેખો છપાવવાના પ્રયત્નો કર્યા પણ સરકાર વિરોધી લેખો કોઇ છાપવા તૈયાર નહોતું એટલે તેણે બ્લોગ પર લખવાનું શરૂ કર્યું. મેક્સિકોમાં ચાલતા ડ્રગ માફિયા ટ્રાફિકિંગ સાથે સંકળાયેલી માનવીય વેદના અને હિંસા તેના મુખ્ય વિષયો રહ્યા છે. તેના પર હવે પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે અને તેને બેસ્ટ બ્લોગરનો એવૉર્ડ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર તરફથી મળ્યો છે. જે સ્ત્રીઓને બદલાવ જોઇતો હોય, વિમેન એમ્પાયરમેન્ટ જોઇતું હોય તેમણે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટનો ઉપયોગ કરતા શીખવું પડશે. કોઈપણ ભાષામાં લખો પણ જો તમારી કલમમાં તાકાત હશે તો લોકો સુધી જરૂર પહોંચશે.
0 comments