મારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક ગોટગોટ પોઢેલો નાગ છે. રમેશ પારેખ
04:44
ઈન્ટ્રો - પ્રેમ કંઇ તારીખ કે વાર કે સાલ જોઇને ય નથી થતો. એ તો બસ થઈ જાય છે, હા, તેને અભિવ્યક્ત કરવા શબ્દોની જરૂર
પડે છે.
વેલેન્ટાઈન ડેના દિવસ પહેલાં એક છોકરીએ દુકાનમાં જઈને
પુછ્યું કે, તમારી પાસે યુ આર માય ફર્સ્ટ એન્ડ લાસ્ટ લવ (તું જ
મારો પ્રથમ પ્રેમ, અને તું જ મારો છેલ્લો પ્રેમ)
એવું કંઇ લખેલું કાર્ડ છે ?
દુકાનદાર – છે ને.
છોકરી – સારું તો 20 કાર્ડ આપી દો.
આ જોક હમણાં સોશ્યલ મિડિયામાં ફરી રહ્યો છે. પ્રેમને
પણ આપણે આ જોક જેવો બનાવી દીધો છે. જેમાં શબ્દો છે પણ લાગણી નથી. કારણ કે આઈ લવ યુ એ શબ્દો આપણાં નથી. અંગ્રેજી ભાષાના છે. અંગ્રેજીમાં કહેવાતાં આ
શબ્દો એટલી સરળતાથી કહેવાઈ જતાં હોય છે કે તેમાં લાગણીને પ્રવેશવાનો કે મહેસૂસ
કરવાનો પ્રશ્ન જ નથી ઊઠતો. તમે પ્રયત્ન કરી જુઓ તો આ જ વાત આપણી માતૃભાષામાં
કહેવાનો. હું તને ચાહું છું... તમે એકદમ નહીં કહી શકો. અને બધાને તો નહીં જ
કહી શકો.તેમાંય હજી પણ થોડી અજાણ રહી ગયેલી વ્યક્તિનેતો નહીં જ.
હું તને ચાહું છું એ શબ્દો કહેતા પહેલાં થોડો સમય તમારે તમારામાં
સ્થિર થવું પડશે. અને પછી જે શબ્દો નીકળશે તે ખરેખર લાગણીસભર અને હ્રદયના
ઊંડાણમાંથી આવશે.જ્યારે આઈ લવ યુ કહેવા માટે વધુ વિચારવાની કે અનુભૂતિની જરૂર જ
નહીં પડે. આજે તો લવ યુ આપણે ફક્ત હાય હેલ્લો જેવી મિત્રતા હોય તેમને
ય કહેતાં થઈ ગયા છે.
આપણે સવાલ પૂછી શકીએ કે લાગણીનેને ભાષાને શું સંબંધ
?! માનો યા ના માનો પણ
સંબંધ છે જ. પ્રેમની લાગણી આપણી
માતૃભાષામાં જ વ્યક્ત થઈ શકે છે. બીજી ભાષામાં એ શબ્દ ફક્ત પ્રતિકરૂપ પારકા જ બની
રહે છે. મા આપણને હની કે ડિયર કહીને બોલાવે તો કેવું લાગે.... પણ મારા વ્હાલીડા...
એ બેટડા કે પછી મારો લાલો , બચુ વગેરે શબ્દો કેટલા આત્મિય થઈને આપણને સ્પર્શે
છે. માતૃભાષામાં બોલાયેલા એ શબ્દો કયા છે તેનું મહત્ત્વ નથી પણ તેની પાછળ છુપાયેલી
લાગણી આપણને સ્પર્શે છે.
બોસ્ટન યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર કેથરિન
હેરિસ કહે છે કે, ગુસ્સો કરવો, ખોટું બોલવું, દાઝ કાઢવી, પ્રાર્થના કરવી કે પ્રેમ વ્યક્ત કરવો ...
કોઇપણ અંગત લાગણીઓ આપણે આપણી માતૃભાષામાં બહુ સારી રીતે અને સચોટ રીતે વ્યક્ત કરી
શકીએ છીએ. જો કે આ નિયમ સાચો જ હોય તે જરૂરી નથી કારણ કે વરસો સુધી પારકી ભાષા
અપનાવ્યા બાદ શક્ય છે કે લાગણી વ્યક્ત કરવા માટે તે ભાષા વપરાય ત્યારે લાગણી
વ્યક્ત થઈ જ શકે છે પરંતુ, ક્લાસરૂમમાં શીખેલી નવી ભાષા
પ્રેમને અનૂભુત તે જ રીતે ન કરી શકે. સામાન્યપણે ઘરમાં બોલાતી કે પ્રેમી સાથે
બોલાતી આપણી માતૃભાષા ધ્વારા જ લાગણીના પડઘા સાંભળી શકાય છે.
અર્થાત તમે ફોઇને કે માસીને આન્ટી કહી શકો પણ તેમાં એ સંબંધની ખાસ લાગણીનો પડઘો નહીં જ પડે. ભાષા
આપણને ડિએનએમાં મળે છે. આજની અંગ્રેજીમાં
ભણેલી યુવાપેઢી તેમાંય યુવતીઓ પણ કેટલાક શબ્દો જેમકે એફ વર્ડ... અંગ્રેજીમાં
વાતચીત દરમિયાન સહજતાથી બોલતા હોય છે તે શબ્દોનો ઉપયોગ માતૃભાષામાં ક્યારેય એટલો
સહજતાથી નહીં વપરાય કારણ કે અંગ્રેજીમાં
તેનો કોઇ મતલબ હોવા છતાં આપણા મનમાં તેનો પડઘો નથી પડતો. એવી જ રીતે આઇ લવ યુ
શબ્દનું છે.એ શબ્દનો અર્થ આપણને ખબર છે પરંતુ, તેમાં આપણી
સાચી લાગણીઓ પ્રગટ નથી જ થઈ શકતી. આપણે ધ્યાન નથી આપતાં પણ હવે લવ શબ્દ કેટલી સરળતાથી
દરેક વસ્તુ માટે ય વાપરીએ છીએ. જેમકે આઇ લવ ફુડ, લવ ચીઝ, લવ ધીસ કલર, લવ ધેટ,
લવ ધીસ વગેરે વગેરે.. એ જ સંદર્ભે લવ યુ પણ બોલાય છે. જેનો અર્થ એમ
ખરો કે હું તને ચાહું છું પરંતુ, તેની અનૂભુતિ દિલની
ધડકનોને બે ઘડી અટકાવતી નથી કે તેની રફ્તાર વધારતી નથી. આપણી ભાષામાં દરેક અનુભૂતિ માટે જૂદા શબ્દો
વાપરીએ છીએ. ચીઝ આપણને ભાવે છે કે નથી ભાવતું.
કલર ગમે કે ન ગમે. અંગ્રેજીમાં પણ તેને માટે શબ્દો છે જ પણ તે આપણને આવડતા
નથી. જે ભાષા આપણને પૂરી આવડતી ન હોય ત્યાં સુધી તેમાં કેટલીક અનુભૂતિઓ વ્યક્ત થઈ
શકતી નથી. લાઈક અને લવમાં ભેદ છે અને રહેશે. તમે જે કહેવા માગો છો તે વ્યક્ત નહીં
કરી શકો તો ગેરસમજ થવાની શક્યતાઓ રહેલી હોય છે. કોઈને તમે ગમતા હો તેનો અર્થ એ તો
ન જ થાય કે એ વ્યક્તિ તમને ચાહતી પણ હોય.
આપણા જાણીતા કવિ રમેશ પારેખની કવિતામાં જુઓ પ્રેમનો
કેટલો સુંદર એકરાર છે.
ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે,
સોનલ તમને ફૂલ દીધાનું યાદ..... તો વળી એમ પણ લખે કે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે...તો એ જ રમેશ પારેખ
મદારીનું
પ્રણયગીત પણ લખે ... મદારી કઇ લવ યુ થોડું જ કહે .... તે તો કહેશે
મારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક ગોટગોટ
પોઢેલો નાગ છે.
આવ, સખી
આવ, એને છંછેડી નાખ, તારી મહુવરમાં
મૂંઝાતો રાગ છે.
પ્રેમ કંઇ તારીખ કે વાર કે સાલ જોઇને ય નથી થતો. એ તો
બસ થઈ જાય છે. કારણ કે આપણાં મગજના રસાયણો કુદરતે એ રીતે ગોઠવ્યા
છે. જો પ્રેમ ન થાય તો આ પ્રજોત્પત્તિ પણ શક્ય નથી. બે વ્યક્તિ નજીક આવે આકર્ષાય,
પ્રેમ થાય અને પછી સમાગમ, બાળક પેદા થતાં તે
પ્રેમનું સ્વરૂપ કાળજીમાં બદલાય. કારણ કે બાળક ઉછેરવાનું હોય છે. સંસ્કૃતિ
કોઇપણ હોય પ્રેમનું સ્વરૂપ આ જ રહેવાનું છે. પણ આ દરેક તબક્કાને અભિવ્યક્ત
ભાષા કરે છે. દરેક ભાષાનો પોતીકો એક ટોન અર્થાત સ્વરૂપ કહો કે અવાજ હોય છે. એટલે જ
ફક્ત લવ યુ ને બદલે જ્યારે લવ યુ જાનેમન કે લવ યુ પ્રિયે
કહેવાય ત્યારે લવ શબ્દની સાથે જોડાયેલ એ આપણી ભાષાના શબ્દોમાં જ
હકિકતે લાગણી વ્યક્ત થતી હોય છે. લવ શબ્દ તો ઠાલો જ ઉપયોગમાં લેવાય છે.
આ લેખ એટલે લખાયો કે આપણે પ્રેમ વ્યક્ત કરવા માટે
અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતાં થઈ ગયા છીએ. ખાસ કરીને 14મી ફેબ્રુઆરીએ... પણ આપણે
ત્યાં તો પ્રેમની આખી મોસમ છે વસંત... જેમાં કુદરતી વાતાવરણ પણ મદમાતું થઈ જતું
હોય છે. કોન્ક્રિટના જંગલમાં રહીને આપણો પ્રેમ પણ પારકી ભાષા અને એક દિવસમાં
ઠીંગરાઈ ગયો છે કોઇ આખુંય વરસ તમને સ્નેહના વરસાદમાં તરબોળ કરે અને 14મી ફેબ્રુઆરી
એટલે કે વેલેન્ટાઈનના દિવસે આઈ લવ યુ ન કહે કે ભેટ ન આપે તો શું પ્રેમ ઓછો થઇ જશે ? આજ સંદર્ભે છેલ્લે રમેશ પારેખની એક પંક્તિ જેમાં સાચી લાગણીના પ્રતિભાવની
પ્રેમી અપેક્ષા રાખે છે.
તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને.
પહાડોની જેમ ખોખરો
પડઘો ન મોકલાવ.
0 comments