સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે એ સાચું ? (mumbai samachar)
14:09
– આપણી ધારાવાહિકોમાં દર્શાવાતી વેમ્પ
સ્ત્રીઓ હકિકતમાં હોય છે ખરી?
લીંપેલા ઘરમાં બે બહેનો વટાણા ફોલતાં વાત કરી રહી
છે. નાની બહેન જે 13 વરસની હશે તે કહે છે કે મારા મોઢા પર રૂમાલ બાંધીને તેઓ મને
દૂર જંગલમાં એકાંતમાં લઈ ગયા. બીજી બહેન પૂછે છે તેમણે તને બહુ માર્યું? ચુપચાપ
વટાણાં ફોલતા મોઢા પર ભાવ વિના નાની બહેન જવાબ આપે છે, હા માર્યું અને પછી
બળાત્કાર કર્યો. ચાર માણસો હતા. આ વાત મેં મહિલા પોલીસને કરી તો તેમણે ય મને
માર્યું. શું કામ ખબર છે...મારે બે જ માણસોના નામ ફરિયાદમાં લખાવવાના. બાકી બેના
નામ નહીં લેવાના.
જઈશા પટેલની સર્કલ ફિલ્મનું એક દૃશ્ય છે. બીજા
દૃશ્યમાં એ જ છોકરી માતાની પાસે વાળ ઓળાવતાં કહે છે કે દાદીએ જ પૈસાની લાલચમાં
મારા પર બળાત્કાર કરાવ્યો હશે. તેની માતા પણ કહે છે કે નાની નાની બાબતે તેની સાસુએ
વારંવાર તેને મારી છે. જઈશા પટેલની આ શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી 14 મિનિટની જ છે.
ઉત્તરપ્રદેશના એક ગામમાં આ ફિલ્મ બનાવતાં ત્રણ વરસ લાગ્યા. કારણ કે આ સ્ત્રીઓ
સહજતાથી બોલે તેની રાહ જોવી પડી. ઉત્તર પ્રદેશમાં વારંવાર સ્ત્રીઓ પર બળાત્કાર
થતાં હોય છે. સ્ત્રીઓની મૂળ પરિસ્થિતિ તેણે મૂકવી હતી. એક એનજીઓ માટે તે ફિલ્મ
બનાવી રહી હતી. જે બહાર આવ્યું તે હચમચાવી દે એવું હતું. દાદી પોતાની પૌત્રી પર
બળાત્કાર કરાવડાવી શકે. આ બાબત સમજવા માટે જ તેને ત્રણ વરસ લાગ્યા. જઈશા પટેલની આ
ફિલ્મ એક આંતરરાષ્ટ્રિય ફિલ્મોત્સવમાં
પસંદ થઈ છે. મૂળ લંડનની આ ફિલ્મમેકરે આ પહેલાં પણ શોર્ટ ફિલ્મ માટે એવોર્ડ મળી
ચૂક્યા છે. સર્કલ ફિલ્મ વિશે તેણે આપેલો ઈન્ટરવ્યું વાંચવામાં આવ્યો અને સતત
પ્રશ્નો ઊઠ્યા. ખરેખર સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન
છે? જઈશાને પણ આ જ સવાલ થયો. તેને જવાબ મળ્યો કે
હકિકતમાં પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા સ્ત્રીઓનો ઉપયોગ કરી લેતી હોય છે.
બસ દસેક દિવસમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિન આવશે.
સોશિયલ મિડીયા પર બહેનપણીઓના ફોટાઓ
મૂકાશે. સ્ત્રીઓ બીજી સ્ત્રી સાથે કેટલી ખુશ છે તેવા સ્ટેટસ મૂકાશે. તે છતાં
કેટલીય સ્ત્રીઓ બીજી સ્ત્રીને મૂલવશે. કપડાંથી, વર્તનથી અને સફળતાથી. સ્ત્રીઓ સ્ત્રીની દુશ્મન છે એવું પિતૃસત્તાક
માનસોએ જ ઊભું કર્યું છે. આ જાણતી હોવા છતાં યાદ આવે કે કેટલીય ભણેલી બહેનપણીઓ અને
અન્ય સ્ત્રીઓ પાસેથી પોતાની સાસુની સતામણીની વાતો સાંભળી છે. નણંદની અડોડાઈની વાત
સાંભળી છે. આપણી ધારાવાહિકોમાં ય સ્ત્રી નિર્માતાઓ દ્વારા બ્લેક મેજિક અને સતત
ઘરની બીજી સ્ત્રીને નીચાજોણું કે ગુનામાં
ફસાવતી દર્શાવાય છે. આવી સ્ત્રીઓ મોટેભાગે મોટી ઉંમરની હોય છે. સાસુ અને નણંદ મળીને
ઓછું દહેજ લાવનાર વહુને બાળી નાખતી હતી એવા કિસ્સાઓ ભૂતકાળમાં ય સાંભળ્યા છે.
પોલીસને ચોપડે નોંધાયા છે. આવું કેમ બને છે? કોઈ
પાર્ટીમાં જઈએ કે બહાર બીજી કોઈ રૂપાળી સ્ત્રીની ઈર્ષ્યા તમને થાય છે? અથવા
તો તમે જ સુંદર દેખાતા હો અને અન્ય સ્ત્રી તમારા કરતાં ઓછી આકર્ષક હોય તો તે જોઈને
સારું લાગે છે? ઘરમાં કે કામના સ્થળે તમે બીજી સ્ત્રીને તેના
કપડાં, વર્તનથી મૂલવો છો? તમને આ સવાલનો જવાબ જે મળે તેનાથી સાબિત થશે કે
તમે બીજી સ્ત્રીઓની ઈર્ષ્યા કરો છો કે નહીં. એકની
એક સાડી બીજી વખત ફંકશનમાં પહેરતાં તમને શરમ આવે છે કારણ કે બીજી સ્ત્રીઓ જ
તમને આવીને કહેવાની હોય છે કે અરે ફલાણાના લગ્નમાં પણ તમે આ જ સાડી પહેરી હતીને? કિટી
પાર્ટી માટે પણ નવા ડ્રેસ અને ઘરેણાં ખરીદતી સ્ત્રીઓની માનસિકતા શું સૂચવે છે? કેલી
વેલન નામની ઈંગ્લેડની લેખિકાએ ટ્વીસ્ટીંગ સિસ્ટરહુડ નામે પુસ્તક લખ્યું છે. એ
પુસ્તક લખતાં પહેલાં તેણે 3000થી વધુ સ્ત્રીઓને કેટલાક સવાલો પૂછ્યા.
મોટાભાગની એટલે કે નેવું ટકા સ્ત્રીઓએ
કબૂલ્યું કે તેમને બીજી સ્ત્રીને કારણે તકલીફ થઈ છે. બીજી સ્ત્રીઓની ઈર્ષ્યા અને
હરિફાઈનો ભોગ બની છે. આ સર્વે બાદ ખુદ કેલીને પણ નવાઈ લાગી હતી. એ સર્વેમાં 85 ટકા
સ્ત્રીઓએ કબૂલ્યું હતું કે તેમની સ્ત્રી મિત્રએ તેમની સાથે દગો કર્યો હતો.
મોટાભાગે ઈર્ષ્યા અને હરિફાઈ જ આવું કરવાનું કારણ હતું. કેલીને આ માટે અનેક
સ્ત્રીઓએ વખાણી પણ મોટાભાગની સ્ત્રીઓએ તેને હેટ મેઈલ લખ્યા. તેના પર આરોપ મૂક્યો
કે સ્ત્રીને નીચી પાડવાનો તેને કોઈ અધિકાર નથી.વગેરે વગેરે... કેલી કહે છે કે મેં
તો અન્ય સ્ત્રીઓની મુલાકાત લઈને તેમની જ વાત લખી છે. કેમ મોટાભાગની સ્ત્રીઓએ
કબૂલ્યું કે સ્ત્રીઓ જ બીજી સ્ત્રીઓની દુશ્મન છે એવું કહ્યું? એ વિશે
વિચારવાની જરૂર છે. આપણામાં આટલી નકારાત્મકતા કેમ આવી છે. આપણે વિચાર કરીને
તેમાંથી બહાર આવવાની જરૂર છે પણ ના સ્ત્રીઓએ જ મને વખોડી આ સત્ય લખવા માટે. એકતા
કપૂરની દરેક ધારાવાહિકમાં એકાદી સ્ત્રી વિલન તો હોય જ. તુલસીનું પાત્ર જે સ્મૃતિ
ઈરાની ભજવતી હતી તેમાં પણ નકારાત્મક સ્ત્રીઓ પણ હતી. એકતા કપૂરની આ ધારાવાહિકો
સ્ત્રીઓ જ સૌથી વધુ પ્રમાણમાં જોતી હતી. એકતા કહેતી કે હું તો સમાજમાં જે બને છે
તે જ રજૂ કરું છું. લોકોને જે ગમે છે તે જ
બનાવું છું. નકારાત્મકતા ન હોય તો ડ્રામા જ ન બને એવું કહેનારા લેખકો અને
નિર્માતાઓ જોયા છે. લોકોને ડ્રામામાં રસ પડે છે. બિગબોસમાં પણ મીન એટલે કે સ્વાર્થી,
ઈર્ષ્યાળુ સ્ત્રી પાત્રને લેવામાં આવે છે. તો જ લોકોનો રસ ટકી રહે છે. પુરુષો પણ
વિલન હોય છે પણ ઘરમાં રહેતી બે સ્ત્રીઓ ભાગ્યે
જ સહેલી બનીને જીવતી હોય છે તે પણ હકિકત છે.
અહીં યાદ આવે છે એક કિસ્સો જેમાં પ્રોફેશનલ મહિલા
બીજી મહિલાને આગળ ન આવવા દેવા માટે દરેક પ્રયત્નો કરતી હતી. એટલે સુધી કે તેને નોકરીમાંથી
પણ કઢાવી મૂકી. પુરુષોને સતત બોલવાનો મોકો મળે છે કે સ્ત્રીઓ જ સ્ત્રીની દુશ્મન છે
અમે તો કશું જ કરતા કે કહેતા નથી. વાત સાચી ય છે તેમણે હવે સ્ત્રીની માનસિકતા બદલી
નાખી છે. સ્ત્રીએ કેવાં દેખાવું જોઈએ, આકર્ષક હોવું જોઈએ, તેણે ઘરના કામોને અને
પરિવારને પ્રાધાન્ય આપવું જોઈએ વગેરે... જેથી પુરુષોને ગમે એવી સ્ત્રી બનીને રહી
શકાય. પુરુષોની પરિક્ષામાં પાસ થનારી સ્ત્રી સફળ એવી માન્યતામાંથી આપણે બહાર આવવું
પડશે. અસલામતીની ભાવના સ્ત્રીના મનમાં ઊભી
કરવા માટે પિતૃસત્તાક સમાજ જવાબદાર છે. અસલામતીની સામે પોતાની સત્તા જાળવવા માટે
દરેક સ્ત્રી પ્રયત્ન કરે. જે સ્ત્રીના મનમાં અસલામતી નથી હોતી તેને પોતાનું વ્યક્તિત્વ હોય છે. તેણે બીજાની
ઈર્ષ્યા કરવાની જરૂર નથી લાગતી અથવા જેને અસલામતી નથી લાગતી તેને ક્યારેય બીજી
સ્ત્રીઓથી ભય નથી લાગતો. આ સ્ત્રીઓ બીજી
સ્ત્રીને પાડવાનો કે તોડવાનો પ્રયત્ન નહીં કરે, પણ બીજી સ્ત્રીની પડખે ઊભી રહેશે.
સ્ત્રીને સ્ત્રીની સામે હરિફાઈમાં મૂકવાનો કારસો પણ રચાય છે. આપણે મહિલાઓએ જાગૃત
રહીને આપણા વિકાસની ગાથા લખવી પડશે.
આ મહિલા
દિન ખરી રીતે તો જ ઉજવ્યો કહેવાય જો આપણા મનમાં બીજી સ્ત્રી માટે કોઈ ઈર્ષ્યા કે
હરિફાઈ હોય તો તેનાથી મુક્ત થઈને સિસ્ટરહૂડ એટલે કે સ્ત્રીઓ ખરા અર્થમાં એક થઈ
એકબીજાની પડખે ઊભી રહે અને વિકાસ કરે. આપણે આત્મખોજ કરવી પડશે કે મહિલાઓની સ્થિતિ
આજે પણ કેમ બદલાતી નથી.
0 comments