બજેટનું વિશ્લેષણ અને નાની પાલખીવાલા (mumbai samachar)
01:09
ઈન્ટ્રો – બજેટમાં કોઈને રસ ન પડે તો જ નવાઈ.
પૈસાની વાતો અને આજના જીવનનો સીધો નાતો છે.
1લી
ફ્રેબુઆરીએ અરુણ જેટલીએ પોતાનું ચોથું બજેટ લોકસભામાં રજૂ કર્યું ત્યારે તેમના
ચહેરા પર સહજ સ્મિત રમતું હતું. વિરોધ થતો ત્યારે પણ શાંતિથી સ્મિત સાથે પોતાનું
વક્તવ્ય ચાલુ રાખતા. વચ્ચે વચ્ચે કેટલાક ટાંકણો ટાંકીને એ કંટાળાજનક બજેટ
વક્તવ્યને રસાળ બનાવવાની અને સાથે જ પોતાની વાત સમજાવવાના પ્રયત્નો પણ થતા આવ્યા
છે અને થયા. બજેટ આમ તો આર્થિક ઉપાર્જન અને ખર્ચની વિગતો હોય છે. આંકડાની રમતોનું
રાજકારણ પણ તેને ય રસાળ બનાવી શકાય છે તેવા પ્રયત્નો થતા હોય છે. પૈસા જીવનમાં રસ
લાવે છે. પણ તેનો હિસાબ ખૂબ જ કંટાળાજનક અને બોરિંગ હોઈ શકે છે. આખાય દેશનું બજેટ
રાજકારણની આંટીઘૂંટી સાથે વણાયેલું હોય છે જ એટલે ય વધુ રસપૂર્વક તેને નિહાળી શકાય
છે. બજેટની સ્પીચ એટલે કે વક્તવ્યને રજૂ કરવાની દરેકની આગવી રીત હોઈ શકે.
નાણાંપ્રધાન જાણતા હોય છે કે તેને ખૂબ જ આલોચનાપૂર્વક સાંભળવામાં આવશે. બિટવીન ધ
લાઈન્સ એટલે કે મોટાભાગની વાત બજેટમાં સીધી રીતે કહેવાતી નથી. એટલે જ બજેટ બાદ
તેને સમજવાની કે વિશ્લેષણ કરવાની જરૂર ઊભી થાય છે.
બજેટ રજૂ કરવામાં ગુજરાતી પુરુષ મોરારજી દેસાઈ
આજે પણ આગળ છે. તેઓ હજી પણ પહેલાં નાણાંમંત્રી છે કે જેમણે સૌથી વધુ વરસ એટલે
કે દસ વખત બજેટ રજૂ કર્યું છે. 1954થી
1969 સુધી ઈન્ટ્રિમ બજેટ પણ રજૂ કર્યું હતું. બજેટ સમજવાની વાત આવે ત્યારે નાની
પાલખીવાલાને યાદ કરવા જ પડે. આ લેખ નાની પાલખીવાલાને સમર્પિત છે.
મને યાદ છે કે મુંબઈમાં બજેટ બાદ તેનું વિશ્લેષણ
કરીને સાદી રીતે સમજાવતા નાની પાલખીવાલાની સ્પીચ સાંભળવાની મોટાભાગને ઈંતેજારી
રહેતી. તે સમયે એટલે કે આજથી પચ્ચીસ વરસ પહેલાં આટલી બધી ટેલિવિઝન ચેનલો નહોતી.
એટલે બજેટની ચર્ચાઓ લાઈવ જોવા મળતી નહીં. પહેલાં જ કહ્યું તેમ બજેટમાં ન કહેવાયેલી
વાતો જે આપણે સમજવાની હોય છે તે દરેક માટે સહેલી હોતી નથી. તેને સરળતાથી સમજાવવાની
શરૂઆત નાની પાલખીવાલાએ કરી હતી. આજની પેઢીએ કદાચ નાની પાલખીવાલાને નહીં ઓળખતી હોય.
પ્રતિભાશાળી વકિલ અને બંધારણીય
કાયદાના નિષ્ણાત. નાણાંકિય અને કરમાળખાના પણ નિષ્ણાંત હતા. અર્થશાસ્ત્રી
પણ કહી શકાય. તેમનું નામ તો નાનાભોય હતું પણ નાનીના નામથી જ તેમને સૌ કોઈ જાણવા
લાગ્યા. તેમણે સૌ પ્રથમ વખત બોમ્બે ગ્રીન હોટલમાં 1958ની સાલમાં બજેટનું
પોષ્ટમોર્ટમ એટલે કે વિશ્લેષણ વક્તવ્ય આપ્યું હતું. તેમનું એ વક્તવ્ય એટલું
વખણાયું કે પછી દર વરસે સવારે બજેટ રજુ થાય કે સાંજના તેમનું વક્તવ્ય સાંભળવા
મેદની ભેગી થવા લાગી. ધીમે ધીમે એટલા લોકો બજેટ વિશેના તેમના વક્તવ્યને સાંભળવા
આવવા લાગ્યા કે હોલમાં સમાઈ શકતા નહોતા, એટલે પછી ક્રિકેટના મેદાનમાં તેમનું
વક્તવ્ય ગોઠવાવા લાગ્યું. ચર્ચગેટ પર આવેલ બ્રેબોર્ન સ્ટેડિયમનું મેદાન અને તેની
દર્શકોની ગેલેરી હકડેઠઠ્ઠ ભરાઈ જાય. તેમનું વક્તવ્ય હોય તેના બે એક કલાકથી
સ્ટેડિયમની બહાર સર્પાકાર લાઈન લાગી હોય. જેઓ જાણતા ન હોય તેમને લાગતું કે
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ રમાવાની હશે. નાની પાલખીવાલાના વિશ્લેષણની અસર
દિલ્હી સુધી વર્તાતી. નાની પાલખીવાલા બજેટને વખાણે તો રજૂ કરનાર નાણાંમંત્રીને હાશ
થતી અને જો ટીકા કરે તો તેમણે ફેરવિચારણા કરવી પડતી.
હું
નસીબદાર હતી કે પત્રકાર તરીકેની મારી કારર્કિદીની શરૂઆત એમના વક્તવ્યને સાંભળીને
તેનું રિપોર્ટિંગ કરવાથી થઈ હતી. ખરેખર નવાઈ લાગી હતી કે બ્રેબોર્ન સ્ટેડિયમમાં લોકો નાની પાલખીવાલાની બજેટ સમીક્ષાની રાહ જોતા
ગંભીરતાથી બેઠા હતા. કદાચ તે એમનું છેલ્લું વક્તવ્ય હતું ત્યારબાદ વધતી વય અને
બીમારીને કારણે એમણે વિશ્લેષણ કરવાનું બંધ કર્યું હતું. નાની પાલખીવાલા બજેટ વિશ્લેષણની લગભગ કલાકેકની
સ્પીચ વખતે હાથમાં કોઈ પેપર ન રાખતા. કોઈપણ પેપરમાં જોયા વગર આંકડા અને મુદ્દાઓ
સ્પષ્ટતાપૂર્વક અને પારસીબાવાની લાક્ષણિક રમૂજશૈલીમાં રસાળ રીતે રજૂ કરવાની આવડત
ઓડિયન્સને જકડી રાખતી. તેમનું વક્તવ્ય સાંભળીને લોકોમાં ચર્ચા કરવાનો ઉત્સાહ વધતો.
એ નાની પાલખીવાલા 2002ની સાલમાં મૃત્યુ પામ્યા પણ જાણકારો આજે પણ દર બજેટ સમયે
તેમને યાદ કરે છે. આ નાની પાલખીવાલા અનેક યુવાપેઢીની પ્રેરણામૂર્તિ હતા. તેમની
સફળતા અને કાબેલિયતની કેટલીક વાતો વિશે જાણવા જેવું છે. તેમાંથી આજે પણ અનેકને
પ્રેરણા મળી શકે છે. નાની પાલખીવાલા
મધ્યમવર્ગીય પારસી કુટુંબમાં જન્મ્યા અને ઉછર્યા. પોતાના પ્રયત્ન અને મહેનતનાબળે
તેમણે સફળતાના શિખરો સર કર્યા હતા.
બજેટ સ્પીચ માટે તેમના જેટલી લોકપ્રિયતા આજદિન
સુધી કોઈને મળી નથી. ત્રીસ ત્રીસ વરસ સુધી તેમની બજેટ સ્પીચ લોકોએ રાહ જોઈને
ઉત્કંઠાથી સાંભળી છે. નવાઈ લાગશે કે આ
નાની પાલખીવાલા જ્યારે યુવાન હતા ત્યારે તોતડાતા હતા. તેમની મર્યાદાને લીધે જાહેરમાં
બોલતા અચકાતા હતા. ડિગ્રી મેળવવાની સાથે
સાથે તેમણે પોતાનું જ્ઞાન વધાર્યું અને
જાતને પણ મર્યાદામાંથી મુક્ત કરવાના પ્રયત્નો કર્યા. જેના પરિણામ સ્વરૂપે
તેમનું વક્તવ્ય સાંભળવા માટે લોકો ઉત્સુક રહેતા.
“ નાની પાલખીવાલા - કોર્ટરૂમ જિનિયસ ” નામના
પુસ્તકમાં તેમની વિલક્ષણતા વિશેનું લખાણ છે.
નાની પાલખીવાલા સમયને ખૂબ મહત્ત્વ આપતાં. તેઓ
પોતાના દરેક કામને યોગ્ય સમય આપતા. તેઓ ઝડપથી વાંચીને તેને આત્મસાત કરી શકતા. તેઓ
એક સમયે એક જ કામ કરતાં. જેથી એ કામ તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકતા. મલ્ટિટાસ્કમાં
એ બની શકતું નથી. બીજું કે તેઓ દરેક વિષય જેના વિશે બોલવાનું હોય કે કામ કરવાનું
હોય તેનો અભ્યાસ કરતા. કોન્ફરન્સ સમયે પણ કોઈ બીજા પેપર કે વસ્તુઓ ટેબલ પર ન હોય.
ફક્ત એક બ્રિફ આપતું પેપર જ હોય. ફોન કે બીજું કશું જ વચ્ચે વિક્ષેપ નાખે નહીં
તેની તાકિદ રહેતી. અર્થાત જે કરે તેમાં સો ટકા પોતાનું ધ્યાન પરોવતા.
તેમની પાસે સોલી સોરાબજી જેવા ખ્યાતનામ અને
વિદ્વત લોકોની ટીમ રહેતી. જેઓ અભ્યાસ કરીને તેમને સવાર, સાંજ માહિતીથી અપડેટ
રાખતા.
તેમના દરેક કેસની તૈયારીઓ તેઓ આગોતરી કરતાં. જેથી
કોર્ટરૂમમાં તેઓ સ્પષ્ટ રીતે ન્યાયાધીશ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરીને સમજાવી શકે.
જરૂર હોય તો તેને લેખિત રૂપે પણ રજૂ કરતાં.
નાની
પાલખીવાલાને કાયદાકિય ગુંચવાડાઓ, સમસ્યાઓ ઉકેલવામાં ખૂબ રસ પડતો. જેમ સામાન્ય
વ્યક્તિઓ ક્રોસવર્ડ પઝલને ઉકેલવામાં તન્મય થઈ જાય તેમ કાયદાની સમસ્યાઓને તેઓ
આવકારતા જેથી તેને સૂલઝાવી શકાય. પોતાના
જૂનિયર અને નાની વ્યક્તિઓ તરફનો તેમનો અભિગમ ખૂબ જ માનવીય રહેતો. તેમને તેઓ
સ્પેશિયલ હોવાનો અહેસાસ કરાવી શકતા. આટલાસફળ વિદ્વાન હોવા છતાં તેમનો સ્વભાવ નમ્ર
અને વિવેકી હતો. તેઓ ક્યારેય વિવેક ચૂકતા નહીં. દરેકને આદર આપવો તે પોતાની ફરજ
સમજતા.
તેઓ ધ્યાન રાખતાં કે દરેક કોમ્પલિકેટેડ વિષયને
સરળમાં સરળ રીતે સમજાવી શકાય અને દરેક બોરિંગ વિષયને રસાળ બનાવી શકાય. બાકી
કાયદાકિય ભાષા અને અર્થશાસ્ત્ર ખૂબ ગંભીર અને ભારેખમ હોય છે. જે સામાન્ય
વ્યક્તિઓની સમજની બહાર હોય છે. દરેક બાબતને સરળ, સહજ અને રસાળ બનાવવાની તેમની
આવડતને લીધે જ તેમના ખૂબ પ્રશંસકો હતા.
દરેક સફળ પુરુષો પોતાના કામને કંટાળાજનક ફરજ
તરીકે નથી જોતા પણ તેને માણતા હોય છે. તેઓ કામને માણતા હોવાને લીધે સતત કામ કરતાં
ય થાકતા નહીં. કામને રસાળ બનાવવા માટે જ તેમનું હોમવર્ક મહત્ત્વનું બની રહેતું.
કેટલીકવાર રાતના સાડાબારે કે ત્રણ વાગ્યે પણ મિટિંગ રાખતા અચકાતા નહીં. કામ તેમના
માટે ચેલેન્જ બની રહેતું અને તે માટે પોતાની જાતને સતત તૈયાર રાખતા, કોઈ બહાનાબાજી
નહીં કે ફરિયાદ નહીં. સતત સતર્કતા અને સમયનો યોગ્ય ઉપયોગ કરવાનો. તેમણે ઝડપથી
વાંચવાની આદત કેળવી હતી. પાનું વાંચ્યા બાદ તેના મુખ્ય મુદ્દા તેમને સમજાઈ જતા.
સતત પોતાની જાતને કેળવવાની, સુધારવાના પ્રયત્નો પણ તેઓ કરતા રહેતા, કદાચ એટલે જ
તેઓ સાતત્યપૂર્ણ રીતે સફળતાના શિખરો સર કરતા રહ્યા. તેમને એટર્ની જનરલનો હોદ્દો પણ
ઓફર થયો હતો. જેનો તેમણે નમ્રતાપૂર્વક નકાર્યો હતો.
સમજદાર, સફળ, વિદ્વાન નાની પાલખીવાલા જીવનના
છેલ્લા તબક્કામાં અલ્ઝાઈમરનો શિકાર બનતા કોઈને ઓળખી નહોતા શકતા કે કશું ય યાદ કરી
નહોતા શકતા. 82 વરસની ઉંમરે તેમણે પોતાની સફળતાનો ઈતિહાસ મૂકીને વિદાય લીધી હતી.
ક્રિકેટના મેદાનમાં હકડેઠઠ્ઠ રીતે રાહ જોતા શ્રોતાઓની સામે સતત ત્રીસ વરસ સુધી બજેટ
સ્પીચ આપનાર એકમાત્ર વ્યક્તિ નાની પાલખીવાલા અદ્વિતિય પુરુષ હતા. તેમની કેટલીક
સ્પીચ યુટ્યુબ પર સાંભળી શકાય છે. ઈમરજન્સી સમયે બંધારણ અને સ્વાતંત્ર્યનું
મહત્ત્વ સમજાવતું તેમનું વક્તવ્ય પણ સાંભળવા જેવું છે. બજેટતો દર વરસે
આવશે પણ નાની પાલખીવાલા જેવી વ્યક્તિઓ એકાદી જ હોય છે.
0 comments