સ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ
21:04
સ્ત્રીના
કપડાં અને વર્તનને કન્ટ્રોલમાં રાખવા માગતો સમાજ સ્ત્રીની જાતીયવૃત્તિને સહજતાથી
સમજે કે સ્વીકારે નહી
આ વિષય પર લખવું નહોતુ કારણ કે ગુજરાતીમાં
સ્ત્રીની સેક્સુઆલિટિ એટલે કે જાતીયવૃત્તિ અંગે લખવાનું મોટેભાગે દરેક લેખિકાઓ
ટાળે છે કારણ કે એના વિશે શું કામ વાત કરવાની. હમણાં સ્ત્રીની જાતીયવૃત્તિને લઈને કેટલીક
ફિલ્મોએ લોકોમાં કુતુહૂલ અને ચર્ચા શરૂ થઈ. કેટલાક પુરુષોએ લખ્યું પણ ખરું કે
સારું છે આટલી બોલ્ડ રીતે સ્ત્રીની સેક્સુઆલિટિ વિશે વાત ડ્રોઈંગરૂમ સુધી પહોંચી.
વાત બે ફિલ્મની હતી એક તો વીરે દી વેડિંગ જે થિયેટરમાં રજૂ થઈ અને લસ્ટ સ્ટોરીઝ જે
નેટફ્લિક્સ પર રજૂ થઈ છે. અને ભારતીયોએ
તેને વાઈરલ કરી દીધી. ખાસ કરીને તેનો એક સીન કે જેમાં સ્ત્રી માસ્ટરબેશન દ્વારા
જાતીયસુખનો આનંદ લે છે. એ ક્લિપ વોટ્સએપ્પ પર ફરવા માંડી છે.
મારે વાત કરવી છે કે ફક્ત વોટ્સએપ્પ પરની એ ક્લિપ
વિશે જે લોકોમાં વાયરલ થઈ એને જોતા લાગે કે સ્ત્રીઓમાં અક્કલ નથી તે મૂરખ છે.
તેને જાતીયસુખ મેળવતા કે માણતા આવડતું નથી. એ ક્લિપ જોયા બાદ મેં આખી ફિલ્મ (લસ્ટ સ્ટોરીઝ)
જોઈ ત્યારે દુખ થયું કે સ્ત્રીની સેક્સુઆલિટિને યોગ્ય પરિપેક્ષ્યમાં રજૂ કરવામાં
નથી આવતી (ફિમેલ માસ્ટરબેશનને રજુ કરવું એ પૌરુષિય ફેન્ટસી
છે. પોર્નોગ્રાફીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પૌરુષિય માનસિકતા સાથે રજૂ કરવામાં આવે છે. એટલે જ તેને સ્ત્રીના
સંદર્ભથી નથી રજૂ કરવામાં આવતી, લસ્ટ સ્ટોરીઝ હોય કે વીર દી વેડિંગ હોય બન્નેમાં સ્ત્રીના સેક્સુઆલ હાવભાવ
પર જ કેમેરો ફિક્સ કરવામાં આવ્યો હતો. એ હાવભાવ પુરુષોને જોવા ગમે એવા જ રાખવામાં
આવ્યા હતા. ) પહેલીવાતતો આમ પણ સેક્સની
વાતમાં દરેક મનુષ્યને રસ પડે જ છે. તેમાં પણ સ્ત્રીની જાતીયવૃત્તિ વિશે જાણવાની
કૂતુહૂલતા હોવા છતાં અધકચરી માહિતી જ લોકો સુધી પહોંચે છે કારણ કે આપણે દંભી સમાજ
વ્યવસ્થાના ભાગ છીએ. સ્ત્રીના શરીરથી લઈને તેની વૃત્તિઓ પણ કન્ટ્રોલમાં રહેવી
જોઈએ. સ્ત્રીએ કેવા કપડાં પહેરવા અને કેવી રીતે વર્તવું તે પિતૃસત્તાક સમાજ નક્કી
કરે છે. સ્ત્રીના કપડાં કોણ અને ક્યારે ઉતારે તે પણ સદીઓથી પુરુષો જ નક્કી કરતા
આવ્યા છે. દ્રૌપદીના શરીરને નહીં તો પાંડવો દાવ પર ન લગાવી શકત અને દુર્યોધન તેને
ભરી સભામાં નગ્ન કરવાનો આદેશ ન આપી શકત. સભામાં કોઈ જ સ્ત્રી નથી અને કોઈ પુરુષ આ
અન્યાય વિશે અવાજ ઉઠાવતો નથી. સભામાં તો ધૂરંધર લડવૈયાઓ, વિદ્વાનો, વડિલો બેઠા
હતા. તે છતાં અન્યાય થઈ શકે સ્ત્રીને તો આજે અન્યાય થાય તેમાં કોઈ નવાઈ નથી લાગતી
પણ ત્યારેય દ્રૌપદીએ વિરોધ નોંધાવ્યો હતો અને સવાલો પૂછ્યા હતા. ગુસ્સો વ્યક્ત
કર્યો હતો. આજે પણ સ્ત્રીઓ અન્યાય વિરુદ્ધ અવાજ ઊઠાવી જ રહી છે. પહેલીવાત તો આપણી
મોટાભાગની ફિલ્મોમાં પણ સેક્સ કે સેક્સુઆલિટિને સહજતાથી દર્શાવાતી નથી. સ્ત્રીને
ઈચ્છાઅનિચ્છા હોય તેની સહજતા કેવી રીતે દર્શાવી શકે, પહેલીવાતતો જ્યારે પણ
સ્ત્રીની સેક્સુઆલિટિની વાત કરવાની હોય ત્યારે સ્ત્રીને સિગરેટ કે દારૂપીતી
દર્શાવવી જ પડે એ એક ચલણ આપણી આજકાલની સો કોલ્ડ બોલ્ડ ફિલ્મોમાં છે. વીરે દી
વેડિંગમાં એક તો જે સોસાયટીની સ્ત્રીઓની વાત કરવામાં આવી રહી છે તે સમાજમાં
સ્ત્રીઓ સહજતાથી પોતાની પસંદગીની જીંદગી જીવવાનો પ્રયત્ન કરે જ છે. મધ્યમવર્ગમાં
આવું બનતું નથી કારણ કે એ સ્ત્રીઓનો ઉછેર અને આર્થિક મર્યાદા તેમ જ જીવનના સંઘર્ષો
અનેક હોય છે. સેક્સુઆલિટિ વિશે વિચારવાનો તેમની પાસે સમય જ નથી હોતો. પ્રેમને નામે
બધું જ ચાલી જતું હોય છે અથવા શોષણને નામે. વીરે દી વેડિંગ ફિલ્મમાં સ્વરાને
માસ્ટરબેશન કરતી હોય એવું દર્શાવે છે. પણ સાથે જ તેનામાં ગુનાહિતભાવ પણ આરોપી
દીધો. તેનો પતિ તેને માસ્ટરબેટ કરતા જોઈ જાય અને પછી છૂટાછેડા અને પૈસા માટે તેને
બ્લેકમેઈલ કરે કે હું લોકોમાં જાહેર કરીશ કે તું માસ્ટરબેટ કરતી હતી. એ પાત્રએ
કહેવું જોઈએ કે હા ચોક્કસ જાહેર કર જેથી લોકોને ખબર પડે કે પતિ મને સંતોષ નથી આપી
શકતો. લસ્ટ સ્ટોરીઝમાં પણ પોતાના સુખ અને સંતોષ માટે સ્ત્રીઓ સેક્સટોયનો ઉપયોગ કરે
છે, સ્ટોરી સરસ છે કે સ્ત્રીને પોતાની ઈચ્છા હોઈ શકે છે અને તેને પૂરી કરવાનો પણ
તેને અધિકાર છે પણ જે રીતે તે દર્શાવ્યું છે તેમાં એમ જ સાબિત થાય કે સ્ત્રીઓ મૂરખ
છે. તેને પોતાની અંગતતા સાચવતાં આવડતું નથી. સ્ત્રી પાત્રને મજાકનું સાધન બનાવીને
રજૂ કરવામાં આવે તે ક્યાનો ન્યાય?
મોટાભાગના પુરુષોની જેમ સ્ત્રીઓ પણ માસ્ટરબેશન
કરતી જ હોય છે. પણ ક્યારેય તમે જોયું કે તે પુરુષોની જેમ ભરરસ્તામાં કે ફિલ્મોમાં
દર્શાવે છે તેમ ઓકવર્ડ સ્થિતિમાં પકડાય? મોટાભાગના પુરુષોને ખબર પણ નથી હોતી કે
સ્ત્રીઓ પણ માસ્ટરબેશન કરતી હોય છે. તેમના પતિને પણ ખબર ન હોય તે શક્ય છે. તેનામાં
પોતાની લાગણીઓની અંગતતા જાળવવાની હોશિયારી હોય છે. તે મૂરખ કે નિમ્ફોમેનિયાક નથી.
નિમ્ફોમેનિયાક એટલે વધુ પડતી જાતીયવૃત્તિ ધરાવનાર તે રોગ હોઈ શકે. એવી પણ સ્ત્રીઓ
હોય છે અને તેને સારવાર લેવી પડતી હોય છે. કારણ કે આ લાગણીઓ આપણા શરીરમાં પેદા
થતાં કેમિકલ દ્વારા કામ કરતી હોય છે. લસ્ટ સ્ટોરીઝની એ ક્લિપનો વાંધો એટલે આવ્યો
કે તેમાં પેલી સ્ત્રીના પતિને સેક્સ વિશે કશી જ જાણકારી નથી. તે પત્નીને સુખ આપી જ
શકતો નથી પણ તે વિશે સમજ પણ કેળવવા નથી માગતો. શીઘ્ર સ્ખલનની તકલીફ પુરુષને છે. એ
ક્લિપ વોટ્સએપ્પ પર નથી ફરતી કારણ કે પુરુષને મુરખ દર્શાવ્યો હોય પણ તેને વાયરલ
કરવું પુરુષોને કે સ્ત્રીઓને ગમે નહીં. એ જ ફિલ્મમાં સાસુ પણ ઈંગિત કરે છે કે
સ્ત્રીએ જલ્દી માતા બનીને વ્યસ્ત થઈ જવું જોઈએ જેથી શરીરસુખનો વિચાર કરવાનો સમય જ
ન રહે.
સ્ત્રીની સેક્સુઆલિટિના નામે તેની મોકરી એટલે કે
મજાકનું સાધન બનાવીને રજૂ કરતી ફિલ્મો બોલ્ડ કે બિન્દાસ ન હોઈ શકે પણ પિતૃસત્તાક
માનસિકતાનું જ આ એક બીજું પાસું છે. વરસો પહેલાં મેં ઓર્ગેઝમ પર આર્ટિકલ કર્યો હતો
ત્યારે અનેક સ્ત્રીઓના ઈન્ટરવ્યુ લીધા હતા. મોટાભાગે મધ્યમવર્ગની સ્ત્રીઓની સાથે જ
વાત કરી હતી. મોટાભાગની સ્ત્રીઓને ઓર્ગેઝમ શબ્દ અને અનૂભુતિ વિશે ખબર જ નહોતી.
સેક્સ અને ઓર્ગેઝમની વાત સ્ત્રી સાથે કરતા પણ ભાવવિહિન ચહેરો અને ચુપ થઈ જવું
સામાન્ય હતું. તેમાંથી મોટાભાગની સ્ત્રીઓએ કબૂલ્યું હતું કે તેમને ક્યારેય
ઓર્ગેઝમનો અનુભવ થયો જ નથી. કારણ કે તેમના પતિઓ પોતાની વાસના પૂરી કરીને પડખું
ફેરવીને સૂઈ જાય છે.
હવે તો અનેક સ્ત્રીઓ ઓર્ગેઝમ વિશે સભાન થઈ છે અને
એટલે જ સેક્સટોય પણ ખરીદી શકે છે. તેઓ પોતાની ઈન્ટિમેટ લાગણીઓને સમજે છે અને તેનો
આનંદ ઉઠાવવાનું પણ જાણે છે. તે મુરખાવેડા જ કરે છે એવું નથી. આપણે ત્યાં સેક્સ
એજ્યુકેશન ફિલ્મો દ્વારા મળે છે જે અધૂરિયું જ્ઞાન છે. આજે જે રીતે સ્ત્રીની
સેક્સુઆલિટિને બોલ્ડ કરીને દર્શાવવામાં આવે છે તે 1988માં અરુણા રાજેએ રિહાઈ નામની
ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મમાં સ્ત્રી-પુરુષના સેક્સુઅલ ઈચ્છાઓની વાસ્તવિકતા દર્શાવી હતી. એ ફિલ્મમાં હેમા
માલિની, નસીરુદ્દીન શાહ અને વિનોદ ખન્ના હતા. મીરાં નાયરની ફાયર ફિલ્મ પણ સ્ત્રીની
સેક્સુઆલિટિને સહજતાથી રજુ કરે છે. માર્ગરિટ વીથ સ્ટ્રો પણ સારી ફિલ્મ હતી.
લિપસ્ટિક અંડર માય બુરખામાં પ્રૌઢ મહિલાની સેક્સુઆલિટિ અને કોંકણાસેનને પતિ દ્વારા
થતો બળાત્કાર જ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં દર્શાવાયા છે. અંગ્રેજી અનેક ફિલ્મો છે
જેમાં પ્રૌઢ મહિલાઓના સેક્સની વાત પણ સહજતાથી કરવામાં આવી હોય. સમથિંગ ગોટ્ટા
ગીવ(2003) અને ઈટ્સ કોમ્પલિકેટેડ. આપણે ત્યાં સ્ત્રીની સેક્સુઆલિટિ વિશે ન તો
પુરુષ કે સ્ત્રી વાત કરે છે. સેક્સ એન્ડ સિટી ધારાવાહિક અને ફિલ્મ્સ પરથી વીરે દી
વેડિંગનો આઈડિયા લેવામાં આવ્યો છે, અને તેનું ભારતીયકરણ કરવામાં આવ્યું છે પણ
સ્ત્રીની જાતીયવૃત્તિની વાત સહજતાથી દર્શાવવાનું હજી બાકી છે. દારૂ કે સિગરેટ ન
પીતી સ્ત્રીઓની વાત કરવાની હજી બાકી છે. જો એ વાત થાય તો પણ સમાજ સ્વીકારી શકશે કે
કેમ તે સવાલ ઊભો જ છે.
0 comments