પર્યાવરણને પીડનારા પ્રવાસીઓ
05:05
તમે કેવા પ્રવાસી છો? આનંદ
આપનારા કે પીડા આપનારા ?
દરવરસે ઉનાળો આવતા મોટાભાગના લોકો શિમલા
કુલુ-મનાલી કે કાશ્મીરના પ્રવાસે ઉપડી જાયય. શિમલાના રહેવાશીઓએ લોકોને વિનંતી કરી
કે મહેરબાની કરીને તમે શિમલા પ્રવાસે ન આવો કારણ કે અમારા માટે શહેરમાં પાણી નથી. પ્રવાસ કરવાનો હોય આનંદ માટે
અને આપણે જ્યાં પ્રવાસે જઈએ તેમને પણ અતિથિઓને આવકારવાનો આનંદ મળે એવું આપણું
વર્તન હોય તેવી અપેક્ષા સ્વાભાવિક છે. પછી તેમાં આર્થિક પાસું હોય કે ન હોય. તમે
પૈસા ખર્ચીને પ્રવાસ કરો છો એનો અર્થ એ નથી હોતો કે તમારું વર્તન એ સ્થળને,
વ્યક્તિઓને નુકસાન પહોંચાડે. શિમલાના
લોકોની વિનંતી વાંચીને મને વરસેક પહેલાં પહેલીવાર શિમલા-મનાલીમાં અનુભવેલો પ્રવાસ
યાદ આવ્યો. વરસેક પહેલાં એટલે કે પરીક્ષાના દિવસોમાં માર્ચ મહિનામાં અમે મનાલી અને
શિમલા ગયા ત્યારે ઓફ સિઝન ગણાય પ્રવાસીઓ માટે પરંતુ શિમલા શહેરમાં ટ્રાફિક અને
પ્રવાસીઓની સંખ્યા અસંખ્ય જ હતી. ત્યાંના જ અમારા ડ્રાઈવરે કહ્યું કે આ તો દસમો
ભાગ છે. એપ્રિલ-મે મહિનામાં કેટલી ભીડ હશે તેની કલ્પના કરો. આવું જ બન્યું
મનાલીમાં, સોલંગ વેલી જવા માટે ટ્રાફિક જામ હતો. કિલોમીટર દૂર કાર પાર્ક કરીને
ચાલીને જવું પડે. બરફથી સુંદર સ્થળ પર ઠેરઠેર કારના ટાયરના કાળા નિશાનો, કચરાના
ઢગલાઓ અને પ્રવાસીઓના દેકારા સાંભળીને અમે દૂરથી જ પાછા વળી ગયા. ત્યાં વરસોથી
રહેતા નાગરિકોને પણ આ ગંદકી અને અવાજનું પ્રદુષણ નડતું હશે. પર્યાવરણને તો નુકસાન
પહોચેં જ છે. અહીં પણ સાંભળવા મળ્યું કે એપ્રિલ-મેના વેકેશનમાં આનાથી દસગણી વધુ
ભીડ અને ટ્રાફિક જામ રોહતાંગ પાસ પર પણ અનુભવાય.
એ વાત સાંભળીને થયું કે આપણે પ્રવાસ કરીએ છીએ શા
માટે? પ્રકૃતિના સાનિધ્યમાં જઈને આનંદ અને સૌંદર્ય માણવા માટે, પરંતુ જો આપણે જે
તે સ્થળની શાંતિ, સૌંદર્યને નુકસાન પહોંચાડીએ તો ખરા અર્થમાં પ્રવાસ કરી શકીએ છીએ
ખરા? સ્વચ્છતા અને સુંદરતા
જાળવવાનો પ્રયાસ પ્રવાસી તરીકે પણ થવો જોઈએ. આપણા ગયા પછી આવનારા બીજા પ્રવાસીને
પણ એટલું જ સુંદર વાતાવરણ મળે એવું આપણું વર્તન હોવું ઘટે. પૃથ્વી ઉપર પણ આપણે
પ્રવાસી જ છીએ અને આવતી પેઢી માટે આપણે કેવી દુનિયા છોડી જઈશું એ વિશે પણ વિચારવા
માટે મોડું થઈ રહ્યું છે એવું ગ્લોબલ વોર્મિગની ઈફેક્ટ જોઈને નથી લાગતું? કાર્બન
ફુટિંગ દ્વારા આપણે જ આપણી ધરતીને નુકસાન
પહોંચાડી રહ્યા છીએ. ફક્ત શિમલા જ નહીં મોટાભાગના પ્રવાસના સ્થળો પ્રવાસીઓથી ઊભરાઈ
રહ્યા છે. લોકો પાસે વધારાની આવક વધી રહી છે એટલે પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે.
પણ જાગૃત પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે. હમણાં ચોમાસું આવશે એટલે વીકએન્ડમાં
નર્મદા કિનારે કે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ કે પછી ડેમ ઉપર પ્રવાસીઓ પારાવાર
જોવા મળશે તે સાથે કચરો અને ટ્રાફિકનો ઘોંઘાટ પણ. ઘરમપુર અને ડાંગ વિસ્તાર
ચોમાસામાં લીલી ચાદર ઓઢી સુંદર બની જાય. વિલ્સન હિલ પર અમે ત્રણેક વરસ પર ગયા હતા,
ત્યાં કુદરતે અદભૂત સૌંદર્ય વેર્યું છે એટલે પ્રવાસન ખાતાએ પ્રવાસીઓને આકર્ષવા
માટે સ્થળનો વિકાસ કર્યો છે એવું સાંભળ્યું હતું. વિલ્સન હિલ્સ પર પહોંચતા જ
કચરાના ઢગલાઓએ અમને નિરાશ કર્યા. સુરત, વલસાડથી ગાડીઓમાં આવનારા પ્રવાસીઓ અમારી
સામે જ પ્લાસ્ટિકના કચરાઓ ફેંકી રહ્યા હતા. ડિસ્પોઝેબલ ગ્લાસ, ડીશ સિવાય વેફરના
પડીકાંઓ, બોટલો અને પ્લાસ્ટિકની થેલીઓએ સ્થળને ગંદુ ગોબરું બનાવી દીધું હતું.
પર્વતો અને ઘાટીના સુંદર દૃશ્યોને લોકો મોબાઈલમાં મઢી રહ્યા હતા પણ સાથે એ જ લોકો કચરો
પણ કરી રહ્યા હતા.
આવી જ પરિસ્થિતિ દરેક સ્થળો પર જોવા મળે છે તે
કબૂલવું જ રહ્યું. આ બધું જ કાર્બન ફુટિંગ છે. હિમાચલ અને કેદારનાથમાં સર્જાયેલી
પુરની હોનારત વખતે પણ આપણે બધા કહી રહ્યા હતા કે ડુંગરો અને પર્યાવરણને આપણે જ
નુકસાન પહોંચાડ્યું છે પણ એ પછી શું આપણે જવાબદાર પ્રવાસી બન્યા છીએ ખરા? સંયુક્ત રાષ્ટ્રસંઘ વર્લ્ડ ટુરિઝમ
ઓર્ગેનાઈઝેશનનું માનવું છે કે ભારતમાં 2020ની સાલ સુધીમાં 5 કરોડ જેટલા પ્રવાસીઓ
વધશે. દક્ષિણ રાજ્યનું જાણીતું પ્રવાસી પર્વતીય સ્થળ ઊંટી છે. તેમાં ગયા વરસે એટલે
કે 2017ની સાલમાં 32 લાખ પ્રવાસીઓ મે-જૂન દરમિયાન પહોંચ્યા હતા. લગભગ 5000થી વધુ
વાહનોએ ચાર કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ કર્યો હતો. મુંબઈ પૂના વચ્ચે ક્યારેક
કિલોમીટર સુધી ટ્રાફિક જામ લાગે છે. દરેક હિલ સ્ટેશનની આ જ હાલત બની રહી છે. હવે
વિચારો કે બે વરસમાં બીજા કરોડો પ્રવાસીઓ ઉમેરાય તો આપણે હિલ સ્ટેશનો રહેવા દઈશું
ખરા?
હજી મોડું નથી થયું જાગ્યા ત્યારથી સવાર. ઈકો
ટુરિસ્ટ એટલે કે પર્યાવરણને જાળવનારા પ્રવાસી બનીએ. શક્ય હોય તો હોમ સ્ટેનો ઉપયોગ કરીએ. પ્લાસ્ટિકનો વપરાશ
નહીવત કે ખપ પૂરતો જ કરીએ. આપણી સાથે આપણો ચા-કોફીનો મગ, ડીશ અને ચમચીઓ જે ધોઈને
ફરી વાપરી શકાય તે રાખીએ. શક્ય હોય તો ચાદરો પણ. કપડાં જાતે ધોઈએ. પાણીનો વપરાશ
ઉપયોગીતા પૂરતો જ કરીએ તેને વેડફીએ નહીં. હિમાચલમાં જઈને પીત્ઝા ન ખાઈએ પણ
ત્યાંનું લોકલ સાદું જમવાનું જ આરોગીએ. ટેલિવિઝન કે મોબાઈલનો ઉપયોગ ન કરીએ તો વધુ
સારું. ઈલેકટ્રિસીટીનો વપરાશ વધુ પડતો ન કરીએ. શક્ય હોય ત્યાં પબ્લિક
ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરીએ કે પગપાળા પ્રવાસ કરીએ. ત્યાં રહેતા લોકોની શાંતિ
ડહોળીએ નહીં. ગંદકી તો ન જ કરીએ. ત્યાંના લોકોની સંસ્કૃતિનો આદર કરીએ. ખાસ કરીને
લદ્દાખ, રાજસ્થાન જેવા સૂકા પ્રદેશમાં જઈએ તો પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક કરીએ.
આજકાલ ક્રુઝિંગ પર જવાની ફેશન પણ છે. પ્લેનની સફર
કરતાં ક્રુઝ વધુ કાર્બન ફુટિંગ પેદા કરે છે. ખરીદી ન કરીએ કે સૌથી ઓછી કરીએ. લોકલ
આર્ટિસ્ટ કે પેદાશને જ મહત્ત્વ આપીએ. શોપિંગ દ્વારા પણ કાર્બન ફુટિંગ પેદા થાય છે.
દરેક વ્યક્તિ પોતે જાગૃત રહીને કાર્બનને પર્યાવરણમાં ઓછામાં ઓછો મૂકે તો ટીપે ટીપે
સરોવર ભરાય તેમ કાર્બન ફુટિંગ પર કન્ટ્રોલ કરી શકાય. તો પર્યાવરણનું સંતુલન ખોરવાય
નહીં. હોટલમાં રહો તો ય દરરોજ ચાદરો કે ટુવાલ ધોવા નાખવાની જરૂર નથી હોતી.
પ્રવાસીઓની સંખ્યા વધારે હોય ત્યાં પર્યાવરણનું સંતુલન ખોરવાય છે.
ઈટલીના વેનિસ શહેરમાં રહેતા મૂળ લોકો પોતાનું ઘર
વેચીને સ્થળાંતર કરી રહ્યા છે એવા સમાચાર વાંચ્યા હતા. ત્યાં આખું ય વરસ એટલા બધા
પ્રવાસીઓ આવે છે કે તેમને શાંતિ નથી મળતી અને સામાન્ય જીવન જીવવું અઘરું બની
રહ્યું છે. હવે વિદેશમાં કેટલાય જાણીતા સ્થળોએ ભીડને કન્ટ્રોલ કરવા માટે નિયમો
બનાવ્યા છે. ચોક્કસ સંખ્યામાં જ પ્રવાસીઓને પ્રવેશ અપાય. વધુ પ્રવાસીઓ થઈ જાય તો
પ્રવેશ બંધ કરી દેવાય. જો આપણે પણ હિલ સ્ટેશનોની સુંદરતાઅને શાંતિ જાળવવી હોય તો આ
રીતે થોડા નિયમો લાગૂ કરવા પડશે. વધુ પ્રવાસીઓ એટલે વધુ કમાણી પણ લાંબે ગાળે
નુકસાન પણ વધુ થવાની શક્યતા રહે છે. હવે કેટલાક જાગૃત પ્રવાસીઓ આ રીતે પર્યાવરણને
નુકસાન ન થાય એ રીતે જ પ્રવાસ કરે છે.
એક સરસ અને જાણીતું વાક્ય છે. યાદો સિવાય કશું જ
ન લો અને પગલાંની છાપ સિવાય કશું જ ન મૂકી જાઓ.
0 comments