રડવા માટે ખભો અને વાત કરવા માટે કાન જરૂરી છે
08:55
બચ કે રહેના...એકલતા નામનો રોગચાળો
ધીમી ગતિએ આખાય વિશ્વને ભરડામાં લઈ રહ્યો છે
કોઈ યે કૈસે બતાયે કી વો તન્હા ક્યું
હૈ.....જગજીતસિંહના મધુર અવાજમાં ગવાયેલી અર્થ ફિલ્મની ગઝલ લોકપ્રિય છે. એક્સ્ટ્રા
મેરિટલ અફેરની વાત અર્થ ફિલ્મમાં છે. પતિ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે છે અને
પત્નીને એકલતા અકળાવે છે. રિજેકશન અને એકલતા બે સમાંતર પાટા પર અનુભવાતી લાગણીઓ
છે. બાળકો મોટા થઈને વિદેશ જતા રહ્યા હોય કે પછી પોતાના સંસારમાં મશગૂલ હોય તો પણ
એકલતા લાગી શકે. માતાપિતા વ્યસ્ત હોય પૈસા કમાવવામાં તો બાળકોને પણ એકલતા લાગી
શકે. પતિ કે પત્ની મૃત્યુ પામી હોય તો જીવીત પાત્રને એકલતા લાગી શકે.
દરેક સંબંધ પરિપૂર્ણ ક્યારેય નથી હોતો,પરંતુ
કેટલીક વખત હૃદયના ખૂણાઓ ખાલી રહી જતા હોય છે સંવાદના અભાવે કે સ્પર્શના અભાવે.
આજે આધુનિક યુગમાં જીવન રેટરેસનો ભોગ બન્યું છે, અધૂરામાં પૂરું આ ટેકનોલોજીએ
વિશ્વ નાનું કરી દીધું કે એમ કહો કે વિશ્વને તમારી મૂઠ્ઠીમાં લાવીને મૂકી દીધું તે
છતાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર વધી
ગયું છે. કુટુંબો વિભક્ત જ નહીં, નાના થતા ગયા. સંયુક્ત કુટુંબોની તકલીફો નહોતી એમ
નહીં, પણ તેમાં સ્નેહની ભૂખ એક નહીં તો બીજી વ્યક્તિ પાસેથી સંતોષાઈ જતી હતી. હવે
એક જ બાળક હોવાને કારણે તેની પાસે મસ્તી કરવા કે રમવા માટે કે પછી પોતાની લાગણીઓ
વ્યક્ત કરવા માટે કોઈ પાત્ર નથી રહેતું. સંબંધોમાં એકલતા ન જણાતી હોત તો એકસ્ટ્રા
મેરિટલ સંબંધો પણ ન બંધાતા હોત. આ એકલતાને નાથવા માટે બ્રિટનમાં તો એકલતાને નાથવા
માટે ખાસ પ્રધાન નિમવામાં આવ્યા. જેમણે આ સમસ્યાને નિવારવા માટે પ્રયત્નો કરવાના
બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેના કહેવા પ્રમાણે આધુનિક જીવનની આ કરૂણ વાસ્તવિકતા
છે.
હમણાં જ એક ગુજરાતી ફિલ્મ જોઈ ઓક્સિજન. તેમાં
સંબંધોને ભાડા પર લેવાની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ જોવા આવનાર એકભાઈ વારંવાર
કહી રહ્યા હતા કે આ ફિલ્મનો વિષય ભારત માટે ખૂબ વહેલો છે. આપણે કહી શકીએ કે આપણે
ત્યાં આવું કંઈ ન થાય. જાપાન અને ચીનમાં સ્ત્રીઓ એટલી બધી એકલી છે કે તેમને રડવું
હોય તો ભાડા પર હેન્ડસમ યુવાન મળે આંસુ લુછવા માટે. એટલે કે પૈસા આપીને સહાનુભૂતિ
અને લાગણીઓ ખરીદવાની. સાંભળીને નવાઈ લાગે પણ રડવા માટે ખભો કે છાતીની જરૂર સેક્સ
કરતા વધુ હોય છે. ફક્ત જાપાનમાં જ નહીં, અનેક દેશોમાં કડલ બડ્ડી કે સ્નગલ બડ્ડી
સર્વિસ મળી રહે છે. એટલે કે જાદુની ઝપ્પી વેચાતી મળે છે અને લોકો ખરીદે પણ છે.
એકલતા મહેસૂસ કરતી વ્યક્તિને જીવનમાં ક્યારેક ફક્ત એક સિમ્પલ સાદી હગ એટલે કે
ઝપ્પી એટલે કે ભેટી શકાય એવી વ્યક્તિની જરૂર હોય છે. જેનું કોઈ જ ન હોય અને હોય તો
ય એ રીતે ભેટવાનો સંબંધ ન હોય. તેઓ આવી સર્વિસ કલાકના ભાવે ખરીદે. તેમાં એ વ્યક્તિ
સ્ત્રી પણ હોય કે પુરુષ પણ હોય. તે વ્યક્તિ તમારા ઘરે આવે કે તમને બહાર મળે કે તમે
એના ઘરે જાઓ જે તમને બન્નેને અનુકૂળ હોય તે. એ વ્યક્તિ તમને ફક્ત ઉષ્માપૂર્ણ રીતે
ભેટીને બેસે. તમે તમારું માથું તેના ખભે કે છાતી પર મૂકી શકો. તે વ્યક્તિ કે તમારી
વચ્ચે કોઈ જ શારિરીક સંબંધ ન બંધાય એવી શરત હોય છે. આવી સર્વિસ લેનાર અને આપનારે
ડોક્યુમેન્ટ સાઈન કરવાના હોય છે. ઓક્સિજન ફિલ્મમાં આવા એકલતા અનુભવતા કે સંબંધો
માટે ઝૂરતી વ્યક્તિને નાટકમાં કામ કરતો અદાકાર શેક્સપિઅર જોષી સધિયારો આપે છે.
તેના બદલામાં સામી વ્યક્તિ તેને પૈસા આપે છે.
આ વાંચીને તરત જ તમને સવાલ થાય કે આવા પૈસાથી
સંબંધો ખરીદાય કંઈ? એ તો નર્યો સ્વાર્થ કહેવાય. તો એ જ ફિલ્મમાં આ જ
સવાલ હિરોઈન હીરોને પૂછે છે ત્યારે જવાબ મળે છે કે આ રીતે પૈસા લેવાથી તેમને કોઈ
ઉપકાર કરતું હોય તેવું ન લાગે અને ઉષ્મા માટે બેઝિજક દાવો કરી શકે. એક વૃદ્ધ દંપતિ
છે જેનો એકમાત્ર પૌત્ર અમેરિકા રહે છે અને ક્યારેય તેમની ખબર નથી કાઢતો કે ફોન પર
વાત પણ નથી કરતો. દંપતિ પાસે પૈસા છે અને તે પૈસા પૂરતો જ તે પૌત્રને સંબંધ છે. એ
વૃદ્ધ દંપતિને કોઈ પોતાની સાથે સ્નેહથી બે શબ્દો બોલે. કાળજી કરે એવા યુવાનની
અપેક્ષા છે. તેઓ આ શેક્સપિઅરને પૈસા આપીને રોકે છે. દરરોજ તે ફોન કરે, પ્રેમથી મળે
અને કાળજીભરી વાતો કરે. એ દંપતિનું એકાંત સભર કરે છે. ખરું કહો તમારામાંથી
કોઈ કે પછી તમારી આસપાસ કેટલીય આવી ફક્ત
ને ફક્ત લાગણીનો પડઘો ઈચ્છતી વ્યક્તિઓ હશે કે જેને તમે જાણતા હશો.
ક્યારેક ગામડાના કોઈ એકલા બેઠેલા વૃદ્ધને જોજો કે
એકલા એકલા ઘરમાં રમતાં બાળકને જોજો. શહેરોમાં છૂટાછેડાના કેસ વધી રહ્યા છે ત્યારે
જો બાળકો હોય તો તેમની એકલતાનો વિચાર કરજો. મુંબઈમાં તો એવા કિસ્સા જોવા મળી રહ્યા
છે કે છૂટાછેડા પછી પત્ની કોઈ બીજાને પરણે અને પતિ કોઈ બીજી સ્ત્રીને પરણી જાય.
બાળકો ન અહીંના રહે ના ત્યાંના રહે. એક પેઈન્ટર નિખિલ છગનલાલને મળવાનું બન્યું
હતું. ખૂબ પૈસાદાર માતાપિતાનું સંતાન. ત્રીસેક વરસ પહેલાં તેના માતાપિતાએ છૂટા
થઈને બીજી વ્યક્તિઓ સાથે જોડાઈ ગયા. બાળક નિખિલને તેના દાદા અને નોકરો પાસે ઉછેરવા
મૂકી ગયા. એ નિખિલ યુવાન થતાં એકલતાને કારણે ખોટી લતમાં પડ્યો. જો કે તે બહાર પણ
આવ્યો અને પેઈન્ટર બન્યો. આજે બોલીવૂડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા અનેક
દંપતિ છૂટા થાય છે અને સિંગલ પેરેન્ટિગ કરે છે. એક જ સંતાન હોય તો ભાઈબહેનનો પ્રેમ
શું કહેવાય તે ખબર નહોય. વિદેશમાં તો હવે લગ્ન સમારંભમાં ભાડૂતી સંબંધીઓ પણ મળી
રહે છે. આપણે ત્યાં પણ આવું ચલણ છે. શુદ્ધ દેશી રોમાન્સ ફિલ્મમાં આ બાબત દર્શાવાઈ
છે.
આધુનિક યુગમાં સંબંધોની ઉષ્મા ખતમ થઈ રહી છે
કારણે કુટુંબો નાના થઈ રહ્યા છે પણ ભૌતિક સુખસગવડ માટે પતિપત્ની બન્નેએ કમાવું પડે
છે. કૌટુંબિક સમયની વ્યાખ્યા જ ખતમ થઈ રહી છે. કામના કલાકો વધી રહ્યા છે. પૈસા અને
સગવડતો વધી રહ્યા છે, પરંતુ વ્યક્તિઓ એકલી
પડી રહી છે. તેમની વચ્ચે સંવાદ કે લાગણીઓ વ્યક્ત થતી નથી. કારણ સમય જ નથી કોઈની
પાસે. ફરવા જાય છે તો પણ લોકો સતત મોબાઈલમાં ફોટા પાડીને તેને સોશિયલ મીડિયા પર
મૂકવામાં વ્યસ્ત છે. ટીવી જોવામાં કે મેસેજ જોવામાં વ્યસ્ત રહે છે. ફક્ત બે
વ્યક્તિઓ એકબીજા સાથે સહવાસ માણતી નથી. સોશિયલ મીડિયા દ્વારા સતત બીજી વ્યક્તિઓ
સાથે હોય છે.માનો કે ન માનો સંવાદ સાંભળવા
માટે, હોંકારો દેવા માટે સહવાસ, ફેમિલી ટાઈમ ભવિષ્યમાં વેચાતા લેવા પડશે એવા દિવસો
આવી રહ્યા છે. ભેટવા માટે કે રડવા માટે ખભો કલાકના ભાવે ખરીદવો પડશે. વાતો કરવા
માટે સાંભળે એવા કાન ખરીદવા પડશે.
0 comments