મંઝિલ દૂર નથી
01:21
મહિલાઓએ હજી દરેક ક્ષેત્રે ભેદભાવનો
સામનો કરવો પડે છે. એમાં હોલીવૂડ અને કાન ફિલ્મ ફેસ્ટિવલ પણ શામેલ છે.
જાતીય
ભેદભાવ સ્પષ્ટપણે હવે દેખાઈ રહ્યા છે કારણ કે તેને આંગળી ચીંધીને બતાવાય છે. કોઈએ
મને સવાલ પૂછ્યો કે તમે કેમ નારીવાદી લેખો લખો છો. પુરુષો કંઈ ખરાબ નથી જેટલા તમે
ચિતરો છો...તો વળી કોઈ વાચકને એટલો વાંધો પડ્યો કે મને પૂછે કે તમારા લેખ તમારા
પતિને વંચાવજો એમને પણ નહીં ગમે. ગયા લેખમાં લખ્યું તેમ સ્ત્રી સ્વતંત્રતાની વાતો
કરે અને પિતૃસત્તાક સમાજને સવાલો કરે તે પિતૃસત્તાક
માનસિકતા ધરાવતા પુરુષોને ગમતું નથી. ક્યારેય કોઈ લેખકને એમ પૂછાય છે કે તમારા
પત્નીને લેખ વંચાવ્યો હતો કે નહીં? આ બધા સવાલો પૂછાય નહીં એટલે કેટલીય સ્ત્રીઓ પોતાની
આવડત છુપાવીને જીવતી હોય છે કારણ કે તેના પતિને એ જ્યારે ઘરે આવે ત્યારે પત્ની
ઘરમાં જ હાજર જોઈએ. પત્ની પોતાની રીતે નિર્ણયો લે, વર્તે તે ગમે નહીં. પોતાની
મર્દાનગી ઓછી થતી લાગે કે સત્તા ઝૂટવાઈ જતી હોય એવો ડર રહે. ફિલ્મો આપણા સમાજનું પ્રતિબિંબ હોય છે. એટલે
ફિલ્મોમાં પણ સ્ત્રીઓને જે રીતે દર્શાવાય છે તે સ્વીકાર્ય બને છે. સ્ત્રીઓ એટલે
ઘરમાં રહીને ગાજરનો હલવો બનાવે કે મૂળીના
પરાઠા બનાવે.... નાસ્તો પીરસે કે પછી લગ્ન માટે રાજકુમારની રાહ જુએ. પોતાની મરજીથી
એવું કરતી સ્ત્રીઓ હોઈ શકે પણ દરેકને ગાજર હલવો કે અથાણા કે પાપડ કે રસોઈ કરવી ગમે
કે આવડે એવું ન ય હોય.
હીરો છેડતી કરે, વિરોધ કરતા કરતા છેવટે હીરોઈન
માની પણ જાય. હીરો ગમે તેટલો મવાલીગીરી કેમ ન કરતો હોય. હીરોઈનને ચોઈસ હોતી નથી.
કપડાં પુરુષ દર્શકને ખુશ કરવા માટે જ પહેરવાના હોય કે ન પહેરવાના હોય. બરફમાં હીરો
કોટ પહેરે જ્યારે હીરોઈન પારદર્શક સાડી પહેરે. અરે બરફના પહાડોમાં ગમે તેટલા કપડાં
પહેર્યા હોય તો પણ દાંતમાં કડકડાટી બોલે. હાથની આંગળીઓ પણ દેખાય નહીં એમ આપણે
તૈયાર થઈએ. અને ફિલ્મોમાં પુરુષ દર્શકો માટે સૌથી ઓછા કે પારદર્શક કપડાં હીરોઈને
પહેરવાના. સવાલ એ પણ થાય કે આવા ભેદભાવનો વિરોધ સ્ત્રીઓ પોતે જ શું કામ નથી કરતી? આ સવાલ
પુરુષોને ખૂબ ગમશે... જોયું સ્ત્રીઓને જ ગમે છે, પણ પુરુષોને કપડાં પહેરાવનાર
દિગ્દર્શક સ્ત્રીને પણ કપડાં પહેરાવી જ શકે. મજબૂરી સ્ત્રીઓ માટે પણ ઊભી કરવામાં
આવી છે. પૈસાની લાલચમાં પુરુષ અમાનવીય બને તો ચાલે, સ્ત્રીને લાલચ કરવાની શું જરૂર
આમ દરેક બાબતે ભેદભાવ થાય પણ પુરુષો શું કામ સિક્કાની બીજી બાજુ જુએ. હવે સ્ત્રીઓ
ફિલ્મ બનાવે છે ત્યારે આવા ભેદભાવ બખૂબીથી ઉજાગર કરાય છે અને સ્ટોરી એટલે કે
વાર્તાને વફાદાર પણ રહે છે. હાલમાં જ રજુ થયેલી મેઘના ગુલઝારની ફિલ્મ રાઝી, ગૌરી
શિંદેની ઈંગ્લીશ વિંગ્લીશ, ડિયર ઝિંદગી, ઝોયા અખ્તરની ઝિંદગી ન મિલેગી દુબારા અને
દિલ ધડકને દો... કોંકણાસેન શર્માની અ ડેથ ઈન ગૂંજ, શોનાલી બોઝની માર્ગરીટા વીથ અ
સ્ટ્રો.. આ દરેક ફિલ્મોમાં સ્ત્રીની ભૂમિકા સ્ત્રીના વિશ્વની વાત સચ્ચાઈપૂર્વક રજૂ
કરે છે.
હમણાં મીડિયામાં કાન ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ ગયો
તેમાં ઐશ્વર્યા રાય અને દીપિકા પાદુકોણના અનયુઝઅલ ડ્રેસના ફોટા ચમક્યા કર્યા. આપણી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ગ્લેમરસ બાજુ જોવા મળી અને તેને જ હાઈલાઈટ કરવામાં આવી કારણ
કે માર્કેટ જ આપણી પ્રતિભાઓને દોરે છે. આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બીજી એક
મોટી ઘટના બની કે બધી સ્ત્રી દિગ્દર્શકો ભેગી થઈને પોતાનો સંપ પ્રદર્શિત કર્યો.
કેટલાક સવાલો પણ ઊઠાવ્યા. ગયા વરસે હાર્વી વિનસ્ટેઈન પર સેક્સુઅલ હરેસમેન્ટનો આરોપ
મૂકાયા બાદ # મી ટુ અને # ટાઈમ્સ
અપ કેમ્પેઈન શરૂ થયું. છેલ્લા વરસથી
હોલીવૂડની અભિનેત્રીઓ બિન્દાસ થઈને પોતાને થઈ રહેલા અન્યાય અને ભેદભાવ વિશે બોલી
રહી છે. આપણે ત્યાં હજી એકપણ અભિનેત્રીએ જાહેરમાં સાચી વાત બોલવાની હિંમત નથી
દાખવી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મહિલાઓ સવાલ ઊઠાવી રહી છે કે અમને સ્ત્રીઓને કેમ
હાંસિયામાં ધકેલી દેવાય છે? અમારી પ્રતિભાને યોગ્ય મોકો આપવામાં આવતો નથી.
તો શા માટે મહિલાઓને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મો શા માટે મહિલા દિગ્દર્શકો જ
બનાવે? સ્ત્રીઓને આપવામાં આવતી ભૂમિકાની પણ સમીક્ષા થવી જોઈએ. આ જ સવાલ આપણે
ત્યાં પણ ઉઠાવી જ શકાય. ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં મોટેભાગે સ્ત્રીઓને ફક્ત
ઉપભોગનું અને મજાકનું સાધન જ બનાવીને રજૂ કરવાનું. તેને જોવા માટે સ્ત્રીઓ પણ જાય
અને તેમાં સ્ત્રીઓ પણ કામ કરે. શા માટે તેનો વિરોધ ન થાય? વિરોધ ન થવાનું કારણ એક જ કે સ્ત્રીઓની સ્થિતિ
આવી જ હોય તે સ્વીકારી લેવામાં આવ્યું છે. કાન ફેસ્ટિવલમાં પણ સ્ત્રીઓની સંખ્યા
રેડ કાર્પેટ પર સુંદરતાને રજૂ કરવા સિવાય પણ નિર્ણાયક તરીકે અને ફિલ્મમેકર તરીકે
વધી રહી હોવા છતાં મુખ્ય કોમ્પિટિશનમાં 21 ફિલ્મોમાં ફક્ત ત્રણ મહિલા દિગ્દર્શકની
ફિલ્મને જ પસંદ કરવામાં આવી હતી. જો કે મહિલા દિગ્દર્શકો માને છે કે જાતીય ધોરણે
કોઈપણ કળાને મૂલવવાની જરૂર નથી. કળાને કોઈ જાતિ હોતી નથી. તેને તો ફક્તને ફક્ત
પ્રતિભાને જોરે જ મૂલવવાની હોય છે. જરૂર છે ફક્ત વધુને વધુ મહિલા પ્રતિભાને
સરળતાથી પ્રવેશ આપવાની. મહિલાઓને એક વ્યક્તિ તરીકે રજૂ કરવાની અને સ્વીકારવાની.
ફિલ્મોમાં રજૂ થતી સ્ત્રીઓની ભૂમિકા દ્વારા પણ સ્ત્રીને કઈ રીતે જોવામાં આવી છે તે
પામી શકાય છે. સેક્સ સિમ્બોલ અને પૌરુષીય સત્તાને સમર્પિત થતી સ્ત્રીની ભૂમિકા
જાણેઅજાણે પ્રેક્ષકોના મનને અસર કરતી હોય છે.
આપણી નવલકથાઓ કે ફિલ્મોમાં દર્શાવે કે એવી જે
સ્ત્રી હીરોને પસંદ આવે કે જે કહ્યાગરી હોય, સમર્પિત હોય, સુંદર (ગોરી), પાતળી,
સાડી પહેરતી, લાંબા વાળ ધરાવતી હોય. હાલમાં રજૂ થયેલી રેવા ફિલ્મમાં પણ હીરોઈન
આદિવાસી વિસ્તારમાં રહેતી હોવા છતાં જડાઉ હાર પહેરે, લાંબા સુંદર કેશ હોય, સાડી પણ
લેટેસ્ટ હોય, અને ખૂબ બધો મેકઅપ કરે. આદિવાસી વિસ્તારમાં સમાજસેવાનું કામ કરતી
બહેનો મોટેભાગે ખાદી અથવા સુતરાઉ સલવાર કમીઝ કે પછી સુતરાઉ સાદી સાડી પહેરે. કોઈ જ
ઘરેણાં કે મેકઅપ ન કરે. એનું કારણ કે તેઓ કામ કરતી હોય છે અંતરિયાળ વિસ્તારમાં
નહીં કે ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝમાં. એ જ ફિલ્મમાં કાલેવાલી મા જે કે સાધ્વી છે તેનો
મેકઅપ પણ અધધધ હતો. સ્ત્રીને ગ્લેમરસ દર્શાવવી એ જ એકમાત્ર ઉદ્દેશ ફિલ્મોમાં હોય
છે. સ્ત્રીના દેખાવને મહત્વ આપીને જાણેઅજાણે એ બાબત સમાજમાં રોપી દેવામાં આવે છે.
હોલીવૂડમાં જેમ મહિલાઓએ મોડા મોડા પણ ભેદભાવ અને સેક્સુઅલ હરેસમેન્ટ માટે અવાજ
ઉઠાવ્યો તો આજે હાર્વી વિન્સેન્ટ જેવા મોટાગજાના ફિલ્મમેકરે જેલમાં જવાનો વારો
આવ્યો છે. મોર્ગન જેવા અનેકે જાહેરમાં પોતાના ભેદભાવપૂર્ણ વર્તાવ બદલ માફી માગવી
પડી છે. એવોર્ડ સમારંભોમાં કે ફિલ્મ ફેસ્ટિવલ્સમાં હોલીવૂડ અભિનેત્રીઓ પોતાના
પ્રત્યે થઈ રહેલા ભેદભાવ વિશે બોલે છે અને સંપ જાહેર કરે છે. કાન ફિલ્મ
ફેસ્ટિવલમાં 82 વિમેન્સ ડાયરેકટરોએ સાથે ફોટો પડાવ્યો હતો. સમાજમાં સ્ત્રીઓને માટે
સ્ટિરિયોટાઈપ રોલમાં જોવાની માન્યતા દૂર કરવી પડશે અને એ જ રીતે ફિલ્મો કે
નાટકોમાં કે વાર્તાઓ, નવલકથાઓમાં સ્ત્રીઓને મજાકનું સાધન બનાવાતી કે બિનમહત્ત્વના
કામ કરતી દર્શાવવાનું બંધ કરવું જોઈએ. દર્શકો તરીકે આપણી પણ જવાબદારી ખરી કે એવી
ફિલ્મો કે નાટકો જોવા ન જઈએ.
બદલાવ આવી રહ્યો છે ખરો જ્યારે મહિલા
દિગ્દર્શકોની ફિલ્મો જોઈએ છીએ. અપવાદરૂપ એકાદ બે પુરુષ ફિલ્મમેકરો પણ છે જ જેઓ
જાતીય ભેદભાવને અતિક્રમીને સ્ત્રીના વિશ્વને રજૂ કરી શકે છે. જાતીય ભેદભાવને
સંપૂર્ણ રીતે દૂર કરતા કદાચ સમય લાગી શકે પણ હવે લાગી રહ્યું છે કે મંઝિલ દૂર નથી.
0 comments