માય હેપ્પી ફેમિલી જ્યોર્જિયન ફિલ્મ

04:48









નેટફ્લિક્સ પર સર્ફ કરતાં ફિલ્મ નજરે ચઢી. પહેલાં તો ટાળ્યું જોવાનું કારણ કે જ્યોર્જિયન ફિલ્મ હતી અને તેમાં સબટાઈટલ વાંચવા પડશે. પણ વારંવાર મારી નજરે ફિલ્મનું પોસ્ટર આવી રહ્યું હતું. એક દિવસ જોઈ કાઢી. ફિલ્મ પૂરી થયા બાદ થયું લખવું જોઈશે ફિલ્મ પર પણ લોકડાઉનમાં લખવાનું જાણે અભરાઈએ ચઢી ગયું હતું. ફિલ્મ જોયાને મહિનો થયો છતાં કેટલાક દૃશ્યો મનમાંથી હટવાનું નામ નથી લેતા.

ફિલ્મ ગમી એનું કારણ છે એક કે  તે સ્ત્રીની વાત છે, બીજું એનું પરિસર અને સામાજિક ઢાંચો ભારતીય સમાજને મળતો આવે છે. ત્રીજું ક્યાંય પણ નારીવાદની વાત નથી છતાં સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરે છે. ચોથું તેની સિનેમેટોગ્રાફી અને અભિનય. 
 લગભગ પચાસેક વરસની ઉંમરની સ્ત્રી માનાના પોતાના માતાપિતાના ઘરે, પતિ અને બે બાળકો સાથે રહેતી હોય છે. માનાના શિક્ષિકા છે. ઘરમાં દરેકને તેની પાસેથી કોઈને કોઈ અપેક્ષા છે. તેની માતા પણ તેને હંમેશા ટોકતી હોય છે. તેનો પતિ સોસો શાંત અને સમજુ હોય એવું દર્શાવે છે પણ ઘરમાં દરેક કામ માનાના કરે છે. રૂટિનથી માનાના કંટાળી રહી છે તે દૃશ્યો દ્વારા સરસ રીતે દર્શાવાય છે.  મોટી દીકરી તેના બોયફ્રેન્ડ સાથે ઘરમાં રહેતી હોય છે. તે લગ્ન કરવાની છે. પિતા સાંભળતા હોય તેમ અતડા પોતાનામાં મસ્ત છે. માનાનાના જન્મ દિવસે તેને પૂછ્યા વિના તેના કુટુંબીઓને પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવે છે. શાળાએથી પાછા આવીને તેણે મહેમાનો માટે તૈયારી કરવાની છે. કુટુંબમાં અવારનવાર પરિવાર ખાણીપીણી માટે ભેગો થતો હોય છે તેવું ઈંગિત થાય છે. માનાનાને જન્મદિન ઉજવવો નથી. તેને એકલા રહેવું હોય છે પણ તેની વાત માતા કે પતિ કોઈ સ્વીકારતું નથી. માનાનાએ આખરે પોતાના માટે એક જુદો ફ્લેટ ભાડે રાખે છે. ઘરમાં વાત કરે છે ત્યારે ભૂકંપ થાય છે. તેની માતા સ્વીકારી નથી શકતી કે દીકરી ઉંમરે પતિને, બાળકોને, ઘર છોડીને જુદી રહેવા જાય છે.  દીકરીને વઢે છે, સમજાવે છે કે તારો પતિતો બીજા પુરુષો કરતાં ઘણો સારો છે. તને મારતો પણ નથી. આટલા સારા પતિને છોડીને જવાનું વિચારાય નહીં. દુનિયા શું કહેશે? વગેરે વગેરે જે આપણે ત્યાં બને તે બધું બને છે. 
માનાના માનતી નથી અને શહેરની બહાર તેણે ભાડે લીધેલા ફ્લેટમાં રહેવા જતી રહે છે. તેનો ભાઈ અને અન્ય કુટુંબીઓ તેને સમજાવવાના પ્રયત્નો કરે છે. બધાને નવાઈ લાગે છે કે માનાના  જે એક પત્ની છે, માતા છે તે આવું ઉંમરે વિચારી કેમ શકે જુદાં થવાનું અને તે પણ કોઈ કારણ વિના…. માનાના કોઈને સમજાવવા બેસતી નથી કે તો જવાબ આપે છે. બસ એટલું કહે છે કે તમે કહી દીધું હોય તો હું જાઉં…. પોતાના ફ્લેટમાં રહેવા જતી રહે છે. ફ્લેટમાં બે બાલકની છે. બાલકનીની બહાર મોટું વૃક્ષ છે.  હવા આવતા પાંદડાઓનો મર્મર ધ્વનિ અને  બાલકનીમાંથી દેખાતો ઉઘાડ માનાનાના વ્યક્તિત્વમાં પણ નવા ઉઘાડને દૃશ્ય  દ્વારા આપણા સુધી સિનેમેટોગ્રાફર પહોંચાડે છે. તેના ઘરના અને પતિ એવું ઘારી લે છે કે થોડા દિવસમાં માનાના પાછી આવશે. એક દિવસ તેને રસ્તામાં એની કોલેજકાળની બહેનપણી મળે છે અને તેને ગેટટુગેધરમાં આવવાનું આમંત્રણ આપે છે. ત્યાં એને વાતચીત દરમિયાન જાણવા મળે છે કે એના પતિ સોસોને એનાથી ઘણી નાની છોકરી સાથે અફેર હતું અને તેને ૧૩ વરસનો દીકરો પણ છે. પેલી સ્ત્રીએ પત્ની કે પ્રેયસીમાંથી એકને પસંદ કરવાનું કહેતા સોસોએ પત્નીને પસંદ કરી એટલે હવે તેઓ સાથે નથી. સાંભળીને માનાનાને આઘાત લાગે છે. ગેસનું મીટર  વાંચવાને બહાને તે યુવતી અને તેના દીકરાને જોઈને વાત સાચી છે કે નહીં તેની ખાતરી કરી આવે છે. ત્યારબાદ પણ  તે ઘરે જાય છે અને બધાને મળે છે પણ કોઈ ઝઘડો નથી કરતી. માતા તરીકે મોટા બાળકોને જરૂર હોય ત્યારે પડખે ઊભી પણ રહે છે. તેની દીકરીનો બોયફ્રેન્ડને બીજી કોઈ સ્ત્રી સાથે અફેર થતાં એને છોડી જાય છે ત્યારે દીકરીને સાંત્વના આપતા કહે છે કે અત્યારે તને ખૂબ દુખ લાગતું હશે પણ થોડો સમયમાં તે ઓછું થશે અને તું કોઈ સરસ યુવાનને મળીશ અને ફરી પ્રેમમાં પડીશ. માનાનાને ગુસ્સો એક વાર આવે છે જ્યારે તેનો ભાઈ એની ચિંતા કરે છે અને તેના ફ્લેટની આસપાસ રહેતાં તેના મિત્રોને બહેનનું ધ્યાન રાખવાનું કહે છે. માનાનાને ફરિયાદ છે કે લોકોએ તેની ચિંતા કરવી જોઈએ તે પોતાનું ધ્યાન રાખવા સક્ષમ છે. એક દૃશ્ય છે કે જેમાં શાળાએથી આવીને માનાના શાંતિથી બાલકનીની સામે બહાર જોતાં  બેઠી છે. સંગીત વાગતું હોય, માનાના તેને ભાવતી કેક ખાતી હોય. ટેપમાં વાગતું સંગીત અને હવાની લહેરખીથી વૃક્ષના પાંદડાઓનો ધ્વનિ જુગલબંદી કરતાં હોય તેને મનભરીને માનાના માણતી હોય. 
ફિલ્મે અનેક એવોર્ડ જીત્યા છે. ફિલ્મના કલાકારો જ્યોર્જિયન થિયેટરના અદાકારો છે. તેમના નામ આપણા માટે અઘરા અને અજાણ્યા છે પણ વાર્તા આપણી પોતાની હોય એવું લાગે. ફિલ્મ સરસ છે જોવા જેવી. 

You Might Also Like

0 comments