બાળ ઉછેર, શિક્ષણ અને સર્જનાત્મકતા વિશે કેબી જિનાન
23:21
૬૧ વર્ષીય જિનાન કેબીને જુઓ તો ગાંધીઅન સાધુ જેવા દેખાય. સફેદ ફરફરતી દાઢી અને ખાદીનો ઇસ્ત્રી કર્યા વિનાનો કુર્તો અને પેન્ટ. જિનાન કેબી બાળઉછેર અને શિક્ષણ પર અભ્યાસ કરે છે. તેમના વિચારો જાણવા ગમે એવા હોવાથી તેમની સાથે થયેલી વાતચીતના અંશ…
તેમના શિક્ષણક્ષેત્રના વિચારો ઊંધા પ્રવાહે તરવા જેવા છે. જિનાન કહે છે કે આપણી શિક્ષણ પદ્ધતિ પશ્ચિમના વિચારો પર આધારિત છે જે કુદરતને નુકસાન કરે છે. ધરતી સાથે એકરૂપ નથી. શિક્ષણ ફક્ત પોથીનાં રિંગણાં જેવું બની ગયું છે. પુસ્તકો અને અખબારો આપણને નોલેજ(માહિતી) આપે છે, પણ જીવાતા જીવન સાથેનો નાતો કાપી નાખે છે. બાળકોને બીબાંઢાળ બનાવે છે,તેમને કુદરત સાથે કોઈ નાતો જ નથી રહેતો.
તેમની આ વાતને ધ્યાનથી સાંભળીએ તો આપણને ચોક્કસ જ તેમની સાથે સહમત થવાનું મન થાય,
પરંતુ આપણે જ જ્યાં દુનિયાનો અનુભવ ન કર્યો હોય ત્યાં બાળકને અનુભવ લઈ શકે તેવું વાતાવરણ ક્યાંથી આપી શકીએ? આપણું જીવન કઈ રીતે જીવવું તે બીજા નક્કી કરે છે આપણે નહીં તે કેવું શિક્ષણ? આ સવાલ જિનાનને સતત સતાવતો રહ્યો અને તેનો જવાબ શોધવાનો પ્રયત્ન સતત કરતા રહ્યા છે.
જિનાનનો જ્ન્મ અને ઉછેર કેરાલાના થિસુર ખાતે થયો. સૈનિક શાળામાં તેમનું ભણતર થયું. તેમને લશ્કરમાં જવાની ઇચ્છા હતી પણ તેમની પસંદગી ન થતાં ભોપાલ એન્જિનયરિંગ કૉલેજમાં ભણવા ગયા. એન્જિનિયરિંગનું એક જ વરસ બાકી હતું ને તેમને વિચાર આવ્યો કે જીવનમાં ખરેખર જરૂરી છે તે શિખાતું નથી,
એટલે વરસનો ડ્રોપ લઈને ભોપાલમાં જ એક નાનકડી શાળામાં શીખવવાનું શરૂ કર્યું. તે જ સમયે ખ્યાલ આવ્યો કે બાળકોને મૂળે શિક્ષણ જ ખોટી રીતે આપવામાં આવે છે. તેમણે નક્કી કર્યું કે પોતે ૯ થી ૫ની નોકરી તો નહીં જ કરે, પણ તે માટે જરૂરી હતું એ સિસ્ટમમાંથી પસાર થવું. જિનાનના શબ્દોમાં, “એન્જિનિયરીંગમાં ગ્રેજ્યુએશન પૂરું કરી અમદાવાદમાં એનઆઈડીમાં
પ્રોડક્ટ ડિઝાઈનિંગમાં પ્રવેશ લીધો. અત્યાર સુધી જોયું હતું કે ચુસ્ત નિયમો હોય, ભણાવાતું હોય પણ લોકોને ભણવામાં રસ ન હોય. એનઆઈડીમાં જોયું કે ત્યાં કોઈ હાજરી નથી લેતું, અહીં ભણાવાતું નહોતું પણ દરેકને શીખવામાં રસ હતો. વળી થોડો સમય નહીં ફુલટાઈમ લોકો શીખતા હતા. ભણવાનું જ ત્યાં એટલું મનરંજક હતું કે શીખવાનો કંટાળો નહોતો આવતો. મિત્રો જ્યારે મળતા ત્યારે એકબીજાને પૂછતા કે આજે શું નવું એક્સપ્લોર કર્યું. આજે શું નવું શીખ્યા? જ્યારે મોટાભાગની કોલેજોમાં વિદ્યાર્થીઓ વિચારતા હોય કે આજે કઈ ફિલ્મ જોવા જઈશું. આ બધું જોઈને મને સમજાયું કે વાતાવરણ જ શીખવાની ધગશ આપે છે. એટલે મેં શીખવું - જ્ઞાન ઉપાર્જન ઉપર ધ્યાન આપવા માંડ્યું. આમ એનઆઈડીમાં બધું જ સારું હોવા છતાં એક વાત મારા ધ્યાન પર આવી કે જે મુક્ત વાતાવરણ એનઆઈડીમાં છે તેની સીમારેખાઓ પાશ્ચાત્ય સંદર્ભવાળી છે. તમને મુક્તિ મળે છે પણ તેનો રંગ વેસ્ટર્ન હશે. તમારી એસ્થેટિક સેન્સ છે તે પશ્ચિમનું અનુકરણ કરશે. આ મુક્તિ પણ સમસ્યારૂપ લાગી, ત્યારે મને લાગ્યું કે હવે કલ્ચર અને એસ્થેટિક્સ મારે શોધવું પડશે. એટલે ત્રણ વરસ પછી હું જાણે ગર્ભમાંથી બહાર આવ્યો. લોકોને નવું શીખવું હોય કે કરવું હોય તો ગર્ભ જેવું વાતાવરણ મળવું જોઈએ. આ નિશાળો છે તે તમારી ઓરિજીનાલિટીનો નાશ કરે છે. એટલે મેં શીખવાના કેટલાક પ્રયોગો કર્યા અને સમજવાનો પ્રયત્ન કર્યો. એનઆઈડીનો અભ્યાસ પૂરો કર્યા બાદ પ્રોડક્શન મનેજરની નોકરી કરવા કરતાં, બંગાળ, ઓરિસ્સા, કેરાલાનાં ગામડાંઓમાં કારીગરો સાથે રહીને પરંપરિત કારીગરીનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું.
નસીબદાર હતો કે તે સમયે મને ગામડાઓમાં જવાનો મોકો મળ્યો. મોટેભાગે શિક્ષણ - ડિગ્રી લઈને લોકો અમેરિકા જવાનો મોકો શોધે છે મને ગામ જવાનો મોકો મળ્યો તે સારું થયું. એનાથી મને અનેક નવી બાબતો શીખવા- સમજવા મળી. પહેલીવાર નાગાલેન્ડ ગયો ત્યારે મેં જોયું તો નવાઈ લાગી કે મોટાભાગની સમાજસેવી સંસ્થાઓ ત્યાંના લોકોને સુધારવાનો પ્રયત્ન કરી રહી હતી. હકીકતમાં આદિવાસીઓ ઘણું સારું જીવન જીવી રહ્યા હતા. પણ તેમને આ સંસ્થાઓ આધુનિક બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી. આ આધુનિક માણસ છે તે પોતાને સુપિરિયર માનવા લાગે છે. તેમાં એમનો વાંક નથી પણ આપણી સિસ્ટમ જ એવી છે કે શિક્ષિત વ્યક્તિ પોતાને સુપિરિયર માનવા લાગે.એજ્યુકેશન ચોઈસ નથી પણ સિસ્ટમ છે જે તમને બીબાંઢાળ બનાવે છે. શિક્ષિત થવાની કિંમત આપણે ચૂકવીએ છીએ. નાગાલેન્ડમાં મને આદિવાસીઓને જોઈને સમજાયું કે ત્યાંના લોકોને સુધારવાની જરૂર નથી પણ તેમની પાસેથી શીખવાની જરૂર છે. પછી મેં બે ત્રણ એન્થ્રોપોલિજસ્ટને વાંચ્યા. તેમાં હેમિન્ડોર્ફ (Furer Haimendorf) જર્મન એન્થ્રોપોલિજસ્ટને હું વાંચતો હતો તે મને ઘણો સ્પર્શ્યો. મોટેભાગે પાશ્ચાત્ય લેખકો ભારતની ગરીબીને જ ફોકસ કરતા હોય છે. પણ હેમિન્ડોર્ફે ગ્રામ્ય આદિવાસીઓના જીવનને નિષ્પક્ષ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. આદિવાસીઓએ શોધેલી જીવનપદ્ધતિમાં પર્યાવરણ અને અસ્તિત્વને કેન્દ્રમાં રાખવામાં આવે છે. ગામડાઓમાં રહીને મને સમજાયું કે ખરું ભારત અહીં જ છે. આપણે શિક્ષિત શહેરીઓ રેસિડન્ટ નોન ઇન્ડિયન્સ છીએ. આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છીએ, મૂળિયાંથી જ કપાઈ ગયા છીએ. આપણે બધા ભારતીય રહ્યા નથી. પાશ્ચાત્ય પદ્ધતિને અપનાવીને પોતાનાપણું ખોઈ બેઠા છીએ.” કેરળમાં નિલામ્બુર પાસે આવેલા અરુવાકોડે નામના ગામમાં રહેતા પારંપારિક કુંભારો બજારમાં સ્પર્ધાત્મક ન બની શકતા તેમની કારીગરી નષ્ટ થઈ રહી હતી. તેને જિનાને જીવંત કરવામાં મદદ કરી. ‘કુંભમ’ નામની સંસ્થાની સ્થાપના દ્વારા તેમના કામને આજની દુનિયામાં ચાલી શકે તે
રીતે ડિઝાઈનિંગ કરી તેની માગ વધારી કારીગરોને પગભર થવામાં મદદ કરી.
ત્યારબાદ જિનાન કેબીએ શિક્ષણક્ષેત્રે કામ કરવાની શરૂઆત કરી. તેમણે સૌ પ્રથમ પૂના પાસે આવેલી સાધના સ્કૂલ ત્રણ વરસ ચલાવી. શિક્ષણક્ષેત્રના અનુભવની વાત કરતાં જિનાન કહે છે તે આપણને જુદી રીતે વિચારવા મજબૂર કરે છે.
“માઈન્ડ અને બોડીને આપણે જુદાં કરીએ છીએ. પશ્ચિમના લોકો કહે છે કે આ દેકાર્ટે કર્યું છે પણ એમાં દેકાર્ટેનો કોઈ પ્રશ્ન નથી. હવે એ લોકો પણ કહે છે કે બોડી અને માઈન્ડ જુદાં નથી. આપણું શિક્ષણ માઈન્ડ એટલે કે મગજ આધારિત છે. ત્રણ વરસ મેં મારી સિસ્ટમને બદલવાનું કામ કર્યું. એટલે મારા શરીરને મગજ સાથે જોડવાનું કામ કર્યું. પછી બીજો પ્રશ્ન હતો કે કલ્ચર શું છે. જો આપણે નોલેજ એટલે કે જ્ઞાન ઉત્પન્ન નથી કરતા. એસ્થેટિક્સ સેન્સ નથી તો કલ્ચરનો અર્થ જ નથી રહેતો. જેટલા પણ ભણેલા ગણેલા લોકો છે તે પાશ્ચાત્ય શૈલીથી જ બધું કરે છે. આર્કિટેક્ટ, ફેશન ડિઝાઈનર, માર્કેટ બધા જ પાશ્ચાત્યશૈલીનું અનુકરણ જ કરે છે. એનો અર્થ કે આપણે પાયામાં જ ક્યાંક ભૂલ કરી રહ્યા છીએ. આપણે કેટલીક પાયાની બાબત વિશે વિચારતા નથી. રોટલી બનાવતાં કોણ શીખવાડે છે તો કહેશો કે માએ શીખવાડ્યું. સાયકલ પિતાજીએ શીખવાડી. તરવાનું કોચે શીખવાડ્યું. પણ હું કહેવા માગું છું કે લોટ આપણને રોટલી શીખવાડે છે. સાયકલ આપણને ચલાવતાં શીખવે છે અને પાણી આપણને તરતાં શીખવે છે. આપણી ભાષા આપણને ગેરમાર્ગે દોરે છે. ભાષા આપણને ખોટી સમજ આપે છે. આપણે હંમેશાં પૂછીએ છીએ કે કોણે શીખવાડ્યું. ભાષા શબ્દ અને વિશ્વને જુદાં કરે છે. વિશ્વ એટલે આપણું શરીર અને શબ્દ એટલે મન. આપણે વિશ્વને ભૂલી જઈને શબ્દમાં ફસાઈ જઈએ છીએ. એ જ આપણા માટે મોટી સમસ્યા છે. આજે જેન્ડર(જાતિ)ની વાત કરીએ છીએ તો એને હું સમસ્યા નથી ગણતો. જેન્ડર હકીકતમાં આપણું વિભાજન કરે છે. કુદરતે આપણને જે બનાવ્યા છે તેમાં જેન્ડર જુદાં નથી. કામ કરતી વખતે એ જુદાં થાય છે. તેને ભાગ પાડી દેવામાં આવ્યા અને નામ અપાયું ફેમિનાઈન(સ્ત્રૈણ) અને મસ્ક્યુલિન(પૌરુષેય). આજે આપણે વધુને વધુ મસ્ક્યુલિન કામ કરીએ છીએ. આધુનિક યુગમાં ફેમિનાઈન તત્ત્વ છે જ નહીં. શરીર કદાચ સ્ત્રીનું હોઈ શકે છે પણ તેનું મન છે પુરુષની રીતે વિચારે છે. ફેમિનિઝમ પણ સમસ્યાનો મસ્ક્યુલિન રિસપોન્સ છે. એટલે કે નારીવાદએ પૌરુષેય પ્રતિભાવ છે. એટલે આ સમસ્યામાં કોઈ નિરાકરણ નહીં મળે. સમસ્યામાં રહીને તમે કોઈ નિરાકરણ શોધી નહીં શકો. આ વિભાવના જ એક પ્રશ્ન છે. તેમાંથી બહાર આવીને જ કશું થઈ શકે. જેટલાં પણ વૈકલ્પિક શિક્ષણ પ્રણાલી છે, વૈકલ્પિક ચળવળો છે, સસ્ટેઈનેબલિટિ ટોક(ટકાઉપણા વિશેના વ્યાખ્યાનો) છે તે સમસ્યાને સુલઝાવી નથી શકતા. એક તો તમે એ જ સાધન વાપરો છો. બીજું કે તમે એ જ માપદંડ અપનાવો છો. તો તમે બહાર કેવી રીતે આવી શકો?
આપણને લાગે છે કે વાંચવાથી, શિક્ષિત થવાથી જીવનની દરેક બાબત સમજાઈ જશે, પણ ભણવાથી કે વાંચવાથી કશું જ સમજાતું નથી, અનુભવવાથી સમજાય છે. આપણું ભણતર આપણને ફક્ત માહિતી આપે છે, અનુભવ નથી આપતું. વાંચવાથી આપણે આપણા અનુભવની સાબિતી આપી શકીએ છીએ કે હા આ જ એ સિવાય બીજું કશું જ નહીં. ઓરિસ્સાના ગામમાં રહીને મેં જોયું હતું કે ત્યાં બાળકોને શિખવાડવામાં નથી આવતું પણ તેઓ શીખી જાય છે. ત્યાં પેરેન્ટિંગ હોતું નથી પણ તેઓ માતાપિતા બની જાય છે. ત્યાં લોકોને જીવન ઉપર વિશ્વાસ છે. એટલે જ બાળકો મુક્ત વિચરે છે. તેમણે કોઈની પરવાનગી લેવી નથી પડતી. તેમને જે ગમે તે કરે છે. આપણે સ્વતંત્રતા વિશે પણ ખોટા ખ્યાલો બાંધીને બેઠા છીએ. કોઈ આપણને સ્વતંત્રતા આપી ન શકે. તે હોય જ છે. જીવનમાં પાયાની જરૂરિયાત છે સ્વતંત્રતા. આપણે માનસિક રીતે તેને મૂલવવા લાગીએ છીએ. મુક્તિ દરેક વ્યક્તિની પાસે હોય જ છે. વ્યક્તિ મુક્ત વાતાવરણમાં જ ખીલે છે અને વ્યક્તિ મુક્ત જ હોય છે. સામાજિક સંસ્થાઓ તેમની મુક્તિને છીનવી લે છે. મને આ સમજાયું ત્યારથી મેં વાંચવાનું બંધ કર્યું. પહેલાં હું ખૂબ વાંચતો હતો. પણ ખરું જ્ઞાન તો પુસ્તકોમાં નહીં જીવનના અનુભવમાં છે. હું ત્યારે થોરોનું ‘વૉલ્ડન પોન્ડ’ વાંચી રહ્યો હતો. તે કુદરતી વાતાવરણમાં જીવનને જીવવાની વાત કરતો હતો. મને અહેસાસ થયો કે હું ગામમાં નદી કિનારે સુંદર વાતાવરણમાં રહેતો હતો. આજુબાજુ જે જીવન ચાલી રહ્યું હતું તેમાં ભાગ લેવાને બદલે હું વાંચી રહ્યો હતો. બસ એ જ્ઞાન થતાં જ પુસ્તક બંધ કરી દીધું. આપણે જે કંઈ વાંચીએ છીએ તે પાશ્ચાત્ય દૃષ્ટિકોણથી જ લખાયેલું હોય છે. એટલે તે આપણને પશ્ચિમી વિચારધારાથી વિચારતા શીખવે છે. સમજાયું કે શિક્ષણ કેટલું નુકસાનકારક છે. મેં બે ફન્ડામેન્ટલ રિસર્ચ કર્યાં. એક કોગ્નિટિવ ડેમેજ ઓફ સ્કૂલિંગ(પ્રત્યક્ષ જ્ઞાનને નુકસાન પહોંચાડનારું શિક્ષણ) અને બીજું શીખવાની કુદરતી સાચી રીત.
આ બાબતને મેં પહેલાં અનુભવી. એક તો મેં વાંચવાનું બંધ કર્યું હતું એટલે હું આસપાસ જોતાં શીખ્યો. જોવું એટલે જોવું તેને સમજવાનો પ્રયત્ન ન કરવાનો હોય. સમજ આપણામાં હોય જ છે. જેમ ખાવાનું ખાધા પછી પાચન આપોઆપ થાય છે. એજ રીતે સમજ કેળવવાની નથી હોતી તેનું અસ્તિત્વ છે જ. વચ્ચે આપણો અહંકાર આવે છે અને સમજ બદલાઈ જાય છે. બાળકને ભાષા શિખવાડાતી નથી પણ તે આપોઆપ સમજવા લાગે છે અને બોલવા લાગે છે. પછી મને સમજાયું કે ભણેલા ગણેલા લોકોને સમજાવવા માટે ભાષા નહીં ચાલે. એટલે હું તેનું ડોક્યુમેન્ટેશન કરવા લાગ્યો. બાળકો પોતે કઈ રીતે સમજે છે, શીખે છે તે સમજાવવા માટે મેં ડોક્યુમેન્ટેશન શરૂ કર્યું.”
એએસ નીલે ૧૯૨૭ની સાલમાં ઇંગ્લેંડમાં સમરહીલ નામે શાળા કરી હતી. નીલ પણ માનતા હતા કે બાળકોની સ્વતંત્રતા છીનવીને ભણાવવાં ન જોઈએ.
જિનાન કેબી પોતાના આવા વિચારો લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરે છે. તેઓ શિક્ષણને નવા સ્વરૂપે સમજાવવાનો પ્રયાસ કરે છે. તેમની વેબસાઈટ પણ છે.(www.jinankb.in) શિક્ષણને નવા સ્વરૂપે સમજવું હોય તેવી શાળાઓ તેમને બોલાવે છે. અવારનવાર લોકો-સંસ્થાઓ વર્કશોપ લેવા માટે બોલાવે છે. હાલમાં તેઓ અમદાવાદમાં એક શાળા સાથે જોડાયેલા છે. રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતન શાળા શરૂ કરી હતી તે પણ તો આવા જ ઉદ્દેશ સાથે ને? જિનાન કહે છે કે, “હા, પણ અત્યારે શાંતિનિકેતન મૃતપાય જેવી સ્થિતિમાં છે.કારણ કે બધા રવીન્દ્રનાથને અનુસરવા માગે છે પણ રવીન્દ્રનાથ કોઈને બનવું નથી. ગાંધીજીને અનુસરનારા ગાંધીજી જેટલું તો નહીં પણ તેમના જેવું કામ પણ ન કરી શક્યા કારણ કે કોઈ ગાંધીજી ન બન્યું. બાળકને શિક્ષણ દ્વારા આજે કોઈને કોઈના અનુયાયી બનવાનું શિખવાડાય છે.
પણ તેને પોતાના માલિક નથી રહેવા દેતા. હું વર્કશોપમાં સાદો સવાલ પહેલાં પૂછું છું કે આકાશનો રંગ કેવો છે? બધા જ મોટેરાઓ એક જ ક્ષણમાં કહેશે ભૂરો. જ્યારે બાળકોને પૂછું તો તેઓ આકાશ તરફ જોઈને આકાશ ત્યારે જે રંગનું દેખાતું હશે
તે રંગ કહેશે.બાળક આજમાં અત્યારની ક્ષણમાં જીવતું હોય છે. તે સામે જે આવે તેનું નિરિક્ષણ કરીને તેની સાથે નવું રમતાં શીખશે. દરેક બાળક આગવું હોય છે તેને પોતાની રીતે પોતાનો વિકાસ કરવા દેવો જોઈએ, પણ આપણે આપણા બનાવેલા બીબાંમાં તેને ઢાળીએ છીએ. એટલે જ આપણે વિકાસ નથી કરી રહ્યા. આજે જેને વિકાસ માનીએ છીએ તે છેતરામણો વિકાસ છે તે ખરેખર વિકાસ હોત તો આજે જે
સમસ્યાઓ છે દુનિયામાં તે ન હોત.”
જિનાનને લોકો એવા પણ પ્રશ્નો કરે છે કે તો પછી બાળકને શું ભણાવવાનું? ત્યારે જિનાન હસીને કહે છે, “એ બાળકને નક્કી કરવા દો કે તેને શું શીખવું છે. અત્યારનું શિક્ષણ ફક્ત મનનું હોય છે તેમાં અનુભવને સ્થાન નથી. રોટલી બનાવતાં શીખો ત્યારે મનથી નથી શીખાતી તેમાં શરીર અને મન બન્ને જોઈએ છે. એ જ રીતે દરેક બાબત અનુભવ દ્વારા બાળક શીખે તે જ મહત્ત્વનું છે. આમ પહેલાં શીખવાની પરિભાષા જ બદલવાની વાત જિનાન કેબી કરી રહ્યા છે. જિનાન કોઈને કંઈ કરવાનું કહેવામાં નથી માનતા તેમનું કહેવું છે કે હું માત્ર ખરો વિચાર જણાવું છું તેના પર કઈ રીતે વર્તવું તે દરેકે પોતે જ નક્કી કરવાનું હોય છે. બીજું કે શિક્ષણ અહંકારી બનતા શીખવે છે. આપણે બીજાથી સુપિરીઅર છે તેવું શીખવાય છે. અહંકાર અને ગમા-અણગમા બાળક જન્મથી લઈને નથી આવતું.
મેં જોયું છે કે જે શીખ્યા નથી એ લોકો સરસ રીતે રચનાત્મક કામ કરતા હોય છે. અભણ લોકો સહજતાથી પોતાની વસ્તુઓ બનાવે છે. વિકાસ એટલે શું? એવું કહી શકાય કે તમને આવડતું નથી, એટલે મને આવડે છે તે તમને શીખવાડું. એટલે જ્યારે હું કેરળ ગયો ત્યારે મેં નક્કી કર્યું કે મને કશું આવડતું નથી અને તેઓ મારાથી વધુ જાણકાર છે. આમ કરતાં જોયું કે તેઓ ઘણું સારું કામ કરતા હતા. (જિનાને ત્યાં દલિત કુંભારો સાથે કામ કર્યું.) એ ગામમાં રહેતાં મેં બાળકો સાથે પણ કામ કર્યું. એવામાં ગામની એક બાળકી મારા ઘરમાં આવવા લાગી. તેની સાથે એ મારી જ દીકરી છે તેવો વ્યવહાર થવા લાગ્યો. એવું કહી શકાય કે અનઓફિસિયલી મેં તેને દત્તક લીધી. મેં ત્યારે ત્રણ વાત નક્કી કરી કે હું ક્યારેય તેને ના નહીં કહું. મેં જોયું હતું કે ગામમાં બાળકોને ક્યારેય ના નથી કહેતા. બીજું કે એ જે કરે તેની પાછળ રહેવું આગળ નહીં. કોઈ વાતે તેના પર જબરદસ્તી ન કરવી. ખાવા માટે કે સૂવા માટે તેના પર જબરદસ્તી ન કરવી. તેમની મરજી પ્રમાણે વર્તવા દો. ત્રીજી વાત કે ક્યારેય ખોટું ન બોલવું. આજે તો આપણે સતત ખોટું બોલતા હોઈએ છીએ. આ ત્રણ નિર્ણય લીધા પછી મને સમજાયું કે બાળક શું છે. બાળકોનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. જોયું કે તેઓ ખૂબ સુંદર કામ કરી રહ્યાં હતાં. સુંદરતા ક્યાંથી આવી તેમનામાં? સમજાયું કે સુંદરતા આપણામાં નિહિત છે. તેને બહારથી મેળવવાની કે શીખવાની નથી. શીખવું, સુંદરતા અને મૂલ્યો આપણામાં સાહજિક વણાયેલાં છે. નૈતિક શિક્ષણ લેવાનું નથી હોતું. નીતિ સિવાય આપણું જીવન ટકે જ નહીં.નીતિ દ્વારા જ્ઞાન હોય છે. નીતિ બાહ્ય પરિઘ છે. તેમાં જ્ઞાન હોય છે અને કેવી રીતે વાપરવું તે રીત પણ હોય છે. વ્હાય, વોટ અને હાવ (શા માટે, શું અને કઈ રીતે) એ મૂળભૂત પાયો છે જ્ઞાાન માટે. વ્હેર એન્ડ વ્હેન ઈઝ કોન્ટેસ્ટ.(ક્યાં અને ક્યારે એ પરસ્પરના સંદર્ભે છે) આ કોન્ટેસ્ટ નક્કી કરે છે કેમ ? વેલ્યુ ત્યાંથી જન્મે છે. તે આપણને શીખવાડે છે કેવી રીતે જીવવું અને કેમ જીવવું તે. આ રીતે મને બાળકોને જોતાં જોતાં શીખવા મળ્યું કે કેવી રીતે સુંદરતા જન્મે છે અને કેવી રીતે શિખાય છે. શાળા હકીકતમાં બાળપણને મારી નાખે છે. એટલે નિશાળનો હું વિરોધી રહ્યો. તેમ છતાં ૨૦૧૧માં પૂણેની એક શાળામાં કામ કરવાનો મોકો મળ્યો. તેને મેં રિઈમેજિંગ સ્કુલ નામ આપ્યું. શાળાને જે વ્યાખ્યામાં બાંધેલી હતી તેમાંથી બહાર કાઢવાની હતી. શિક્ષકોને પૂછ્યું કે તમે ક્યારેય બાળકોનું નિરીક્ષણ કર્યું છે? જ્ઞાન શું છે તે તમને ખબર છે? તમે જાણો છો? જવાબ ના જ હોય. એટલે તેમને પહેલાં બાળકોને મુક્તિ આપવાની વાત કરી. તેમનું નિરીક્ષણ કરવાની વાત કરી. બાળકો હંમેશાં દરેક વસ્તુને પોતાની રીતે સમજીને તેનો ઉપયોગ, તેનું સ્ટ્રકચર કે તેની ઉપયોગિતા સમજવાનો પ્રયત્ન કરે છે. બાળક રમત નથી રમતું પણ દરેક બાબત રમતિયાળ બનાવી તે કશુંક શીખતું હોય છે. તેમને રેડિમેઈડ રમકડાં આપીને તેમની રચનાત્મકતા, નિપુણતા, નિર્દોષતાનો આપણે નાશ કરીએ છીએ. બધા બાળકોને શીખવવા માંગે છે. તેઓ કેવી રીતે શીખે છે તે કોઈ સમજવા નથી માગતું. રમત અને શીખવું તેને જુદાં કરીને તેનો અર્થ બદલી નાખ્યો. શીખવાનું ગંભીર થઈને, ક્લાસમાં બેસીને, જ્યારે રમવાનું સાંજે. બાળકો હકીકતમાં દરેક સમયે કશુંક નવું શીખતાં હોય છે, સમજતાં હોય છે. ડ્રોઈંગ એ કલા નથી, તે સુંદરતા છે. તેને કલા બનાવીને માર્કેટિંગ બનાવી દીધું. ડ્રોઈંગ દ્વારા તેઓ ડાયમેન્શન(પરિમાણ) શીખે છે. જેમ તેઓ ચાલતાં ધીમે ધીમે શીખે છે તેને શિખવાડવું નથી પડતું. બોલતાં તે જાતે જ શીખે છે. પહેલાં તે કોઈપણ અવાજ કાઢશે. પછી ધીમે ધીમે તેને શબ્દ બનાવશે. એ જ રીતે તે ડ્રોઈંગ જાતે જ શીખશે. તેઓ જગતને પોતાની રીતે સમજીને ચીતરે છે. પોતાનું વિશ્વ ઊભું કરવા માટે તેને બાહ્ય કોઈ વસ્તુની જરૂર નથી હોતી. તેનો હાથ મોબાઈલ બની શકે છે. તેનું શરીર ગાડી બની શકે છે. ખુરશી મોટર કે પ્લેન બની શકે છે. બે ખુરશી ઉપર કપડું નાખી દીધું તો ઘર બની જાય છે. તેમને રમકડાંની જરૂર નથી હોતી. જે પણ ક્રિયા બાળકો કરે છે તે દુનિયાને સમજવા માટે કરતું હોય છે. વળી તેને એ પ્લેફુલી કરે છે. એ પ્લે રમત નથી. આધુનિકતાએ તેને કેટેગરીમાં વહેંચીને બાળપણને ખતમ કરી નાખ્યું છે. જીવન વિરોધી કરી નાખ્યું છે. સહજતાને, નિર્દોષતાને ખોઈ દીધી છે. પૂણેની શાળામાં બે વરસ કામ કર્યું ત્યારે લોકો સમજ્યા કે આપણે શાળા દ્વારા હકીકતમાં નુકસાન કરી રહ્યા છીએ. હવે અમદાવાદની શાળામાં કામ કરું છું ત્યારે ૭૦ ટકા શિક્ષકોને સમજાઈ રહ્યું છે. એક દાખલો આપું. શાળામાં પાણી ભરવા માટે ચારે બાજુથી સિમેન્ટની એક દીવાલ બનાવીને સ્ટ્રકચર ઊભું કર્યું હતું. એકાદ બે ફૂટ ઊંચું હશે. પણ હવે તેમાં પાણી નથી ભરતા. નર્સરીનાં બાળકો તેમાં વચ્ચે એક ટીનનો ડબ્બો રાખી તેના પર બે ચાર લાકડાં રાખી પુલ બનાવીને ચાલવા લાગ્યા. પછી ત્રણેક ટીનના ડબ્બા રાખી બન્ને દીવાલને જોડતો પુલ બનાવ્યો અને એના પર ચાલવા લાગ્યાં. આ તેમને કોઈએ શિખવાડ્યું નથી. આ જ તો છે નોલેજ ક્રિએશન. શિક્ષકોએ તેમની ભૂમિકા સમજવી પડશે. બાળકોને શિખવાડવાનું નથી પણ તેમને મુક્ત વાતાવરણ આપવાનું છે જેથી તેઓ જાતે શીખી શકે. સિસ્ટમ બનાવો નહીં પણ જોવાની, નિરીક્ષણ કરવાની આદત પાડવાની જરૂર છે. દરેક વ્યક્તિએ બસ જોતાં શીખવાનું છે. તેનું શું કરવાનું તે આપોઆપ આવડી જશે.”
0 comments