બીજી સ્ત્રી લેખિકા - બિબિઆના કેમચો અનુ- દિવ્યાશા દોશી

23:11











  

                                                           બીજી સ્ત્રી 


બિબિઆના કેમચો                                                                        અનુવાદ: દિવ્યાશા દોશી

[ બિબિઆના કેમચો (મેક્સિકો ૧૯૭૪)ની સ્પેનિશ વાર્તાનો  સિસિલિઆ વેડ્ડેલ(એસોસિએટ એડિટર હાવર્ડ રિવ્યુ)  દ્વારા અંગ્રેજીમાં અનૂદિત અધર વુમનનો  ગુજરાતી અનુવાદ. 

બિબિઆના કેમચો તે લેખિકાનું સાચું નામ નથી. લેખિકાનાં દાદી મેક્સિકોનાં જાણીતાં લેખિકા હતાં, એટલે  લેખિકા તે નામે  લખે છે. એટલે આમ જોઈએ તો લેખિકા પણ બીજી સ્ત્રી છે. મેક્સિકો અને મુંબઈ કેટલાં નજીક અને બન્નેની સ્ત્રીઓ પણ કેટલી સમાન. રોજિંદી હાડમારી વચ્ચે સ્ત્રીનું અસ્તિત્વ કઈ રીતે અને કેટલું બદલાઈ જાય છે એની સૂક્ષ્મ રજૂઆત  વાચકોને સ્પર્શશે.]  



મારે હજી વધારે સમય પલંગમાં પડી રહેવું હતું, પણ પડી રહીને શું કરત? મને ખાતરી હતી કે એવું કરવાથી કશો ભલીવાર વળવાનો નહોતો. ઊલટું, પરિસ્થિતિ  ચોક્કસ બગડી હોત. ઓફિસમાં આજકાલ કામનો ઢગલો ચગદી નાખવા તત્પર હોય છે. હજી વધારે   સૂતી હોત તો ચોક્કસ ખરાબ સપનું આવ્યું હોત, જો કે જાગ્યા બાદ  જરાય યાદ રહેત.  મારી જાતને લગભગ ઢસડતી બાથરૂમ તરફ લઈ ગઈ. લાઈટ ચાલુ કરી, શાવરનો નળ ફેરવ્યો. માથા પર પાણી પડ્યા બાદ મેં મારી આંખ પહેલીવાર પૂરી ખોલી. નાહીને શરીર લૂછી, આગલી રાતે ટોઈલેટ સીટ પર મૂકી રાખેલાં નવાં કપડાં પહેર્યાં. અરીસા સામે ઊભા રહી ચહેરા પરના કંટાળાના ભાવ અને સૂઝેલી આંખોને અવગણી વાળ ઓળવા લાગી. અચાનક આયનામાં દેખાતા મારા પ્રતિબિંબ પર ધ્યાન ગયું. વરસો વીતવા સાથે વ્યક્તિ બદલાતી હોય છે. ગમે તેટલું ધ્યાન કે કાળજી રાખીએ તો પણ ચિંતા, સંજોગો ચહેરા પર સમયના થપેડાં લાદવાની સાથે, તેને બદલી નાખતા હોય છે. ચહેરા પર બની રહેલી ડબલ ચીન અને આંખ નીચેની ચામડીની શિથિલતા નજરે ચઢતાં તેની નોંધ લેવાઈ ગઈ. પણ  અરીસામાં  જે જોયું તે બધું નહોતું. મારો ચહેરો નહોતો. યુવાન કે પ્રૌઢ નહોતો લાગતો કારણ કે ચહેરો મારો હતો નહીં. ચહેરો જરાક મારા ચહેરા જેવો જરૂર દેખાતો હતો. આંખ નીચેના સોજા મારા જેવા હતા. ભ્રમરનો આકાર પણ સરખો હતો. એવા પાતળા તેમ ચિંતાને લીધે સતત જકડાયેલા લાગતા હોઠ. પણ, નાક થોડું લાંબું અને સાંકડું હતું. આંખો થોડી વધુ દૂર હતી. ચિબુક ગોળ અને  મારા ચહેરાના પ્રમાણમાં નાની લાગી.  હું ચહેરા પર વધુ ધ્યાન જાય   માટે વાળમાં વધુ ઝડપથી  બ્રશ ફેરવવા લાગી. મને લાગ્યું કે ચોક્કસ હું ખૂબ થાકી ગઈ હોઈશ અથવા મારું મગજ મારી સાથે કોઈ ચાલ રમી રહ્યું છે. વાળને રબરથી પોની ટેઈલમાં બાંધ્યાં અને આંખની પાંપણો પર મસ્કરા લગાવ્યું. દાંતને બ્રશ કર્યા, પર્સ અને ચાવી ઉપાડી ઓફિસ જવા ચાલી નીકળી. 

ઓફિસમાં એટલું બધું કામ રહે છે કે કામ પરથી પાછી આવું ત્યારે થાકીને ઠૂસ થઈ ગઈ હોઉં છું. ઘરે પહોંચીને  બીજું કશું કરવાનું મન થતું નથી. બસ શરીરને પલંગમાં  ફંગોળી કશુંક વાંચું કે પછી ટેલિવિઝન જોઉં. એમ કરતાં  ક્યારે ઊંઘી જાઉં તે ખબર પણ પડે. જ્યારે ભૂખ લાગે ત્યારે આંખ ખોલી પેટ ભરવાના પ્રયત્ન કરવા ઊઠું. જે સહેલાઈથી બને તે બનાવી પેટમાં નાખીને પાછી સૂઈ જાઉં. કામનું આટલું ભારણ થોડો સમય પૂરતું હોય એવું માનવું સારું લાગે, પણ હું અને મારા સાથી કર્મચારીઓ સારી રીતે જાણીએ છીએ કે પરિસ્થિતિ  હવે કાયમી છે. લોકોએ બે જણાને કામ પરથી પાણીચું આપ્યું  ત્યારે તેમનાં કામ અમારા બધા વચ્ચે વહેંચી દીધાં.  કહ્યું હતું કે ટૂંક સમયમાં નવા માણસોની ભરતી થશે, પણ એવું કશું બન્યું નહીં. 
મેટ્રો સ્ટેશન તરફ ડગ માંડતાં ઓફિસમાં રાહ જોઈ રહેલાં અઢળક કામમાંથી પહેલું કયું  કરવાનું છે તે વિશે  વિચારવું હતું, પણ  સેન્ડલની ઘસાઈ ગયેલી એડીનો અવાજ મારા વિચારોમાં ખલેલ પાડી રહ્યો હતો. ગયે અઠવાડિયે વીકએન્ડની રજામાં મોચી પાસે લઈ જઈ રિપેર કરાવવાં હતાં, પણ ભુલાઈ ગયું. અને હવે રસ્તા પર થપ્પડ મારતાં હોય તે રીતનો સેન્ડલનો અવાજ  અકળાવી રહ્યો હતો. મેટ્રોનું પ્લેટફોર્મ ખીચોખીચ ભરેલું હતું. મહિલાઓના ડબ્બા તરફ જતાં પરફ્યુમ, લોશન અને ડિઓડરન્ટની ગંધ અનુભવી. મોટાભાગનાએ ઓફિસવેર પહેર્યાં હતાં. બ્લેઝર, કેશમેર પેન્ટ, સિલ્ક બ્લાઉઝ અને હીલ્સ. બધા વચ્ચે ઉચાટનો  સ્થાયી ભાવ સમાન રીતે ફેલાયેલો હતો. કેટલીક સ્ત્રીઓ દાંત કચકચાવીને ગુસ્સો વ્યક્ત કરતી હતી તો કેટલીક બોગદા તરફ કોઈ ભાવ વિના ઉદાસ નજરે તાકી રહી હતી.  સામાન્ય રીતે  સમયે  પ્લેટફોર્મ પર લોકોની ભીડ નથી હોતી કે ટ્રેન મોડી પણ નથી હોતી. 
ભીડ અને ચિંતાને કારણે અમે પરેસેવે રેબઝબ થઈ રહ્યા હતા. હું પ્લેટફોર્મની દીવાલને અઢેલી  ઊભી રહી. મારી બાજુમાં ત્રણ ફેરિયણો ઊભી હતી. એમના ચહેરા પરથી  દેખાતું હતું કે તેમણે ગઈરાત્રે પાર્ટી કરી હશે, પણ તેનો અંત સારો નહીં આવ્યો હોય. તેમના ચહેરા અને ગળા પરથી મેકઅપ નીતરી રહ્યો હતો. ગઈકાલે વાળને જેલ કે હેરસ્પ્રે  લગાવી સરસ રીતે બાંધ્યા હશે જે આજે  માથા ઉપર મનફાવે તેમ ફરફરી રહ્યા હતા. એક જણીની પીઠ પર મોટું સ્પીકર લટકી રહ્યું હતું. સૌથી નાની પીપરમીન્ટ વહેંચી રહી હતી અને ત્રીજીના ખભા પર બેકપેક હતી.  મેં અનેક ટ્રેન છોડી કારણ કે તેમાં જગ્યા મેળવવી લોઢાના ચણા  ચાવવા જેવું કઠિન હતું. દરેક વખતે ટ્રેન આવે એટલે તેમાં જગ્યા મેળવવા માટે સ્ત્રીઓ જાનનું જોખમ વહોરીને પ્લેટફોર્મના છેડા સુધી પહોંચી જતી.  

લગભગ અડધા કલાક પછી હું  ટ્રેનમાં ચઢી શકી. ટ્રેનમાં બહુ ગરદી નહોતી. લાગતું હતું કે હવે ટ્રેનનો પ્રવાહ નિયમિત થઈ ગયો હશે. મને બેસવા માટે ખાલી સીટ પણ મળી ગઈ. હું શાંતિથી બેઠી. ફરી હું ઓફિસમાં મારી રાહ જોઈ રહેલાં કામના વિચારો કરી હતી. ત્યાં  બારીના કાચમાં દેખાતા  પ્રતિબિંબ  પર નજર પડી. પહેલાં તો હું ડરી ગઈ.મારા જેવો દેખાતો  અજાણ્યો ચહેરો અચરજથી  મને તાકી રહ્યો હતો.  અરીસો શોધવા મેં પર્સ ફંફોળ્યું  પણ જડ્યો નહીં. મેં મારી હડપચી અને ગાલ પર હાથ ફેરવ્યો. મને આંગળીઓના ટેરવાંનો સ્પર્શ અનુભવાયો ખરો, પણ જાણે હું કોઈ બીજી સ્ત્રીના  આજાણ્યા ચહેરાને અડી રહી હોઉં તેવું લાગ્યું.  

અકળ અને ઘેરી ઉદાસીએ મારા પર કબજો જમાવ્યો. કઈ ઘડીએ હું આટલી બધી બદલાઈ ગઈ હોઈશ? સાવ એક રાતમાં તો આવું બને.  બાજુમાં બેઠેલી સ્ત્રી પર નજર ગઈ. લગભગ ચાલીસેક વરસની હશે. સોનેરી રંગે ડાય કરેલા વાળને  વાંકડિયા કર્યા હતા.એક સમયે જ્યાં ભ્રમર હશે ત્યાં  આછા છીંકણી રંગથી  આકાર આપવામાં આવ્યો હતો. પાંપણો પર ઘેરા રંગનો આઈશેડો લગાવ્યો હતો. ગાલ પર ગુલાબી રંગની ઝાંય હતી અને હોઠ લાલ રંગથી રંગ્યા હતા. સુંદર દેખાવાના પોતાના પ્રયત્નોથી તે સંતુષ્ટ જણાતી હતી. 

  જે બોગદામાંથી પસાર થઈ રહ્યા હતા તે તરફ ફરી મેં નજર નાખી. ફરીથી કાચમાંથી અજાણ્યા ચહેરાનું પ્રતિબંબ મારી તરફ તાકી રહ્યું. ત્યાં અરીસો ધરાવતું પાકિટ વેચતો ફેરિયો ડબ્બામાં દેખાયો. પળનોય વિચાર કર્યા વગર એક  પાકિટ ખરીદી લીધું. તરત   તેને ખોલ્યું અને તેમાં મારો ચહેરો તપાસ્યો. પર્સમાંથી મારું વર્ક આઈડી કાઢ્યું. આઈડીમાં લગાવેલો ફોટો જોતાં મેં અરીસાને વધુ નજીક લીધો. એમાં સામ્ય હતું ખરું પણ એક નહોતો. જો કે નવો ચહેરો સાવ ખરાબ નહોતો. તે છતાં પહેલાંનો જે ચહેરો હતો તે મને વધુ ગમતો હતો. અચાનક મનમાં ભય વ્યાપી ગયો.   જો મારા સાથી કર્મચારીઓ, મિત્રો કે પરિવારજનો મને ઓળખી નહીં શકે તો?  મેં ફરીથી મારો આઈડી ફોટો અને અરીસામાં દેખાતા પ્રતિબિંબિને ધ્યાનથી જોયાં. જુદાપણું સરળતાથી ઓળખી શકાય એવું નહોતું પણ ધ્યાનથી જોવામાં આવે તો ફરક જણાઈ આવતો હતો. બદલાવ અકળ હતો, પણ પ્લાસ્ટિક સર્જરી કર્યા બાદ દેખાતું અણિયાળું નાક અને સુઝેલા ગાલ હોય એવો અકુદરતી નહોતો.

મારા  ઊતરવાના સ્ટેશનના એકાદ બે સ્ટોપ પહેલાં, મેટ્રો અચાનક બોગદાની અધવચ્ચે અટકી ગઈ. લાઈટો બંધ થઈ અને જાણે ટ્રેને તેનો છેલ્લો શ્વાસ લઈ લાંબા કિચુડાટ પછી નિશ્વાસ નાખ્યો હોય એવું  લાગ્યું. અંધારાએ  ડબ્બામાં ચાલતો ગણગણાટ બંધ કરી દીધો. અંધકાર એટલો ઘટ્ટ હતો કે મને બીજા પ્રવાસીઓના શ્વાસોચ્છવાસ સંભળાઈ રહ્યા હતા. કોઈક પોતાની સીટ પરથી હલ્યું, કોઈ ગાળ બોલ્યું, કોઈના પાકિટનું ક્લીક, ક્યાંક પ્લાસ્ટિક બેગના ચીમળાવાનો અવાજસમય પસાર થતો રહ્યો પણ ટ્રેન ચાલી. રીતની સ્તબ્ધતા અપેક્ષિત હોવા છતાં અમારી ચિંતા વધી. લાઈટ પાછી આવી, તો સામેના પાટા પરથી બીજી ટ્રેન પસાર થઈ કે અમારી ટ્રેન પાછી ફરી. અંધારામાં અને બહારના જગતથી દૂર મેં મારા ચહેરાની  યાદગાર ક્ષણોને યાદ કરવાનો પ્રયત્ન કર્યો.  મારા એપાર્ટમેન્ટમાં મિત્રોએ મને જન્મદિવસની શુભેચ્છા પાર્ટી આપીને આશ્ચર્યમાં મૂકી દીધી હતી ત્યારનો,  કે પછી ગયા મહિને મને  પગાર વધારો કરી આપવામાં આવ્યો ત્યારનો,  કે હું મારા બાળપણના મિત્રોને વીસ વરસ બાદ મળી હતી ક્ષણોને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. પણ થઈ શક્યું.  યાદગાર પળો જીવતી વખતે કોઈ પોતાના ચહેરાને જોઈ શકતું નથી.  હા સમયે બીજાના ચહેરાઓને યાદ રાખવા શક્ય બને છે ખરું.  મારી જાતને કેટલું ઓછું જાણતી હતી   વિચાર આવતાની સાથે હું  ઉદાસ થઈ ગઈ. યાદગાર ક્ષણોમાં અનુભવેલી મારી લાગણીઓને પણ હું યાદ કરી શકતી નહોતી. અંધારામાં  હળવેથી મેં મારા ચહેરાને ફરીથી  સ્પર્શ કર્યો. મારા હાથથી  ચહેરાની લાક્ષણિકતાઓને પકડી શકાઈ. કંઈક નવાઈ પમાડે એવું હતું.  હાથની આંગળીઓનાં ટેરવાંને ખબર હતી કે હું નથી, પણ  કોઈ બીજી સ્ત્રી છે.

મારી પાછળ ઊભેલી સ્ત્રીએ ગભરાટમાં  ચીસ પાડી. અંધારામાં  કેટલાક  સહપ્રવાસીઓ  તે સ્ત્રીને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી.  સ્ત્રી કહી રહી હતી કે તેનાથી શ્વાસ નથી લેવાતો અને હમણાં ટ્રેનમાંથી નીચે ઊતરવા માગે છે.  કોઈએ ઈમરજન્સી અલાર્મની ચેન ખેંચી. મારી બાજુમાં બેઠેલી સ્ત્રીએ ઊભા થઈને સટાક કરીને  પેલી ચીસો પાડી રહેલી સ્ત્રીને લાફો ઝીંકી દીધો. ફરીથી શાંતિ છવાઈ ગઈ.  સંભળાઈ રહ્યો હતો ફક્ત અલાર્મનો ક્યાંક દૂરથી વાગી રહ્યો હોય એવો એકધારા અવાજનો પડઘો. કોઈક રડી રહ્યું હતું, તો અચાનક કેટલીક સ્ત્રીઓ બોલવા માંડી હતી. ક્યાંક ગણગણાટ ચાલી રહ્યો હતો તો કોઈ મોટા અવાજે વાત કરી રહ્યું હતું, કોઈક રડતાં રડતાં બબડી  રહી હતી. અમે લગભગ એક કલાકથી અંધારા બોગદામાં ફસાયા હતા. કોઈ બાજુના ડબ્બાના પેસેન્જર સાથે વાત કરી રહ્યું હતું. લોકો બારીમાંથી અડધું શરીર બહાર કાઢીને લટકી રહ્યા હતા. કેટલાક આગળના ડબ્બાને જોડતા દરવાજાને ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કદાચને ખૂલે તો આગળના ડબ્બામાં જઈને બહાર નીકળી શકાય. મૂંઝવણ અને  ઉચાટભર્યા અવાજોથી શાંતિ ભંગ થઈ ગઈ હતી. કેટલાક જોરજોરથી દરવાજો ઠોકી રહ્યા હતા. અંદર બહાર બધું જાણે ઉખાડીને ફેંકી દેવાના પ્રયત્નો થઈ રહ્યા હોય. લોકો જાણે હુલ્લડ કરી રહ્યા હતા. કોઈક બેભાન થઈને પડ્યું. હું તો જાણે બધું અવાસ્તવિક હોય એવું વિચારતી રહી.

હજી વધુ સમય અરાજકતા અને અસંમજસમાં પસાર થયો. હું પણ બીજી સ્ત્રીઓ સાથે મારા તરફની બારી ભણી જોઈને સતત બૂમો પાડવા લાગી. કોઈક સમાચાર લાવ્યું કે બહાર સિવિલ વોર ફાટી નીકળ્યું છે. એટલે અમે અહીં છીએ તે બધા ભૂલી ગયા છે.  વળી કોઈ વાત લાવ્યું કે ધરતીકંપે આખા શહેરને ખતમ કરી નાખ્યું છે. કોઈક કહી રહ્યું હતું કે ત્રાસવાદીઓએ હુમલો કર્યો છે કે શહેરને બાનમાં લીધું છે.  કોઈક વળી કહે કે કાઢી મુકાયેલા કામગારોએ ટ્રેનને બાનમાં લીધી છે. 

ત્યાં બોગદાને છેડે પ્રકાશના શેરડા હલતા દેખાયા. ફરી ડબ્બામાં શાંતિ છવાઈ ગઈ. ધીમે ધીમે પ્રકાશ નજીક આવતો ગયો અને સ્પષ્ટ થતો ગયો. પીળી હેલ્મેટ પહેરેલા કેટલાક પુરુષો અમને પરિસ્થિતિમાંથી મુક્ત કરવા આવી રહ્યા હતા દેખાયું. એમણે જોર કરી દરવાજો ખોલ્યો અને નીચે ફુલાવી શકાય એવી ગાદી પાથરી  જેથી અમે બહાર કૂદી શકીએ. સ્ત્રીઓ મદદ કરવા આવનારની સૂચનાઓ અને કૂદવાના જોખમને અવગણીને પોતાની જાતે બહાર કૂદવા પડાપડી કરવા માંડી. કોઈને મદદ કરવાની પડી નહોતી. બધાને પહેલાં બહાર નીકળી જવું હતું. એટલે  ધક્કામુક્કી કરી દરવાજા તરફ જઈ રહી હતી. રઘવાઈ થઈને  બહાર પાટા પર પડતું મૂકતી હતી. ધડામ એવો મોટો અવાજ અને ચીસો સંભળાતી હતી.  જ્યાં સુધી ડબ્બો ખાલી થઈ જાય ત્યાં સુધી મેં મારી જાતને દરવાજાથી દૂર રાખી. શરૂઆતમાં લોકો ગાદી પર કૂદતાં પહેલાં  હીલ કાઢી નાખવાની સૂચના આપતા હતા પણ એમનું કોઈ સાંભળવા તૈયાર નહોતું. કોઈએ પોતાની હીલ, છત્રી, બેગ કશું છોડવું નહોતું. પછી ભલે તે એમને વાગે. અમારામાંથી મોટાભાગનાએ નીચે બેસીને બે હાથથી અમારું શરીર સરકાવવું પડતું. જેથી મદદ કરનારા અમારા પગ અને કમર પકડીને અમને નીચે ઉતારીને  ઊભા રહેવામાં મદદ કરે. લોકો વીસ વીસ જણાંના જૂથમાં અમને અંધારા બોગદામાંથી સલામત રીતે નજીકના સ્ટેશન સુધી દોરી જવા લાગ્યા. 
અમે ચૂપચાપ અંધારા બોગદામાં ધ્યાન રાખીને ચાલી રહ્યાં હતાં કારણ કે અમારી મદદે આવનારાઓની પાસે જે ફ્લેશલાઈટ હતી તે બધાં માટે પૂરતી નહોતી. અમે ક્યારે સ્ટેશન પર પહોંચ્યાં તેનો ખ્યાલ રહ્યો.  ત્યાં સ્ટેશન પર પણ  લાઈટ નહોતી અને બધું સૂમસામ હતું. અમે ધીમે ધીમે ત્યાં મૂકવામાં આવેલાં પાટિયાં અને પગથિયાં ચઢીને બહાર આવ્યાં. અમારામાંથી મોટાભાગની સ્ત્રીઓ પોતાની મેળે રસ્તો શોધીને જલ્દીથી બહાર નીકળી જવાના પ્રયત્નો કરવા લાગી. 
કોઈકે વિચાર્યું હતું એમ મેટ્રો અકસ્માતે કામ કરતી બંધ થઈ ગઈ હતી. શહેર માટે એક દુર્ઘટના હતી. જો કે  ટ્રેનમાં અમે જે ભયંકર કલ્પનાઓ કરી હતી એમાંનું કશું અઘટિત ઘટ્યું નહોતું. 
રોડ પર અરાજકતા ફેલાયેલી હતી. બસો મફત સેવા આપી રહી હતી, પણ તેમાં ચઢવું લગભગ અશક્ય હતું. ટેક્સી પણ કોઈ દેખાતી નહોતી. હું થાકીને લોથ થઈ ગઈ હોવા છતાં ચાલી રહી હતી. બોગદામાં વીતાવેલો સમય મારા માટે યુગ સમાન હતો. તરસને કારણે મારું મોઢું સુકાઈ રહ્યું હતું.  
મને ખ્યાલ રહ્યો કે હું કઈ રીતે ઓફિસે પહોંચી. મોટાભાગના મારા સાથી કર્મચારીઓ પાસે કાર હતી. તે છતાં હું દાખલ થઈ ત્યારથી લોકો મેટ્રોની દુર્ઘટના વિશે વાત કરી રહેલા દેખાયા. હું સીધી બાથરૂમમાં ગઈ.  મોંઢા પર પાણી છાંટ્યું અને અરીસામાં ચહેરા સામે જોયું, ચહેરો મારો નહોતો. જો કે બદલાવની નોંધ ફક્ત મેં લીધી હતી એવું લાગ્યું.  કારણ કે સાથી કર્મચારીઓએ મને હંમેશની જેમ હું હોઉં તે રીતે  સ્મિત સાથે  આવકારી હતી. ત્યારબાદ મેં કલાકો  કોમ્પ્યુટર પર કામ કરતાં વિતાવ્યા. કાગળો જોયા, કોફી પીધી, કુકીઝ ચગળ્યાં. દિવસ ખતમ થતાં મેં કોમ્પ્યુટર બંધ કર્યું અને કાળી સ્ક્રીન પર મને મારું વિકૃત પ્રતિબિંબ દેખાયું. મેં ખરીદેલા પાકિટમાંથી અરીસો બહાર કાઢીને મારો ચહેરો તપાસ્યો. હું હતી. ફરીથી મારા ચહેરા સાથે. મારા ચહેરાની દરેક લાક્ષણિકતાઓ તેની મૂળ જગ્યાએ પાછી આવી ગઈ હતી. મને રાહત થઈ. ખાતરી કરવા માટે મેં મારું આઈડી કાઢીને તેને સરખાવ્યું. પણ કંઈક આશ્ચર્યજનક બન્યું. આઈડી પરનો ફોટો બીજી સ્ત્રીનો હતો. જેને મેં સવારે અરીસામાં  અને ટ્રેનમાં કેટલીક મિનિટો માટે જોઈ હતી. નાની ચિબુક, આંખો વચ્ચેનું વધુ અંતર, લાંબું નાક જે કોઈ બીજી સ્ત્રીનું હતું, મારું નહીં. 
















































You Might Also Like

0 comments