સ્વીકારેલી સાદાઈ

18:52

 



આજકાલ હું મિનિમલિસ્ટિક એટલે કે ઓછામાં ઓછી વસ્તુઓ વાપરી સાદું જીવન જીવવાની રીત અપનાવતા શહેરીઓ વિશે વાંચી રહી હતી. ભારતમાં અનેક યુવાનો પણ એ તરફ વળ્યા છે.‌ પશ્ચિમી દેશોમાં પણ હવે આ ચાલ જોવા મળે છે એના પર મોટા લેખ તમને ગુગલ પર મળી રહેશે. પણ આપણા ભારતમાં ‌લાખો લોકો એ રીતે રહેતા‌ હશે. ચાલો તમને એક એવા વ્યક્તિ અને ઘરની મુલાકાત કરાવું. ગમનભાઈ એમનું નામ. શરીર નબળું પડ્યું છે કારણ કે વરસો પહેલાં કામ કરતી સમયે નાનો અકસ્માત થયો હતો તે હાથ સતત ધ્રુજે છે. કમરના દુખાવાની ‌પણ તકલીફ છે. આ બધું તેઓ સહજતાથી ‌સ્મિત કરતા જણાવે, જીવનમાં એમને કોઈ ફરિયાદ નથી. પત્ની ગુજરી ગયા પછી એકલા જ રહે છે. નાની જમીન અને નાનકડું ઘર છે‌. એમને લાગે છે કે આટલું તો બસ છે.‌ જીવનમાં બીજી કોઈ જરૂર નથી જણાતી. એક ખાટલો, ગોદડું,  દોરી પર લટકતા બે-ચાર જોડી કપડાં. એક ખૂણામાં રસોડું એમાં આઠ-દસ વાસણ, ચારેક મસાલાના ડબ્બા, એક ચૂલો અને બાજુમાં થોડા સાંઠીકડા. રોજ જાતે એકાદ શાક કે દાળ, રોટલો  રાંધી ખાય. બહાર પરસાળમાં એક હીંચકો. એક બલ્બ. અને એક જાજરૂ. રોજ સાંજે બહાર રસ્તા પર મિત્ર સાથે બેસે. પોતાના કપડાં અને વાસણ પણ જાતે જ સાફ કરે.  સગાં છે જે‌ ખેતરનું ‌ધ્યાન રાખે છે. દુનિયા પ્રત્યે પણ કોઈ ફરિયાદ નથી. કેમ છો ગમનભાઈ પુછીએ તો સારું છે એવું હસતાં મોઢે કહે. વરસોથી ક્યાંય જવા આવવાનું પણ નહીં એટલે કોરોનાકાળ હોય કે કોઈ પણ કાળ એમના જીવનની એ જ રફતાર અને એ જ આનંદ.

આટલું સાદું અને સરળ જીવન જોઈ મને એમની ઈર્ષ્યા થઈ અને શરમ પણ આવી. હજુ વરસો પહેલાં લીધેલો ફોન આઉટડેટેડ લાગે છે અને કપડાંના ફોટા જોતા ખરીદવા મન લલચાય છે. જીવન પ્રત્યે જ નહીં આસપાસની પરિસ્થિતિતો ઠીક પણ સરકાર માટે, અમેરિકા, ચીન, રશિયા, પાકિસ્તાન વગેરે માટે અસંખ્ય ફરિયાદ છે.  




You Might Also Like

0 comments