ઘરકામ સહાયક

02:07





ઘરનું કામ જાતે કરવાનું અમારા જેવા શહેરી ભણેલી નારીઓને ફાવ્યું નથી. તેમાં પણ જો બહારના કામ કરતાં હોઈએ તો ઘરકામમાં મદદ મળી રહે તો જીવન સરળ બની રહે. જો કે હવે તો બહાર કામ કરવા જઈએ કે જઈએ ઘરકામ કરવાનું શહેરી મહિલાઓને ફાવતું નથી. મારો ઉછેર પણ મુંબઈ શહેરમાં થયો. પહેલાં તો ભણતાં હતાં અને પછી ભણવાનું અને રસોઈ બન્ને કરતાં એટલે વાસણ-કપડાં અને કચરાં પોતાં કરવા માટે માણસ કે બાઈ જોઈએ . પછી તો આદત પડી જાય બધા કામ કરવાની. તે હવે કામ કરવાના આવે તો તકલીફ વધી જાય. શારિરીક કરતાં પણ માનસિક તકલીફ સ્તો.  નારી વિષયક લેખ લખતી ત્યારે કામવાળી બાઈઓના વિચાર આવે . અમારા ઘરે કામ કરવા પુરુષ આવે. તે છતાં નારીવાદી તરીકે તેમનું શોષણ કરવામાં મારી માનસિકતા પણ હોય તેનું ખ્યાલ રાખવાનો પ્રયત્ન કરતી.  

તે છતાં એટલું સમજાય છે કે આપણે તેમનું ધ્યાન રાખીએ કરતાં લોકો આપણું ધ્યાન વધુ રાખતાં હોય છે. મુંબઈનો મારો ઘરકામ સહાયકહા સહાયક લોકોને કામવાળા કે કામવાળી કહેવાનું મને યોગ્ય નથી લાગતું. અંગ્રેજીમાં લોકોને હાઉસ હેલ્પર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે મદદનીશ કે સહાયક તરીકે તેમને ઓળખ આપી શકીએ. સમજણી થઈ કાલબાદેવીમાં ત્યારે અમે ચાલમાં રહેતા. ચાર માળનું મકાન પણ તેમાં લાઈનબંધ રૂમો. સમજણી થઈ ત્યારે લક્ષ્મણ નામે ઘાટી અમારે ત્યાં વાસણ-કપડાં કરતો. ઘાટ પર રહેનારા એટલે ઘાટી શબ્દ આવ્યો એવું જાણવા મળ્યું હતું. ઘરકામ કરનારા ત્યારે અમારી ચાલીમાં સૂઈ રહે. દિવસે માળ પર દરેકના ઘરે કામ કરે. લગભગ દરેક માળના કામ કરનારા અલગ હોય. સગડીની રાખ અને ચક્કીનો જમીન પર પડેલો લોટ લઈ આવીને તે કોમન ચોકડીમાં લઈ જઈ વાસણ ઘસે. વાસણ ઘસવાના પાવડર પછીથી આવ્યા. લક્ષ્મણનો ચહેરો હજુ પણ યાદ છે.   બધા બાળકોનો ખૂબ ખ્યાલ રાખતો. અનેકવાર કહેતો કે તમને જન્મ્યા ત્યારે અમે જોયેલા. આવડાં હતા. ભરેલા હતા. ગુજરાતી મરાઠી મિશ્રિત બોલતો. પછી તો એણે કોઈ દુકાન પર કામ લઈ લીધું. તેમાં વધુ પૈસા મળતા હશે. શરૂઆતમાં ક્યારેક મળવા આવતો પણ પછી અચાનક તે દેખાયો નહીં. તે સમયે અમારા ઘરમાં પણ ફોન નહીં. શગુણા નામે એક બાઈ પણ ઘરકામ કરતી અને મકાનમાં રહેતી તેના વર જોડે. બાળકો હતા નહીં. તેનો વર મુંબઈમાં મૃત્યુ પામ્યો ત્યારબાદ પણ ગામ ગઈ. વૃદ્ધ થઈ ત્યાં સુધી મકાનમાં હતી. એણે પણ મને જન્મથી જોઈ હતી. મકાનમાં દરેકનો હાથ વાટકો. તેને મેં ભાગ્યે ગામ જતાં જોઈ છે. તેનું શું થયું તે હવે ખ્યાલ નથી. 

લગ્ન બાદ ઘાટકોપરમાં થોડો સમય રહી ત્યારે ભાણી નામે એક છોકરી કામ પર આવતી. બનાસકાંઠામાં તેનું ગામ. કામ કરતાં એના ગામની વાતો કર્યે રાખે. તેમના ગામની બાજુમાંથી દિવસમાં બે વાર ટ્રેન પસાર થાય. ટ્રેનના સમય પ્રમાણે લોકો ખેતરમાં કામ કરતાં જમવાનો સમય નક્કી રાખે વગેરે અનેક વાતો કરતી. સમજાતું કે તેને પોતાનું ગામ ખૂબ ગમતું હતું. પણ માતાપિતા મુંબઈ આવ્યા એટલે ના છૂટકે મુંબઈ રહેતી હતી. 

ચારેક વરસ બાદ અમે અંધેરી રહેવા ગયા. અંધેરીમાં તેલંગાણાના છોકરાઓ કામ પર આવે. લગભગ ૧૮ કે વીસ વરસના છોકરાઓ મને મમ્મી કે ભાભીજી કહે. છોકરાઓ મોટાભાગે નમ્ર અને સંવેદનશીલ હોય છે. તેમના ગામમાં એટલી ઉપજ હોય કે નોકરી મળે એટલે કમાણી કરવા મુંબઈ આવે. એક છોકરો બીજા છોકરાને લઈ આવે એવું બને. એક છોકરો જ્યારે ગામ જાય તો બદલીમાં બીજા છોકરાને મૂકી જાય. કારણ ગામ જાય ત્યારે એકાદ  બે મહિને પાછા આવે. પછી તો કાળક્રમે તેઓ બદલીમાં મૂકી ગયેલ છોકરો કાયમી કામ કરે એવું બને. તે છતાં પેલા જૂના છોકરાઓ ક્યારેક મળવા આવે. લગ્ન કરીને આવે, બાળકો થાય તો મિઠાઈ લઈ આવે. અંધેરીમાં  ચોવીસ વરસ પહેલાં રહેવા આવી ત્યારે સૌ પહેલાં પંદરેક વરસનો છોકરો કામ પર આવ્યો હતો તેના ભાઈ સાથે.  એણે ખાસ્સા વરસ અમારે ત્યાં કામ કર્યું. પછી તો મસ્કત કામ કરવા ગયો. બદલીમાં તેના ગામવાળાને મૂકતો ગયો. મસ્કત ગયા પછી સંપર્કમાં રહેતો. રમેશ એનું નામ. ત્યાંથી વરસમાં એકાદ વાર મેસેજ કરે ફોન કરે. તેના લગ્ન થયા, બે દીકરા થયા. પછી તો પાછો ભારત આવી ગયો હતો પણ ત્યારે મારે ત્યાં બીજો છોકરો કામ કરતો એટલે તે બીજે ક્યાંય કામ પર રહ્યો હતો. મારે ત્યાં જે કામ કરે તે એના ગામના હોય કે તેની બાજુના ગામના હોય. મારે ત્યાં સારો છોકરો કામ કરે તેનું બહાર રહ્યે પણ ધ્યાન રાખે. હજુ પણ અવારનવાર ફોન કરે, મળવા આવે. હું કામ કરતી હતી એટલે મારા ઘરની એક ચાવી ઘરકામ કરનાર છોકરા પાસે હોય. ક્યારેય ઘરની એક વસ્તુ આઘીપાછી થાય. 

 બદલીમાં કામ પર આવેલો મધુ નામનો  એક છોકરો તો એટલી આત્મીયતાથી ચિંતા કરતો કે આપણને નવાઈ લાગે. એકવાર  રાત્રે ચાલીને આવતાં હું પડી ગઈ અને હાથ-પગ છોલાયાં હતા.  તો કહે ચલો મમ્મી ડોકટર કે પાસ જાતે હૈ. એનાથી મારી પીડા જોવાય નહીં. એને એમ કે મારું હાડકું ભાંગ્યું હશે. હું ના પાડ્યા કરું તો દુખી થતો ગયો. દીપકની સામે જોઈને કહે કે ડોકટર કે પાસ લેકે હી જાઓ. દીપક કહે પણ ના પાડે છે તો….એનો આગ્રહ કે મારું સાંભળવાનું નહીં.   બીજે દિવસે આવતાંવેંત ખબર પૂછે. આજે તે મુંબઈ છોડીને તેના ગામ જતો રહ્યો છે પણ મારે ત્યાં હમણાં કામ કરતાં છોકરો બિમેશનો મિત્ર એટલે ખબર અંતર પૂછે. બિમેશ પણ ખૂબ સંવેદનશીલ છે. લોકડાઉન સમયે તે એક મોટા ઘરમાં રહ્યો હતો. મારે ત્યાં કામ પર આવી શકતો તેનો એને રંજ રહેતો. અમે હાથે કામ કરતાં તે એને ગમતું નહીં. પણ તેને કોરોનાની ગંભીરતા સમજાતી ખરી. જેવું લોકડાઉન ખૂલ્યું કે તેણે પેલા ઘરમાંથી મારે ત્યાં કામ પર આવવાની રજા લીધી. મને કહે ચિંતા મત કરો, મેં ધ્યાન રખતાં હું, કિસીકો મિલતા નહીં, કિધર જાતાં નહીં. હાથ ધોતા હું.  એણે ગામમાં ઓનલાઈન પૈસા મોકલવા હોય તો મારી પાસે આવે. હું બહારગામ જાઉં કે ધરમપુર લાંબો સમય રહું તો ઘરની અને મારા કુંડામાં વાવેલા  છોડની ચિંતા કરવાની નહીં. બિમેશ બધું સંભાળી લે. ઘરમાં સાફસફાઈ કરીને રાખે.  (હજુ ધરમપુરના અમારા ઘરકામ સહાયકની વાત ફરી કોઈવાર)


 

  

You Might Also Like

0 comments