ચકલીનો માળો

23:05








બાળપણમાં નાનીના ઘરે થામણા જતી ત્યારે રાજા રવિ વર્માનું પેઈન્ટીંગ (પ્રિન્ટ )  ભગવાનની છબી બની વચ્ચે ખુલ્લી પરસાળના ઓટલા પર લટકતું હતું તે આજે પણ હું જોઈ શકું છું મનના આંગણામાં. છબીની પાછળ ચકલીઓ માળો બાંધતી. પરસાળના હિંચકે બેસી કુતુહુલથી જોઈ રહેતી. નાનું તણખલું લાવી ચકલીઓ છબીની પાછળ ખોંસી દેંતી. મુંબઈના માળામાં કબુતર અને ચકલીઓ જોવા મળતી ખરી પણ રીતે ઘરમાં માળો બાંધતી ચકલીઓ નવાઈ પમાડતી. મરજાદી મારા નાનીને મારા રસોડા પ્રવેશ પર કે તેમને અડવામાં વાંધો હતો પણ ચકલીઓના માળા માટે કોઈ વિરોધ નહોતો. રવિ વર્માનું પેઈન્ટીંગ હતું તે મોટા થયા બાદ રવિ વર્માના અસ્તિત્વ ને જાણ્યા ત્યારે સમજાયું. હવે તો નાની છે કે તો ઘર છે. અચાનક બધું સ્મૃતિ પટ પર આંટા મારી ગયું જ્યારે ધરમપુરના ઘરના ઓટલા પર રાખેલા મીટર પર ચકલીઓએ માળો બાંધવાની શરૂઆત કરી. અમારા ઘરમાં બહાર અનેક ગોખલા કે વિસામા તેમને ઘર બાંધવા મળી રહે તેમ છે પણ એમને બસ મીટર પર ઘર બાંધવું છે. 

થોડા દિવસ પહેલાં હોલાએ મીટર પર સાંઠીકડા મૂકવાનું શરૂ કર્યું હતું. મીટર પરની થોડી જગ્યા પર થોડા સાંઠીકડા રહે અને બાકીના નીચે કચરો બની વેરાય. ઘરનું બારણું ખુલતાં  સાઠિકડા ઢગલાં પર પગ પડે. દર કલાકે અમે કચરો વાળીએ. કેટલો કઢંગો માળો પણ હશે આપણે શું દરેકની પોતાની મરજી અને પ્રકૃતિ એમાં આપણાથી માથું મરાય નહીં. સામેના ઝાડ પર ફુલસૂંઘણીએ સરસ નાનકડો વાટકા જેવડો માળો બનાવ્યો હતો. અને મેનાનો જરા મોટો વાટકા જેવો માળો જોયેલો. ખેર, સાંજ પડી ત્યાં તો જગ્યાએ ચકલીઓ આવજા કરવા લાગી. સાઠીકડાં નીચે અને નમણું પોચું ઘાસ લઈ આવવા લાગી. જો કે લઘરી તો હોલા જેવી . પછી અચાનક બીજી ચકલી આવી અને બે ચકલીઓ વચ્ચે રીતસરની બથ્થંબથ્થા લડાઈ થઈ. ચકલો બિચારો છોડાવવાના પ્રયત્નો કરે. છેવટે ત્રણે ક્યાંય ઊડી ગયા. માળો એમ રહ્યો. બીજા દિવસે કોઈક કારણસર મીટર ખોલવું પડે એમ હોવાથી માળો સાફ થઈ ગયો. જો કે પછી તો અઠવાડિયા સુધી ચકલીઓ દેખાઈ નહોતી. તે વળી પાછી કાલથી ઘાસ લાવવાનું શરૂ થઈ ગયું. બપોરે ગરમીમાં બારણું બંધ હતું તે ખ્યાલ આવ્યો. પણ, સાંજે જેવું બારણું ખોલ્યું તો બહાર તણખલાંના કચરાનો ઢગલો અને ઉપર નજર કરતાં ઘારના તણખલાં લટકતાં દેખાયાં. બીજે દિવસે સવારે પણ તેમનું ઘાસને અસ્તવ્યસ્ત મીટર પર ભરવાનું ચાલુ. નીચે કચરો પણ ખરો . હવે ચકલીઓ ડરતી નહોતી મારી હાજરીથી. ઉલ્ટાનું સામે વેલ પર બેસીને મને વઢતી હોય તેમ ચીંચી કરીને કકળાટ કર્યો. મેં જાણે તેમને ડિસ્ટર્બ કર્યા હોય બારણું ખોલીને. હવે બારણું વારંવાર ખોલવાનું ટાળવાનું ગનીમત સમજ્યું. અમારી ઘરકામ સહાયક આવી અને કચરો કાઢતી હતી ત્યારે બોલાઈ ગયું કેટલો કચરો કરે છે જો.  એણે કહ્યું, માળો કાઢી નાખવો છે? એટલે તરત બોલી જવાયું નારે આપણે કોઈનું ઘર  શું કામ તોડવું. પછી વિચાર કરતાં સમજાયું કે વાત કરવા અને પંચાત કરવા એકાંતમાં મનને બહાનું મળ્યું. હવે થોડી થોડી વારે માળાનો પ્રોગ્રેસ જોઈ આવું. મીટર પર લટકતાં ઘાસના તણખલાં જોઈને થાય કે સરખાં કરી આપું. દીપકને એવો વિચાર આવ્યો કે તેમને બોક્સ મૂકી આપું તો! પણ ના જો લોકડાઉન હોત અને  અહીં રહેતાં હોત, ઘર બંધ હોત તો રીતે પ્રકૃતિ ચાલતી હોત નેઆપણે વચ્ચે આવવું નક્કી કરી હવે માળામાં બચ્ચાંનો કલબલાટ સંભળાય તેની રાહ જોવાય છે. 

  

You Might Also Like

0 comments