ખાઉગલીમાં પુસ્તકોનો ઠેલો

13:20

 







ઓગષ્ટ મહિનાના છેલ્લા શુક્રવારની  રાત્રે સાડા અગિયાર વાગ્યાની ફ્લાઈટમાં ઈન્દોર જઈ રહી હતી. ઈન્દોર જતી વખતે નક્કી હતું કે વખતે છપ્પન દુકાન નહીં પણ ઓરિજિનલ સરાફા બજારમાં આંટો મારવો છે. ઈન્દોરની પ્રખ્યાત ખાઉગલી છે જે ઝવેરીઓની દુકાનો બંધ થતાં રાત્રે ખાઉગલીમાં પલટાઈ જાય છે. એની રોનક અને સ્વાદના કિસ્સાઓ સાંભળ્યા હતા. પ્લેનમાં મારી પાછળની સીટમાં ઈન્દોરની એક વ્યક્તિ બાજુમાં બેઠેલી પહેલીવાર ઈન્દોર જતી વ્યક્તિને શું જોવું. ક્યાં ખાવું વગેરે માહિતી આપી રહી હતી. સરાફા બજારનું નામ સાંભળતાં મારા કાન સરવા થયાં. વ્યક્તિએ કહ્યું કે સરાફા બજારમાં અગિયાર વાગ્યા બાદ જવાય અને રાતના બે-ત્રણ વાગ્યે તો બજાર ધમધમતું હોય. પાોણા વાગ્યે ફ્લાઈટમાંથી બહાર નીકળી તો  મિત્ર પિન્કી કાર લઈને મારી રાહ જોતી ઊભી હતી. કારમાં બેસતાં કહ્યું કે કાલે આપણે સરાફા બજાર જઈશું તો પિન્કી કહે અરે કાલે શું કામ આજે જઈએ કારણ કે એરપોર્ટથી સરાફા બજાર નજીક છે. ઈન્દોરના રોડ સુમસામ હતા. રાતના ખાલી  રોડ અને ગલીઓ મોટા લાગે. એક ખાલી રોડ પર પિન્કી કહે કે લગભગ અહીં ક્યાંક સરાફા બજાર છે, પણ હું આટલી રાત્રે અહીંથી આવી નથી. ક્યાંક કોઈ દેખાયું તો લાગ્યું કે બજાર બંધ હશે? એક રિક્ષાવાળો દેખાયો તેને પૂછ્યું. કહે કે ગલીમાં આગળ જાઓ બજાર ખુલ્લું છે. 

ગલીમાં આગળ જઈ વળાંક લીધો અને માનવ મહેરામણ લાઈટોના અજવાળામાં દેખાયું. શહેર વચ્ચે એક બીજું શહેર જાણે. આખી ગલી ઝગમગ અને ધમધમે. અમારી પણ ઊંઘ ઊડી ગઈ. ગલીમાં દાખલ થતાં ડાબે હાથે નવું કૌતુક જોયું. એક લારી પર પુસ્તકો વેચાઈ રહ્યા હતાં. ઉપર મુરાકામીનું પુસ્તક પણ નજરે ચઢ્યું. રાતના લગભગ દોઢ વાગ્યે લોકો પુસ્તકો ખરીદી રહ્યાં હતાં. પુસ્તકની કિંમત સો રૂપિયાની આસપાસ. વેચનાર યુવાન હરિઓમ. એને કહ્યું કે તને સલામ છે દોસ્ત સરાફા બજારમાં પુસ્તક વેચી રહ્યો છે. તો કહે અહીંના એક મોલમાં મારી પુસ્તકોની દુકાન છે. ત્યાં સવારે અગિયારથી પાંચ બેસીને પુસ્તકો મફતમાં વાંચી શકાય. યુવાનો જે ખરીદી શકે તે રીતે વાંચવા આવે તે મને ગમે. અહીં પણ હું ખૂબ ઓછા માર્જિનથી પુસ્તકો વેચું છું. રીતે ખાઉગલીઓ તો લગભગ દરેક શહેરમાં હોય. પણ ખાઉગલીમાં પુસ્તકનો ઠેલો પહેલીવાર જોયો. 

You Might Also Like

0 comments