કિતાબ કથાની ૧૪ મી બેઠક નાટક નાટક

02:04

 



જીંદગી એક નાટક હૈ, ઔર હમ સબ કઠપુતલી…. કંઈક આવો ડાયલોગ મારા મનમાં ચાલ્યો જ્યારે અમે નાટક વાંચીને મળવાનું નક્કી કર્યું. કારણ કે માર્ચ મહિનામાં નાટક દિવસ આવે છે. નાટક જોવાનો જેટલો આનંદ આવે એટલો વાંચવામાં આવ્યો એવી દરેકે ફરિયાદ કરી પણ જ્યારે એપ્રિલની ત્રીજી તારીખે મળ્યા ત્યારે ત્રણ કલાકમાં ૧૦ નાટકો વિશે વાત થઈ. વાત કરતાં તમે શું માનો છો એવી ચર્ચા પણ થઈ. ઈબ્સન, અસગર વજાહત, સોફી ટ્રેડવેલ, મોલિએર, ટેનિસન વિલિઅમ, લુઈ પિરેન્ડેલો, ગિરિશ કર્નાડ લિખિત નાટકો વંચાયા. નાટકો વિશે દરેક જણ કિતાબ-કથા ફેસબુક પેજ પર મુકશે. દસ નાટકો વિશે જે બોલાયું તે યાદ રાખવું અઘરું છે. કિતાબ કથામાં એકંદરે આઠ થી દસ જણા ભેગાં થાય છે એટલે મહિનામાં આઠથી દસ પુસ્તકો વંચાય છે અને તેના વિશે રસપ્રદ વાતો અને ચર્ચાઓ પણ થાય છે એનો આનંદ અમને સૌને છે. વખતની બેઠકમાં નેહલ વૈદ્ય, પિન્કી દલાલ, હેતલ દેસાઈ, માનસી સોનિક, પ્રતિમા પંડ્યા, નંદિની ત્રિવેદી, જ્હાનવી પાલ, ખેવના દેસાઈ, પ્રીતિ જરીવાલા અને હું (દિવ્યાશા દોશી) હાજર હતાં. 

મેં આ વખતે લુઈ પીરેન્ડેલો ઇટાલિયન લેખકનું 'સિક્સ કેરેક્ટર ઇન સર્ચ ઓફ ઓથર' નામનું નાટક  વાંચ્યું. પ્રથમવાર આ નાટક 1923 માં ભજવાયું હતું. આ નાટકના વિશ્વભરમાં અનેક ભાષામાં અનુવાદ થયા છે અને ભજવાયા પણ છે. એના વિશે નાટકમાં નાટક છે એવું કહી શકાય કારણ જ્યારે પરદો ખુલે છે ત્યારે રંગમંચ ઉપર દિવસનો સમય હોય છે અને કોઈ નાટકનું રિહર્સલ શરૂ થઈ રહ્યું હોય એવો માહોલ દેખાય છે. એક બાજુ દિગ્દર્શકનું ટેબલ છે બીજી બાજુ થોડાક થોડીક ખુરશીઓ પડેલી છે જેના પર કેટલાક કલાકારો સહજતાથી બેઠા રિહર્સલ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. મેનેજર કમ ડાયરેકટર પોતાના કેટલાક કામો પતાવી રહ્યો હોય છે એટલામાં છ વ્યક્તિઓ દાખલ થાય છે. એની આગળ પ્યુન હોય છે જે ડાયરેક્ટરને કહે છે કે આ વ્યક્તિઓ તમને મળવા માંગે છે ડાયરેક્ટર ગુસ્સામાં કહે છે કે પણ અત્યારે મારો નાટકનો રિહર્સલ નો સમય છે અને તે વખતે હું કોઈને પણ મળતો નથી તને ખબર છે. પરંતુ પેલી છ વ્યક્તિઓ ત્યાં પહોંચી જ ગઈ હોય છે. આ વ્યક્તિઓ એમ કહે છે કે લેખકે તેમના વિશેની વાર્તા લખીને અધૂરી છોડી દીધી છે અને હવે તેમને જોઈએ છે કે‌ એમનાં પાત્રને ન્યાય મળે. એમનું નાટક ભજવાવું જોઈએ.  પહેલા તો કલાકારો અને દિગ્દર્શક બધા જ ના પાડે છે કે આવું કેવી રીતે થઈ શકે? આવું અચાનક કોઈ અંદર ઘૂસી આવે અને કહે ‌કે  અમે કેરેક્ટર  (પાત્રો) છીએ અને તમે અમારું નાટક ભજવો.  કેટલી વાહિયાત વાત છે કહીને તેમને ટાળવાનો પ્રયાસ થાય છે. પણ પાત્રો માનતાં નથી અને પોતાની વાત કરવા માંડે છે. ધીમે ધીમે  દિગ્દર્શકને રસ પડે છે અને એ નાટક ભજવવા તૈયાર થાય છે. પણ એ પાત્ર માટે તો બીજો કોઈ કલાકાર પાત્ર ભજવે.‌ એની સામે પણ પાત્રોને કેટલાક વાંધા પડે છે.   ભજવનાર પાત્ર પોતાનું પાત્ર બરાબર નથી ભજવી રહ્યો અને આમ આ નાટક ફારસ હોવા છતાં પણ ફિલોસોફીકલ પણ લાગે. કેટલીક વખત વિચાર પણ આવે કે જે પાત્ર છે તે કાલ્પનિક છે કે હકીકતમાં છે? કાલ્પનિક હોય તો પછી એની ખાતરી કોણ આપી શકે કે જે છે તે સાચું છે અને સાચું છે તે કાલ્પનિક નથી.

You Might Also Like

0 comments