ફેસબુક ડાયરી મેટ્રો પ્રવાસ
01:50
ઘણા વખતે ફેસબુક ડાયરી માંડી પાછી...લેખો લખવામાં
આસપાસ બનતી નાની નાની વાતો ઘટના વિસરાઈ જતી. પણ મજા તો મને એ નાના નાના અનુભવોમાં
જ આવે છે. મુંબઈમાં મેટ્રો રેલ શરુ થવાની રાહ હું ક્યારની જોતી હતી. અંધેરીમાં જ
મારા ઘરથી પંદર મિનિટના અંતરે મેટ્રોલાઈનનું કામ ચાલુ હતું ત્યારથી તેમાં હું
પ્રવાસ કરતી હતી. પહેલાં પાયા ખોદાવા લાગ્યા. રસ્તા બંધ થયા. અગવડો વધી કારણ કે
અપેક્ષાઓ પણ હતી નવી મેટ્રો રેલ જલ્દી શરૂ થાય તેની. સમય વીતતો જતો હતો તેમ અન્ય
મુંબઈગરાની જેમ આકળવિકળ મન થતું. આટલી તે વાર હોય કંઇ... આપણે ત્યાં બધા કામ આમ જ
ઠેબે ચડાવીને જ થાય... પછી કોઇ અર્થ નહીં રહે વગેરે વગેરે...
પહેલીવાર મેટ્રો પસાર થઈ ત્યારે મિત્રોની સાથે
અગાસી પરથી દૂરથી તેને જોઇને હર્ષથી બૂમો પાડી હતી નાના બાળકની જેમ. પછી અઠવાડિયામાં
ત્રણેક દિવસ મેટ્રો રેલલાઈનના બ્રીજ નીચેથી પસાર થવાનું થાય ત્યારે મેટ્રોની
ટ્રાયલ નિયમિત નજરે ચઢતી... પણ ખાલી મેટ્રો પસાર થતી જોઇ રીસ ચઢતી આમ અમથા ખાલી
ખાલી રેક દોડવવા કરતાં અમારા જેવા થોડાકને તેમાં બેસાડીને પૂછવું જોઇએ ને.... હાહા
હા... આજે એ વિચાર યાદ આવવાથી હસી પડાય છે. છેવટે રીસ પણ ચઢી હતી કે થશે જ્યારે
થવું હોય ત્યારે આપણે શું ? અને હું બહારગામ હતી ને અચાનક મેટ્રો ચાલુ થવાના સમાચાર
આવ્યા. આ ઉંમરે બાળક જેવી રીસ ચઢી અને મમત પણ ... પાછા આવતાંવેંત મેટ્રો સ્ટેશન
ગઇ.... પણ આ શું ? અંધેરી સ્ટેશન સાથે કોઇ જોડાણ હતું જ નહી મેટ્રો
સ્ટેશનનું. લાંબોલચક સ્કાયવોક ચાલીને ગઇને જોયું તો મેટ્રો સ્ટેશન તેની સાથે પણ
જોડેલું નથી. વળી ઊતરીને મેટ્રો માટે એલિવેટેડ દાદર ચઢવાના. મારી જેમ બીજા અનેક
લોકો સ્ટેશનમાંથી ઇસ્ટમાં આવીને બ્રીજ પર ઊભા ઊભા મેટ્રો પર જવાનો રસ્તો શોધી
રહ્યા હતા. પત્યું દરેક લોકોના ચહેરા પર નિરાશા હતી મારી જેમજ. ઘરેથી પંદરેક મિનિટ
ચાલવાનું બ્રીજ ચઢવા ઉતરવાના પછી મેટ્રો સ્ટેશન આવે. રિક્ષા તો કોઇ કાળે મેટ્રો
સ્ટેશન જ્યાં છે ત્યાં જવા મળે તો ભગવાનને
નારિયેળ ચઢાવું. અને વળી જો ઘાટકોપરથી કે વર્સોવાથી અંધેરી સ્ટેશન આવું તો પાછી
રિક્ષાની રામાયણ તો રહે જ. એના કરતાં સીધા બસમાં કે રિક્ષામાં જવું સારું, સહેલું
અને સસ્તુ પડે.
ખેર હવે પહેલીવાર
મેટ્રોમાં તો બેસવું જ હતું. દાદરા ઊતરી ચઢીને મેટ્રો સ્ટેશન પહોંચી તો લાઈન
જબરદસ્ત.. દશ રૂપિયાનું ટોકન બદલે સો રૂપિયાનું કાર્ડ લીધું. ને જેવી દાખલ થવા
જાઉં ત્યાં તો જબરદસ્ત ગર્દી અને મારામારી. કારણ કે લોકોને ટોકન નાખીને દરવાજો
ખોલીને જતાં આવડતું નહોતું. તેમને સમજાવવા ગાઈડ કરવા મેટ્રોના માણસો હતા પણ વાર
લાગી રહી હતી. લાઈનમાં જવાનું કે શિસ્તમાં તો આપણે માનતા જ નથી એટલે કે કેઓસ
ધક્કામૂક્કી અને અફડાતફડીથી માહોલ ગરમ.. કેટલાક તો બિન્દાસ કૂદીને જવાનો પ્રયત્ન
કરતાં પકડાયાં. માંડ દાખલ થયા ત્યારે સારું લાગ્યું. વિદેશમાં અચાનક ભારતીયો આવી
ગયા હોય તેમ લાગ્યું. સફર સરસ રહ્યો પણ વળી એ જ માહોલ બહાર નીકળતા. સમજાયું કે આ
તો નવીનવાઈ એટલે ગર્દી અને ધક્કામૂક્કી રહેશે. બાકી તો જેને પૈસા અને રૂટની
દ્ષ્ટીએ અનુકૂળ હશે તે જ આમાં જશે. બાકી કોઇ સાન્તાક્રુઝ કે ગોરેગામ રહેતો વ્યક્તિ
એમ વિચારે કે મેટ્રોથી જવા કરતાં સીધા જવું સારું. એટલે જ્યારે આ દશ રૂપિયા વધીને ત્રીસ રૂપિયા
થશે ત્યારે કેટલા લોકો મેટ્રોમાં જશે તેની કલ્પના કરી શકાય છે. વેસ્ટમાં આવવા માટે
જે બ્રીજથી આવવાનું હોય છે તે બ્રીજ પર લાઈટ નથી અને ગંદકી પારાવાર. સાંજ બાદ
ત્યાંથી વૃધ્ધો કે સ્ત્રીઓ એકલા આવી કે જઇ ન શકે. વળી મેટ્રો ઇન્ટરનેશનલ એરપોર્ટ
સાથે પણ જોડાયેલ નથી. એટલે વરસોવાથી ઘાટકોપર વચ્ચે મેટ્રો સ્ટેશનની આસપાસ કામ
કરતાં કે રહેતાં લોકો માટે જ અનુકૂળ છે. આનાથી ટ્રાફિક ઓછો થવાની શક્યતા નથી.
આજે પણ મારે અંધેરીથી
સ્ટેશનથી આઝાદ નગર, ડી એન રોડ કે વરસોવા
જવું આવવું હોય તો તકલીફ પડે છે. ટ્રાફિક, રીક્ષા અને રોડ ત્રણેનો ત્રાસ વેઠવો
પડે. મેટ્રો આવવાને લીધે પણ તે અમારા જેવા કોઇ પ્રવાસીને કામ નહીં લાગે કારણ કે તેનું
સ્ટેશન અંધેરી વેસ્ટથી દૂર છે. વેસ્ટ ઇસ્ટને જોડતી સુવિધા અને સ્ટેશન સાથે મેટ્રો
સ્ટેશન જોડાયેલ હોત તો બાત કુછ ઓર થી બાકી મેટ્રો દૂરથી જ રળિયામણી રહેશે. 11-6-14
0 comments