પિતાપુત્રના સંબંધોમાં પુરુષનો અહમ્ પણ હોય છે
03:14
“રસ્તા પરથી જતો હોઉં અને બાજુમાંથી મારા પિતા
પસાર થાય તો કદાચ અમે બન્ને એકબીજાને ઓળખી પણ ન શકીએ. “ એરિઝોના સ્ટેટ
યુનિવર્સિટીમાં સોશ્યલ સાયકોલોજીના પ્રોફેસર ડો. ડગ્લાસ કેનરીકે એક અભ્યાસ લેખની
શરૂઆત આ વાક્યથી કરી હતી. ડગ્લાસના પિતા તેના જન્મ બાદ જેલમાં ગયાને તેની માતાએ
પોતાના પતિ સાથેના સંબંધનો અંત આણી દીધો. ડગ્લાસ ત્રણ વરસના હતા ત્યારે છેલ્લે
તેમના પિતાને જોયા હતા. આજે તેઓ 60ની ઉપર પહોંચી ગયા છે. પિતાનું હોવું ન
હોવું પુત્રના જીવનમાં ફેર લાવી શકે છે કે
નહીં તે અંગેનો અભ્યાસ લેખમાં તેઓ આગળ લખે છે કે વિશ્વમાં તેઓ એકલા જ નથી કે જેમણે
પિતા ગુમાવ્યા હોય, પણ સ્ટેનફોર્ડ ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશ્યલ રિસર્ચ જણાવે છે કે લગભગ 36 ટકા લોકો પિતાની છત્રછાયા વિના મોટા
થતા હોય છે. અને 17 ટકા નોબલ લ્યુરેટ પુરુષો પિતાની છત્રછાયા વિના જ મોટા થયા છે.
પિતા વગર ઉછરતાં છોકરાઓ આક્રમક હોય છે. એવા સંશોધનો થયા હોવા છતાં પણ પિતા વિના
ઉછેરેલા બાળકોમાં રચનાત્મકતા વધારે જોવા મળે છે તે હકિકત પણ ડગ્લાસ નોંધે છે. તેઓ
પોતે પણ બહુ જાણીતા સાયોકોલોજીના અભ્યાસી છે.
જુનીને
જાણીતી કહેવત છે કે વડ તેવા ટેટાં ને બાપ તેવા બેટા. પુરુષ જ વાય ક્રોમોઝોમ ધ્વારા
પુરુષ જાતિને સ્ત્રી ગર્ભમાં રોપી શકે છે. છતાં બન્ને વચ્ચેના સંબંધો હંમેશા ઇટ્સ
કોમ્પલિકેટેડના દાયરામાં જ રહ્યા છે. છેલ્લા 200 વરસનો પિતાઓનો ઇતિહાસ જોઇએ તો
તેમનો રોલ બદલાતો રહ્યો છે. પહેલાંના પિતા ઘરના દરેક એટલે કે નાનામાં નિર્ણયો પણ
તેમના હાથમાં જ રહેતા. સમય બદલાયો ગામમાંથી શહેર અને પરદેશ જઇને પિતા વસતા હોય અને
અહીં બાળકો ઉછરતાં હોય માતા અને કાકા, મામાઓના છોકરાઓ સાથે...રોલ મોડેલ પણ
મોટેભાગે પછી તેઓ જ હોય. વળી સમયના બદલાવ સાથે વિભક્ત કુટુંબ વ્યવસ્થા સાથે પિતા
ઘરમાં કમાઈને લાવે અને માતા ઘર અને બાળકો સંભાળે. પિતા એટલે ડરામણું પ્રાણી બનીને
રહી જાય. પપ્પા આવશે તો ખબર પડશે કે પપ્પાને કહે કે તે શું કર્યું. વગેરે. વળી
થોડા દશકા વીતતાં પિતા મિત્ર બને છે. બાળકોની સંખ્યા ઘટે છે. એક બાળક હોય તેમાં ય
દીકરો હોય તો તેના ઉછેરથી લઈને શિક્ષણ અને કારર્કિદીની દરેક ચિંતા પિતા કરશે. પણ
તેમાંય સરળતા નથી જ રહેતી. પોતાના અધૂરા રહેલા સપનાઓ કે પોતે જે ન કરી શક્યા તે
અપેક્ષાઓ પણ પુત્રમાં જોવા ઇચ્છશે. અઘરું હોય છે પુત્રને ફ્રિડમ આપવી તેની રીતની
જીંદગી જીવવા માટે. કારણ કે પોતે જે દુનિયાથી માત ખાધી હોય છે કે જે ફેઇલ્યોરિટી
જોઈ હોય છે તે દીકરો ન જુએ. સતત સફળ થાય તો પોતે પિતા તરીકે સફળ થાય એવી
અપેક્ષાઓનો બોજો પિતા અને પુત્રના સંબંધને કોમ્પલિકેશનમાં મૂકે છે. સફળતાએ દરેક
વ્યક્તિએ જુદી હોય છે. એવું પિતા જ્યારે પુત્ર હોય છે ત્યારે માનતા હોય છે પણ એ
પુરુષ જ્યારે પિતા બને છે તે સમયે તેની વિચારધારા બદલાઈ જાય છે.
2010ની સાલમાં ધ વે નામની અંગ્રેજી ફિલ્મ આવી હતી. આ ફિલ્મ પિતા,પુત્રના સંબંધની જ
હતી. અને તેમાં રિયલ લાઈફના પિતા,પુત્ર કામ કરે છે. એમિલીઓ એસ્ટેવિઝ આ ફિલ્મનો
નિર્માતા,દિગ્દર્શક અને લેખક છે. તેના પિતા જાણીતા અભિનેતા માર્ટિન શીન
ફિલ્મમાં પણ તેના પિતાનો રોલ કરે છે. કથા
કંઇક આવી છે. ડોકટર થોમસ પોતાના દીકરા ડેનિયલના કામકાજ છોડીને દુનિયા ફરવાના
નિર્ણય સામે નારાજ છે. પત્નિ વરસો પહેલાં ગુજરી ગયા બાદ થોમસે જ ડેનિયલને ઉછેર્યો
છે. ડેનિયલ પિતાની નારાજગી છતાં પ્રવાસે જતો રહે છે. સ્પેનમાં સેન્ટ જેમ્સની
ધાર્મિક યાત્રા કરતાં ડેનિયલ એક દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. થોમસ ભાંગી પડે છે,
દીકરાના અંતિમ સંસ્કાર માટે સ્પેન જાય છે. ત્યાં પહોંચીને નક્કી કરે છે કે દીકરાની
યાત્રા તે પૂરી કરશે. 70 વરસનો બાપ દીકરાની રાખ લઈને પહાડોમાં બીજા યાત્રિકો સાથે પ્રવાસ
કરે છે જે પ્રવાસ દરમિયાન તેનો પુત્ર મૃત્યુ પામ્યો છે. પદયાત્રા થોમસને દીકરાની
સમજ નજીક પહોંચાડે છે. યાત્રા તેને જીવનનો નવો ઊઘાડ આપે છે.
પુત્ર સોળ વરસનો થાય ત્યાં સુધી દીકરો હોય છે. પણ
દીકરો મોટો થતાં પિતા અને પુત્ર બન્ને પુરુષ જ હોય છે.બન્નેનું પુરુષત્વનો અહમ
પોતાની જગ્યાએ યોગ્ય હોય છે. એટલે જ લોહી અને લાગણીના ડિએનએથી સંકળાયેલા હોવા છતાં
ક્યારેક એક ડિસટન્સ બન્ને વચ્ચે સર્જાતું હોય છે. તે છતાં પુત્ર જ્યારે સફળ થાય છે
ત્યારે એને સૌ પ્રથમ પિતાની યાદ આવે છે. ખાનદાન ચલાવવાની વાત હવે ભૂંસાતી જાય છે.
પણ સફળતામાં પુત્ર પોતાનાથી આગળ હોય તો પુરુષપિતાનો અહમ સંતોષાય છે. અને જો પુત્ર
કંઇ કામ ન કરે કે ઓછું કમાય અથવા તેમને ન ગમતું કામ કરે તો પણ પિતાનો અહમ ઘવાતો
હોય છે. અને એવા જ પિતાની છબી આપણા હિન્દી સિનેમામાં આવતી હોય છે. યે જવાની હૈ
દિવાની ફિલ્મમાં ફારુખ શેખ અને રણબીર કપુરની વચ્ચે પિતા પુત્રના સંબંધને આજના
સંદર્ભે સરસ રીતે દર્શાવાયો છે. પિતાની ઇચ્છા ન હોવા છતાં તે પુત્રને નજરોથી દૂર
પરદેશ જવાની પરવાનગી રાજીખુશીથી આપે છે. પોતાની રીતે જીવવાની. અને પુત્ર પોતાની
દુનિયાને ઘડવામાં સમયને પાર ચાલી જાય છે. પિતાના મૃત્યુ સમયે પણ આવી નથી શક્યો.
જ્યારે પાછો આવે છે ત્યારે પિતા વિનાનું ઘર અને જીવનનો મરમ સમજાય છે.
બીગ ફિશ નામે અંગ્રેજી ફિલ્મ પણ અદભૂત રીતે પિતા
પુત્રના સંબંધને રજુ કરે છે. પિતા પુત્ર વચ્ચે અંતર વધી ગયું હોય છે. પુત્રને લાગે
છે કે પિતાએ તેને સમય આપ્યો જ નથી. પિતા મરણપથારીએ છે ત્યારે પુત્ર લગ્નબાદ પત્નિ
સાથે આવ્યો છે. પિતા તેને ફેરી ટેલ જેવી પોતાની કહાણીઓ કહે છે. અદભૂત વાર્તાઓ
કહીને પિતા પોતાનો ગુનાહિત ભાવ ઓછો કરવા માગતા હોય છે. પુત્ર આ સમજે છે સ્વીકારી
શકતો નથી. પણ પિતાએ કાલ્પનિક વાર્તાઓનું અદભૂત વિશ્વ રચ્યું ન ઇચ્છવા છતાં છેવટે
પુત્ર તેને સાચી માનીને પિતાનો સ્વીકાર કરે છે. અને અંતે કાલ્પનિક વાર્તાઓનો અંત
પુત્ર રચી આપે છે.
પિતા પુત્રની વચ્ચે કડી સમાન માતા હોય છે. પણ
જ્યારે એ નથી હોતી ત્યારે વન ટુ વન સંબંધો મોટેભાગે આપણે ત્યાં ઘર્ષણ પેદા કરતા
હોય છે અથવા પિતા ડોમિનેટિંગ હોય છે. બહુ જ ઓછા પિતાપુત્ર સંબંધો મિત્રતામાં
પરિણમે છે. કારણ કે આપણે ત્યાં એવી ય માન્યતા છે કે પુત્રની સાથે પિતા જ બની
રહેવું અને તેમાં પુત્રના વિશ્વને ય પિતા જ આકાર આપવા માગતા હોય છે સીધી કે આડકતરી
રીતે. જો એમાં પુત્ર ક્યાંક પોતાની રીતે ચાલે તો પિતા તેનો સ્વીકાર કરી શકતો નથી
અને સંબંધોમાં ડિસ્ટન્સ સર્જાય છે. આશા
રાખીએ કે આજના દિને દરેક પિતા પુત્રની દુનિયાનો સ્વીકાર કરીને તેને પ્રેમની પાંખે
ઊડવા દેવાનો નિર્ણય કરે.
0 comments