આઇસ મેન 18-6-14

23:06

પાણીની તંગી રણમાં પડે તે લોકો માની શકે પરંતુ,  હિમાલયના ઊંચા પહાડોમાં પડે તે માનવું અઘરું લાગે પણ  લેહ લદાખના ગામોમાં  ગ્લોબલ વાર્મિગને કારણે  રણ જેવું સુક્કુભઠ્ઠ વાતાવરણ જોવા મળે. ખેડૂતોને વરસમાં એકવાર  પાક માટે પાણી ગ્લેસિયર પીગળે તો મળે. પણ ગરમીનો પારો ઊંચે જતાં ગ્લેસિયર પણ વધુને વધુ ઊંચે જવા માંડ્યા. એક સમયે જ્યાં બરફથી ઢંકાયેલા પહાડો હતા ત્યાં ભૂખરા બરફ વિનાના નગ્ન પહાડો દેખાય.  ગ્લેસિયર જ ન હોય તો પાણી ક્યાંથી મળે સુક્કુ રણ  બસ જ્યાં નજર નાખો . ખેડૂતો પાસે  બરફ વર્ષા કે વરસાદ થાય તેને માટે રિતસર પ્રાર્થના કર્યા સિવાય  આરો નહતો. પરંતુ, એક લદાખી એન્જિનયરને તેમની વહારે જાણે ભગવાને જ મોકલ્યો.  એન્જિનયર અને પર્યાવરણવાદી ચેવાંગ નોરફેલે ઊભા કરેલા આર્ટિફિશિયલ ગ્લેસિયરને કારણે ત્યાંના ખેડૂતોને પાક લેવા માટે પાણી નથી ખૂટતું. કેટલાક ગામમાં હવે ખેડૂતો વરસમાં બે વાર પાક લઇ શકે છે.
લદાખનો વિસ્તાર એ ઠંડો પર્વતિય રણ પ્રદેશ છે એવું કહી શકાય.  શિયાળામાં અહીં -30 ડિગ્રી તાપમાન નીચું હોય શકે તો વાર્ષિક સરેરાશ વરસાદ 50 મિમિ પડે છે. લેહમાં જન્મેલા નોરફેલે શ્રીનગરમાં અને લખનૌમાં શિક્ષણ લીધું. ત્યારબાદ 1960માં તેઓ જમ્મુ કાશ્મીરમાં રુરલ ડેવ્હલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સિવિલ એન્જિનિયર તરીકે જોડાયા.તેઓ શરૂઆતમાં તો ટાંકા જ બનાવતાં હતા. પાણી સંગ્રહવાના. પણ પછી તેમણે જોયું કે પાણીએ આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે. કેટલીક જગ્યાએ પાણી વેડફાય છે તો કેટલીક જગ્યાએ પાણીની જબરદસ્ત તંગી છે.
ચેવાંગ નારફેલે 2012 સુધીમાં 12 આર્ટિફિશિયલ ગ્લેસિયર બનાવ્યા. આ ગ્લેસિયરયોમાં ફુકત્સિ ગામનું ગ્લેસિયર સૌથી મોટું છે. 1000 ફીટ લાંબુ, 150 ફીટ પહોળું  અને ચાર ફીટ ઊંડું છે. ફક્ત નેવું હજારને ખર્ચે તૈયાર થયેલું આ આર્ટિફિશયલ ગ્લેસિયર ગામના 700 માણસોને પાણી પુરું પાડવા સક્ષમ છે. લદાખમાં શિયાળામાં લોકો નળ બંધ નથી કરતાં અને પાણી વહેવા દે છે જો તેઓ નળ બંધ કરે તો પાણી ઠંડીને કારણે જામી જવાની સમસ્યાનો સામનો કરવો પડે. એક શિયાળામાં ચેવાંગે જોયું કે પોપલર ઝાડની છાયામાં ધીમી ગતિએ વહેતું  પાણી જામી ગયું હતું. જ્યારે ઝડપથી વહેતું પાણી જામતું નથી.  આ જોઇને ચેવાંગને આર્ટિફિશિયલ ગ્લેસિયર બનાવવાનો વિચાર આવ્યો. ચેવાંગે જોયું હતું કે છેલ્લા પચાસ વરસમાં કેટલીય વાર વરસાદ લંબાયો હતો અને ગામના લોકો પાણી વિના ખેતી કરી શક્યા નહોતા.
ગ્લોબલ વાર્મિગને અસરને કારણે બરફના ગ્લેસિયરો પણ ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે. પર્યાવરણવાદીઓના મતે 2035ની સાલ સુધીમાં હિમાલયમાં ગ્લેસિયર ખતમ થઈ જવાની શક્યતા છે. આ બાબતથી જાણકાર ચેવાંગને 1996ની સાલમાં આર્ટિફિશિયલ ગ્લેસિયર ઊભુ કરવાનો વિચાર આવ્યો અને તેને સમાજસેવી સંસ્થાની મદદથી તે અમલમાં મૂક્યો. ચેવાંગે હિમાલયની નદીઓને વેલીમાં વાળીને તેના પર ચેક ડેમ બાંધી વહેણની ગતિ ધીમી કરતા તે ગ્લેસિયરમાં ફેરવાઈ શક્યું. તેને કારણે જમીનમાં પાણીની માત્રા વધી. ઝરણાઓ પણ વહેતા થયા. અને ખેતી માટે આ પાણી વાળી લેવાતું. ચેવાંગે આ ગ્લેસિયર કુદરતી ગ્લેસિયર કરતાં ઘણાં નીચે બનાવ્યા જેથી કુદરતી ગ્લેસિયર પીગળે તે પહેલાં આર્ટિફિશયલ ગ્લેસિયર પીગળતાં તેમાંથી  ખેડુતો એક વધુ પાક આગોતરો લઈ શકે. આ ગ્લેસિયર ગામના લોકો ઈચ્છે તો ઘણા જ ઓછા ખર્ચે મેઇન્ટેન કરી શકે છે. પરંતુ, લોકોને તેની પરવા ન હોવાનું ચેવાંગે જોયું છે. પોતાની આસપાસની તકલીફોમાંથી માર્ગ કાઢવા માટે લોકોએ સજાગ થવાની જરૂર છે. ચેવાંગનો અફસોસ યોગ્ય જ છે. ગંદકીની ફરિયાદ આપણે કરીશું પરંતુ, આસપાસની ગંદકી ઓછી કરવા કે ન થાય તે માટે કેટલી વ્યક્તિઓ જાગૃત થઈને વર્તે છે. પાણીનો વેડફાટ શહેરોમાં જે રીતે થાય છે તે જોઇને પાણી વિના ટળવળતા ગામવાસીઓ જુએ તો તેમનો જીવ બળી જાય. પર્યાવરણની ચિંતા આપણને સૌને હોવી જોઇએ. કારણ કે પર્યાવરણનો બદલાવ દરેક પૃથ્વીવાસીને અસર કરી શકે છે.
આ કામ માટે ભલે ઓછા પૈસા લાગે પણ તેટલું ફંડ ઊભું કરવું પણ ચેવાંગ માટે સહેલું નહોતું. પડકારો પીગળતા ગ્લેસિયરની માફક વધી રહ્યા હતા પરંતુ, હાર માન્યા સિવાય ચેવાંગે સમાજ માટે કામ કર્યે રાખ્યું. આજે તે ગ્લેસિયર મેન કે આઇસ મેનના નામે દેશવિદેશમાં મશહુર છે. ટાઈમ મેગેઝિને પણ તેના કામની નોંધ લઈને આર્ટિકલ લખ્યો હતો. અફઘાનિસ્તાન અને અન્ય પહાડી પ્રદેશોમાંથી લોકો તેમની પાસે ટેકનિક શીખવા આવ્યા હતા. વિચાર કરો કે ભવિષ્યમાં ગ્લેસિયર નહીં રહે તો ગંગા,યમુના જેવી નદીઓ પણ નહીં વહે. પાણીના અભાવે  લોકો ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર કરશે. પર્યાવરણ બચાવવા માટે ચેવાંગ નેરફેલ જેવા લોકોની જરુર છે પણ તેની કદર કરતાં આપણે શીખવાની છે. નહીંતો પર્યાવરણના મરણ સાથે આપણું અસ્તિત્વ પણ ટકવું મુશ્કેલ જ છે તે સમજાવવાની જરુર છે ખરી ?

આફ્રિકાન દેશ યુગાન્ડામાં પણ બરફના ગ્લેશિયર્સ છે તે બહુ ઓછાને ખબર છે. ર્વેનઝોરી માઉન્ટન જેને ત્યાંના લોકો માઉન્ટન ઓફ ધ મુન કે આફ્રિકન આલ્પસના નામે ઓળખે છે. આ માઉન્ટનના ગ્લેશિયર પણ વાતાવરણમાં સીઓટુ કાર્બન ફુટ વધવાને કારણે પીગળી રહ્યા છે. તાજેતરમાં  ગ્રીન ક્રોસ ઇન્ટરનેશનલ અને વર્લ્ડ યુથ પાર્લામેન્ટ ફોર વોટર સંસ્થાએ કરેલા આ પર્વતોના સર્વેમાં જાણવા મળ્યું છે કે આ ગ્લેશિયર્સ 2030 સુધીમાં ઇતિહાસ બનીને રહી જશે. નુકશાન એટલું થઈ ચુક્યું છે કે કોઇપણ હિસાબે આ ગ્લેસિયર્સ બચાવી શકાય તેમ નથી. દુનિયામાં દરેક જગ્યાએ આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યાં ચવાંગ નેરફેલ  જેવી વ્યક્તિઓની સુઝથી આપણે ટકી રહ્યા છીએ. કેટલીક વ્યક્તિઓ બીજાના જીવનનો વિચાર કરીને જીવનનું સાર્થક્ય શોધે છે. પોતાના કાર્યની સભાનતા વિના કે તેની નોંધ લેવાય છે કે નહીં તે વિચાર્યા વિના બસ તેઓ સમાજ માટે જીવ્યે જાય છે.




You Might Also Like

0 comments