શું આપણો આત્મવિશ્વાસ ઓછો છે ? 17-6-18

01:24

આજની નારી ચાંદને અડી આવે કે એવરેસ્ટ સર કરે કે પછી પાતાળને માપે પરંતુ, મોખરે રહેવામાં હજી ટકાવારી ઓછી જ છે. એવું શું છે સ્ત્રીઓમાં કે તે એકવીસમી સદીમાં પણ પુરુષના જગત સામે હાર માની લે છે. આ વિચાર આવ્યો આ વખતની ચૂંટણીમાં સ્ત્રીઓની ટકાવારી જોઇને. કેન્દ્રમાં છ ટકા પ્રધાનો મહિલા હોવાનો આનંદ લઈ શકાય પણ શું ત્યાં જ અટકી જવાનું છે ? કોંગ્રેસની જેમ આપણે ય મનોમંથન કરવાની જરૂર નથી જણાતી?હજી આ વિચાર ચાલી જ રહ્યા હતા કે એક મૈત્રણીએ કહ્યું કે તે પોતાની વિચારધારા બદલી રહી છે. એ વળી શું ? તો કહે હું હવે પુરુષોની જેમ વિચારું છું. સ્ત્રીઓની જેમ નહી.
પુરુષોની જેમ વિચારવું એટલે શું ? વધુ ઇમોશનલ ન થવું. પોતે શું કરવા માગે છે એમાં લાગણીઓથી દોરવાવું નહી. દિલથી નહીં પણ દિમાગથી વિચારવું અને વર્તવું.  હા ઘરમાં દિલથી વિચારો તે વાત અલગ છે,  પણ પ્રોફેશનલ લાઈફમાં એટલે કે કારર્કિદીમાં દિલથી વિચારવાનું નહીં જ. ચુંટણીના પરિણામ વખતે સુષમા સ્વરાજ જીત્યા ખરા પણ તેમના મોંના ભાવ જો વાંચી શક્યા હો તો રીસ જણાઈ આવતી હતી. સ્ત્રી રીસ કરે પ્રેમી કે પતિ સામે તે ચાલે પણ જ્યારે તે બહાર પુરુષો સાથે હરિફાઈમાં હોય ત્યારે રિસને છુપાવતાં, મુત્સદ્દી બનતાં શીખવું પડે. આટલા અનુભવી અને મેધાવી સુષમા સ્વરાજ આવું વર્તન કરે તે સ્વીકારવું અઘરું લાગે. મોટાભાગે સ્ત્રીઓ અસફળ રહે છે કારણ કે તેમનામાં સફળતા માટે જરૂરી કેટલાક ગુણો નથી હોતા. બોસ્ટન ગ્લોબ મેગેઝિનમાં એક લેખ થોડા સમય પહેલાં આવ્યો હતો તેમાં ફિએના મુરે જેઓ  એમઆઈટી સ્લોન સ્કુલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એસોસિએટ્સમાં ઇન્ટરપ્રુનિયરશીપના પ્રોફેસર છે. તેઓ લખે છે કેપુરુષો ધ્વારા સંચાલિત કંપનીઓને ફંડ મળવાની  શક્યતા મહિલા સંચાલિત કંપનીઓ કરતાં 40 ટકા વધી જાય છે. એનું કારણ છે કે મહિલાઓમાં આત્મવિશ્વાસ ઓછો હોય છે.
ગમે તેટલું શિક્ષણ લીધું હોય અને ગમે તેટલી હોશિયાર સ્ત્રી હોય તે છતાં જ્યારે પર્ફોમન્સની વાત આવે છે તો આત્મવિશ્વાસ ઓછો પડે છે તેને કારણે જ સફળ સ્ત્રીઓની ટકાવારી આજે પણ ઓછી છે. આપણે સ્ત્રીઓ સતત ફેઇલ્યોરિટીના, અસફળ થવાના ભયમાં જીવતા  હોઇએ છીએ. એ માનસિકતા જો સમજીને બદલી શકાય તો સફળ થવું અઘરું નથી હોતું. તો શું કરવું ? આ પ્રશ્ન આપણને થાય તો મુરે કેટલાક મુદ્દાઓ તરફ આપણું ધ્યાન દોરે છે. તેમનું કહેવું છે કે પુરુષોની જેમ વિચારતાં જીવતાં શીખો. જો કારર્કિદીમાં સફળ થવું હોય તો. સ્પોર્ટસમાં રસ લો, નેટવર્ક ઊભું કરો અને આત્મવિશ્વાસ કેળવો. આપણે આજના પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપવું જોઇએ. જ્યારે મહિલાઓ લાંબાગાળાની સમસ્યાઓ તરફ વધુ ધ્યાન આપતી  હોય છે.
તકને જલ્દી ઓળખીને અપનાવવામાં પણ સ્ત્રીઓ પાછળ રહી જતી હોય છે. કારણ કે સતત તેઓ અસલામતી અને અસફળતાના માપદંડથી જ પોતાને મૂલવતી હોય છે. આમાંથી બહાર આવી જ શકાતું હોય છે. સરળતાથી. આત્મવિશ્વાસ કેળવી શકાય છે. આત્મવિશ્વાસ સાથે કોઇ જન્મતું નથી. સ્મૃતિ ઇરાનીનો આત્મવિશ્વાસ જુઓ. તે જ્યારે પણ કંઇ બોલશે ત્યારે એની આંખોમાં, અવાજમાં આત્મવિશ્વાસ છલકાતો સ્પષ્ટ જોઇ શકાય છે. મુત્સદ્દીપણું જે બોલવામાં જરૂરી હોય છે અને પછી વર્તનમાં તે એણે પૂરવાર કરી આપ્યું છે. એટલે બે ત્રણ બાબતો હોય છે આત્મવિશ્વાસ માટે કે તમે જે કામ કરો છો તેને માટે અસફળતાનો ભય ન સેવો. જે કહો તે સ્પષ્ટતાપૂર્વક કહો. અચકાઓ નહી. નવા વિચારો અને આઇડિયાઝને ભવિષ્ય માટે સાચવી ન રાખો તેને તરત જ અમલમાં મૂકો કે બોસને કહો. તમારા દરેક કાર્ય અંગે અભ્યાસ કરો. સંશોધન કરો. બીજાને સાંભળતા પણ શીખો. અને ક્યારેય હું આમ વિચારું છું એ શબ્દ પ્રયોગ ન કરો. તમે જે માનો છો તે સ્પષ્ટ રીતે કહેતા શીખો. રિપીટેટીવ ન બનો. મોટારૂમમાં બોલતા કે પ્રવેશતા અચકાઓ નહીં. ડ્રેસિંગ સેન્સ કેળવો. ગમે તે ડ્રેસ પહેરીને કામ પર ન જઈ શકાય. પાર્ટી અને કેઝયુઅલ ડ્રેસ પહેરીને ઓફિસમાં કે ક્લાયન્ટને ન જ મળી શકાય.
તમારા આઇડિયાઝ કે સલાહ સામી વ્યક્તિને પસંદ ન પડે તો તેમાં માફી માગવાની જરૂર નથી હોતી. ફક્ત તેમનો પોઇન્ટ ઓફ વ્યુ ધ્યાનપૂર્વક સાંભળીને તમારો પોઇન્ટ ઓફ વ્યુ સમજાવો.  ગુનાહિતતાનો ભાવ લઈને ન ફરો. કોઇ બાબત ન જાણતા હો તો નમ્રતાપૂર્વક તે સ્વીકારતા કે કબૂલતાં નાનપ ન અનુભવો. અને લાગણીઓને કાબૂમાં રાખતાં શીખવું જરૂરી છે. રીસ, ગુસ્સો, ચિડિયાપણું સફળતાના રસ્તે ન ચાલે. પ્રોફેશનલ એટિટ્યુડ સફળ પુરુષોને ઓબ્ઝર્વ કરીને શીખી શકાય.



You Might Also Like

0 comments