મોઢું બંધ રાખવું જોઇએ ?24-6-14

05:43

એક બહુ મોટાગજાના કલાકાર તેમના ઘરે જવાનું થયું સાથે બેચાર મિત્રો પણ ખરા. બુદ્ધિશાળી એ કલાકારની વાતો અદભૂત હોય બધા અભિભૂત થઈને સાંભળી રહે. તેમના પત્નિ પણ બુદ્ધિશાળી પણ લોકોની સમક્ષ જ્યારે પણ કંઇ બોલે તો તેમના બુદ્ધિશાળી પતિ તેમને મહેમાનોની સામે જ ઊતારી પાડે. તું ન બોલ મહેરબાની કરીને, તને કંઇ ગતાગમ પડે નહીં કે તારામાં અક્કલ નથી એવા વાક્યો પ્રયોજે. આવનારને અખરે તેમનો પક્ષ લેવા જાય પણ તેઓ કોઇની વાત સાંભળે નહીં.
તેમના પત્નિ તેમને પ્રેમ કરતાં હોઇ શકે બરાબર છે પણ બીજાની સામે આ રીતે ઉતારી પાડવાનું ? ને તે છતાંય એ કલાકારને આપણે મહાન માનવાના.  બસ સ્ટેશને,રેલ્વે સ્ટેશને કે સામાજીક મેળાવડાઓમાં પણ તમે આવા પ્રસંગો જોયા હશે જ્યારે પતિઓએ, ભાઈઓએ કે દીકરાઓએ સ્ત્રીને કહી દીધું હોય કે તું ચુપ રહે તને કાંઇ ગતાગમ ન પડે. પ્રેમના નામે સ્ત્રીઓ ચલાવી લે.....સમાજ પણ ચલાવી લે.આવી જ બાબત બની પ્રિટી ઝિન્ટા બાબતે...અબ્યુઝ કેસ મામલે હાલમાં બહુ ચર્ચિત અભિનેત્રી  પ્રિટી અને નેસ બન્ને પ્રેમમાં હતા. હવે તેમની વચ્ચે કોઇ કારણસર સંબંધો ન હોય ત્યારે પણ એક જાતનો અધિકાર પુરુષ અનુભવતો હોય છે. આ બાબતે કેટલીક સ્ત્રીઓને પુછ્યું તો જે કહ્યું એ ખરેખર શોકિંગ હતું. કેટલીકે કહ્યું કે પ્રિટીનો જ વાંક હતો તેણે એની મમ્મીને જગ્યા કેમ ન આપી. ગમે તેમ તોય તેના પૂર્વપ્રેમીની મમ્મી. પછી આવું જ થાય ને ! તો બીજી કહે અરે અમે તો રોજ ઘરમાં આવું સહીએ છીએ. જરા હાથ પકડ્યો એમાં શું ? આ જ બાબત છે. સ્ત્રીઓ પોતાના પર થતી આવી નાની નાની હિંસાઓથી પ્રેમના નામે ટેવાઈ જતી હોય છે. પ્રિટી ઝિન્ટાએ સારું કર્યું કે તેના વિરુધ્ધ અવાજ ઊઠાવ્યો. લગ્નસંસ્થામાં જ સ્ત્રીઓ પર હિંસા થતી હોય છે એવું નથી જ. સ્ત્રીઓની સાથે કોઇપણ રીતે વર્તી શકાય એ માનસિકતા પિતૃસત્તાક માનસિકતાને કારણે આપણે સ્વીકારી લઈએ છીએ. પ્રિટી અને નેસની વચ્ચે થયો એવો ઝઘડો જો બે પુરુષો સાથે થાત તો પણ કેસ બનત. પણ તેની સામે આટલા સવાલો ન થાત.
સ્ત્રી પર બળાત્કાર થાય કે જાતિય સતામણી થાય તો જ હિંસા થાય છે એવું નથી. વાયોલેન્સ અગેઇનસ્ટ વિમેનને કાયદાકીયમાં જે રીતે કહેવામાં આવ્યું છે તે જોઇએ. કોઇપણ જાતની માનસિક કે શારિરીક સતામણી અને હિંસક વર્તન, ધાકધમકી, ચીજો ફેંકવી, બટકાં ભરવા, હાથ વડે કે કોઇ વસ્તુથી મારવું, હડસેલવું, પીછો કરવો, બળાત્કાર, છેડતી, અપશબ્દો કહેવા, અપહરણ કે કોઇપણ જાતનું સ્ત્રી પર દબાણ લાવવું વગેરે... યુનાઈટેડ નેશને 1993માં સ્ત્રી વિરુધ્ધ આચરાતી હિંસાને નાબૂદ કરવા જાહેર કર્યું કે જાતીય ભેદભાવપૂર્ણ કોઇપણ જાતની હિંસા તે પછી શારિરીક, માનસિક કે પછી કોઇપણ જાતની ધાકધમકી ધ્વારા સ્ત્રીની જાહેરમાં કે અંગત રીતે  સ્વતંત્રતા પર તરાપ મારવી.

આપણી આસપાસ કે આપણા સમાજમાં આ દરેક બાબતો સહજતાથી સ્વીકારી લેવામાં આવતી હતી અને હજી પણ સ્વીકારાતી હોય છે. પણ કાયદાઓ ઘડાતા જાગૃતતા આવી છે અને પ્રિટી ઝિન્ટા જેવી બહાદુર સ્ત્રીઓ પોતાની સ્વતંત્રતા પર કોઇને તરાપ ન મારવા દેવા ફરિયાદ કરે છે તેના પરિણામે કિસ્સાઓ જાહેરમાં આવતા જાય છે. મળતાં આંકડા પ્રમાણે 2007માં વિમેન્સ અગેઇન્સ્ટ વાયોલન્સના કેસો 1,85,312 હતા. 2010માં 2,13,585 અને 2011માં 2,28,650 નોંધાયા હતા. આ આંકડાઓ વધતા જાય છે એનો અર્થ એ પણ નથી કે હિંસા વધી જ રહી છે. પણ હિંસા વિરુધ્ધ રિપોર્ટ વધી રહ્યા છે. સમાજ બદલાઈ રહ્યો છે. જાતીય ભેદભાવ સાથે થતી હિંસા અંગે ઘરમાં અને ઘર બહાર જતી સ્ત્રીઓ અવાજ ઊઠાવી રહી છે. તેને ત્યાગ અને પ્રેમના નામે સહન કરીને હિંસક માનસિકતાઓને પ્રેરણા નથી આપતી. એને કારણે પણ કેટલાક પિતૃસત્તાક માનસિકતા ધરાવતાં પુરુષો સ્ત્રીઓના અવાજને દબાવી દેવા તેમના પર બળાત્કાર કર્યા બાદ તેને મારી નાખે છે. આજની નારીએ કોઇપણ પ્રકારના જાતીય ભેદભાવને આમ જ હોય.. કે આમ જ ચાલ્યું આવ્યું છે એવું માનવાનું કે સ્વીકારવાનું બંધ કરવું જોઇએ. 

You Might Also Like

0 comments