આકાર- નિરાકારનો પ્રપંચ કે માયા ? 10-3-15

04:49


અમદાવાદના એક શાંત મંદિરના પ્રાંગણમાં  જ્યારે પ્રવેશી ત્યારે લાગ્યુંકે મારા સિવાય કોઈ જ મંદિરમાં નથી. ક્યાંથી હોય. બપોરના 11.30નો સમય છે અને ચાલુ દિવસ હતો. પણ મંદિરની અંદર મારા સિવાય બીજી એક સ્ત્રી હતી. ચહેરા પર પીડાની રેખાઓ જણાઈ આવતી હતી.... હાથ જોડીને એકિટશે સામેની છબીને જોઈ રહી હતી... એ ભગવાન સામે ફરિયાદ કરી હતી કે પ્રાર્થના તે કૂતુહુલતાથી મનનાં વિચારોનું એપ્લીકેશન દબાવાઈ ગયું. આમતો આ યોગ્ય નથી કે કોઈના ખાનગી ઇલાકામાં પ્રવેશવું. ખાસ કરીને ભગવાન સાથેના સંબંધે...પણ મારાથી એ ભૂલ થઈ ...અને જે સાંભળવા મળ્યું તે ...... જેમનું તેમ....

"તમારી ઓળખાણ પણ તો એણે જ કરાવી અને તમારા રૂપે એ અને એના રૂપે તમે મળ્યા હતા. હે  ચિદાનંદ...આનંદનો અહેસાસ તમે કરાવ્યો. એ માટે આભાર... તમે આપેલી પીડા પણ મને કબૂલ છે. આકાર, નિરાકાર બન્ને રૂપે તમને પ્રેમ કરીશ. પ્રેમ પણ તારો અને પીડા પણ તારી... એ જ કે  તું કોઈ મારી નજીક નથી અને ન તો દૂર છો. જાણે હું રાધા ને એ કૃષ્ણ... ક્યારેય મેં કોઈ અપેક્ષા રાખી જ નથી. મે તો બસ પ્રેમ જ કર્યો છે. આ જન્મે તમે મને આનંદની પળો ઓછી આપી તો એ પણ મને કબૂલ છે. પણ સરખી તો આપવી હતી... કેમ કજોડા જ તું બનાવે...? શું પ્રેમ કરવો ભૂલ છે.. ? પ્રેમ બન્ને પક્ષે હતો ને અને મેં કોઈ જબરદસ્તી નહોતી કરી....પહેલાં જ તે મને મારો પ્રિયતમ ન આપ્યો. જે પણ વ્યક્તિ આપી પતિરૂપે તેને સ્વીકારી..બાળકો આપ્યા સુંદરને મને લાગ્યું કે બસ હવે હું તૃપ્ત થઈ ગઈ. માતૃત્વનો આનંદ, પતિ પણ કંઈ ખરાબ નથી... મારી ફ્રિડમમાં તે નડતો નથી. સારો જ છે. બિચારો બધા જ પ્રયત્નો કરે છે મને ખુશ રાખવાના...પણ સમજના કેટલાક સ્પંદનો સુધી તે પહોંચી નથી શકતો. સંવાદ જે એની સાથે શક્ય બને છે તે નીલેશ સાથે ક્યારેય નથી કરી શકી. કેટલીક લાગણીઓ એવી હોય છે કે તેને સમજી નથી શકાતી. એની સાથેની પહેલી મુલાકાત સમયે જ હ્રદય ધબકારો ચુકી ગયું હતુ. મારું અને એનું પણ... કશુંક હતું જે બન્નેને એક સાથે અનુભવાયું. તું જાણે જ છે પ્રભુ... ને પછી તો અધ્યાત્મની વાતો જે નીલેશ ક્યારેય સમજી નહોતો શકતો. કારણ કે તેને તો એવી કોઈ ખાસ શ્રધ્ધા જ નથી.
 હે શિવ ...તમને તો મેં બાળપણથી જ ચાહ્યા છે. તમારા પ્રત્યેની મારી ચાહતનો પ્રતિસાદ મને મળ્યો તેના તરફથી... ને જીવનમાં નવા અર્થો ઊભરાયા. પણ અચાનક તેને ગ્રહણ લાગ્યું. પ્રેમ કરવોને તેને પામવો સહજતાથી તે પાપ તો નથી જ... હા તેની પત્ની છે, મારો પતિ છે. તેની જવાબદારીઓ છે મારી જવાબદારીઓ છે. જે નિભાવીએ જ છે. વળી પ્રેમ ક્યાં તે બધુ જુએ છે. તારી કલ્પનામાં મે તેને રોપ્યો તેનાથી તું નારાજ થયો ? પણ તું એનું સ્વરૂપ લઈને આવ્યો હોય એવું ન બની શકે ? તો તું દૂર શું કામ થયો ? આમ જ દૂરથી પ્રતિસાદ આપતો રહેત તું તો શું બગડત ? સાચું ખોટું શું હોઈ શકે ? અમે બન્ને તને ચાહીએ  છીએ. તારી વાત કરીએ છીએ આનંદ કરીએ છીએ. તો તેની પત્નીને જાણ કરવાની તને શું જરૂર હતી. તને ઝેર પીવું ગમે છે એટલે તારે એને પણ ઝેર પાવાનું... બસ હવે પ્રાર્થના કરું છું. કે તેને ત્રાસ ન વર્તાવ... તેને પણ પ્રેમની સહાનૂભુતિની જરૂર છે. મને પણ....મેં તેને એ પ્રેમ અને સહાનુભૂતિ આપ્યા છે.... તેણે મારી એકલતાના અવકાશને ભર્યો છે. બસ આટલું સુખ ન આપી શકે ?
પ્રેમમાં પીડા ને વિરહ જ શું કામ ? કેમ તે અમને પહેલાં ન મેળવ્યા... ? એણે પણ તો મને વારંવાર કહ્યું છે કે તું પહેલાં મળી હોત તો સારું થાત. સાચ્ચે જ થોડા વરસો પહેલાં હું જન્મી હોત કા તો તે થોડો મોડો જન્મયો હોત. મારા બાળકો નાનાં ન હોત... સમય કોઈક રીતે પણ યોગ્ય હોત તો ... જીવ અને શિવ જુદાં ન હોત.. નથી જ .... વચ્ચે વરસોનું અંતર ને માઈલોનું દૂરી તે છતાં આપણે –અમે એક જ છીએ. મારો પતિ કે તેની પત્ની કરતાં પણ અમે બન્ને એકબીજાને સમજથી પામીએ છીએ. તમારી એ જ ઈચ્છા હોય કે હું તમને આમ જ નિરાકારરૂપે પામું તો એમ સહી... મારો પ્રેમ અને આસ્થા કદી ખૂટશે નહી. તેના પ્રતિસાદરૂપે તારા અનુગ્રહની હું રાહ જોઈશ.... તેની પત્ની તેને ત્રાસ ન આપે તેવી પ્રાર્થના કરું છું. હું તેની સાથે જ છું એવી પ્રતિતી તેને છે અને તે મારી સાથે છે તેની પ્રતિતી છે એટલું ય બસ છે.  તારા પ્રત્યેની તેની આસ્થાને શ્રધ્ધાને ડગાવતો નહી... કેમ ભૂલું કે અહીં જ તેણે મને પ્રેમથી નિરખી અને અહીથી છૂટા પડતાં છેલ્લે કરેલું તેનું આલિંગન... તેમાં હજી હું કેદ છું... તેની રાહ હું તારી સાથે અહીં જ જોઈશ. વળી પાછો તે અહીં આવશે .... તને અને મને મળવા...."


You Might Also Like

0 comments