પુરુષને પ્રેમ કરી શકાય છે ખરો? 31-3-15
03:17પતિ - તું મને સ્પોર્ટસની ચેનલ નહીં જોવા દે તો ....
પત્નિ - તો... શું ?
પતિ - તો હું જોઈ લઈશ ....
પત્નિ - શું જોઈ લેશો ?
પતિ- જે ચેનલ તું જુએ છે તે ....
આવા જોક વોટ્સ એપ અને સોશ્યલ મીડિયા પર વર્લ્ડકપ સમયે ફરતા હતા. હસવું પુરુષોને ય આવતું હતું ને સ્ત્રીઓને પણ. કારણ કે આમાં સત્ય કેટલું તે બન્ને જણ જાણતા હોય છે. મોટેભાગે ઘરમાં ચલણ પુરુષોનું જ હોય છે. પુરુષોનો વાંક હોય જ નહીં તે ગળથૂથીમાંથી પીવડાવવામાં આવતું હોય છે દરેક બાળકને તે પછી સ્ત્રી હોય કે પુરુષ. સફળતા ત્યારથી જ એના ખોળામાં આવી પડે છે. સ્ત્રીના ભાગે સફળતામાં અને અસફળતા બન્નેમાં અપયશ આવ્યો છે. બુલશીટ કહીને લેખ વાંચવાનું બંધ કરો તો શક્ય છે કે તમે મારી વાતથી સહમત છો પણ સ્વીકારી નથી શકતા. પુરુષોની આ પહેલી ખાસિયત હોય છે કે સ્ત્રી દ્વારા કહેવામાં આવતું સત્ય અહમને જચતું નથી. માર્ચનો અંતિમ દિવસ છે એટલે હિસાબ સરભર કરવા માટે પણ મારે આ લેખનો સૂર બદલવો છે. કેટલુંક ન કહેવાયેલું સત્ય કહી દેવું છે. દરેક પરણેલો પુરુષ એવું જતાવશે કે તે પત્નિથી કેટલો ડરે છે. હકિકતમાં વાત એનાથી ઊંધી હોય છે જો પત્ની કે પ્રેમિકા ડરાવે તો નહીં પણ ડરીને ય ન રહે તો પતિ કે પ્રેમી વધુને વધુ એવું સાબિત કરવાનો પ્રયત્ન કરશે કે તે કેટલો ભયભીત છે. એટલે જ મોટાભાગના જોક પત્નીને ખરાબ જ ચિતરે છે.
પુરુષો હંમેશ કહે છે કે સ્ત્રીને જાણવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. કારણ કે મોટાભાગના પુરુષોને સ્ત્રીના શરીર સિવાય તેની બુદ્ધિમતામાં રસ હોતો નથી. અથવા કહો કે તેમની સમજ અને શક્તિથી તેઓ ડરતા હોવાને કારણે સતત તેને ક્ધટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરે છે. પછી તે ઘર હોય કે ઓફિસ. તે છતાં તેમને રસ હોય છે કે સ્ત્રીઓ તેમના વિશે શું વિચારે છે. અને જ્યારે જાણી જાય છે ત્યારે તેઓ સ્ત્રીઓને મેનિપ્યુલેટ કરે છે. આ ચર્ચા ચાલી રહી હતી પુરુષોની સાથે તો તેઓ તરત જ બોલી ઊઠશે..... ડોન્ટ ટોક નોનસેન્સ .... પછી તરત જ પૂછશે ઓકે... કહી દો કે કઈ રીતે અમે પુરુષો સ્ત્રીને મેનિપ્યુલેટ કરીએ છીએ ? મોટાભાગની સ્ત્રીઓ ભ્રમને સેવે છે કે તેઓ પુરુષને પ્રેમ કરે છે. પુરુષ ગમે તેટલો તેને નકારતો હોય, મારતો હોય, ઉતારી પાડતો હોય, દારૂ પીતો હોય કે બીજી સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોય તો પણ સ્ત્રી પુરુષને છોડતી નથી. આસપાસ નજર કરશો તો દેખાશે કેટલાય મૃતપાય લગ્નજીવન વેંઢારાઈ રહ્યાં હશે. સ્ત્રી પુરુષ વિના જીવી શકતી નથી એ તેની પોતાની માન્યતા હોય છે જે તેનામાં રોપવામાં આવી હોય છે. સમાજમાં પુરુષ વિનાની સ્ત્રીની હાલત શું હોય છે આપણે તે જાણીએ છીએ. એટલે પુરુષ ગમતો હોય કે ન ગમતો હોય.... તેની સાથે પ્રેમના નામે બાંધછોડ કરીને જીવવાની શીખ સ્ત્રીને તેની માતા તરફથી જ આપવામાં આવી હોય છે. આમ સ્ત્રી પુરુષ વિના જીવી નથી શકતી એ સમજાય ત્યારે પુરુષ તેને મેનિપ્યુલેટ કરવા લાગે છે. અને સ્ત્રીઓ પણ એ મેનિપ્યુલેશનને સ્વીકારી લે છે કે પુરુષો તો આમ જ વર્તે. એમ પણ વિચારે કે પુરુષ તેને પ્રેમ કરે છે એટલે જ તો સાથે રહે છે. હકિકતમાં પુરુષને પોતાના દરેક કામ સસ્તામાં અને મફતમાં કરી આપે અને સાથે સતત પોતે કેવો મહાન છે તે સાબિત કરી શકે તે માટે સ્ત્રીની જરૂર હોય છે. જરૂરિયાતોને પ્રેમનું નામ આપીને ચલાવવામાં આવે છે. પુરુષને સ્ત્રીની કોઈ વાત સાંભળવામાં રસ નથી હોતો તે જગજાહેર છે. ફક્ત તે જ્યારે સેક્સ માટે ના પાડે ત્યારે સ્ત્રી શું કામ ના પાડે છે તે જાણવું હોય છે. ના સ્વીકારવી તેના પુરુષત્વના અહમને ઠેસ પહોંચાડે છે. બાકી પુરુષને પ્રેમી બનવા કરતાં બાળક બની રહેવું ગમે છે. માતાની જેમ તેની પત્ની તેને જમાડે તે પહેલી ફેન્ટસી દરેક પુરુષને હોય છે. તેના દરેક કામ વગર કોઈ સવાલ પૂછે કરે અને તેના દરેક ટેન્ટ્રમને ચલાવી લે તેવી સ્ત્રી પુરુષને જોઈતી હોય છે.
જો તેવું નથી બનતું તો પુરુષને સ્ત્રીમાં સતત કોઈ ખરાબી કે ખામી દેખાય છે. ઓફિસમાં પણ સાથે કામ કરતી સ્ત્રી કાળજી લે તો તેને ગમે છે. પુરુષ તેની કાળજી લેનાર દરેક સ્ત્રીના પ્રેમમાં પડી જવા તૈયાર હોય છે. અને સ્ત્રીને પોતાની સલામતી પુરુષને માની લીધેલો પ્રેમ કરવામાં લાગે છે. વાસ મારતો કે વાળવાળો કે પછી પોતાને કંઈક માનતો પુરુષ પણ સ્ત્રી ચલાવી લે છે. કારણ કે તેને ફક્તને ફક્ત સલામતી અનુભવવા પુરુષ નામની ઢાલ જોઈતી હોય છે. જો સ્ત્રીઓને પુરુષ વિના ચાલે કે પુરુષોની કમીઓ કે દાદાગીરી ચલાવી ન લે તો સમાજનો ચહેરો બદલાઈ જઈ શકે છે તે પુરુષોને સારી રીતે ખબર હોય છે. એટલે જ સ્ત્રીઓની મુર્ખામી જેવી માનસિકતાને ક્યારેય બદલવાના પ્રયત્નો પુરુષ કરતો નથી. પ્રેમતો બસ ફક્ત અહીં નામનો જ હોય છે.
સ્ત્રીઓ ફેક ઓર્ગેઝમની જેમ મોટેભાગે પોતાના પતિને પ્રેમ નથી કરતી હોતી છતાં સાથે રહીને પુરુષની કાળજી રાખીને તેને પ્રેમ કરતી હોવાનો ડોળ કરી શકે છે. અને જે એમ નથી કરતી તે એકલી પોતાના ટર્મ્સ એન્ડ કન્ડિશન્ડ પર રહી શકે છે. પુરુષને પોતે કેવો કેરફ્રી છે અને પત્નીને કેવો ચલાવી લે છે તે પોતાના મિત્રો સમક્ષ કહેવું ગમે છે. હકિકતમાં આવા પુરુષોને ખબર હોય છે કે પોતાને સ્ત્રી ચલાવી લેતી હોય છે. જો પોતે કમાતો હોય તો શા માટે તે રસહિન કે ભાંગી પડેલા લગ્નજીવનમાં રહે છે ? કારણ કે તેના દરેક કામ કરી આપતી સ્ત્રીની તેને જરૂર હોય છે. જો એવી બીજી સ્ત્રી મળી જાય તો તે છોડીને જતો ય રહે છે તેવા દાખલા સમાજમાં અઢળક છે. સ્ત્રી ભાંગેલા લગ્નો ચલાવી લે છે કારણ કે તેને એકલા રહેવાની આદત નથી હોતી... લગ્ન વગર કે પુરુષની કમાણી વિના તે બાળકોને ઉછેરી નથી શકતી. બાળકો પણ તે એટલે કરતી હોય છે કે પુરુષ તેને પ્રેમ કરતો રહે તેના બાળકોની મા તરીકે. માતૃત્વ અને ત્યાગ એ બે બાબતને જેટલી મહાન આલેખવામાં આવે છે તે હકીકતમાં હોતી નથી. પ્રેમ કોઈ બહાનાનો મોહતાજ નથી હોતો. પણ જે લગ્નમાં સાચો પ્રેમ નથી હોતો તે બહાનાઓની છેતરામણી હેઠળ વેંઢારાતા હોય છે. લગ્નેતર સંબંધોમાં બીજી સ્ત્રીને ચાહી શકનાર કે બીજા પુરુષને ચાહી શકનાર સ્ત્રી મોટેભાગે પોતાને ને એકબીજાને છેતરતાં હોય છે. શરીરના સંદર્ભ વગર પ્રેમ કરી શકે એવાં સ્ત્રી પુરુષો ભગવાને બનાવ્યાં હોય તો ખબર નથી. કારણ કે મારી જાણમાં નથી. હા મિત્રતા કદાચ શક્ય બને છે પણ તો એ બાબત ખાનગીમાં નથી કરવામાં આવતી. પુરુષ ક્યારેય પોતાની પત્નીનો પુરુષ મિત્ર સ્વીકારી નહી શકે પણ સ્ત્રી પુરુષની સ્ત્રી મિત્રોને સ્વીકારે એવો દંભ ભારતીય પુરુષોમાં ભારોભાર હોય છે. હા પુરુષો બીજા સમક્ષ કહેશે જરૂર કે મને તો મારી પત્નીને પુરુષમિત્ર હોય તો કશો જ વાંધો નથી. એટલે જ પરિણીત સ્ત્રીઓને પુરુષમિત્રો મોટેભાગે હોતા નથી અને હોય છે તો તે મિત્ર કરતાં કશુંક વધુ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. ૯૦ ટકા સ્ત્રીઓ ફેક ઓર્ગેઝમ એટલે કે પોતાને સંતોષ થયો એવું જતાવે છે. ને સતત અસંતોષમાં જીવે છે. યા તો તેમને સેક્સમાં કે પુરુષમાં ઘર કે બાળકો(દેખીતી સલામતી) સિવાય કોઈ રસ હોતો નથી. જો પ્રેમ હોય તો સ્ત્રી સહજતાથી પોતાના અસંતોષને જાહેર કરી શકે છે. કારણ કે ઓર્ગેઝમ સિમ્બોલ છે સંતોષનું, પરિતૃપ્ત જીવનનું.
સુખે હોઠોસે હી હોતી હૈ મીઠી બાતેં,
પ્યાસ બુઝ જાયે તો લહજે બદલ જાતે હૈ.
0 comments