શું લગ્ન એટલે પ્રેમનો ધી એન્ડ? 24-3-31
23:13પ્રિતેશના લગ્નની વર્ષગાંઠ પર સૌરવે તેની પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું કે આજે તો બે મિનિટનું મૌન પાળવાનું ને.... પછી મિતેશ સામે આંખ મિચાકારતાં કહે અને કાલે દારૂની પાર્ટી ગમ ગલત કરવા માટે.. અને દરેક જણ ખડખડાટ હસી પડ્યા. ઓફિસમાં લંચ અવરમાં આવી મજાક ચાલતી રહે. કેટલા વરસ થયા મિતેશે પૂછ્યું...બાવીસ વરસ ... હજી બીજા વીસ વરસતો આરામથી સાથે જીવી શકાય..પ્રિતેશે જરા ગંભીરતાથી કહ્યું.
પુરુષોને કમિટમેન્ટથી ડર લાગે છે તે આજની પેઢીની વાત છે. આજે જે પચાસ વરસના છે તેમના જમાનામાં કે તેમનાથી મોટી ઉંમરનાના જમાનામાં લગ્ન એટલે જન્મો જન્મ નહીં તો ય આ જન્મમાં તો એકદૂજે કે લિયે ખરું જ. લગ્નના સાત વરસ બાદ બોરિયત આવી જાય અને પછી ત્રીજી વ્યક્તિની જરૂર ઊભી થાય. આવી થિયરીઓ પશ્ર્ચિમી વિચારધારાની છે. હવે આપણે પણ પશ્ર્ચિમી રહેણીકરણી અને વિચારધારાને જ અનુસરી રહ્યા છે. ત્યારે લગ્નસંસ્થામાં પણ ફેરફાર આવી રહ્યા છે. પહેલાં અફેરની વાતથી લોકોને નવાઈ લાગતી. છૂટાછેડાના આંકડાઓ અને કારણો આંચકા આપતા હતા. આજે ખૂબ જ સહજતાથી છૂટાછેડા કે લગ્નેતર સંબંધોનો સ્વીકાર કરી શકાય છે. કેટલીક બિન્દાસ સેલિબ્રિટીઓ પોતાના લગ્નેત્તર સંબંધોની વાત કહેતા શરમાતી નથી કે ન તો તેને કારણે તેમની લોકપ્રિયતામાં ઘટાડો થાય છે. પ્રેમના પાઠ આવી સેલિબ્રિટિઓ ભણાવે તે પણ લોકોને ગમે છે કારણ કે હજી પણ આપણે ત્યાં લગ્નેત્તર સંબંધોની વાત ગલગલિયાં કરાવે છે. રોમાંચિત કરે છે. એટલે પ્રેમ એ ફેન્ટસી બનીને જ રહી જાય છે. લગ્ન બાદ પ્રેમ હોઈ શકે નહીં કે લગ્ન બાદ પ્રેમની કહાણી શરૂ થાય એ વાત અજાણતાં જ આપણને મજાક લાગે છે. અને કોઈ કહે કે ખરો પ્રેમ લગ્ન બાદ જ શરૂ થાય તો વાત હજમ થતી નથી. એટલે જ દરેક લવસ્ટોરી લગ્ન થતાં પૂરી થઈ જાય છે. એવું માનવામાં આવે છે કારણ કે પ્રેમની પરિભાષા લગભગ વિસરાઈ ગઈ છે.
લગ્નની શરૂઆતમાં થતો રોમાંચ કે થ્રિલનું સમય જતાં સ્વરૂપ બદલાય છે. તેને બોરડમ તરીકે જોવામાં આવે છે. મોટેભાગે પુરુષોને એમાં બોરડમ અનુભવાય છે કારણ કે સ્ત્રીઓ ઘર, બાળકો, વ્યવહાર અને જો કારર્કિદી હોય તો તેમાં વ્યસ્ત હોય છે. ઘર, બાળકો અને સલામતી તેમને પરમતૃપ્તિનો અહેસાસ કરાવી શકે છે. જ્યારે પુરુષોનું ટેસ્ટટરોન સતત નવા સાહસ પ્રત્યે તેને દોરે છે. તે છતાં પ્રેમ એક જ એવી બાબત છે જે પુરુષોને લગ્નજીવનમાં બાંધી રાખે છે.
આપણો જન્મ પ્રેમ કરવા માટે જ થયો છે. પ્રેમ વિશે સંશોધન કરનાર અને અનેક પુસ્તકો લખનાર હેલન ફીશર કહે છે. અનેક સંશોધન થયા છતાં પ્રેમએ સાયકોલોજીસ્ટ માટે ય હજી રહસ્યમય રહ્યો છે. તેની અનુભૂતિ થઈ શકે છે પણ તેને સમજાવી નથી શકાતો. ખરી લવસ્ટોરી શરૂ થાય છે લગ્નના સાત વરસ બાદ જ્યારે તમને એકબીજાની આદત પડી ગઈ હોય છે. સ્પર્શ આહ્લાદક લાગી શકે છે પણ ઝણઝણાટી પેદા નથી કરતો. બંધ આંખે પણ જીવનસાથીના દરેક ભાવ વાંચી શકાતા હોય. તે સમયે શરૂ થાય છે ખરો સાથ જે માટે બે વ્યક્તિ એકબીજા સાથે જોડાઈ હોય છે. એકબીજા સાથે રહેતી હોય છે. પણ જો પાયો જ ખોટો હોય તો તેમાં પ્રેમની ઈમારત ચણાઈ નથી શકતી. તમે જે ગુણોની અપેક્ષા રાખી હોય તેવા ગુણો જન્માક્ષર કે સામી વ્યક્તિમાં ન હોય પરંતુ, જો તેમાં પ્રેમ હોય છે તો તે લગ્નજીવન તૂટતું નથી. કે તેમાં વરસો બાદ પણ ઓછપ લાગતી નથી. પ્રેમ, લગ્ન અને સંબંધો વિશે સંશોધન કરનાર પશ્ર્ચિમી વૈજ્ઞાનિકો પણ કહે છે કે તમે પરણેલા હો અને જીવનસાથીના પ્રેમમાં હો તે માનસિક સ્વસ્થતાની નિશાની છે.
આપણને દરેકને જાણવું હોય છે આ રહસ્ય કે લાંબા લગ્નજીવન બાદ પણ દંપતી વચ્ચે પ્રેમ હોઈ શકે. દરેક પુરુષોને આ બાબતે રસ પડે એવા સંશોધન વિશે અહીં વાત કરીએ.
જીવનપર્યંત પ્રેમ કરવો શક્ય છે - છૂટાછેડાના કિસ્સાઓ વધી રહ્યા છે અને એકસ્ટ્રા મેરિટલ અફેર પણ વધી રહ્યા હોવા છતાં ૨૦૧૨માં થયેલા એક સંશોધન વિશે જાણવા જેવું છે. આ સંસોધનનું પેપર સોશ્યલ સાયકોલોજી અને પર્સનાલિટી સાયન્સમાં છપાયું છે. તેમાં લખ્યું છે કે ૩૦ કે ૪૦ વરસથી પરિણીત ૩૫ ટકા પુરુષો અને ૪૦ ટકા સ્ત્રીઓએ કબૂલ્યું કે તેઓ આજે પણ પોતાના સાથીને એટલી જ તીવ્રતાપૂર્વક ચાહે છે. ૨૦૧૧ની સાલમાં સોશ્યિલ કોગ્નેટિવ એન્ડ અફેક્ટિવ ન્યુરોસાયન્સ જર્નલમાં એક રિસર્ચ પેપર કહે છે કે એવો અભ્યાસ હાથ ધરાયો કે જેઓ ૨૧ વરસથી પરણેલા હતા અને પ્રેમમાં હતા તેવી વ્યક્તિના મગજની એક્ટિવિટી અને હજી તાજા પ્રેમમાં પડેલી વ્યક્તિના મગજની એક્ટિવિટીમાં શું ફરક છે. પણ વૈજ્ઞાનિકોના આશ્ર્ચર્ય વચ્ચે બન્નેમાં આ એક્ટિવિટી સરખી જોવા મળી હતી. બન્નેના ડોપામાઈન એરિયામાં ગતિવિધી જોવા મળી હતી જે પ્રેમીઓમાં જ જોવા મળે છે. તેનાથી સાબિત થયું કે દંપતી ફક્ત એકબીજાને પ્રેમ કરે છે એટલું જ નહીં પણ તેઓ લાંબા સમય સુધી પ્રેમને અનુભૂતિ પણ કરી શકે છે.
બશર્તે પ્રેમ હોવો જોઈએ. પ્રેમ લગ્ન પહેલાં થાય કે લગ્ન પછી થાય તે મહત્ત્વનો નથી. તમે જ્યારે શરૂઆતમાં પ્રેમમાં હો છો ત્યારે તમારી પ્રેમિકા સિવાય બીજી કોઈ જ સ્ત્રી સુંદર , સારી કે આકર્ષક લાગતી નથી.પ્રેમમાં આંધળા થઈ ગયા હો તેવો જ ભાવ લાંબા સમય બાદ પણ અનુભવાય તે શક્ય છે. કારણ કે તમે પ્રેમમાં છો. તમને ત્યારે તેની દરેક ખામી, ગુણ અવગુણ સાથે એ વ્યક્તિને ચાહો છો. જ્યારે તમને ગુણ કે અવગુણ જ દેખાય છે ત્યારે અંતહીન ઝઘડા શરૂ થાય છે. નહીં તો નાની મોટી તુંતું મેંમેં જરૂર થાય પણ એકબીજા વિના તેઓ જીવી ન શકે.
નોટબુક નામની અંગ્રેજી ફિલ્મ યાદ આવે છે. નાયક નાયિકા એકબીજાને અનેક સંઘર્ષો બાદ પામે છે. લગ્ન કરે છે. પણ જ્યારે વૃદ્ધત્વ આવે છે તો નાયિકાને અલ્ઝાઈમર થાય છે. અને તે પતિને પણ ભૂલી જાય છે. પણ પતિ તેના ધિક્કાર અને અજાણપણાને સ્વીકારીને સતત તેને અનુકૂળ રીતે પ્રેમ કરે છે. તેની સેવા કરે છે. તેની પત્ની મૃત્યુ પામે છે ત્યારે તેનું પણ હ્રદય બંધ પડી જાય છે. આ ફિલ્મના કેટલાક દ્શ્યો બર્ફી ફિલ્મમાં લેવામાં આવ્યા છે.
સાયકોલોજી ટુડેમાં અભ્યાસ થયો છે કે લાંબા સમય સુધી એકબીજાને ચાહનાર દંપતી સતત સાથે નવા અખતરા કર્યા કરશે. તેઓ જીવનને એકધારું રસહિન નહીં બનવા દે. તેઓ નિત નવી પ્રવૃત્તિઓ અને એકબીજાની સાથે વિકાસ કરતાં રહેશે. જેથી જીવન ધબકતું રહે. જ્યારે પ્રેમનો અભાવ હોય ત્યારે જ જીવન રસહિન બની જાય છે. રસ કે આનંદ સિવાયનું જીવન ફક્ત તડજોડ હોય છે. પુરુષ પણ પ્રેમ કરે છે તો પોતાની પત્નીને ગુણ અવગુણ સાથે ચાહે છે. તે ક્યારેય બીજી વ્યક્તિ સાથે પોતાની પત્નીની સરખામણી નહીં કરે. આપણને ક્યારેક એવું નથી લાગતું કે પેલા પુરુષે શું જોઈને આવી સ્ત્રી સાથે પ્રેમ કર્યો ? પણ દરેકને ઐશ્ર્વર્યા રાય કે એન્જલિના સાથે પ્રેમ નથી થતો. પ્રેમ હોય એટલે જ એમ થાય કે એ વ્યક્તિ સતત સાથે રહે તો ગમે. તે દૂર જાય તે ન જ ગમે. તેનો વિરહ પણ ગમે ને તેનું મિલન પણ ગમે. પણ પ્રેમલગ્નમાં કે લગ્નમાં જ્યાં પ્રેમ હોય તેમનું જીવન એકબીજાના સાથમાં જ પરિપૂર્ણ હોય છે. જ્યારે એક વ્યક્તિ પ્રેમ કરતી હોય ને બીજી વ્યક્તિ પ્રેમ ન કરતી હોય તો તે સાથે રહીને પણ દુખી જ રહે છે. અથવા ફક્ત તડજોડ કરીને સાથે રહેતા હોય છે. માણસ પ્રેમ સિવાય રહી શકતો નથી એટલે પ્રેમની શોધ શરૂ થાય છે. પ્રેમ એટલે ફક્ત બાહ્ય દેખાવ નહીં પણ આંતરિક તૃપ્તિની અનૂભુતિ હોય છે. એટલે જરૂરી નથી કે દરેક લવ યુ કહેનાર તમને પ્રેમ કરતો જ હોય.
પ્રેમ કહ્યા વિના એકબીજાના સાથમાં અનુભવવાની સ્થિતિ છે. આવા દંપતીઓની એકબીજા સાથેની શારિરીક લાગણીઓ પણ મૃત્યુ પર્યત ધબકતી હોય છે. તેમાં ઉત્કટતા ફક્ત હાથ પકડવાથી પણ આવી શકે છે. મોટી ઉંમરે પણ તેઓ એકબીજાનો હાથ પકડવાની કે કિસ કરવાની ઉત્કટતા ટાળી નથી શકતા. પ્રેમ અભિવ્યક્ત થયા વિના રહી શકતો નથી.
0 comments