સર્પિલો ઠંડો સ્પર્શ ......24-3-15

04:37




ટ્રેનની લાંબી મુસાફરીમાં સામેની બર્થ પર એક મહિલા બેઠી બેઠી મેગેઝિન વાંચી રહી હતી. જોયું તો તે વાંચતા વાંચતા બારી બહાર જોતાં વિચારોમાં ખોવાઈ ગઈ. તેની આંખોના કિનારે કેટલાક આંસુ બહાર આવવા મથી રહ્યા હતા અને તે એને રોકવા મથી રહી હતી. મારાથી વિચારોને સાંભળવાનું એપ દબાઈ ગયું ને જે સંભળાયું તેનાથી હું પણ આઘાત પામી ગઈ.
તે રાત હું ક્યારેય ભૂલી નહી શકું... જ્યારે પહેલીવાર મારા સ્તન પર એ હાથ અનુભવ્યો હતો. ભયાનક અનુભવ હતો. એ ચહેરો જોઈને મારી ચીસ પણ ગળામાં ઠીંગરાઈ ગઈ હતી. એ પછી રાતોની ઊંઘ ઊંડી ગઈ હતી. મારું ઘર ખોવાઈ ગયું ને હું ક્યાંક અજાણ્યાઓની વચ્ચે આવી ગઈ હોઉં તેવું લાગ્યું. મને જાગેલી જોઈને તેઓ જતાં રહ્યા પણ હું સૂઈ ન શકી. બીજે દિવસે અમે એકબીજાની આંખોમાં જોઈ ન શક્યા. રોજ સવારે હું જ તો પપ્પાને ચા આપતી હતી. મસ્તી કરતી. તે દિવસે મને ચુપચાપ બેસેલી જોઈ મમ્મી બોલી...હું થયું છે.... અને મારી આંખોમાંથી આંસુની ધારા વહી ચાલી...  ફ્રોકમાં પગ વાળીને મોઢું તેમાં નાખીને રોવા લાગી.
વારે વારે મમ્મી પૂછતી રહી પણ હું કહી ન શકી. મમ્મીનો સ્વભાવ જરાય પ્રેમાળ નહતો. પપ્પા કેટલા પ્રેમાળ હતા. મમ્મીને છણકાં ને ફરિયાદો કર્યા સિવાય બોલતા ફાવતું જ નહી. ભણેલી નહોતી. અને પપ્પા પ્રત્યે તો તે વડચકાં જ ભરતા વાત કરતી. અત્યાર સુધી તો હું હસતી પપ્પાની સાથે કે મમ્મીને ત્રાસવાદી સંગઠનમાં મૂકી આવવી જોઈએ. પણ આજથી મારું જીવન બદલાઈ ગયું ત્રાસવાદી મમ્મી નહી પણ પપ્પા લાગી રહ્યા હતા. તેમની નજરો પણ મને વાગી રહી હતી. તે દિવસે આખ્ખો દિવસ મમ્મી પૂછતી રહી ... શું થયું છે તને ભસતી કેમ નથી... મોંમા મગ ભર્યા છે..... પણ શું કહું સમજાતું નહોતું. કેમ કહું કે રાત્રે પપ્પાએ .... શાળાએ જવાને બહાને ઘરમાંથી નીકળી શકી પણ સ્કુલમાં ભણવામાં મન ન લાગ્યું. મારી બહેનપણી ભારતીએ જ્યારે રિસેશમાં પૂછ્યું કે બીના શું થયું ત્યારે રડી પડી તેને વળગીને ... પછી એકાંત જગ્યાએ જઈને તેને મેં મારી વાત કહી તો ભારતી પણ અવાચક રહી ગઈ... તેને પણ શું કહેવું તે સમજાયું નહી. પછી કહે બીના તારે મમ્મીને વાત કરવી જ જોઈએ. અને રાત્રે તું મમ્મીની સાથે સૂઈ જજે. તારા ભાઈ બહેનો સાથે નહી. પણ મમ્મી નહીં માને તો... ? કહી તો જો કહેતાં ભારતીએ મારા આંસુ લૂછ્યા હતા. સાંજે ઘરમાં પગ મૂકતાં મન ભારે થઈ ગયું હતું. રોજ તો થતું કે ક્યારે ઘરે જઉં પણ .... પહેલીવાર મન થયું  હતું કે મોત આવી જાય તો સારું. મરવાની હિંમત મારામાં નહોતી પણ જીવતી ય ક્યાં હતી ?  મમ્મીને વાત કરી તો પહેલાં મમ્મી મને એકીટશે જોઈ રહી. પહેલીવાર મમ્મીએ ચીસો પાડીને રિએકશન ન આપ્યું. ચુપચાપ કામ કરવા લાગી. રાત્રે પપ્પા ઘરે આવ્યા ત્યારે ભાઈ બહેનો સૂઈ ન જાય ત્યાં સુધી વાતાવરણ ભારે રહ્યું હતું. બે જ રૂમમાં રહેતાં અમે સીપી ટેન્ક પર. બીજા રૂમમાં મમ્મી અને પપ્પા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. સંભળાતુ નહોતું પણ મમ્મી પાછી આવીને અમારી બાજુમાં સૂઈ ગઈ હતી. હું સૂઈ ન શકી... વારે વારે મને  એ સ્પર્શ યાદ આવતો હતો. તે દિવસથી ઘરનું માહોલ બદલાઈ ગયું હતુ. પપ્પા મને બહેલાવવાની કોશિશ કરતા હતા પણ તે દિવસ બાદ ક્યારેય તેમની સાથે નજર મિલાવી ન શકી. માંડ છ મહિના વીત્યા અને દશમા ધોરણની પરિક્ષા આપતા પહેલાં તો મારા લગ્ન નક્કી કરી દીધા. હાશ થઈ હતી મને.... કે એ ઘરમાંથી તો જવા મળશે.

એ લાગણીઓ કેવી હોય તે હું ક્યારેય લખી ન શકી... પણ આજે આ મેગેઝિન વાંચતા સમજાયું કે  મારા જેવી બીજી અનેક સ્ત્રીઓ છે. બાકી અત્યાર સુધી હું મારી જાતને દોષી માનતી હતી. મમ્મીની આંખોમાં પણ એવો જ કોઈક ભાવ વાંચવા મળ્યો હતો. એક જ દિવસમાં મેં મમ્મી , પપ્પા અને ઘરની સલામતી ખોઈ દીધા મારા કોઈ જ વાંક વગર. સ્ત્રી તરીકે જન્મવું એ જ મારું ગુનો હતો. તે દિવસથી મને મારા શરીર પ્રત્યે સુગ ચડતી હતી. લગ્ન પછી વિનય અડક્યો તો મારાથી ચીસ પડાઈ ગઈ. તેને મારવા લાગી. વિનય અવાક અને પછી ગુસ્સે થઈ મોં ફેરવી સુઈ ગયો. બીજા દિવસે તેણે કહ્યું કે તું તારા ઘરે જતી રહે. ત્યારે હું રડતાં એના પગે પડી હતી. ભૂલ થઈ કહી મેં માફી માગી ને સંસાર સાચવી લીધો.... પણ વિનય ક્યારેય મારાથી ખુશ થઈ શક્યો નહી. તેને બીજી સ્ત્રીઓમાં વધુ રસ પડતો મારા કરતા. પણ હું શું કરું.... મારા શરીર પ્રત્યે મને ક્યારેય પ્રેમ થયો જ નહી... મારી જાતને મેં હંમેશા હીન સમજી છે. પપ્પા અચાનક હાર્ટએટેકથી ગુજરી ગયા ત્યારે મને અંદરથી એક જાતનો આનંદ થયો હતો.  રડી તો ત્યારેય હતી પરંતુ, એક છુટકારાનો અનુભવ થયો હતો. અને એ પછી જ હું પિયર રહેવા જતી થઈ. કેવું કહેવાય કે મારા જેવી અનેક સ્ત્રીઓ છે હે ભગવાન  તું આવું કેમ કરતો હશે ?

You Might Also Like

0 comments