વગર હાથે બોલિંગ કરતો ક્રિકેટર આમિર લોન

05:49

                     

Image result for aamir hussain kashmirImage result for aamir hussain kashmir
પંગુમ્ લંઘયતે ગિરિમ


ક્રિકેટની મોસમ ચાલી રહી છે ત્યારે ૨૬ વરસના અનોખા એક ક્રિકેટરને મળીએ. પગથી બોલિંગ કરી અને ગરદનમાં બૅટ પકડતો આ યુવાન જમ્મુ કાશ્મીર પેરા ટીમનો કૅપ્ટન છે

‘બે હાથ વગર જીવનને પાટે ચડાવવું સહેલું નહોતું. વગર હાથે જીવન જીવવા માટે નવું નવું શીખવું અને  આદતો કેળવવી કપરું કામ  હતું. આજે દરેક કામ જેટલી આસાનીથી કરી શકું છું તે કેટલું ચેલેન્જિંગ હતું  હું જ જાણું છું.’ બે હાથ વિનાનો આમિર હુસેન લોનની વાત સાથે સહમત થવું જ પડે. જે કામ બે હાથ ધરાવનાર નોર્મલ વ્યક્તિ પણ સહજતાથી ન કરી શકે તે કામ આમિર જે સરળતાથી કરે છે તે જોઈને લોકો મોંમાં આંગળા નાખી જાય છે.
જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરથી ૪૨ કિલોમીટરના અંતરે આવેલ વાગમ ગામના આમિરના હાથ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં કપાઈ ગયા હતા. ૧૯૯૭ની સાલમાં જ્યારે આમિર સાત વરસનો હતો તેના પિતાજીની ક્રિકેટ માટેના બેટ બનાવવાની ફેકટરીમાં મોટાભાઈને માટે ભાથું લઈને ગયો હતો. બાળસહજ વૃત્તિથી તેણે લાકડા કાપવાના મશીન જોડે રમત શ‚ કરી અને તેના બન્ને હાથ મશીનમાં આવી ગયા. ગામમાં હોસ્પિટલ તો ક્યાંથી હોય- ભારતીય લશ્કરના જવાનોએ મદદ કરી. તેમના વાહનમાં આમિરને તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડ્યો. તેના પિતાએ આમિરને બચાવવા પાણીની જેમ પૈસા વહાવ્યા. આમિર તો બચી ગયો પણ તેના હાથ ન જોડી શકાયા. ગામના લોકોએ કહ્યું કે આવા છોકરાને બચાવીને શું ફાયદો? કેટલાક લોકોએ તો એટલે સુધી કહ્યું કે આમિરને બચાવવા માટે પૈસા નકામા વેડફો નહીં. તેને બચાવવા કરતાં મરવા દો કારણ કે જીવીનેય તેનું જીવન ભાર‚પ બની રહેશે. આવી વાતો યાદ કરીને આજેય આમિરની આંખમાં પાણી ભરાઈ આવે છે.
આમિરને ક્રિકેટ જોવું ખૂબ ગમતું. પણ બાજુવાળાને ત્યાં ટીવી હતું મેચ જોવા જાય તો તેઓ ટીવી બંધ કરી આમિરને બહાર કાઢી મૂકતા. પછી તે બહાર ઊભો રહીને બારીના એક કાણામાંથી તે જોવા લાગ્યો. પણ ત્યારબાદ તેણે નક્કી કર્યું કે તે ગમે તે રીતે ક્રિકેટ રમશે. વરસો સુધી મહેનત કરીને તેણે બેટને ગરદન અને ખભા વડે પકડીને બેટિંગ કરતાં શીખ્યો તો પગ વડે બોલિંગ કરતાં શીખ્યો. એ પ્રેક્ટિસ કરતો ત્યારે કોઈ માની શકતું નહીં કે તે આ રીતે ક્રિકેટ રમી શકશે. શ‚આતમાં તો લોકો મજાક પણ ઉડાવતા, પરંતુ આમિરની હિંમત અને લગન જોઈને હાથ ધરાવતી વ્યક્તિઓ પણ અચંબામાં પડી જાય છે. પછી તો ગામના લોકો પણ તેને મદદ કરતા હતા. આજે તે આખાય ગામનું નામ રોશન કરી રહ્યો છે.
તેના પિતા બશીરે આમિરના ઓપરેશન માટે પોતાની સો મિલ વેચી અને ખેતરનો કેટલોક ભાગ પણ વેચી નાખવો પડ્યો. પણ એનો તેમને કોઈ અફસોસ નથી.  ગર્વ સાથે કહે છે કે જે છોકરાને જીવતો જોવા લોકો તૈયાર નહોતા તે છોકરાને ક્રિકેટ રમતો જોઈને લોકો અચરજમાં પડી જાય છે. એટલું જ નહીં તેણે વરસો જતાં પોતાના દરેક કામ જાતે કરવાની કળા શીખી લીધી છે. તે પોતાની જાતે જ નાહી લે છે, કપડાં પહેરે છે,  એટલું જ નહીં તે પોતાનાં કપડાં જાતે જ ધોઈ પણ લે છે.
આ બધાનો શ્રેય આમિર પોતાની દાદીને આપે છે. હાથ કપાઈ ગયા બાદ જ્યારે તે શાળામાં ગયો તો શિક્ષિકાએ કહ્યું કે તું હવે ઘરે જ રહે ભણી નહીં શકે. તેની દાદીએ તેને હિંમત આપી, સતત તેની સાથે રહીને પગથી લખતાં અને કામ કરતાં શીખવાડતી. નકારાત્મક વિચારોને તે નજીક પણ ન આવવા દેતી. શાળામાં જવાનું પણ તેને લીધે જ ચાલુ રાખ્યું. આજે તે દાઢી કરવાથી લઈને કપડાં ધોવા, લખવું, કપ વડે ચા પીવી વગેરે દરેક  રોંજિદા કામ જાતે જ કરી લે છે. વગર હાથે સિફતથી તે ટીશર્ટ પણ પહેરે છે.
ક્રિકેટમાં તેને આગળ વધવાની ખૂબ હોંશ છે. લેગ સ્પિનર તરીકે તે અદ્ભુત બોલિંગ કરે છે. તે કહે છે કે બેટિંગ કરવી સહેલી હતી પણ બોલિંગ કરવી ખૂબ કપરું કામ હતું. સખત મહેનત કરીને તેણે બોલિંગ સ્કીલ શીખી છે. સચિન તેંડુલકર તેને માટે પ્રેરણામૂર્તિ છે. ભવિષ્યમાં તેની ઈચ્છા નેશનલ ટીમ માટે રમવાની છે. હાથ નથી તો શું થયું- તે સપનાં જોવાની  અને પૂરી કરવાની હામ છે.

You Might Also Like

1 comments