રુક જાના નહીં તૂ કહીં હાર કે (MUMBAI SAMACHAR)

01:10



જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવતી હોય છે કે લાગે બસ હવે કશું જ નહીં થઈ શકે. જીવનનો કોઈ અર્થ જ ન જડે. દરેકના જીવનમાં આવું વહેલે મોડે બનતું હોય છે. લુધિયાનાના આનંદ આર્નોલ્ડને ૧૩ વરસની નાની ઉંમરે આવા જ એક સંજોગોએ નૉક આઉટ કરી દીધો હતો. ૧૩ વરસની નાની વયે બોડી બિલ્ડરનું મિ. ગોલ્ડન લુધિયાનાનું ટાઈટલ જીત્યા બાદ દેખાવડા આનંદની સફળ કારર્કિદી રાહ જોઈ રહી હતી. કેટલાય સપનાઓ આંખોમાં આંજીને આનંદ જીવન પથ પર સડસડાટ દોડી રહ્યો હતો કે અચાનક તેને બ્રેક લાગી. 

હૈદરાબાદમાં રામોજી સ્ટુડિયોમાં એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત આનંદ લંચ બ્રેકમાં ફોન પર વાત કરતાં ફ્લેશબેકમાં સરી પડે છે. ‘ તેર વરસે મિ. લુધિયાનાનું ટાઈટલ જીત્યા બાદ મારી મહેનત હજી આગળના પડાવો સર કરવા માટે ચાલુ હતી કે કમરનો દુખાવો શરૂ થયો. પહેલાં તો અવગણ્યો કે હશે કોઈ મસલ્સ પુલ પણ પછી એક રાત્રે એ દુખાવો એટલો વધ્યો કે સહન ન કરી શક્યો. તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોકટરે તપાસ કરતાં ખબર પડી કે મને કરોડરજ્જુના છેલ્લા મણકાનું કેન્સર થયું હતું અને તે પણ છેલ્લા સ્ટેજમાં હતું. તાત્કાલીક ઓપરેશન કરવામાં આવ્યું. કેન્સરને તો માત આપી, પણ ત્રણ વરસ મારે પથારીમાં વીતાવવા પડ્યાં. જ્યારે ત્રણ વરસ પછી ડોકટરે મને કહ્યું કે તું જીવનમાં ક્યારેય ચાલી નહીં શકે કારણ કે તારા પગ કેન્સરના ઓપરેશન બાદ પેરલાઈઝડ થઈ ગયા છે. તેનો કોઈ જ ઉપાય હવે નથી. હું ખૂબ હતાશ થઈ ગયો. પંદર વરસના છોકરાને કહી દો કે તું હવે ક્યારેય ચાલી નહીં શકે તો તેનું જીવન ત્યાં જ ખતમ થઈ જાય. મારા માતાપિતા, મિત્રો બધા ધાડસ બંધાવી રહ્યા હતા. એક દિવસ હું મારા એક મિત્ર સાથે જીમમાં ગયો ત્યાં મારા કોચ રવિ પરાશરે મને ફરીથી કસરત કરવાની પ્રેરણા આપી. વ્હીલચેરમાં બેસીને કસરત કરવી સહેલી નહોતી. ઘણી તકલીફ થઈ. એકાદ બે વાર મારી આંખમાં પાણી આવી ગયા, પણ મને સમજાયું કે ડિપ્રેશનમાંથી બહાર આવવું હોય તો કામ શરૂ કરવું પડશે. ડર ગયા વો મર ગયા. એટલે મેં મારી પરિસ્થિતિથી ડરવાનું છોડીને સ્વીકારી લીધું કે આ જ પરિસ્થિતિ છે. મારે વ્હીલચેરમાં જ જીવન વીતાવવાનું છે. બસ ત્યાર બાદ મેં પાછું વળીને જોયું નથી.’ 

આનંદ આર્નોલ્ડ તરીકે હવે ઓળખાતો આનંદ આજે હૉલીવૂડ અભિનેતા આર્નોલ્ડ ર્શ્ર્વાઝેનેગરની જેવું શરીર ધરાવે છે. ૨૯ વરસનો ભારતનો પહેલો વ્હીલચેર બૉડી બિલ્ડર તરીકે પ્રસિદ્ધ આનંદે તેણે ત્રણ વખત મિ. ઈન્ડિયા, બાર વખત મિ. પંજાબ અને એ સિવાય અન્ય ૨૭ ટાઈટલ્સ તેના નામે બોલાય છે. એલેન વુડમેન નામના હૉલીવૂડના લેખકે તેના જીવન પર આધારિત ‘વેઈટલેસ અ ટ્રુ સ્ટોરી ઑફ કરેજ અને ઈન્સપીરેશન’ નામનું પુસ્તક લખ્યું છે. 

આનંદ કહે છે કે, ‘વ્હિલચેર હવે મારા જીવનનું અંગ બની ગયું છે. કોઈપણ હરિફાઈ માટે તૈયારી કરતાં સામાન્ય માણસને કેટલાક અઠવાડિયા કે મહિનાઓ લાગે જયારે મને એક હરિફાઈની તૈયારી કરતાં વરસ લાગે. અને તે પણ કોઈ જાતના સ્ટેરોઈડ્સ કે સપ્લીમેન્ટ લીધા વિના. આ બાબત ઓર અઘરી હતી. પણ પછી નક્કી જ કર્યું કે હું કોઈ હિસાબે હું હવે હાર માનીશ નહીં. હું યોદ્ધા છું અને છેવટ સુધી લડતી રહીશ. બીજી ચેલેન્જ એ હતી કે મારી પાસે કોઈ ફંડ નહોતું. મને કોઈ પાસેથી સ્પોન્સરશિપ નહોતી મળી. મારા પિતા નિવૃત્ત એર ફોર્સ અધિકારી છે. તેમણે મારી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું છે. મારું ડાયેટ, ટ્રેઈનિંગ અને મારી કોમ્પિટીશન. મારા પિતા અને પરિવારનો સદાય ઋણી રહીશ. આજે હું જે કાંઈ છું તેમની હિંમત અને સહકારને કારણે. મેં હંમેશા કુદરતી આહાર લઈને બૉડી બનાવ્યું છે. મારે ફક્ત અપર બોડી જ બનાવવાનું હોવાથી એટલી જ કસરતો પર ધ્યાન આપું છું.’

આનંદ હાલમાં એક ફિલ્મમાં વિકલાંગ વ્યક્તિનું પાત્ર કરી રહ્યો છે. ભવિષ્યમાં તે પોતાના જીવન પરથી ફિલ્મ બનશે તેમાં પણ કામ કરશે. તે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ જીવન જીવવા માગે છે. અને જે લોકો જીવનમાં હાર માની ચૂક્યા હોય તેમને મદદરૂપ બનવા માગે છે. લગ્ન કરવા વિશે તે હવે વિચારવા નથી માગતો. જીવન જ્યારે કોઈ વસ્તુ તમારી પાસેથી લઈ લે છે તો બીજા અનેક બંધ દ્વાર ખોલી આપે છે તેવું આનંદ દ્ર્રઢપણે માને છે. કોઈપણ ખોડખાંપણ માનવને સફળ જીવન જીવતાં રોકી શકતી નથી તેવું આનંદ ભરપૂર આત્મવિશ્ર્વાસ સાથે કહે છે. આજે તે મોડેલિંગ કરે છે. બૉડી બિલ્ડીંગ અને ફિલ્મના કામોમાં વ્યસ્ત છે. તેણે પહેલાં એક ટીવી શોમાં વ્હીલચેર સાથે કરતબ કરીને લોકોને આશ્ર્ચર્યમાં નાખી દીધા હતા.

You Might Also Like

0 comments