ઝિંદગી ગુલઝાર હૈ (mumbai samachar)

21:00



બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાત થતી હોય પણ જે રાજ્યમાં મહિલા મુખ્ય પ્રધાન હોય તે ગુજરાતના મહેસાણા જિલ્લાના એક ગામમાં છોકરીઓને મોબાઈલ ન વાપરવો તેવો ખરડો પસાર થયો. આ વાત બહુ જૂની નથી બસ અઠવાડિયા પહેલાં જ આ જાણવા મળ્યું. કારણ એમ આપવામાં આવ્યું કે છોકરીઓ ભણવામાં વધુ ધ્યાન આપે એટલે આવું ફરમાન તેમના ભલા માટે જારી કરવામાં આવ્યું છે. જો અમે પૂછીએ કે શું કામ છોકરીઓ માટે જ આ ફરમાન? છોકરાઓ માટે કેમ નહીં? તો અમને નારીવાદી ગણવામાં આવે પરંતુ, આવા ફરમાન ફક્ત છોકરીઓ માટે આ પહેલાં પણ હરિયાણા, બિહાર અને ઉત્તર પ્રદેશનાં ગામડાઓમાં કાઢવામાં આવ્યાં હતાં. છોકરીઓ જીન્સ પહેરે કે મોબાઈલ વાપરે તો બગડી જાય પણ છોકરાઓ ન બગડે. એવી માન્યતા આજે પણ ભારતીય સમાજમાં દેખાતી હોય તો મહિલા સશક્તિકરણનો મકસદ રહેતો નથી. આંતરરાષ્ટ્રિય મહિલા દિન ઉજવવામાં આવે છે જેથી આર્થિક, સામાજીક, રાજકીય ક્ષેત્રે મહિલાઓને સમાન અધિકાર, આવકાર મળે. આ સમાચાર વાંચી રહી હતી તે સમયે જ એક પાકિસ્તાની ધારાવાહિક જોવામાં આવી આપણે એ દેશમાં સ્ત્રીઓની સ્થિતિ હંમેશા બદતર હોય એવી કલ્પના કરી છે. પણ ટેલિવિઝન ધારાવાહિક જોઈને લાગે કે ત્યાંની સ્ત્રીઓ પોતાના વ્યક્તિત્વ અને સન્માન માટે વધુ જાગૃત છે.

જિંદગી ગુલઝાર હૈ નામની પાકિસ્તાની ધારાવાહિક નારીપ્રધાન વાર્તા રજૂ કરે છે. આવી ધારાવાહિક આપણા દેશમાં નથી બનતી એ વિચારે નવાઈ લાગી. આપણી ધારાવાહિકોમાં સ્ત્રીઓ સોળે શણગાર સજી સાસુ અને પતિને રિઝવવાના પ્રયત્નો કરતી દર્શાવવામાં આવે છે. મોટા ચાંદલા, મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર સાથે સ્ત્રીઓ ઘરની જ બીજી સ્ત્રીને નીચી પાડવાના, હેરાન કરવાના દરેક પ્રયત્નો કરતી રહે છે. ઘરમાં પણ મોંઘી સાડીઓ અને ઘરેણાંના ઠઠારા સાથે બેઠેલી દેખાશે. ગમે તેટલી નારીપ્રધાન વાર્તા હોય એમાં બીજી સ્ત્રીઓ એટલે કે સાસુ, જેઠાણી, નણંદ કે ભાભી સ્ત્રીની દુશ્મન તરીકે, ખતરનાક વિલન જેવી દર્શાવવામાં આવશે.

આપણે ત્યાં સૌથી વધુ ધારાવાહિકો સ્ત્રી દર્શકો માટે બને છે. અને એ ધારાવાહિક જોઈએ તો લાગે કે આપણે ત્યાં ગરીબમાં ગરીબ સ્ત્રીઓ પણ સાડી અને ઘરેણાં પહેરે છે. સ્ત્રી સાસુ તરીકે અને નણંદ તરીકે વિલન જેવી હોય છે. મા તો બિચારી જ હોય. અને સ્ત્રીએ લગ્ન બાદ પતિને ખુશ કરવા અનેક વ્રતો કરવાના અને સજીધજીને તૈયાર રહેવાનું. સ્ત્રીનું પોતાનું સાદગીપૂર્ણ સ્વમાની વ્યક્તિત્વ હોય જ નહીં. જ્યારે પાકિસ્તાની ધારાવાહિક જિંદગી ગુલઝાર હૈ ની વાર્તા એક મા(રાફિયા) અને તેની ત્રણ દીકરીઓની છે. તેમાં ન તો રોકકકળ છે કે ન તો ઘરેણાંના ઠઠારા છે. દીકરાની આશાએ રાફિયાનો પતિ મુર્તઝા પોતાની પત્ની અને ત્રણ દીકરીઓ હોવા છતાં દીકરા માટે બીજાં લગ્ન કરે છે. રાફિયા શિક્ષિકા છે તેના પતિએ તલાક ન આપી હોવા છતાં પતિની પાસે કોઈ અપેક્ષા રાખતી નથી. પોતાના પૈસાએ છોકરીઓને ભણાવે છે અને પગભર બનાવે છે. તેના પતિની નામરજી હોવા છતાં મોટી દીકરી કશફને યુનિવર્સિટીમાં મોકલે છે. તે ભણી ગણીને મોટી ઓફિસર બને છે. મા જેવો જ સ્વમાની સ્વભાવ ધરાવે છે. કશફ પરણે છે અને તેને બે દીકરીઓ થાય છે તેનો પતિ દીકરાની આશા નથી રાખતો દીકરીઓને જ રાજીખુશીથી ઉછેરે છે. દીકરાના લગ્ન કશફ સાથે થાય તે માટે સાસુ રાજી ન હોવા છતાં પણ ખરાબ પાત્ર નથી. પતિની પાસે એક પૈસાની આશા ન રાખતી એ સ્ત્રી સ્વમાનભેર પોતાની દીકરીઓને ઉછેરે છે તેમાં સ્ત્રી શક્તિનો મહિમા છે. જ્યારે આજે તો શિક્ષિત શ્રીમંતવર્ગની સ્ત્રીઓ બાળકોના ઉછેર માટે પતિને કોર્ટમાં ઘસડી જાય છે.

આપણે તો એકવીસમી સદીમાં બેટી બચાઓ આંદોલન કરવું પડે છે એનો અર્થ પણ એ જ છે કે આપણે બેટીને આવકારતા નથી. સમાજની માનસિકતા છોકરીઓને સન્માનનીય વ્યક્તિત્વ તરીકે સ્વીકારવાની હોય તો જ આંદોલન સફળ થઈ શકે છે. છોકરીઓને સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે ઉછેરવામાં આવવી જોઈએ. હજી દરરોજ એકાદ સ્ત્રી પર ગેંગરેપ થાય છે. સ્ત્રીને ઉપભોગનું સાધન સમજનાર સમાજ તેને સન્માન કઈ રીતે આપી શકે ? રોજ બનતી બળાત્કારની ઘટનાના સમાચારને આપણો સમાજ ગંભીરતાથી લેતો નથી. જે રીતે દલિત વિદ્યાર્થીના આત્મહત્યાનો મામલો કે જેએનયુના મામલે ચર્ચાઓ થઈ રહી છે ઠેર ઠેર તે રીતે એક દલિત કિશોરી પર થયેલી સામૂહિક બળાત્કારની ઘટનાની નોંધ પણ કોઈ લેતું નથી. ૨૭ ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશના ગોડસિયા ગામમાં ખેતરમાં હાજતે ગયેલી કિશોરી પર ત્રણ જણે બળાત્કાર કરીને ગુનો છૂ પાવવા છોકરીને જીવતી બાળી નાખી. ૧૯૯૨ની સાલમાં રાજસ્થાનના ભાટેરી ગામના સમાજ સેવિકા તરીકે કામ કરતી દલિત જાતીની ભંવરી દેવીએ બાળવિવાહ રોકવાનો પ્રયત્ન કરતાં તેના પર ઉચ્ચ જ્ઞાતિના લોકોએ પતિની સામે જ સમૂહ બળાત્કાર કર્યો હતો. તે સમયે પણ હિંમત કરીને ભંવરીદેવીએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી પણ અફસોસ કે હજી આજે પણ તે ભંવરીદેવીને ન્યાય નથી મળ્યો.

રોહિત વેમૂલા અંગે કેટલાય બૌદ્ધિકોએ ફેસબુકના અને અખબારોના પાનાં ભરી નાખ્યાં. રાજકીય પાર્ટીઓએ અને દલિત સમાજે વિરોધો કર્યા. પેલી બાળકી અને ભંવરીદેવી અને એના જેવી અનેક સ્ત્રીઓ પર થયેલા અત્યાચારો માટે ક્યારેય આટલું આંદોલન થતું નથી. ફક્ત નિર્ભયા કેસમાં દેશવ્યાપી આંદોલન થયું પણ ત્યારબાદ પરિસ્થિતિમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી. ત્યારબાદ પણ સ્ત્રીઓ પર સતત ગેંગરેપ થતા રહ્યા છે. તે વિશે જાગૃતિ લાવવાને બદલે ચુપચાપ એ સમાચારોને વાંચ્યા ન વાંચ્યા કરીને કોરાણે મૂકી દેવાય છે.

અને હવે સંભળાય છે કે જાટ અનામત આંદોલન સમયે મુરથલ હાઈવે નજીક ગાડીમાંથી સ્ત્રીઓને ખેતરોમાં ઘસડી જવામાં આવી હતી. શક્ય છે કે તેમના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હોય. પણ તેની ફરિયાદ થઈ નથી. ભારતમાં જ્યારે આ રીતે સતત સામૂહિક બળાત્કાર થતા રહેશે અને સ્ત્રીઓ પર પાબંદીઓ લગાવાતી રહેશે ત્યાં સુધી મહિલા દિનની, મહિલા સશક્તિકરણ અંગેની ચર્ચા જરૂરી છે શહેરો અને તે પણ ઉપલા વર્ગની સ્ત્રીઓની સ્વતંત્રતા અને સફળતા જોઈને મહિલાઓની સ્થિતિ વિશે ખરો અંદાજ લગાવવો અધૂરો છે.


You Might Also Like

0 comments