સમાનતાની શરૂઆત સરપંચના ઘરથી (mumbai samachar) 17-3-16
02:35કચ્છના માંડવી તાલુકાનું નાનકડું ગામ લૂડવા. ત્યાંના સરપંચ તરીકે ચાર વરસથી કારભાર સંભાળતા દીનાબહેન ઈશ્ર્વરભાઈ ધોળુંને પહેલી વાર જોઈએ તો કદાચ કોઈ ખાસ વ્યક્તિત્વ ન લાગે. તેલ નાખીને બાંધેલો એક ચોટલો. પોલિયેસ્ટરની સાડી, મધ્યમ બાંધો અને સામાન્ય ઊંચાઈ. દેખાવે ગામડાની કોઈપણ સામાન્ય ગૃહિણી જેવી લાગે. પણ જ્યારે તેઓ આત્મવિશ્ર્વાસભર્યા આછા સ્મિત સાથે બોલે ત્યારે તેમની જુદી જ પ્રતિભા નજરે ચઢે. ખરા અર્થમાં વહીવટ કરનાર કારભારી વ્યક્તિત્વ છતું થાય.
૪૭ વરસનાં દીનાબહેન ગૃહિણીથી સરપંચ સુધીની વાત માંડતા કહે છે, ખરું કહું તો બહેન સ્ત્રીઓએ સપનાં જોવા જોઈએ. મેં પાંચ વરસની ઉંમરે એક સપનું જોયું હતું સ્કૂલમાં. ગણતંત્ર અને સ્વતંત્રતા દિને સ્કૂલમાં ઝંડાવંદનમાં મને વિચાર આવ્યો હતો કે એક દિવસ મારે પણ આ ત્રિરંગો ફરકાવવો છે. કદાચ એ સપનાનું બીજ મારામાં રોપાઈ ગયું હશે તે વૃક્ષ બન્યું નહીં તો આજે હું સરપંચ હોઉં નહીં અને તમે મારી મુલાકાત લ્યો નહીં. હું એ જ વાસીદું કરતી, ઘરના ખૂણે ભરાઈ રહેનારી સ્ત્રી હોત. સાચું કહું તો પંચાયતમાં બહેનોને માટે ૩૩ ટકા અનામત આપવામાં આવતાં મારા જેવી સ્ત્રીઓને નવું જીવન મળ્યું છે. ર૦૦૭ની સાલમાં મહિલાઓ માટે અનામત આવતાં પુરુષો પોતાના ઘરની સ્ત્રીઓને પંચાયત કારભારમાં લેવા લાગ્યા. તેમાં મારા જેઠે મારું નામ સભ્ય તરીકે સૂચવ્યું, કારણ કે મને છાપાં વાંચવાં, સમાચારો વિશે વાત કરવી ગમતી હતી. પંચાયતમાં સભ્ય તરીકે જતાં જોયું તો સ્ત્રીઓ તો ફક્ત નામની જ હાજર હતી. કારભાર તો પુરુષો જ ચલાવતા. સ્ત્રી સરપંચ હોય કે સભ્ય હોય સહી કરી આપવા સિવાય તેમની કોઈ ભૂમિકા જ નહોતી. મને કારભારમાં રસ પડતો હતો. અનેક સવાલોય થતાં કે આમ કેમ? પણ ઝાઝી પંચાત ન કરવાનું સૂચન સીધી કે આડકતરી રીતે આવતું. મનમાં ને મનમાં હું ધૂંધવાતી પણ પછી નક્કી કર્યું કે હું બધો કારભાર શીખીને જ રહીશ. એટલે પંચાયતી રાજ વિશે જે પુસ્તક મળે તે વાંચતી. તેમાં એક વાર મને કચ્છ મહિલા વિકાસ સંઘના એક વર્કશોપમાં જવાનું બન્યું પંચાયતી મહિલા સભ્યના નાતે. ત્યાં જઈને જોયું તો બીજીપણ મહિલા સરપંચો હતી. તેમાંથી મોટા ભાગની પુરુષોના વહીવટ નીચે જ કામ કરતી. એ લોકોને તો બસ અનામત હોવાને લીધે જ કાગળ પર રાખવામાં આવ્યા હતા. પણ કેટલીક સ્ત્રીઓ એવી પણ હતી કે જેઓ પોતે જ બધો વહીવટ સંભાળવા કુશળ હતી. વળી એ વર્કશોપ પણ સ્ત્રીઓને પંચાયતી કારભાર શિખવાડવા માટેનો જ હતો. તે દિવસથી મનમાં ગાંઠ વાળી હતી કે મારે સરપંચ બનવું છે, પણ કોઈના પ્યાદા નહીં.
મારા ઘરનાઓનો તેમાંય મારા પતિનો પૂરો સાથ હોવાને કારણે આજે હું સરપંચ છું. એમણે મને કહ્યું હતું કે તું તારા બલબૂતા પર કામ કરી શકતી હોય તો ચોક્કસ કર. ઘર અને છોકરા હું સંભાળીશ. તું ગામનું સારી રીતે શાસન ચલાવીશ તો હું ઘરનું શાસન સંભાળીશ. બેન ગામમાં તો ઘરે ગાય-ભેંશ અને ખેતરનાય કામ હોય એ બધાયમાં મારા પતિએ સાથ આપ્યો. પણ બહાર જઈને કામ કરવું સહેલું નહોતું. ૨૦૧૨ની પંચાયતની ચૂંટણીમાં હું ઊભી રહી. ઘરમાં પુરુષોનો સાથ હતો, કારણ કે તેઓ સમજદાર હતા પણ બહાર પુરુષોના રાજમાં મધ્યમવર્ગીય સ્ત્રી માટે પગલાં માંડવા સહેલા નહોતા. મને ચૂંટણીમાંથી હટી જવા માટે સામ, દામ, દંડ, ભેદ દ્વારા સમજાવવામાં આવી. પૈસાદાર અને વગદાર કુટુંબની સ્ત્રીઓને ઊભા રાખીને મને તેમને સપોર્ટ આપવાનુંય કહેવામાં આવ્યું. પણ મેં નક્કી કર્યું હતું કે હું કોઈ રીતે હાર નહીં માનું. તેમાંય જો એ સ્ત્રી પોતે વહીવટ કરવાની હોત તો વાત જુદી હતી પણ તેમના ઓઠા હેઠળ પતિ, જેઠ કે સસરા જ હોય. મેં વિવાદોમાં પડ્યા વગર નિયમથી ચાલવાનું નક્કી કર્યું. સભ્ય હતી તે સમયથી જ મેં લોકોનાં કામ કરી આપવા માંડ્યા હતા. એટલે હું જ્યારે લોકોને કહેતી કે સરપંચ તરીકે મને ચૂંટશો તો ગામના વિકાસના કામ કરીશ તેની લોકોએ નોંધ લીધી હશે એટલે જ હું ૫૧ વૉટથી જીતી ગઈ. જોકે જીત્યા બાદ પણ મને ફસાવવાની કે નીચે પાડવાના પ્રયત્નો થયા, પરંતુ હવે હું તૈયાર હતી દરેક પડકારોને પહોંચી વળવા માટે. પહેલી વાત તો એ હતી કે મારે જાતીય ભેદભાવ દરેક રીતનો મિટાવવો હતો. હું ન નાતજાતમાં માનું છું ન ગરીબ-તવંગરમાં. અને ન સ્ત્રી-પુરુષના ભેદભાવમાં. દરેક વ્યક્તિ ક્ષમતા પ્રમાણે કામ કરી શકે છે. પુરુષો પણ સારા સમજદાર હોય છે પરંતુ આપણો સમાજ પિતૃસત્તાક હોવાથી સ્ત્રીઓને પૂરતી તક મળતી નથી. તેમની સમસ્યા પ્રત્યે ધ્યાન અપાતું નથી. સરપંચ બન્યા બાદ જોયું કે વિરોધી સ્ત્રીઓએ પણ મને સપોર્ટ કર્યો, પણ પુરુષ માનસિકતા મને આજેય તકલીફો આપ્યા જ કરે છે. ખેર, એ બધું છતાં મેં ગામને પાણી સારું અને યોગ્ય રીતે મળે તેની વ્યવસ્થા કરી. એ જોવા માટે ગાંધીનગરથી ટુકડીઓ આવે છે તેનો મને સંતોષ છે. ગામના ઊંચાણવાળા ભાગને પાણી પહોંચતું નહોતું. તે સમસ્યા મેં પાઈપલાઈનો બદલી, બીજી ઓવરહેડ ટાંકી બેસાડી દૂર કરી. ગ્રામસભામાં બહેનોને સક્રિય કરી. રસ્તાઓ પર વીજળીની વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરી રહી છું, કારણ કે સાંજ બાદ બહેનોને તકલીફ ન થાય. બાળકો માટે રમવાનું મેદાન વગેરે.. એટલું ખરું કે હું મારું કામકાજ ટ્રાન્સપરન્ટ રાખું છું. ગામના શ્રીમંત વર્ગની મદદ જોઈતી હોય તો તેમને સીધો પંચાયતની બૅંકનો નંબર આપું. સીધા બૅંકમાં પૈસા જમા થાય. રોકડો વ્યવહાર જ નહીં કરવાનો. હું ઈચ્છું કે હવે તો પચાસ ટકા અનામત છે તો આવતી ચૂંટણીમાં પંચાયતમાં બધી જ સ્ત્રીઓ જ ચુંટાઈને આવે.
દીનાબહેન ફક્ત સરપંચ નથી પણ કચ્છની મહિલા સરપંચ અને પંચાયતના બોડીના સભ્યોની ગ્રામશાસિની સંસ્થાનાં મંત્રી પણ છે. તેઓ અન્ય બહેનોને રાજકીય વહીવટ કેવી રીતે કરવો તે શીખવાડે છે. ઉપરાંત તેમને વહીવટમાં દરેક રીતે મદદરૂપ થાય છે. તેમણે જણાવ્યું કે અમે પુરુષોના વિરોધી નથી પણ સ્ત્રી સશક્તીકરણની જરૂર છે. મને જેમ મારા પતિએ સાથ આપ્યો તો હું બહાર આવી શકી તેમ બીજી અનેક સ્ત્રીઓ બહાર આવી સમાજ માટે કામ કરી શકે છે. પુરુષોએ ફ્કત અભિગમ બદલવાની જરૂર છે. માંડવી તાલુકાના મોટા આસમડિયામાં મુસ્લિમ મહિલા સરપંચ છે અને બહુ સરસ રીતે વહીવટ ચલાવે છે. જેમ હું શીખી તેમ બીજી કોઈપણ સ્ત્રી વહીવટ શીખી શકે છે. રાજનીતિ અઘરી નથી જો નિયમથી ચાલવું હોય તો. કોઈપણ ધર્મ હોય કે જાતિ હોય આજે જેનામાં આવડત છે તે મહિલા પોતાનું ભવિષ્ય ઘડવા સક્ષમ છે. પણ હા સ્ત્રીઓએ દરેક કદમે સતર્ક રહેવાની જરૂર રહે છે, કારણ કે કેટલાક પુરુષોને હજી પસંદ નથી કે સ્ત્રીઓ રાજકીય વહીવટમાં આગળ આવે.
ગુજરાત સહિત અનેક રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી છે. ભારતમાં તો મહિલા વડા પ્રધાન, રાષ્ટ્રપતિ પદે સફળતાપૂર્વક શાસન કરી ચુક્યા છે ત્યારે ગામડાઓમાં શું કામ સ્ત્રી આગળ ન આવી શકે. દીનાબહેન જેવી અનેક સ્ત્રીઓના પ્રયત્નોથી સમાજ બદલાઈ રહ્યો છે.
1 comments
'અમે પુરુષોના વિરોધી નથી પણ સ્ત્રી સશક્તીકરણની જરૂર છે.' - આ વાક્ય સામે મારો વિરોધ છે. મારૂ માનવુ છે કે સ્ત્રી તો સશક્ત જ હોય છે, પણ તેમને સમાન તક મળવી જોઇએ, જે બહુધા સ્ત્રીઓને નથી મળતી. એમના કરતા વધુ તક તો પછાત/દલિતોને મળે છે.
ReplyDelete