કામવાળી બાઈ પણ આપણી જેમ સામાન્ય સ્ત્રી છે (mumbai samachar) 17-3-16

02:37

                                     

દૃશ્ય ૧ - એરકન્ડિશન્ડ મોંઘી હૉટેલના એક ખૂણાના ટેબલ પર કિટ્ટી પાર્ટી ચાલી રહી હતી. એક મહિલા બની ઠનીને થોડી મોડી આવી. બાકીની મહિલા કહેવા લાગી કે થોડું જલદી ન અવાય ? તો પેલી મહિલા કહેવા લાગી કે છોડ વાત મારી કામવાળીને આજે જ રજા પાડવાની હતી. એને કહી દીધું હતું કે મારે કિટ્ટી છે, પણ આ બાઈઓ નહીં સુધરે.. તરત જ બીજીએ સુર પુરાવ્યો સચ્ચી યે લોગ કભી ઉપર નહીં ઊઠેંગેં. મહિનામાં કેટલાય ખાડા પાડશે.

દૃશ્ય ૨- લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં એક મહિલા ફોન પર વાત કરી રહી હતી. ક્યાં છે તું? ઘરે ગૅસવાળો આવ્યો છે અને તું બહાર ગઈ જ કેમ? (ગાળ) તું કોઈ કામની નથી. હમણાં ઈલેકટ્રીક બીલ ભરવા જવાની શું જરૂર હતી? પછી ન જવાય..(ગાળ) મારો ગૅસનો બાટલો પાછો ગયો તો (ગાળ) તારો પગાર કાપી નાખીશ. વગેરે વગેરે... એ બહેન તેના નાના બાળક સાથે મમ્મીને મળવા જઈ રહ્યા હતા એવું લાગી રહ્યું હતું. 

દૃશ્ય ૩ - એક ઑફિસના બાથરૂમમાં બે સ્ત્રીઓ વાત કરી રહી હતી. સાલી આપણી તો જિંદગી જ નકામી છે. ઘરેથી નીકળતાં આખુંય ઘરનું કામ કરવાનું કપડાં ધોવાના, વાસણ ઘસવાના અને ઑફિસથી પાછા જઈને ય કામ કરવાના. એના કરતાં કામવાળી હોત તો સારું અઠવાડિયામાં બે રજા લઈ લેવાય. મન ફાવે ત્યારે કામ પર ન આવે એટલે આપણું કામ વધી જાય. એ લોકો છે જ નકામા. રવિવારે ય ખાડા પાડે. વળી વારતહેવારે તો ખાસ. અરે આવતા મહિને અમે સિંગાપુર ફરવા જવાના છે એટલે કેટલું કામ હોય ફરીને આવીને તો બહેનબાને એ જ સમયે ગામ જવાનું છે કોઈ લગ્નમાં. નોનસેન્સ વગેરે વગેરે

દૃશ્ય ૪- એક મકાનમાં લિફ્ટની રાહ જોતા બે સ્ત્રીઓ વાત કરે છે. એક મહિલા બીજી મહિલાને પૂછે છે કેમ તમે આજે શાકના થેલા ઊંચકીને આવ્યા? તો બીજી મહિલા કહે છે, શું કરે કામવાળી રજા પર છે. જુઓને એટલો થાક લાગે છે કે ન પૂછો વાત. બપોરની ઊંઘ પણ પૂરી નથી લેવાતી. જમ્યા પછી મને બે કલાક સૂવા જોઈએ જ પણ હવે વાસણ કરવાના તે માંડ અર્ધો કલાક સૂવા મળે છે. ગમે તેટલું આપો કામવાળાને પણ તેમને કંઈ પડી નથી હોતી. અઠવાડિયે એકાદો ખાડો પાડે જ. તેમાંય મહેમાનો આવે ત્યારે તો ખાસ. પહેલી મહિલા કે વાત સાચી મને પણ રાત્રે ઊંઘ ન આવે એટલે બપોરે સૂવા જોઈએ જ અને જ્યારે કામવાળી ન હોય ત્યારે હાલત ખરાબ થાય. સવારે વહેલા ઊઠાય નહીં, કારણ કે બપોરના ઊંઘ ન થઈ હોય...

આપણા ઘરે કામ કરવા આવતી કામવાળીઓના ઘરે કામ કરવા કામવાળા નથી આવતા, પણ આપણે ક્યારેય તેમના વિશે સારું બોલવાનું કે તેમનું કામ ઓછું કરી તેમને મદદ કરવાનું વિચારતા નથી. ઊલટાનું તેને સતત અપમાનિત કરીએ. તેની સામે અને પીઠ પાછળ પણ. આ કામવાળીના ઘરે સાસુ સસરા, બાળકો અને પતિ હોય છે. તે મજબૂરીથી તમારા ઘરે કામ કરવા આવે છે. તમે તમારા ઘરના કામ કરી નથી શકતા, કારણ કે તમારે ઑફિસ, કિટ્ટી પાર્ટી કે સૂવાનું હોય કે પછી બહારગામ જવાનું હોઈ શકે, પણ કામવાળીને ક્યારેય સૂવાનું તો ઠીક માંદા પડવાની છૂટ આપણે નથી આપવા માગતા. આપણે દેશ-વિદેશના હીલ સ્ટેશનોએ ફરવા જશું, પરંતુ તેમને ગામ જવું હોય તો તકલીફ. એકાદ વખત હૉટેલનું બીલ ન આપતાં તે કામવાળીને વધારે પૈસા ન આપી શકાય? તો એણે ઓછા ઘરે દોડાદોડ કરવી પડે. બે પૈસા તેની પાસે હોય તો પોતાના બાળકોને સારું ખવડાવી શકે. પોતે સારી રીતે રહેતી હોય તો તમારા ઘરે પણ આનંદથી કામ કરી શકે. આપણાં જ વાસણ ઘસે, કપડાં ધૂએ પણ તેના ઘરે પાણીની તકલીફ હોય તો એને કેટલી તકલીફ થાય એ વિશે વિચારવાનું નહીં. મંદિરોમાં અને ટ્રસ્ટોમાં લાખો રૂપિયાનું દાન આપીને દાનવીર બનીએ, પરંતુ આપણાં જ ઘરે કામ કરનારને પાંચ હજાર આપી દેતાં આપણો જીવ ચાલતો નથી. આપણા ઘરે કામ કરવા આવતી બાઈ કેટલી તકલીફો વેઠીને કામ કરવા આવે છે. તેને વાર તહેવારે રજા આપી શકાય છે. પ્રોવિડન્ટ ફંડ નહીં તો તેને વાર તહેવારે નવી સાડી, બાળકો માટે નવા કપડાં અને શક્ય હોય તો તેના બાળકોની ફી ભરી શકાય. દર વરસે તેને એક પેઈડ વેકેશન આપી શકાય ગામ જવા માટે. અને જો તે ક્યારેક રજા લે તો એમાં તેની ટીકાઓ ન કરીએ. કામ આપણાથી નથી થતું આપણું તો ગરજ આપણને પણ છે. જો માણસને પ્રેમથી જાળવીશું તો સામે યોગ્ય પ્રતિસાદ ચોક્કસ મળશે. કામવાળી પણ આપણી જેમ સામાન્ય સ્ત્રી જ છે.

You Might Also Like

1 comments

  1. fantastic article........ eye open article ........ a very nice post ....... dhanyavad...... u r nor only journalist but also social welfare noble lady

    ReplyDelete