અન્યાયનો વિરોધ શાહબાનુથી શાયરાબાનુ 28-4-16 મુંબઈ સમાચાર
03:02બરાબર ૩૦ વરસ પહેલાં ૨૩ એપ્રિલના રોજ સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો શાહબાનુ કેસમાં. શાહબાનુને દર મહિને તેના પતિ તરફથી રૂપિયા૧૭૯.૨૦પૈસા ભરણપોષણ તરીકે મળવા જોઈએ. ૧૯૮૫ની સાલમાં શાહબાનુએ પોતાના પતિએ આપેલા તલાક બાદ ભરણપોષણની માગણી કરી હતી, કારણ કે મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે તલાક બાદ ફક્ત ૯૦ દિવસ સુધી જ તેનો પતિ ભરણપોષણ આપે. ખાસ્સો ઊહાપોહ થયો હતો તે સમયે. કૉંગ્રેસ ત્યારે સત્તા પર હતી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ ચુકાદાનો વિરોધ કર્યો હતો. સરકાર સાથે અનેક વાટાઘાટ બાદ તેને મુસ્લિમ લો બોર્ડની મરજી પર છોડી દેવામાં આવ્યો હતો.
આજે ફરીથી એક મુસ્લિમ સ્ત્રી શાયરાબાનુએ ન્યાય મેળવવા માટે અદાલતના દ્વાર ખટખટાવ્યા છે. ઉત્તરાખંડના કાશીપુરમાં રહેતી શાયરાબાનુને ગયા વરસે ઓક્ટોબર મહિનામાં અલાહાબાદમાં રહેતા તેના પતિ રિઝવાને ત્રણ વખત તલાક લખી મોકલીને છૂટાછેડા આપી દીધા. મુસ્લિમ લો પ્રમાણે તો જો પતિએ ફરીથી છૂટાછેડા આપેલી પત્ની સાથે લગ્નગ્રંથિથી જોડાવું હોય તો, પત્નીએ બીજા પુરુષ સાથે નિકાહ કરી લગ્નનો ભોગવટો થયા બાદ જ તે પહેલા પતિ સાથે નિકાહ કરી જોડાઈ શકે.
ધારો કે ઉતાવળમાં આવીને પતિ ત્રણ વખત તલાક બોલી દે અને પછી પસ્તાય તો કોઈ ઉપાય નથી રહેતો . પતિ અને ખાસ કરીને પત્નીએ તેના પરિણામ ભોગવવાં પડે. ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાનેે મુદ્દે ઘણા વખતથી સુધરેલા મુસ્લિમ મહિલાઓ અને પુરુષો કાયદામાં સુધારાની માગણી કરી રહ્યા છે. ભારત સિવાય અન્ય ૨૨ જેટલા દેશોમાં ત્રણ વખત તલાકને છૂટાછેડા માનવામાં આવતા નથી. તેમાં મોટેભાગે મુસ્લિમ દેશો છે. ભારતમાં કોમન સિવિલ કોડની માગણીનો કેસ પણ ચાલી રહ્યો છે. ૧૯૪૮ની સાલમાં ભારતીય બંધારણ લખાતું હતું તે સમયે બાબાસાહેબ આંબેડકર કોમન સિવિલ કોડ લાવવા બાબતે મક્કમ હતા. તેમણે સવાલ પણ ઉઠાવ્યો હતો કે આપણે જો મૂળભૂત ભેદભાવ સમાજમાંથી દૂર કરી સમાનતા ન લાવી શકીએ તો સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી રહેતો. જવાહરલાલ નહેરુ પણ બાબાસાહેબ આંબેડકરની સાથે કોમન સિવિલ કોડ બાબતે સહમત હતા. કોમન સિવિલ કોડ ૧૯૪૮માં ડ્રાફ્ટ થઈ ગયો હતો પણ નહેરુએ થોડી રાહ જોવાનું કહ્યું. ૧૯૫૦ની સાલ સુધી સંસદમાં મૂકવામાં આવ્યો ત્યારે તેઓ જાણતાં જ હતા તે પ્રમાણે કોમન સિવિલ કોડનો વિરોધ થયો. મુસ્લિમોએ જ નહીં હિન્દુઓએ પણ વિરોધ કર્યો હતો. આખરે આંબેડકરે રાજીનામું આપી દીધું. તેમને આશા હતી કે ભવિષ્યમાં સિવિલ કોડ પાસ થઈ શકશે.
જાતીય અસમાનતા દૂર કરવા માટે શી ખબર કેટલાં વરસો રાહ જોવી પડશે. ધર્મની વાત નથી અહીં જાતીય અસમાનતાનો શિકાર સ્ત્રીઓ જો વીસમી સદીમાં પણ બનતી હોય તો આપણે વિચારવું રહ્યું કે શું ખરેખર આને વિકાસ કહેવાય? હિન્દુ હોય કે મુસ્લિમ સમાજ હોય સુધારાવાદી અને પારંપરિક વિચાર ધરાવતી વ્યક્તિઓ દરેક ધર્મમાં હોય જ છે. શાહબાનુ આજે જીવિત નથી પણ પોતાના મૂળભૂત અધિકાર માટે તેમણે લડવાની હિંમત કરી હતી. જોકે ૩૦ વરસ પછી પણ સ્ત્રીઓને સમાન અધિકાર મળતો નથી. શાયરાબાનુ આજે પોતાનાં બાળકોથી દૂર થઈ ગઈ છે. બાળકો તેના પતિ પાસે છે. તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવ્યો હતો. અને લગ્નના ૧૬ વરસ પછી તેના પતિએ લેખિતમાં તલાક આપી દીધા. આવી અનેક રસમો દુનિયાભરમાં ચાલી રહી છે જેમાં સ્ત્રી હોવામાત્રથી સહન કરવું પડતું હોય. પછી તે શાહબાનુ હોય, શાયરા હોય કે શર્મિલા કે શેરિલ હોય. જાતિ, ધર્મ, વર્ણનો ભેદભાવ ન કરવો તેવું આપણા બંધારણમાં હોવા છતાં અન્યાયને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. આશા રાખીએ કે શાયરાબાનુને ન્યાય મેળવવામાં સફળતા મળે.
0 comments