પૌરુષેય પ્રતીક દાઢી રહેશે કે જશે?

07:09




મૂછેં હો તો નથુરામ જૈસી એવી કોઈ ઉક્તિ દાઢી માટે મળતી નથી. મૂછો ઉપર આ પહેલાં લખાઈ ચૂક્યું છે એટલે અહીં મૂછોને અડવાનું નથી. મૂછો પૌરુષેય પ્રતીક છે અને રહેશે જ પણ દાઢી પણ એનો ભાગ હોવા છતાં તેની અવગણના થતી રહી છે. પુરુષના જીવનમાં દાઢીનું પણ અદકેરું મહત્ત્વ રહ્યું છે અને 

રહેશે. 

ચોકલેટી ચહેરાઓ હીરો તરીકે ચાલતા તે પણ એક જમાનો હતો. આજે પણ કેટલાક ચહેરાઓ દાઢી વિનાના જ છે, પરંતુ આજે દાઢી રાખવાનું ચલણ વધી રહ્યું છે. રણવીર સિંહ અને ફેન ફિલ્મ બાદ તેના પ્રમોશનમાં ફરતો શાહરુખ ખાન પણ આજકાલ દાઢી રાખેલો જણાય છે. એ અલગ વાત છે કે અભિનેતાઓ ફિલ્મની માગ મુજબ દાઢી રાખે કે કાઢે છે. છેલ્લાં કેટલાંક વરસથી એંગ્રી (યંગ)મેન 

અમિતાભ બચ્ચન પણ દાઢી રાખે છે. દાઢીમાં ચહેરાની કરચલીઓ દેખાતી નથી એ પણ કારણ હોઈ શકે. દાઢી રાખવી એ ફેશનનું પ્રતીક ક્યારેય નથી રહ્યું એવું નથી તે છતાં દાઢીને ફેશન ગણી શકાય નહીં. 

દાઢીએ પુરુષોનું ઘરેણું કહી શકાય કે મેકઅપ પણ કહી શકાય. પુરુષ જુદો દેખાવા માટે મૂછ કે દાઢી રાખી શકે. મુછો તો મોટાભાગે પુરુષો રાખતાં જ કારણ કે તે મર્દાનગીનું પ્રતીક મનાય છે, પણ દાઢી રાખવી કે ન રાખવી તે દરેક પુરુષની મરજી પર આધાર રાખે છે. એક જમાનો એવો પણ હતો કે દાઢી રાખનાર પુરુષ ગંદો ગણાતો. ખાસ કરીને કોર્પોરેટ સેકટરમાં કેટલાક નોર્મસ એટલે કે નિયમ કહી શકાય તે એવો છે કે ક્લીન શેવ્ડ. ચીફ ઑફિસર કે ડિરેકટર બોલતા જ સૌ પહેલાં સૂટ, બૂટ અને ક્લીનશેવ્ડ ચહેરો જ દેખાય. શક્ય છે આ નિયમ અંગ્રેજોના જમાનાથી આવ્યો હોય. આપણે ત્યાં 

યાદ છે ત્યાં સુધી દાઢી દાદાઓ અને સાધુઓ જ રાખતા. શક્ય છે સફાઈનાં કારણોસર દાઢી રાખવાનું ચલણ નહીં હોય. એ જે 

હોય તે પણ દાઢી એ પૌરુષેય ઘરેણું છે. આજકાલ દુનિયાના 

ફેશનફલક પર ચર્ચાઓ ચાલે છે કે દાઢી રાખવાનો ટ્રેન્ડ ૨૦૧૬માં વધશે.

દાઢીએ ફક્ત ચહેરા પરના વાળ નથી. દાઢી એક માનસિકતા પણ છે. એ માનસિકતાને અનેક રીતે સમજવાના પ્રયત્નો થયા છે. 

વળી દાઢી રાખવી કે નહીં તે ફક્ત પુરુષની જ નહીં સ્ત્રીની પસંદ-નાપસંદ ઉપર પણ તેનો આધાર રહેલો છે. એવું કહેવાય છે કે મોટાભાગની સ્ત્રીઓને દાઢી ગમતી નથી.

તે છતાં દાઢીવાળા પુરુષો સ્ત્રીઓમાં લોકપ્રિય રહ્યા હોય એવું ય બન્યું છે. રવીન્દ્રનાથ ટાગોરનું નામ તરત જ યાદ આવે. જો કે તેઓ એમની દાઢીને લીધે લોકપ્રિય નહોતા પણ તેમની કલમ અને સંવેદનશીલ સ્વભાવને કારણે સ્ત્રીઓમાં લોકપ્રિય હતા. દેખાવડા ટાગોરને દાઢી વગરના કલ્પી શકવા અશક્ય છે. તો બીજી તરફ ગાંધીજીને દાઢી સાથે કલ્પવા અઘરા છે. 

દાઢી ન રાખવા પાછળ બીજી પણ એક માન્યતા છે કે ક્લીનશેવ્ડ એટલે વિશ્ર્વાસપાત્ર, વફાદાર, ચોખ્ખો માણસ. માનવાનું મન ન થાય, પરંતુ ગયા ઑક્ટોબરમાં સોશિયલ વીડિયો એપ્પ ઈવાએ ૨૦૦૦ બ્રિટિશ પુરુષોનો સર્વે કર્યો તો જાણવા મળ્યું કે ૪૭ ટકા દાઢી રાખનાર પુરુષોએ પત્ની સાથે ચીટિંગ કર્યું હોવાનું કબૂલ્યું જ્યારે તેની સામે ૨૦ ટકા ક્લીનશેવ્ડ પુરુષોએ ચીટિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું. ૧૭ ટકા ક્લીનશેવ્ડ પુરુષોની સામે ૪૦ ટકા દાઢીવાળા પુરુષોએ ચોરી કરી હોવાનું કબૂલ્યું. આ જ અભ્યાસમાં ઈવાને જાણવા મળ્યું કે ૬૭ ટકા સ્ત્રીઓ દાઢી રાખનાર પુરુષોનો ભરોસો નથી કરતી. દાઢી રાખનાર પુરુષો પર મોટાભાગની સ્ત્રીઓને વિશ્ર્વાસ નથી બેસતો તેનું કારણ સ્ત્રીઓને પોતાને ય ખબર નથી હોતી. 

સ્ત્રીઓને લાંબી દાઢી ગમતી નથી પણ આછી દાઢી સેક્સી લાગતી હોય છે. એવું પણ સર્વેમાં જાણવા મળ્યું છે. 

દાઢી એ પુરુષને પૌરુષેય માનસિકતાનો અનુભવ કરાવે છે. એટલે પણ કેટલાક પુરુષો દાઢી રાખતા હોય છે. દાઢી પુરુષને રફટફ માનસિકતા આપે છે એટલે જ કિશોર વયના કે ચોકલેટી યુવાનો મોટેભાગે આછી દાઢી રાખેલા જોવા મળશે. તેમને દાઢીના વાળ ફૂટે ત્યાર પછી મેચ્યોર અને મેચોમેન દેખાવા માટે પણ યુવાનો દાઢી રાખતા હોય છે. 

યોગ્ય દાઢી રાખવી એ પર્ફેક્ટ ટીશર્ટ કે શર્ટ ખરીદવા જેટલું સહેલું નથી હોતું અને તેની કાળજી રાખવી અઘરું છે. વિદેશમાં ખાસ દાઢી માટેના કેટલાક પ્રોડક્ટ બહાર પડ્યા છે. પહેલાં તેનું માર્કેટ એટલું નહોતું પરંતુ હવે તે ૨૫ ટકા જેટલું વધ્યું છે. કેટલાક પુરુષો દાઢી રાખે કારણ કે તેમને રોજ દાઢી કરવાનો કંટાળો આવે, પરંતુ દાઢી આછી સ્ક્રફ હોય કે લાંબી હોય તેને મેઈન્ટેઈન કરવી પડે છે. સાફ રાખવી પડે છે. એ પણ એટલું જ કડાકૂટવાળું હોય છે. દરેક પુરુષની દાઢી ઊગવાની પ્રકૃતિ જુદી હોય છે. પુરુષના વ્યક્તિત્વ અને કામની સાથે દાઢી મેચ થાય છે કે નહીં તે જાણવું જરૂરી હોય છે. આમ દાઢી વ્યક્તિત્વનો એક ભાગ હોઈ શકે છે અથવા વ્યક્તિત્વને મારી ય નાખે. ફેશિયલ હેર રાખવા ન રાખવા પાછળ પણ અનેક વિચારણા જરૂરી છે.

You Might Also Like

0 comments