ચીલો ચાતરવાની હિંમત હતી વિનુ પાલીવાલમાં (published in mumbai samachar)
05:12જયપુરમાં મોટી થયેલી વિનુ પાલીવાલ જ્યારે પણ તેના પિતાની બાઈક પાછળ બેસતી તેને રોમાંચ થતો. બાઈક તેના માટે પેશન બની જશે ત્યારે તો ખબર નહોતી, પરંતુ બાઈક માટે એક અજબ પ્રકારનું ખેંચાણ તેને હતું. કોલેજમાં તેના એક મિત્રએ બાઈક ચલાવતા શીખવાડ્યું ને બસ તે બાઈક રાઈડિંગના પ્રેમમાં પડી ગઈ. પણ તેની પાસે હજી બાઈક નહોતું એટલે ચલાવી શકતી નહોતી. મારવાડી સમાજમાં છોકરીના લગ્ન પણ જલદી થઈ જાય એટલે વિનુ પણ પરણી ગઈ. તેના પતિને છોકરીઓ બાઈક ચલાવે તે પસંદ નહોતું. એટલે વિનુનો બાઈક પ્રેમ આગળ ન વધી શક્યો. બે બાળકો પણ થયાં પરંતુ મન મારીને જીવવું વિનુને મંજુર નહોતું.
તેણે અન્ય ભારતીય સ્ત્રીઓની જેમ પોતાના સપનાંને મારીને જીવવું પસંદ કરવાને બદલે લગ્નજીવનનો અંત લાવી દીધો. છૂટાછેડા લઈને તેણે પોતાનું જીવન પોતાની મરજીથી જીવવાનું હજી વરસ પહેલાં જ શરૂ કર્યું. તેણે ચાઈ બાર નામે એક લોન્જ જયપુરમાં શરૂ કરી અને પોતાની બાઈક પણ લીધી હાર્લી ડેવિડસન. ભારે એન્જિન ધરાવતી આ અમેરિકન બાઈક પુરુષો જ મોટેભાગે ચલાવે છે. કારણ કે વજનદાર બાઈક ખાસ રેસિંગ માટે લોકો વાપરે છે. હાર્લી ડેવિડસન ચલાવનાર વિનુ ભારતની પહેલી જ મહિલા હતી. એટલે જ તેને હાર્લી વુમન અને હોગ રાણીના નામે ઓળખાતી.
જયપુરની ગલીઓમાં હાર્લી ડેવિડસન પર પસાર થતી ત્યારે લોકો વિનુને જોઈ રહેતા. સ્ત્રી તરીકે પુરુષોની દુનિયામાં હાર્લી ડેવિડસન સાથે પ્રવેશ કરનારી વિનુ પહેલી મહિલા હતી. ૧૮૫ કિલોમીટરની ઝડપે તે બાઈક ચલાવી શકતી. આટલી ઝડપી બાઈક ચલાવનારી પણ તે પહેલી મહિલા હતી. બાઈક લીધા બાદ દર વીક એન્ડ તે જયપુરથી દિલ્હી કે આસપાસના શહેરો સુધી પહોંચી જતી. ૨૦૧૫ની સાલથી તેણે ૧૭૦૦૦(સત્તર હજાર કિલોમીટર) પૂરાં કરી લીધા હતા. તે હવે એક વરસમાં ૫૦ હજાર કિલોમીટર પૂરાં કરવાં માગતી હતી. ભવિષ્યમાં તે રાજકારણમાં પણ સક્રિય થવા ઈચ્છતી હતી. તે રોડ સેફ્ટી માટે વાહનને કાળજીપૂર્વક ચલાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ વધારવા માગતી હતી. પોતાની દીકરીને પણ બાઈકિંગ શીખવડાવા માગતી હતી પરંતુ અચાનક તેના સપનાંઓને મૃત્યુની બ્રેક લાગી. વિનુ પાલીવાલ કહેતી કે મહિલાઓએ પોતાનું જીવન બંધિયાર રીતે ન જીવવું જોઈએ. પોતાના સપનાં પૂરાં કરવાં દરેક પ્રયત્નો કરવા જોઈએ. બાઈક ચલાવતી તે જાતીય સમાનતાના સંદેશ માટે નહીં પણ પોતાને જે ગમતું હતું તે કામ કરતી હતી.
અહીં એક બીજી વાત યાદ આવી. લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે એક સંબંધીની દીકરીના લગ્ન નક્કી થયા. ખૂબ ધામધૂમથી સગાઈ થઈ. એમાં એ છોકરીને મળવાનું થયું. વાત કરતાં ખબર પડી તેણે ખૂબ પ્રતિષ્ઠિત કૉલેજમાંથી આર્કિટેકચરની ડિગ્રી લીધી છે. મુંબઈમાં જ રહેતા છોકરા સાથે પરણી રહી છે પરંતુ તેના પતિને નોકરી કરતી છોકરી પસંદ ન હોવાથી તેણે પ્રતિષ્ઠિત આર્કિટેક્ટને ત્યાંની નોકરી છોડી દીધી. કારણ પૂછ્યું તો કહે, આન્ટી આટલો હેન્ડસમ પતિ અને પૈસાદાર સાસરું મહત્ત્વનું કે નોકરી? આજે પણ છોકરીઓૅ જો સહેલો સલામત રસ્તો પસંદ કરતી હોય છે ત્યારે ૪૪ વર્ષીય વિનુ પાલીવાલની હિંમતને સલામ કરવાનું મન થાય. વિનુ પાલીવાલ હિંમતવાન મહિલા હતી. તે પોતાની મરજીથી જીવતાં જીવતાં જ મૃત્યુ પામી. એપ્રિલ મહિનાની ૧૧ તારિખે તે પોતાની બાઈક ચલાવી રહી હતી કે અચાનક તેની બાઈક લપસતાં આંતરિક ઈજાઓને કારણે મૃત્યુ પામી. તે પોતાની બાઈક હાર્લી ડેવિડસન પર દેશનો પ્રવાસ કરતાં મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. દેશનો પ્રવાસ કરતાં ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાની ઈચ્છા અધૂરી જ રહી. બિન્ધાસ્ત વિનુએ પોતાનું જીવન ખૂબ ઝડપથી જીવી નાખ્યું.
0 comments