કુદરતની કરામત, માણસની મરમ્મત (મુંબઈ સમાચાર)

03:41



એપ્રિલ-મે મહિનો આવતાં બાળકોને વેકેશન પડે એટલે મોટાભાગના ગુજરાતીઓ કાશ્મીર, મનાલી કે દાર્જિલીંગ ઉપડી જાય ફરવા. ફેમિલી વેકેશનનો કોન્સેપ્ટ સારો છે, પરંતુ મોટાભાગે આપણે સારી હોટલોમાં રહેવું, કેટલાક સ્થળો જોવા જવું કારમાં બેસીને. કુદરતી દૃશ્યો જોવા અને કુદરતમાં કુદરતી રીતે ચાલવું કે રહેવું તેમાં ફરક છે. કુદરતી વાતાવરણમાં હાઈકિંગ માટે કે પર્વતારોહણ માટે જવું માનસિક સ્વાસ્થય માટે ખૂબ લાભદાયક હોવાનું વૈજ્ઞાનિકોને અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે.

આપણે ઘણીવાર અનુભવ્યુ હશે કે જંગલમાં કે ડુંગરાઓમાં ચાલવા જવાથી ખૂબ સારું લાગે છે. અને એટલે જ વેકેશન લઈને કુદરતી વાતાવરણ હોય ત્યાં લોકો જાય છે. શું કામ સારું લાગે છે? તે આપણે ક્યારેય વિચારતા નથી. કુદરતી વાતાવરણમાં ચાલવાથી તન, મન અને આત્મા સ્વચ્છ રહે છે. વિજ્ઞાન હવે માને છે કે હાઈકિંગ કરવાથી મગજમાં હકારાત્મક બદલાવ આવે છે.

કુદરતી વાતાવરણમાં ચાલવાથી શાંતિનો અને સંતોષનો અનુભવ થતો હોવાનું આપણે અનુભવીએ છીએ, પરંતુ એટલું જ નહીં હાઈકિંગ કરવાથી વિચારો પણ શાંત થાય છે. શહેરોમાં રહેતા આપણે સિમેન્ટ, કોંક્રીટના જંગલમાં તથા સતત ભીડભાડ અને તાણવાળી ઝડપી જીવન જીવતાં લોકોને સતત વિચાર કરવાની આદત પડી જતી હોય છે. નકારાત્મક વિચારો એન્કઝાઈટી પેદા કરતી હોય છે. તેને કારણે ડિપ્રેશન અને ઓબસેસિવ કમ્પલસિવ થિન્કિંગ જેવી માનસિક વ્યાધિ થાય છે. તાજેતરમાં જ પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઑફ સાયન્સમાં પ્રગટ થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે જ્યારે કુદરતી વાતાવરણમાં ચાલવા જાઓ છો ત્યારે કુદરત તમારા નકારાત્મક વિચારોને ઘણી હદે ઓછા કરી નાખે છે.

આ અભ્યાસ માટે સંશોધકોએ બે ગ્રુપનો અભ્યાસ કર્યો. એક ગ્રુપની વ્યક્તિઓને કુદરતી વાતાવરણમાં ચાલવાનું કહ્યું તો બીજા ગ્રુપને શહેરી વિસ્તારમાં ચાલવાનું કહ્યું. ૯૦ મિનિટના વૉક પછી દરેક વ્યક્તિઓને તપાસવામાં આવ્યા. તો જાણવા મળ્યું કે જે વ્યક્તિઓ કુદરતી વાતાવરણમાં ચાલી હતી તેમની વિચારપ્રક્રિયામાં ફેરફાર નોંધાયો હતો. મગજનું જે ભાગ અશાંતિ પેદા કરે છે, બીમાર બનાવે છે તે એક્ટિવિટી ઘટી ગઈ હતી. એટલે કે તેમાં પોઝિટિવ ફેરફાર જોવા મળ્યો હતો અને નકારાત્મકતા ઘટી ગઈ હતી. જ્યારે શહેરી વાતાવરણમાં ચાલનાર વ્યક્તિઓના મગજમાં કોઈ ફરક નોંધી શકાયો નહોતો. વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે શહેરી વાતાવરણ વ્યક્તિની માનસિકતા માંદી કરી દે છે. એટલે જ ડિપ્રેશન અને નકારાત્મક વિચારપ્રક્રિયા વધે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમયાંતરે શહેરમાંથી બ્રેક લઈને કુદરતી વાતાવરણમાં જવું જરૂરી છે.

સાયકોલોજીસ્ટ રુથ એન્ન એસલી અને ડેવિડ સ્ટ્રેયરે કરેલા એક અભ્યાસમાં તેમને જાણવા મળ્યું કે ટેકનોલોજીથી દૂર થવાથી અને કુદરતમાં જવાથી રચનાત્મક વિચારશક્તિમાં વધારો થાય છે. જેથી મનની નિર્ણયાત્મક શક્તિ વધે છે. તેમણે કરેલાં અભ્યાસમાં ભાગ લેનારી વ્યક્તિઓને ચાર દિવસ માટે જંગલમાં ચાલવા લઈ જવામાં આવ્યા અને તેમને કોઈપણ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ મનાઈ હતી. તેમને એવાં કામ સોંપવામાં આવ્યું જેમાં ક્રિએટીવ વિચારની જરૂર પડે અને જટિલ સમસ્યામાંથી માર્ગ કાઢવાની જરૂર પડે. જેમણે આ ટેકનોલોજી ફ્રી હાઈકિંગમાં ભાગ લીધો હતો તેમની સમસ્યાઓમાંથી માર્ગ કાઢવાની ક્ષમતામાં ૫૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

બન્ને માનસચિકિત્સકે નોંધ્યું છે કે શહેરી ઘોંઘાટ અને ટેકનોલોજી માનવીની માનસિકતાને વિક્ષિપ્ત કરે છે. સતત ટેકનોલોજી સાથે એટલે કે મોબાઈલ અને કોમ્પયુટર સાથે કામ પાર પાડવાથી આપણું કોન્સનટ્રેશન ઓછું થઈ જાય છે અને વિચારશક્તિ પર સ્ટ્રેસ આવે છે. એટલે જ કુદરતી વાતાવરણમાં

ચાલવા જવાથી અને ટેકનોલોજીના ઉપયોગમાંથી થોડો સમય બ્રેક લેવાથી માનસિક થાક ઊતરી જાય છે અને ક્ષમતામાં વધારો થાય છે.

આપણે જાણીએ છીએ કે કેટલાક લોકો જંગલમાં કે પહાડો પર જઈને ય સતત મોબાઈલમાં પોતાના ફોટા લેવામાં અને વોટ્સ એપ કે ફેસબુક પર અપલોડ કરતાં રહે છે. જે લોકો આવું કરે છે તેઓ કયારેય કુદરત સાથે એકાત્મકતા સાધી નથી શકતા. વૈજ્ઞાનિકો ટેકનોલોજીના ઉપયોગમાંથી ટોટલી બ્રેક લેવાની વાત પર ભાર મૂકે છે.

આનાથી આગળ વધીને અભ્યાસુઓ કહે છે કે એડીએચડી ધરાવતાં બાળકોની સંખ્યા વધી રહી છે તેના મૂળમાં ટેકનોલોજી છે. એડીએચડી એટલે કે એટેનશન ડેફિસિટ હાઈપર ડિસઓર્ડર. આવા બાળકો ખૂબ રેસ્ટલેસ હોય છે. તેમને ધ્યાન આપવાની તકલીફો હોય છે. શાળાના વર્ગમાં પણ ધ્યાન આપી નથી શકતા એવી ફરિયાદો આવતી હોય છે. માતાપિતા માટે આવા બાળકોને સંભાળવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. આ માટે તેમને મેડિકેશન આપવાથી સમસ્યા ઓછી થવાને બદલે વધવાની શક્યતા રહે છે. આવા બાળકોનો અભ્યાસ કરનાર ફ્રાન્સીસ ઈ. કપ-પીએચડી અને એન્ડ્રિયા ફેબર ટેઈલર-પીએચડીનું કહેવું છે કે આવા બાળકોને કુદરતી વાતાવરણમાં રમવા દેવાથી કે તેમને કુદરતી વાતાવરણમાં રાખવાથી એડીએચડીના લક્ષણો ઘણે અંશે ઓછા થતાં જોઈ શકાયા છે. જેમને પણ કોન્સનટ્રેશન એટલે કે એકધ્યાન થવામાં તકલીફ થતી હોય તેમણે ખાસ નેચર ટ્રેઈલ એટલે કે કુદરતના સાન્નિધ્યમાં ચાલવા જવું જોઈએ.

જીમમાં જવા કરતાં નજીક આવેલાં મોટા પાર્કમાં પણ ચાલવાથી થોડો ઘણો ફાયદો થાય. પણ જંગલ વિસ્તાર કે પહાડો પર ચાલવા જવાથી માનસિક ક્ષમતા તો વધે જ છે પણ તમે જેટલું ચાલશો તેટલી કેલેરી પણ બળે છે. ચાલવાથી મન શાંત અને આનંદમાં રહે છે. હતાશાઓ ઓછી થાય છે. એમ કહો કે મનનું ડિટોક્સીફીકેશન થાય છે. તન, મનને તંદુરસ્ત રાખતું હાઈકિંગ માટે શહેરની નજીક અનેક સ્થળ મળી રહેશે. દર વીક એન્ડ કે રવિવારે પણ ચાલવા જવાથી તમે મનને સ્ફૂર્તિલું રાખી શકશો. આ વેકેશનમાં બાળકોને ટેકનોલોજીથી દૂર કુદરતના સાન્નિધ્યમાં લઈ જવાથી વધુ ફાયદો થશે. મોબાઈલને પણ સ્વીચ ઓફ્ફ કરો અને ખુલ્લી આંખે કુદરતને જાણો, માણો.

You Might Also Like

0 comments