પુરુષ સ્ત્રીસમોવડો થઈ રહ્યો છે!

06:27


કી એન્ડ કા ફિલ્મમાં હીરોને ઘરમાં રહીને કામ કરવું ગમે છે તો હીરોઈનને બહાર જઈને કામ કરીને પૈસા કમાવવામાં વધુ રસ છે. બન્ને પોતાની મરજીનું જીવન જીવવા માટે કટિબદ્ધ છે. યોગાનુયોગ બન્ને મળી જાય છે અને એકબીજાને ગમવા લાગે છે. જીવન જીવવાની પસંદગી ગમે તે હોઈ શકે, પરંતુ વિરુદ્ધ જાતિનું આકર્ષણ તો યથાવત્ જ રહેવાનું છે. સિવાય કે તેઓ હોમોસેક્સુઅલ હોય. આપણી એવી માન્યતા છે કે પુરુષ જો ઘરનાં કામ કરે એટલે કે સમાજે અને કુદરતે જે બે ભાગ પાડેલા છે કામના તે પ્રમાણે તો એ પુરુષને-પુરુષો જ પુરુષ તરીકે સ્વીકારવા તૈયાર નહીં હોય. સાવ બૈરા જેવો છે એવું કહીને ઉતારી પાડતા ય તેઓ નહીં અચકાય. ફક્ત પુરુષો જ શું કામ? સ્ત્રીઓની માન્યતા પણ એવી જ હોય છે. એવા પુરુષને તેઓ સ્વીકારવા તૈયાર નહીં થાય. 

રોલ રિવર્સલ પચાસ ટકા પણ થવું અશક્ય છે. તે છતાં એટલું તો માનવું પડશે કે પુરુષો બદલાઈ રહ્યા છે. તેઓ સોફ્ટ એટલે કે નબળાં પડી રહ્યા છે. સેક્સને મામલે નહીં જ, પરંતુ પુરુષો પહેલાં જેટલા શારીરિક રીતે સક્ષમ નથી રહ્યા- આવું દુનિયાના કેટલાક અભ્યાસીઓ માની રહ્યા છે. પુરુષો હવે તેમના જાતિય સ્વભાવ પ્રમાણે સાહસી, કઠોર પરિશ્રમી નથી રહ્યા. જીમમાં જઈને પરસેવો પાડનાર પુરુષ કઠોર પરિશ્રમી હોય તે જરૂરી નથી. 

વિચારો કે ફિલ્મોમાં હીરોનું પૌરુષેય ચિત્ર બતાવવું હોય તો કઈ રીતે બતાવવામાં આવે છે. અથવા હીરો-હીરોઈન પહેલીવાર મળતા હોય ત્યારે કેવા સંજોગો ડાયરેક્ટર ઊભા કરે છે. હીરોઈનની કાર પંકચર થઈ ગઈ હોય અને શર્ટની બાંય ચડાવી હીરો રમતવાતમાં જેક ચડાવી ટાયર બદલી નાખે. અથવા તો હીરોઈનને કોઈ છેડતી કરતું હોય તો તેને બે ધોલધપાટ કરી સુરક્ષા પૂરી પાડે. લાઈટ ચાલી ગઈ હોય તો ફ્યુઝ બદલી આપે વગેરે વગેરે વગેરે કામો જે માટે પૌરુષેય વિચાર તથા શક્તિની જરૂર પડે. આ વાંચનાર પુરુષોએ વિચારવું કે તેમણે છેલ્લે ક્યારે આવા કામ કર્યા હતા? આમાં કેટલાક અપવાદો હોઈ શકે તે સ્વીકારું છું. વળી સામે એવી દલીલ ન કરવી કે પ્લમ્બર, સુથાર, મિકેનિક વગેરે પુરુષો જ હોય છે, અમે જાણીએ છીએ. પરંતુ, સામાન્ય પણે ઘરનો પુરુષ હવે ઘરમાં ફ્યુઝ રિપેર કરતો નથી કે ખીલી ઠોકતો નથી કે નળ ગળતો હોય તો પ્લમ્બિંગનું નાનું કામ પણ કરી શકતો નથી કે તેને એવાં કામ કરવામાં રસ રહ્યો નથી. યુનાયટેડ કિંગડમની સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીના ડૉ. કેટ ક્રોસ અને સાથીઓએ લખેલું પેપર ‘સેક્સ ડિફરન્સીસ ઈન સેન્સેશન-સીકિંગ, અ મેટા એનેલિસિસ’માં કહે છે કે પુરુષો પહેલાં જે હતા તે નથી રહ્યા. રિસર્ચ કહે છે કે પુરુષો હંમેશા સાહસ શોધે છે કારણ કે એ તેમને આકર્ષક બનાવે છે અને સ્ત્રી મેળવી આપે છે. આગળ કહે છે કે સ્ત્રી અને પુરુષ બન્નેની આકર્ષણની પસંદગીઓ બદલાવાને કારણે આપણા પૂર્વજોના જે રોલ હતા સ્ત્રી કે પુરુષ તરીકે તે હવે રહ્યા નથી. 

નર અને માદા પ્રજનન કરી પ્રજા ઉત્પન્ન કરે તે માટે કુદરતે તેમનામાં આકર્ષણનું તત્ત્વ મૂક્યું છે. વાત વિચારવા જેવી છે. ક્રોસ આ તારણ પર આવ્યા પહેલાં સાલ ૧૯૭૮થી ૨૦૧૨ની સાલ સુધી સ્ત્રી-પુરુષમાં ઉત્તેજના પેદા કરતાં અભિગમ તપાસવા અભ્યાસ કર્યો હતો. ડૉ. ક્રોસે નોંધ્યું કે સ્ત્રીમાં પૌરુષેય માનસિકતા વધતી જાય છે અને પુરુષોમાં સ્ત્રૈણ માનસિકતા વધતી જાય છે. ૧૯૭૮ના અભ્યાસમાં જણાયું હતું કે સ્ત્રી કરતાં પુરુષો ૪૮ ટકા વધુ પ્રમાણમાં સાહસવૃત્તિ ધરાવતી એક્ટિવિટી (સ્કાય ડાયવિંગ, પર્વતારોહણ) પસંદ કરતા હતા. ૨૦૧૨ સુધીમાં પસંદગીમાં ફેરફાર થયો હતો. ફક્ત ૨૮ ટકા પુરુષો જ હવે સાહસિક રહ્યા છે. તેની સામે સ્ત્રીઓ વધુને વધુ સાહસિક થતી જાય છે. તે છતાં હકીકતે તો બન્ને જાતિ પૂર્વજો કરતાં વધુને વધુ નબળી બનતી જાય છે. સ્ત્રીઓ પણ જાતે દળણાં દળતી નથી, પથ્થર પર મસાલા પીસતી નથી, વાસણ-કપડાં કરતી નથી વગેરે વગેરે. અર્થાત્ બન્ને જાતિ નબળી થતી જાય છે. ફરક એટલો જ છે કે સ્ત્રીઓ હવે સાહસિક પ્રવૃત્તિઓમાં પુરુષોના પ્રમાણમાં વધુ રસ લેતી થઈ છે. 

વેબસાઈટ પર સર્ફ કરવામાં પુરુષોને જેટલો આનંદ આજે મળે છે તેટલો રસ તેમને દરિયા પર સર્ફ કરવાનું તો જવાદો પરંતુ દરિયા કિનારે ચાલવામાં પણ નથી. પ્રકૃતિના ફોટાઓ પાડવામાં તેમને જેટલો રસ પડે છે તેટલું પ્રકૃતિમાં ચાલવા જવાનો રસ નથી પડતો. ગાડીમાંથી ઉતરીને ફોટા પાડવા અને જંગલોમાં કે પહાડોમાં કલાકો સુધી ચાલવું તે અલગ વાત છે. દશ મિનિટ માટે પણ ચાલે તો પરસેવો વળી જાય. શ્રમનો મહિમા ઘટી રહ્યો છે. તે પણ કારણભૂત હોઈ શકે. પરસેવો પાડતો શ્રમ કરતો પુરુષ પહેલાં સ્ત્રીને ગમતો હતો. આજે ગાડી ચલાવતો, લેટેસ્ટ ટેકનૉલૉજી વાપરતો, રૂપાળો થઈને ફરતો પુરુષ સ્ત્રીઓને ગમતો હોવાથી પણ પુરુષોની ભૂમિકામાં બદલાવ આવી શકે છે. ચામડીની સૌમ્યતા જાળવવી, ગોરા દેખાવું, પરસેવો ન થાય તેવા પુરુષો માટેના પ્રસાધનની જાહેરાતો શું કહેવા માગે છે તે ફોડ પાડીને કહેવાની જરૂર છે? રસોઈ કરતા પુરુષને કરીના જેવી પત્ની મળતી હોય તો તે ચોક્કસ જ ઘરકામ કરવાનું પસંદ કરશે, એવું કી એન્ડ કા જોઈને થિયેટરમાંથી બહાર નીકળતાં પુરુષોને મજાકમાં કહેતા સાંભળ્યા હતા.

સ્ત્રી પુરુષ સમોવડી થાય તો પુરુષો સ્ત્રી સમોવડા કેમ ન થઈ શકે? એવી માગણી પણ તો સ્ત્રીઓની જ છે. હકીકતમાં પુરુષોના પૌરુષની વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. આજે શિકાર કરવા જવાની જરૂર ન હોવાથી બદલાતાં પરિબળોએ પુરુષને ઓછો સાહસિક, જોખમ લેવાતો અચકાતો બનાવી દીધો છે. અને સ્ત્રીઓને બહાર જઈને કામ કરતી, મહત્ત્વાકાંક્ષી અને સાહસિક બનાવી દીધી છે. આમ જોઈએ તો જાતિય સમાનતા તરફ પુરુષ અને સ્ત્રીઓ ખસી રહ્યા છે તેવું અભ્યાસીઓનું પણ માનવું છે. ફક્ત તેમને પણ નબળી પડતી જાતિ અંગે ચિંતા છે. શ્રમનો મહિમા ભૂંસાઈ રહ્યો છે તે અંગે જાગૃત થવા માટે તેઓ સ્ત્રી પુરુષ બન્નેને ભલામણ કરે છે.

You Might Also Like

0 comments