ઊડતી કાર અને ટેક્સીની કલ્પના વાસ્તવિકતા બની રહી છે (MUMBAI SAMACHAR)

06:02






ટ્રાફિક જામમાં ફસાઈ જઈએ ત્યારે બીજું તો કશું જ નહીં પણ ઊડતી કારની કલ્પના કરવાનું સારું લાગે. તેમાં પણ ઉતાવળમાં હોઈએ અને ટ્રાફિક ચસકવાનું નામ જ ન લે ત્યારે થાય કે ૨૧મી સદીમાં ઊડતી કાર આવી જવી જોઈતી હતી હજી કેમ નથી આવી? તેવા વિચારો સાથે મગજ ચકરાવે ચઢે. અલાદીનના ચિરાગની સાથે ઊડતો ગાલીચો પણ યાદ આવ્યો. એ જમાનામાં ટ્રાફિક નહોતો છતાં બીજા સ્થળે ઝડપથી પહોંચવા માટે ઊડતા ગાલીચાની કલ્પના કરવામાં આવી હતી. જો કે તે સમયે તો પ્લેન પણ નહોતાં. રામાયણમાં વિમાનમાં બેસીને રામ, લક્ષ્મણ ઊડ્યા હતા. ભારતીય માયથોલોજીમાં વિમાનમાં એકાદ બે માણસો બેસીને ઊડતા હોય તેવી કલ્પનાઓ કરવામાં આવી છે. સાયન્ટિફિક નવલકથાઓમાં ઊડતી કારની કલ્પનાઓ થઈ છે તેના પરથી અનેક અંગ્રેજી ફિલ્મો પણ બની છે. 

બેક ટુ ફ્યુચર, સ્ટારવોર્સ, બ્લેડ રનર સિવાય બીજી અનેક ફિલ્મો તો ખરી જ પણ ફિફ્થ એલિમેન્ટ ફિલ્મમાં ૨૨૬૩ની સાલના ન્યુયોર્ક શહેરમાં ઊડતી કારો જ વાહનવ્યવહારનું સાધન દર્શાવવામાં આવી હતી. તેમાં ટેક્સી ડ્રાઈવરની વાત પણ આવે છે. ટૂંકમાં આખીય કલ્પના આજકાલ ટ્રાફિક જામમાંથી રસ્તા શોધવાની થઈ રહી છે. જર્મનીના બ્રસેલમાં ડ્રોન જેવા મલ્ટીકોપ્ટર ટેક્નોલોજીત્તમારા પ્રવાસને ઊડતો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગોળ રિંગ જેવા આકાર પર અનેક નાના પંખાઓ અને વચમાં નાનકડી કોકપીટ જેમાં એક કે બે વ્યક્તિ બેસી શકે. આ મલ્ટીકોપ્ટર સીધું જ ઉડાણ ભરી શકે, ડ્રોનની જેમ અને સીધું જ ઊતરી શકે. આવાં ડ્રોન જેવા કોપ્ટર બનાવવાના પ્રયત્નો દુનિયામાં અનેક દેશમાં થઈ રહ્યા છે. તેના પર એકાદ માણસ ઊભો રહીને પણ ઊડી શકે કે પછી નાનકડી બેઠક પર એક માણસ હેલ્મેટ પહેરીને ખુલ્લા આકાશમાં ઊડવાનો આનંદ લઈ રહ્યો હોય.

ઊડવાની કલ્પના અને ઈચ્છા કાળા માથાના માનવીની અનેક વરસોથી રહી છે. એટલે જ વિમાનોની શોધ થઈ. પેરા ગ્લાઈડિંગ અને પેરાશૂટ જમ્પિંગ વગેરે અનેક પ્રયત્નો માણસ કરી જ રહ્યો છે. તે છતાં હજી ઊડતી કાર બનાવવાની કલ્પના હજી સાકાર થતાં શી ખબર કેટલો સમય લાગશે? દર બે વરસે સમાચાર આવે છે કે આવતાં વરસે ઊડતી કારનું સપનું સાકાર થશે. એવું થતું નથી એના અનેક કારણો વૈજ્ઞાનિકોને લાગે છે. એક તો હજી એવી ટેકનોલોજી શોધી નથી શકાઈ કે જેમાં કાર હોય ત્યાંથી જ ઊડે અને સીધી જ ઊતરે. વળી અકસ્માત થાય જો હવામાં તો મોત નક્કી જ છે. તે છતાં ડ્રોનના સ્વરૂપને મોટું અને વસ્તુની ડિલિવરી સાથે માણસની પણ ડિલિવરી કરી શકે તેવી ડિઝાઈન બનાવવામાં ટેકનિશિયનો વ્યસ્ત છે. એવામાં પહેલું મલ્ટીકોપ્ટર ૩૦ માર્ચના જર્મનમાં ઊડવા માટે સર્ટિફાઈડ થયું છે. વોલોકોપ્ટર વીસી ૨૦૦ પહેલીવાર માણસ સાથે ઊડવાના સફળ પરીક્ષણમાં પાસ થયું છે. આ સાથે શક્યતા દેખાઈ રહી છે કે ખાનગી ટેક્સી સર્વિસની જેમ આવી મલ્ટીકોપ્ટરની ટેક્સી સર્વિસની કલ્પના સાચી પડે તો નવાઈ નહીં. 

વોલોકોપ્ટર ખૂબ સરળતાથી ઊડી શકે છે. વળી ત હેલિકોપ્ટરની સરખામણીએ ઈલેકટ્રીકથી ચાલતું હોવાથી કોમ્પલિકેટડ નથી. સૌથી સારી બાબત તો એ કે તેમાંથી કોઈ અવાજ પણ નથી આવતો. એટલે ધ્વનિ પ્રદુષણ થવાની શક્યતા પણ નથી. ઈલેક્ટ્રિકથી ચાલતું હોવાને કારણે હવાનું પ્રદૂષણ પણ નથી થતું. 

વીસી ૨૦૦ નવ બેટરી વડે,૧૮ પંખાઓ વડે ચાલે છે. તેની ઈંડા જેવી દેખાતી કેબિનમાં બે વ્યક્તિઓ બેસી શકે છે. વળી ઊડતી વખતે ૬૨ મેગાહોર્સપાવર સુધી પહોંચી શકે છે. તેમાં નેવિગેશન સિસ્ટમ પણ છે. ફક્ત ટચ સ્ક્રિનથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનો રસ્તો જીપીએસ નેવિગેશન સિસ્ટમથી નક્કી કરી શકાય છે. આ વીસી ૨૦૦ કોઈપણ વ્યક્તિ થોડી જ મિનિટમાં ચલાવતાં શીખી જઈ શકે છે એટલે જ તે સહજતાથી ભવિષ્યમાં લોકપ્રિય થઈ શકે છે. આ મલ્ટીકોપ્ટરની સરળ ટેકનોલોજી તેને વાસ્તવિક રીતે ઉપયોગી બનાવી શકે છે. તેને બનાવનાર એલેકઝાન્ડર ઝોસેલ કહે છે કે, તેની સ્પીડ હાલમાં તો ૧૫ માઈલ પ્રતિ કલાકની છે પણ અમે તેને ૬૦ માઈલ પ્રતિ કલાક સુધી લઈ જવાના પ્રયત્નો ચાલુ છે. તે એનર્જી એફિસિએન્ટ હોવાની સાથે ઓટો પાઈલોટ ક્ધટ્રોલને કારણે સરળતાથી હવામાં તરી શકે છે અને ઊતરાણ કરી શકે છે. 

૪૫૦ કિલો વજનનું આ મલ્ટીકોપ્ટર ૫૦ કિલોવોટ્સ બેટરી પર ચાલે છે.

હાલમાં તો આ મલ્ટીકોપ્ટર જર્મનીમાં જ સર્ટિફાઈડ થયું છે. તે કેટલું પ્રેક્ટિકલ બની રહે છે તે તો ભવિષ્ય જ કહેશે, પરંતુ સ્લોવેકિયન કંપની એરોમોબાઈલ નામે એક કારનું મોડેલ લોન્ચ કર્યું છે જે રોડ પર ટ્રાફિકમાં તો ચાલી જ શકે છે પણ તેના કોમ્પેક્ટ વિંગ આંતરરાષ્ટ્રિય હવાઈમથકો પર ઊડાણ ભરી શકે છે . કંપની આ ઊડતી કાર ૨૦૧૭ સુધીમાં લોન્ચ કરવા ધારે છે. તેની કિંમત હેલિકોપ્ટર કરતાં ઓછી અને લકઝરી કાર કરતાં થોડીક વધુ હોવાનું કહેવાય છે. જો કે ઊડતી કાર હવે લોન્ચ થશે એવી ખબરો તો છેક ૧૯૪૦ની સાલથી છપાઈ રહી છે. ૧૯૪૦ની સાલમાં હેન્રી ફોર્ડે કહ્યું હતું કે ‘માનો કે ન માનો પણ ઊડતી કાર આવશે જ એવું હું છાતી ઠોકીને કહી શકું છું.’ 

સાયન્સ ફિકશન લખનારા કે ફિલ્મ બનાવનારા ભલે ઊડતી કાર વિશે ભવિષ્ય ભાખે પણ આંતરરાષ્ટ્રિય સંસ્થા એક્સપરિમેન્ટલ એરક્રાફ્ટ એસોસિએશને એક સેમિનારમાં ઊડતી કાર વિશે ચર્ચા કરી હતી ત્યારે સ્પષ્ટપણે બધાને લાગ્યું કે ઊડતી કાર વાસ્તવમાં વ્યવહારુ નથી. કારણ કે હવામાં જો ટ્રાફિક વધ્યો તો તેને ક્ધટ્રોલ કરવો અઘરો છે. બીજું કે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરનારા જો ઊડતી કારમાં અકસ્માત કરે તો ખાનાખરાબી વધવાની શક્યતા છે. હવાનું અને અવાજનું પ્રદુષણની સમસ્યા તો ખરીજ. હાલમાં આપણે ગ્લોબલ વોર્મિગની સમસ્યાને ઉકેલી નથી શકતા ત્યારે હવામાં જે કાર્બન ફુટિંગની સમસ્યા વધે તેનું શું કરવાનું ? આવા અનેક પડકારો ઊડતી કારના ઈનોવેશન બાદ આવશે એવી શક્યતાઓ નકારી ન શકાય. એટલે જો કોઈ ઊડતી કાર બનાવે તો પણ તેને ચલાવવાનું લાયસન્સ આપવામાં આવે તેવી શક્યતાઓ ઉપરોક્ત જણાવેલ કારણો જોતાં નહીંવત છે. વળી ફિલ્મોમાં દર્શાવાતી કાલ્પનિક ઊડતી કારોને વાસ્તવિકતામાં લાવવી એટલી સહેલી નથી. 

ટ્રાફિકમાં ફસાયા બાદ જો ઊડતી કારની કલ્પના આવે તો સાથે એરટ્રાફિકની પણ કલ્પના કરી લેવા જેવી છે, ચોક્કસ જ ઊડતી કારની કલ્પના ગાયબ થઈ જશે.


You Might Also Like

0 comments